છકડો : સૌરાષ્ટ્રનું એ ત્રિચક્રી વાહન જેની હવે રસ્તો વાટ જોશે

ઇમેજ સ્રોત, Bipin Tankaria
- લેેખક, જયંતીલાલ ગોહેલ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કિશોર રાવળ નામના એક સાહિત્યિક જીવ અમેરિકા રહે અને 'કેસૂડાં' નામે ઈ-મૅગેઝિન ચલાવે. ગુજરાતી સાહિત્યની ગમતીલી કૃતિઓ મૅગેઝિનમાં મૂકે. વીકએન્ડમાં સાહિત્યરસિક વ્યક્તિ એનાં પાનાં ફેરવે.
બે દાયકા પહેલાં અમેરિકા, આફ્રિકામાં વસતા ગુજરાતીઓના ફોન પર ફોન આવ્યા કે વૉટ ઈઝ ધીસ છકડો...?
કિશોરભાઈ ભાવનગર આવ્યા ને મને મળ્યા. એમને પણ એ જ પ્રશ્ન હતો કે વૉટ ઈઝ ધીસ છકડો? મેં કહ્યું, ભલા માણહ! આજની તારીખે તો અમારો કાઠિયાવાડ છકડાનો દેશ છે. ભારતને સૌ ગામડાંનો દેશ કહે છે, પણ એ ગામડાંને એક સૂત્રે ગૂંથી લેનાર આ છકડો છે.
તમને નવાઈ લાગશે, ઘણાં ગામ એનાં નદી-નાળાં-તળાવ-પર્વત-ધાર-ઝાડવાં-જંગલો-દેવીદેવતાનાં મંદિરોથી ઓળખાતાં હોય છે, પણ આજની તારીખે એની ઓળખાણ છકડો છે. કોઈ ગામ એવું નહીં હોય, જેના પાદરમાં છકડો ના ઊભો હોય!
અમારા કાઠિયાવાડના કોઈ પણ શહેરના કોઈ પણ જકાતનાકે જાવ, તમને પાંચ-પંદર-પચ્ચીસ છકડાની લાઇન ખડી દેખાશે.... કિશોરભાઈએ જકાતનાકે જઈને એક શણગારેલા છકડાનો ફોટો પાડ્યો અને પોતાના મૅગેઝિનમાં મૂક્યો અને નીચે લખ્યું: ધીસ ઈઝ છકડો!

છકડાની એન્ટ્રી

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આ છકડો ઈ.સ. 1970માં અવતરે છે. રાજકોટ સ્થિત 'અતુલ ઑટો લિમિટેડ' એનું ઉત્પાદન કરે છે. તે પહેલાં મોટાં ગામોમાં ક્યારેક ફોર વ્હિલ વાહન દેખાતું. જોઈને છોકરાનું ટોળું પાછળપાછળ દોડતું.
કોઈ મોટર કે કોઈ ટ્રક-કેરિયર-ખટારાને જોઈને સૌને આશ્ચર્ય થતું. બાકી વાહનોમાં ખડખડ ખડખડ બળદગાડાં કે ટપટપ ટપટપ ઘોડા ક્યારેક દેખાતાં. સડકો હતી નહીં, નાનકડી પાતળી કેડીઓથી એક ગામ બીજા ગામ સાથે સંધાયેલું રહેતું. પણ છકડાના આગમન સાથે ચિત્ર પલટાયું.
છકડાની અલગ પ્રકારની ઘરઘરાટીએ ગામડાં જાગી ગયાં. માલસામાન વહન કરતાં ટ્રક અને મુસાફરોની આવન-જાવન કરતી બસ બહુ મોટી વાત હતી. અને એ અંતરિયાળ ગામડા સુધી પહોંચે કે નહીં એ પ્રશ્ન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે આ છકડો તો ગમે ત્યાં ઊડે અને ગમે ત્યાં પહોંચે. એમાં પાંચ ખાતરની થેલીઓ હોય કે દૂધના દસ કેન હોય, ઉપરથી આઠ-દસ માણસો કમાન પકડીને ઊભા હોય અને છકડો રમરમાટી કરતો દોડતો હોય.
જોતજોતામાં છકડો સૌરાષ્ટ્રનાં ગામેગામ પહોંચી ગયો. શહેરોમાં થ્રી વ્હિલર રિક્ષાઓ ફરતી પણ પેસેન્જરો માટે અને લાગતીય બિલાડી જેવી નાનકડી. જ્યારે છકડો થ્રી વ્હિલર પણ ઉઘાડો.
કોઈ જુવાનના ખભે ખેસ હોય તો ફરફરાટી કરતો ઊડતો હોય, તે છકડાનેય વધુ દોડવાનું મન થાય. મોઢું મોટું અને પૂંઠે નીચો એટલે ઊભો હોય તો ઝાડને છાંયે સિંહ બેઠો હોય એમ લાગે!


છકડો, શણગાર અને ફિલ્મો

ઇમેજ સ્રોત, Bipin Tankaria
આ છકડાએ ગામડાને શહેર સાથે જોડી દેવામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ગામડાની આર્થિક સ્થિતિને પલટાવી નાખનાર એક વાહન-વ્યવસ્થા છકડો છે. એવા છકડાને એનો માલિક સાજ સજાવે - શણગારો સજાવે એમાં શી નવાઈ!
ઘણા એવા છકડા હોય કે બેસવાનું મન થાય. માત્ર લગેજ-પરિવહન માટે જ નહીં, ગામડામાં તો વરઘોડો પણ છકડામાં નીકળે, ત્યારે કહેવાનું મન થાય કે હવે વરઘોડો નહીં પણ વરછકડો કહો.
કોઈ દેવી-દેવતાને પાલખીમાં બેસાડીને એક ગામથી બીજે ગામ લઈ જવાના હોય તો છકડાને શણગારો, શિખરબંધ મંદિર બનાવો અને દસ-પંદર ભક્તો ઝાંઝપખવાજ લઈને ઊપડો બીજે ગામ...
આવા છકડારાજાને ગુજરાતી ફિલ્મોમાં રુઆબભેર દેખાડ્યો છે. ગુજરાતી જ શા માટે, સંજય લીલા ભણશાલીએ તો 'રામલીલા' અને 'હમ દિલ દે ચૂકે સનમ' જેવાં સફળ પિક્ચરોમાં છકડાને સામેલ કર્યો છે.
હા, તમારે સૌરાષ્ટ્રની સંસ્કૃતિને દર્શાવવી હોય તો છકડાને તો પહેલો લાવવો પડશે. એટલે તો થોડાં વરસ પહેલાં અમેરિકામાં વસતાં ગુજરાતીઓએ ગુજરાત-દર્શનનો મેળાવડો કર્યો ત્યારે ત્યાંય પરિવહન માટે છકડો રાખેલો.
ભલે તમે ઘરથી નીકળો ત્યારે તમારી કરોડ રૂપિયાની ગાડીમાં આવો, પણ 'ગુજરાત મેળા'માં પ્રવેશો ત્યારે છકડામાં જ બેસવું પડે એમ નક્કી કરેલું. બોલો, છે ને છકડારાજાની બલિહારી!

હવે છકડાની ઘરઘરાટી બંધ

ઇમેજ સ્રોત, Bipin Tankaria
કેટલાંક વરસો પછી આ છકડો કાઠિયાવાડ છોડીને ગુજરાતના પ્રદેશોમાં પણ ઝબક્યો. ઉનાળામાં ઘાસચારા માટે માલઢોર લઈને ગુજરાતમાં જતાં રબારી-ભરવાડ સાથોસાથ છકડાનેય લઈ ગયા ને છકડો ગુજરાતના કોઈ અંતરિયાળ વિસ્તારમાં પણ દેખાવા માંડ્યો.
આપણે પશુ-પક્ષીને રાષ્ટ્રીય દરજ્જો આપીએ છીએ તેમ છકડો સૌરાષ્ટ્રનું રાષ્ટ્રીય વાહન બની ગયો!
સૌથી ટોચની વાત તો એ બની કે ભારતની આઝાદીને પચાસ કે સાઠ વરસ થયાં ત્યારે કોઈ ગુજરાતી છાપાએ ભારતની સિદ્ધિઓની સચિત્ર યાદી છાપેલી, જેમાં પોખરણના અણુપ્રયોગથી માંડીને સાઠેક સિદ્ધિઓ બતાવેલી, એમાં છકડાને પણ સ્થાન હતું.
આમ, પચાસ-પચાસ વરસો સુધી છકડાનું એકચક્રી રાજ રહ્યું છે. હવે આ છકડાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય એની 'અતુલ ઑટો'એ કર્યો છે. કેન્દ્ર સરકારના પર્યાવરણ અને માર્ગ-સલામતી વિભાગે કેટલાક નિયમનો લાધ્યા, જેમાં આ છકડો બંધબેસતો નથી.
એટલે પચાસ-પચાસ વરસ પછી છકડાની ઘરઘરાટી ધીમેધીમે સંભળાતી બંધ થશે એનો સૌરાષ્ટ્રની ભૂમિને આઘાત છે.

શું છકડો સાવ ભૂંસાઈ જશે?

ઇમેજ સ્રોત, Jayntilal Gohel
પણ રહો. છકડો સાવ ભૂંસાઈ જશે એવી દહેશત રાખવાની જરૂર નથી. છકડાના ઉત્પાદક જયંતીભાઈ ચંદ્રાએ એને વિશ્વ કક્ષાએ રમતો મેલ્યો, તેમ છકડાને શબ્દદેહ આપનાર જયંતીભાઈ ગોહેલે છકડાને વાર્તાસ્વરૂપે અમર કર્યો.
1999માં માય ડિયર જયુનો 'જીવ' વાર્તાસંગ્રહ પ્રગટ થયો, જેમાં 'છકડો' વાર્તાસ્વરૂપે પ્રગટ થયો.
બધાને ગિલાનો છકડો ગમતો હતો. પણ 2006થી 2016 સુધી ધોરણ-10ના ગુજરાતીમાં 'છકડો' રહ્યો અને એની પ્રસિદ્ધિમાં પૂનમની ભરતી આવી.
ગ્રામીણજનોને તો એનો પરિચય હતો જ, હવે અમદાવાદના અઢારમા માળે રહેતા કે સુરતના ચોવીસમા માળે રહેતા વિદ્યાર્થીનો છકડો પ્રિયપાત્ર બની રહ્યો. કારણ એ હતું કે એનો ચાલક ગિલો દરેક યુવાનનો પ્રતિનિધિ હતો.
દરેક યુવાનમાં સોળ-અઢાર વરસે કંઈક કરી નાખવાની ઇચ્છાશક્તિ જાગે છે, સ્વતંત્ર ઇચ્છાશક્તિ (ફ્રી વીલ) જાગે છે. એ તક ઝડપી લેનારને જીવનમાં નવો રાહ દેખાય છે. ગિલાને એવી ઇચ્છા જાગે છે ને છકડો લઈ આવે છે. એને પરંપરામાં રહેવું નથી, પરાક્રમી બનવું છે.
બીજી વાત, પોતાની મનીષાને સાકાર કરવા સખત અને સતત પુરુષાર્થ કરવા સજ્જ રહેવું છે. ગિલો એ કરી બતાવે છે. યજુર્વેદનું એક ચરણ છે કે स्व यतो धिया दिवम्। - પોતાના પ્રયત્નથી સ્વર્ગ રચો. ગિલો એમ કરી બતાવે છે. આ વાત વિદ્યાર્થીઓ અને વાલીઓનાં મનમાં વસી જાય તેવી છે.
ગિલો સખત અને સતત મહેનત કરે છે એ લેખકે એક વાક્યના પુનરાવર્તનોમાં દર્શાવ્યું છે. આ વાક્ય એવું તો લોકહૃદયે વસી ગયું છે કે લાખો વિદ્યાર્થીઓ બીજું બધું ભૂલી જાય છે, પણ છકડાનો રૂટ ભૂલી શકતા નથી.
તમે 'છકડો' બોલો ને સામેથી અવાજ આવે - 'જાંબાળા... ખોપાળા... તગડી... ને ભડી... ને ભાવનગર.' 'જાંબાળા...ખોપાળા...
ટૂંકમાં, માનવજાતમાં ઇચ્છાશક્તિ જાગતી રહેશે ત્યાં સુધી છકડાની ઘરઘરાટી બંધ નહીં થાય - જાંબાળા...ખોપાળા...
(ભાવનગરમાં રહેતા જયંતીલાલ ગોહેલ 'માય ડિયર જયુ' ગુજરાતના જાણીતા વાર્તાકાર અને વિવેચક છે.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












