શા માટે આ મહિલાઓ પોતાના ચહેરા ઢાંકીને ફોટોગ્રાફી કરાવી રહી છે?

''મહિલાઓ પર પોતાને સુંદર દેખાડવાનું દબાણ હોય છે અને આ દબાણને વશ થઈને સુંદરતા મેળવવા જતા તે ખુદનું વ્યક્તિત્વ જ ગુમાવી દે છે."

"પરિસ્થિતિ એવી બની જાય છે કે મહિલા ખુદથી પણ અજાણ બની જાય છે અને પોતાની ઓળખ ગુમાવી દે છે."

આ શબ્દો છે બાંગ્લાદેશનાં 29 વર્ષીય મહિલા ફોટોગ્રાફર હબીબા નવરોજના, જેઓ હાલ મહિલાઓ પર સુંદર દેખાવાના વધતા જતા ભાર પર ફોટોગ્રાફી કરી રહ્યાં છે.

હબીબા મહિલાઓની તસવીરો ખેંચે છે તેમાં વિવિધતા જોવા મળે છે પરંતુ આ તસવીરોમાં એક સામ્ય છે કે દરેક તસવીરમાં મહિલાઓના ચહેરાઓ ઢંકાયેલા હોય છે.

જે દર્શાવે છે કે બહારથી સુંદર દેખાવા માટે મહેનત કરતી મહિલાઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેઠી છે.

બીજાને ખુશ રાખવા માટે બાંગ્લાદેશની મહિલાઓએ કેટલી સમજૂતી કરવી પડે છે તેના તરફ હબીબા લોકોનું ધ્યાન ખેંચવા માગે છે.

બીબીસી બંગાળી સેવાને આપેલી મુલાકાતમાં હબીબાએ કહ્યું કે આવી ફોટોગ્રાફીનો વિચાર તેમને એક કડવા અનુભવ બાદ આવ્યો હતો.

તેઓ કહે છે, "જ્યારે હું ગ્ર‌ૅજ્યુએટ થઈ ત્યારે મને જાણ થઈ કે લોકો મારી પાસેથી ખૂબ અપેક્ષા રાખીને બેઠા છે."

"હવે મારે લગ્ન કરવાનાં હતાં, માતા બનવાનું હતું અને સાથે સાથે સારા વેતન સાથેની નોકરી પણ શોધવાની હતી."

"મારી સાથેની મોટા ભાગની છોકરીઓની સ્થિતિ મારા જેવી જ હતી."

"આ સ્થિતિમાં છોકરીઓ પોતાના માટે જે ઇચ્છે છે તેને ભૂલી જવા તેમને મજબૂર થવું પડે છે."

એક ફોટોગ્રાફર તરીકે પહેલા વર્ષે હબીબાએ અનુભવ કર્યો કે તેઓ ભલે ગમે તેટલી મહેનત કરે, તે પૂરતું નથી.

હબીબા કહે છે, "જો તમે મહિલા છો અને પોતાની જાતને સાબિત કરવા માગો છો તો તમારે પુરુષની સરખામણીએ બમણી મહેનત કરવી પડશે."

"મને લાગ્યું કે મનુષ્ય તરીકે પોતાની જાતથી હું દૂર જઈ રહી છું. જે બાદ મેં મારી જાતને ખુશ કરવાના પ્રયત્નો શરૂ કર્યા, એટલે કે મેં મારી જાત સાથે ઇમાનદારીથી વર્તવાનું શરૂ કર્યું."

ફોટોગ્રાફર તરીકે હબીબાએ આશરે છ વર્ષ પહેલાં એક સિરીઝ શરૂ કરી, જેનું નામ આપ્યું 'કન્સીલ્ડ'.

તેમનું કહેવું છે કે આવા કડવા અનુભવને દૂર કરવા અને લોકોની મહિલાઓ પ્રત્યેની આશાઓને નકારવા માટે તેમણે આ સિરીઝની શરૂઆત કરી હતી.

જ્યારે 2016માં હબીબાએ ઢાકામાં પોતાની તસવીરોનું પ્રદર્શન યોજ્યું તો અનેક લોકોનું આ બાબત પ્રત્યે ધ્યાન ખેંચાયું.

તેઓ કહે છે, "મહિલાઓ આ વાતને સમજી ગઈ કે હું શું કહેવા માગુ છું કેમ કે તેમને પોતાને પણ આવો અનુભવ થયો છે."

"જોકે, પુરુષોને સમજાવવા વધારે મહેનત કરવી પડી કારણ કે સ્વાભાવિકપણે પુરુષો સાથે આવી ઘટના બનતી નથી."

હબીબા કહે છે કે બાંગ્લાદેશમાં ખૂબ ઓછી મહિલા ફોટોગ્રાફરો છે એ પણ એક સમસ્યા છે પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

(હબીબા સાથે બીબીસી બંગાળીના શિયાદુલ ઇસ્લામે મુલાકાત કરી હતી)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો