World Cup 2019: ટીમના પસંદગીકારો પોતે કેટલી મૅચ રમ્યા છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, ન્યૂ દિલ્હી

સોમવારે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ.

જ્યાં ગલી-ગલીમાં ક્રિકેટ રમાય છે એ ભારત દેશમાં બૅટ અને બૉલથી રમાતી આ રમત એટલી લોકપ્રિય છે કે મૅચ ચાલતી હોય ત્યારે સ્ટેડિયમ કે ટીવી સાથે ચોંટીને મૅચ જોતી દરેક વ્યક્તિ પોતાની ઍક્સ્પર્ટ કૉમેન્ટ આપતી હોય છે.

એ સ્થિતિમાં ત્રીજી વખત ભારતને વિશ્વ વિજેતા બનવા માટે સાત સમંદર પાર મોકલી રહેલી પસંદગી સમિતિની જવાબદારી કેટલી વધારે હોય તે સમજી શકાય તેવી બાબત છે. આ ટીમ પોતાની પરીક્ષામાં પાસ થઈ કે નહીં?

તમે આ વાંચ્યું કે નહીં?

ટીમની પસંદગીની જવાબદારી બીસીસીઆઈની પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવાની કરતા હતા એમએસકે પ્રસાદ.

પ્રસાદ સિવાય સમિતિમાં દેવાંગ ગાંધી, શરણદીપ સિંહ, જતિન પરાંજપે અને ગગન ખોડા પણ હતા.

રસપ્રદ વાત એ છે કે, દુનિયાની સૌથી મહત્ત્વની ટુર્નામેન્ટ ગણાતા વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી રહેલા આ પાંચેય લોકોને વન-ડે ઇન્ટરનેશનલમાં બહુ અનુભવ નથી.

એમએસકે પ્રસાદ ઍન્ડ કંપનીનો વન-ડેનો અનુભવ જોવામાં આવે તો પાંચેય કુલ 31 વન-ડે મૅચ રમ્યા છે. તેમાંથી કોઈને વર્લ્ડ કપમાં રમવાની તક મળી નથી.

તો એક નજર પસંદગી સમિતિના એ પંચ પર જેણે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે.

એમએસકે પ્રસાદ-મુખ્ય પસંદગીકાર

43 વર્ષના મન્નવા શ્રીકાંત પ્રસાદનો જન્મ આંધ્ર પ્રદેશના ગુંતુરમાં થયો હતો. વિકેટકીપર અને બૅટ્સમૅન રહી ચૂકેલા પ્રસાદે આંધ્ર પ્રદેશ તરફથી ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં છ સદી કરી છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમનું પ્રદર્શન જોરદાર નહોતું.

એમએસકે પ્રસાદને કુલ છ ટેસ્ટ અને 17 વન-ડે મૅચનો અનુભવ છે, તેમણે વન-ડે મૅચમાં 14.55ની સામાન્ય સરેરાશથી 131 રન કર્યા અને તેમનો સર્વોચ્ચ સ્કોર 63 રન હતો. વિકેટ પાછળ તેમણે 14 કૅચ કર્યા છે અને સાત વખત સ્ફૂર્તિથી બૅટ્સમૅનને સ્ટંપઆઉટ કર્યા છે.

પ્રસાદે 14મે, 1998ના રોજ મોહાલીમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની વન-ડે કૅરિયરની શરૂઆત કરી હતી.

આ મૅચમાં તેમને બૅટિંગની તક મળી નહોતી. આ મૅચમાં તેમણે ન કોઈ કૅચ પકડ્યો કે ન કોઈ સ્ટમ્પિંગ કર્યું હતું.

આ એક સંયોગ જ કહી શકાય કે પ્રસાદની છેલ્લી મૅચ પણ પહેલી મૅચની જેમ જ ફીકી રહી. દિલ્હીમાં 17 નવેમ્બર 1998ના રોજ તેઓ છેલ્લી વખત ભારતની વન-ડે ટીમમાં રમ્યા. આ મૅચમાં પણ તેમને બૅટિંગ કરવાની તક ન મળી, ના તો કોઈ કૅચ કે સ્ટમ્પિંગ તેમના ખાતામાં આવ્યાં.

દેવાંગ ગાંધી

47 વર્ષના દેવાંગ ગાંધીને 4 ટેસ્ટ અને ત્રણ વન-ડે મૅચનો અનુભવ છે.

દેવાંગને 17 નવેમ્બર 1999માં ટીમ ઇન્ડિયાની વન-ડે કૅપ મળી હતી. દિલ્હીના ફિરોજ શાહ કોટલા મેદાનમાં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ ઓપનિંગ બૅટ્સમૅન તરીકે ઊતરેલા દેવાંગ પોતાના દાવમાં 30થી વધુ રન કરી નહોતા શક્યા.

બંગાળ તરફથી રમનારા દેવાંગે ત્રણ વન-ડે મૅચમાં 16.33 રનની સામાન્ય સરેરાશ સાથે 49 રન કર્યા. તેમની વન-ડે કારકિર્દી અઢી મહિનાથી વધુ ચાલી નહીં અને 30 જાન્યુઆરી 2000ના રોજ તેઓ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં પોતાની છેલ્લી વન-ડે મૅચ રમ્યા.

શરણદીપ સિંહ

પંજાબના અમૃતસરમાં જન્મેલા શરણદીપ સિંહનો અનુભવ કંઈ ખાસ નથી. રાઇટ હૅન્ડ ઑફ બ્રેક બૉલર રહી ચૂકેલા શરણદીપ સિંહને કુલ 3 ટેસ્ટ અને 5 વન-ડે મૅચનો અનુભવ છે. શરણદીપે 5 વન-ડેમાં 15.66ની સરેરાશથી 47 રન કર્યા હતા.

31 જાન્યુઆરી 2002ના રોજ દિલ્હીમાં ઇંગ્લૅન્ડની વિરુદ્ધ પોતાની વન-ડે કૅરિયરની શરુઆત કરનાર શરણદીપ પોતાની કૅરિયર 18 એપ્રિલ 2003થી વધુ ખેંચી શક્યા નહીં. ઢાંકામાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ તેઓ છેલ્લી આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યા.

શરણદીપે ડૉમેસ્ટિક મૅચમાં પંજાબ, દિલ્હી અને હિમાચલ પ્રદેશનું પ્રિતિનિધિત્વ કર્યું છે.

જતિન પરાંજપે

મુંબઈના જતિન પરાંજપેની ફર્સ્ટક્લાસ મૅચમાં 46થી વધુની સરેરાશ રહી છે. પરંતુ તેઓ ભારત માટે માત્ર ચાર વન-ડે રમી શક્યા છે.

પરાંજપે 28 મે, 1998ના રોજ ગ્વાલિયરમાં કેન્યા વિરુદ્ધ પ્રથમ મૅચ રમ્યા હતા. પરંતુ ઈજાને કારણે તેઓ પોતાની કારકિર્દી લાંબી ખેંચી શક્યા નહીં. પરાંજપે પોતાની છેલ્લી મૅચ પાકિસ્તાન વિરુદ્ધ ટોરન્ટોમાં રમ્યા. જેમાં તેઓ માત્ર એક જ રન કરી શક્યા હતા.

ગગન ખોડા

રાઇટ હૅન્ડ બૅટ્સમૅન ગગન ખોડાએ ડૉમેસ્ટિક ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. 1991-92માં પોતાની પહેલી જ રણજી મૅચમાં ગગન સદી બનાવીને અખબારોમાં ચમક્યા હતા.

ફર્સ્ટ ક્લાસ મૅચોમાં 300નો સર્વોચ્ચ સ્કોર બનાવનાર ખોડાનું આંતરરાષ્ટ્રીય કૅરિયર બે વન-ડે મૅચથી આગળ વધી શક્યું નહીં. ખોડા પોતાની પ્રથમ મૅચ 14 મે, 1998ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ મોહાલીમાં રમ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો