બિહાર : દુષ્કર્મનો વિરોધ કરતાં માતા-પુત્રીનું મુંડન કરી ગામમાં ફેરવી

    • લેેખક, નીરજ પ્રિયદર્શી
    • પદ, પટણાથી, બીબીસી ગુજરાતી માટે

બિહારની રાજધાની પટણાથી માત્ર 45 કિલોમિટર દૂર વૈશાલી જિલ્લામાં દુષ્કર્મના પ્રયાસનો વિરોધ કરવા બદલ માતા-પુત્રીનું મુંડન કરાવીને ગામમાં ફેરવવાની ઘટના નોંધાઈ છે.

મળતી માહિતી પ્રમાણે, ગામના માથાભારે શખ્સોએ બુધવારે માતા-પુત્રી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો બંનેએ પ્રતિકાર કર્યો હતો.

આથી તેમણે નાઈને બોલાવીને માતા-પુત્રીનું મુંડન કરાવી નાખ્યું હતું અને આ રીતે ખુલ્લા માથે તેમને આખા ગામમાં ફેરવ્યાં હતાં.

માતા-પુત્રીની ફરિયાદના આધારે પોલીસે ગ્રામ પંચાયતના બે વૉર્ડ પ્રતિનિધિ તથા સરપંચ સહિત સાતની સામે કેસ દાખલ કર્યો છે.

રાજ્યના મહિલા પંચે સમગ્ર ઘટનાક્રમની સ્વતઃ નોંધ લઈને તપાસ હાથ ધરી છે.

સરપંચ સહિત સાત આરોપી

ભગવાનપુર પોલીસ સ્ટેશનમાં 154/19 ક્રમાંકથી એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે.

આરોપીઓમાં સરપંચ મોહમ્મદ અંસારી, મોહમ્મદ ખુર્શીદ, મોહમ્મદ શકીલ, મોહમ્મદ ઇશ્તેખાર, મોહમ્મદ શમશૂલ હક, મોહમ્મદ કલીમ તથા નાઈ દશરથ ઠાકુર સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વૈશાલીના પોલીસ વડા માનવજીતસિંઘ ઢિલ્લોએ બીબીસીને જણાવ્યું, "પોલીસે પાંચ કલાકમાં શકીલ તથા નાઈકામ કરતા દશરથ ઠાકુરને ઝડપી લીધા છે."

"અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે એએસપીના નેતૃત્વમાં વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે ઠેર-ઠેર રેડ કરી રહી છે."

પોલીસને આશા છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવાશે.

ઢિલ્લોએ ઉમેર્યું હતું, "પીડિત માતા-પિતાના નિવેદન ક્રિમિનલ પ્રોસિજર કૉડની ધારા 164 હેઠળ મૅજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવશે અને તેમની સરકારી હૉસ્પિટલમાં તબીબી તપાસ હાથ ધરાશે."

મહિલા પંચ ઘટનાસ્થળે

બીજી બાજુ, સમગ્ર ઘટનાક્રમની સ્વતઃ નોંધ લઈને રાજ્યના મહિલા પાંચનાં અધ્યક્ષા દિલમણિ મિશ્રાના નેતૃત્વમાં એક ટીમે ભગવાનપુરની મુલાકાત લીધી હતી.

મિશ્રાએ બીબીસીને જણાવ્યું, "સમગ્ર ઘટના દુખદ છે. મેં પીડિતાઓની સાથે વાત કરી છે. અમારા પ્રયાસ છે રહેશે કે તેમને વહેલામાં વહેલી તકે ન્યાય મળે."

"પોલીસ અધિક્ષકે અમને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવશે."

મિશ્રાના કહેવા પ્રમાણે, આ કેસ કેન્દ્રીય મહિલા પંચ સમક્ષ મોકલવામાં આવશે.

ભગવાનપુરના પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય કુમારે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું:

"જે વિસ્તારમાં આ ઘટના ઘટી, ત્યાં મોટાભાગે મુસલમાનો રહે છે. એક નાઈને બાદ કરતા તમામ આરોપી મુસલમાન છે."

"આરોપીઓ મહિલાના પાડોશીઓ છે, બંને મહિલા તેમનાં ઘરોમાં એકલી રહે છે અને પરિવારના પુરુષો બહારગામ રહે છે."

વૈશાલીના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ રાજીવ રોશને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "આ એક જઘન્ય ગુનો છે અને જિલ્લાનું વહીવટીતંત્ર આ મામલે ગંભીર છે."

"માતા અને દીકરીના નિવેદનને આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને ટૂંક સમયમાં બધું બહાર આવી જશે."

"અમે તત્કાળ કાર્યવાહી કરીશું અને પીડિતાઓને ન્યાય અપાવવા માટે પ્રયાસ કરીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો