ભારત વિ. ન્યૂ ઝિલૅન્ડ સિરીઝ : અંબાતિ રાયડુની બૉલિંગ ઉપર કેમ પ્રતિબંધ લાગ્યો?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતીય ક્રિકેટર અંબાતિ રાયડૂને શંકાસ્પદ બૉલિંગ એક્શનને લીધે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બૉલિંગ ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

રાયડુ ઉપર આ પ્રતિબંધ 12 જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વન ડે મેચમાં બોલિંગ કર્યા બાદ થયેલી ફરિયાદ પછી લગાવવામાં આવ્યો છે. એ મૅચમાં રાયડુએ બે ઓવરોની બૉલિંગ કરી હતી અને 13 રન આપ્યા હતા.

હકીકતમાં આ ફરિયાદ પછી અંબાતિ રાયડૂને 14 દિવસની અંદર ટેસ્ટમાં સામેલ થવાનું હતું, પરંતુ રાયડૂ એવું કરવામાં નિષ્ફળ રહ્યાં.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પોતાના નિવેદનમાં કહ્યું છે, "જ્યાં સુધી તેમનો ટેસ્ટ ના થઈ જાય ત્યાં સુધી એમની ઉપર પ્રતિબંધ લાગેલો રહેશે."

"તેમને ટેસ્ટમાં સામેલ થઈને એ બતાવવું પડશે કે તેઓ સાચી ઍક્શન સાથે બૉલિંગ કરે છે કે નહીં."

ઘરેલું ક્રિકેટમાં પ્રતિબંધ નથી

ભારતીય ટીમમાં રાયડુ મુખ્યત્વે બૅટ્સમૅન છે અને હાલમાં ન્યૂ ઝિલૅન્ડમાં પાંચ વન ડે મેચમાં રમી રહેલી ટીમનો ભાગ છે.

સોમવારે સિરીઝના ત્રીજા વન ડે મુકાબલામાં તેમણે 42 બૉલમાં અણનમ 40 રન ફટકાર્યા.

જો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે એ સ્પષ્ટ કર્યું છે કે રાયડુ બીસીસીઆઈની ઘરેલું ક્રિકેટ ટુર્નામેન્ટમાં બૉલિંગ કરી શકે છે.

રાયડુ અત્યાર સુધી ભારત તરફથી 50 વન ડે મૅચ રમી ચૂક્યા છે, જેમાં લગભગ 20 ઓવરોની બૉલિંગ કરી છે અને 50થી વધુની સરેરાશથી 1571 રન બનાવ્યા છે.

રાયડૂ રાઇટહૅન્ડ મિડલ-ઑર્ડર બૅટ્સમૅન છે, જ્યારે જમણા હાથથી જ તેઓ ઑફ બ્રૅક બૉલિંગ કરે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો