નરેન્દ્ર મોદી ચૂંટણી લડે છે એ પૂર્વાંચલની 13 બેઠકો પર કોણ કેટલું મજબૂત?

રેલીમાં અખિલેશ યાદવ અને માયાવતીની તસવીરો

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, પ્રિયંકા દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા

17મી લોકસભાની 543 બેઠકોમાંથી 483 બેઠકો પર જનતાનો નિર્ણય હાલ ઈવીએમમાં સીલ થઈ ગયો છે.

ગત એક મહિનાથી ચાલી રહેલી ચૂંટણીનો અંતિમ તબક્કો 19 મેના રોજ છે.

જનતાનો અંતિમ નિર્ણય પોતાના પક્ષમાં મેળવવા માટે ભાજપની સાથે-સાથે કૉંગ્રેસ માટે પણ આઠ રાજ્યોની 59 લોકસભા બેઠકો પર યોજાનારી અંતિમ તબક્કાની ચૂંટણી મહત્ત્વની છે.

અંતિમ તબક્કાની ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા પૂર્વ ઉત્તર પ્રદેશની 13 લોકસભા બેઠકોની છે.

કારણ સ્પષ્ટ છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસી અને પ્રિયંકા ગાંધીને પૂર્વાંચલનાં કૉંગ્રેસ પ્રભારી બનાવવાં.

પૂર્વાંચલની આ 13 બેઠકો પર ભાજપની સાથે-સાથે કૉંગ્રેસની પ્રતિષ્ઠા પણ દાવ પર છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

પ્રતિષ્ઠાનો પ્રશ્ન

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

પ્રતિષ્ઠા માત્ર ભાજપ અને કૉંગ્રેસની જ દાવ પર નથી, પરંતુ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો સાથ પણ સવાલોના ઘેરામાં છે.

અહીં કેટલીક બેઠકો પર ત્રિકોણીય, તો કેટલીક બેઠકો પર બહુકોણીય મુકાબલો છે.

પૂર્વાંચલની મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, બાંસગાંવ, ઘોસી, સલેમપુર, બલિયા, ગાઝીપુર, ચંદૌલી, મિર્ઝાપુર અને રૉબર્ટ્સગંજ લોકસભા બેઠકોની સાથે-સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વર્તમાન બેઠક વારાણસીમાં પણ 19 મેના રોજ અંતિમ તબક્કામાં મતદાન થશે.

લાઇન
લાઇન

બેઠકોનું ગણિત

મતદાન

ઇમેજ સ્રોત, Getty Images

આ બેઠકો પર મહાગઠબંધન તરફથી સપાએ 8 અને બસપાએ 5 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.

બીજી તરફ ભાજપે 11 અને પૂર્વાંચલમાં તેમની સહયોગી પાર્ટી 'અપના દલ'એ બાકી બે બેઠક મિર્ઝાપુર અને રૉબર્ટ્સગંજમાં પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.

સાથે જ ત્યાં કૉંગ્રેસ સીધેસીધી 11 બેઠકો પર ચૂંટણીમેદાનમાં છે. આ તરફ કૉંગ્રેસને પોતાનું સમર્થન આપી ચૂકેલી જનઅધિકાર પાર્ટી એક સીટ (ચંદૌલી) પર લડી રહી છે.

પૂર્વાંચલની આ 13 બેઠકો પર ચૂંટણી લડી રહેલાં સૌથી મહત્ત્વપૂર્ણ નામોની યાદી વારાણસીથી બીજી વખત લોકસભા ચૂંટણી લડી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી શરૂ થાય છે.

સાથે જ કેન્દ્રીય મંત્રી મનોજ સિંહા, અફઝાલ અંસારી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર મહેન્દ્ર નાથ પાંડે, અનુપ્રિયા પટેલ, રમાપતિ રામ ત્રિપાઠી, લલિતેશ ત્રિપાઠી, રવિ કિશન, સંજય સિંહ ચૌહાણ, રતનજિત પ્રતાપ નારાયણ સિંહ (આરપીએન સિંહ) અને શિવ કન્યા કુશવાહા એ મહત્ત્વપૂર્ણ નામ છે જેમના પર પૂર્વાંચલમાં દરેકની નજર રહેશે.

મતદાન કરવા આવેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

અહીં એ યાદ રાખવું જરૂરી છે કે 2014ની લોકસભા ચૂંટણીમાં 13માંથી 12 બેઠકો પર ભાજપે જાતે જીત પ્રાપ્ત કરી હતી.

આ તરફ એક સીટ પર તેમની સહયોગી પાર્ટી 'અપના દલ' ચૂંટણી જીતી હતી.

એક તરફ જ્યાં પૂર્વાંચલમાં અંતિમ તબક્કાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યાં બીજી તરફ ઉમેદવારો મતદાતાઓને લલચાવવા માટે દિવસ-રાત એક કરીને પ્રચારના અંતિમ દિવસોમાં બળપ્રયોગ કરી રહ્યા છે.

પરંતુ સવાલ એ છે કે શું ભાજપ 2014ની જેમ આ વખતે પણ આ 13 બેઠકો પર સફળતા હાંસલ કરી શકશે?

આમ તો ઉત્તર પ્રદેશના પૂર્વ વિસ્તારમાં આવતો 24 જિલ્લામાં પથરાયેલો પૂર્વાંચલ વિસ્તાર દરેક મોટી ચૂંટણીમાં પોતાની ભૌગોલિક હદથી બહાર નીકળીને પરિણામ અને રાજકીય સમીકરણોને પ્રભાવિત કરે છે.

પરંતુ અહીં સવાલ એ પણ છે કે ભાજપને પડકાર આપી રહેલા મહાગઠબંધન અને કૉંગ્રેસના ઉમેદવાર આ અંતિમ તબક્કામાં પૂર્વાંચલની કેટલી બહુચર્ચિત બેઠકો પોતાના નામે કરી શકે છે.

લાઇન
લાઇન

પૂર્વાંચલનું મહત્ત્વ

પૂર્વાંચલનો નકશો
ઇમેજ કૅપ્શન, પૂર્વાંચલ

કાશીથી માંડીને મગહર સુધી, મોક્ષ અને નર્કના પૌરાણિક દ્વારો વચ્ચે વસેલા પૂર્વાંચલનું રાજકીય મહત્ત્વ એ વાતથી સ્પષ્ટ થાય છે કે 2014માં દેશની બધી લોકસભા બેઠકોને છોડીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી લડવા માટે પૂર્વાંચલના દિલ ગંગાકિનારે વસેલા પૌરાણિક શહેર વારાણસીને પસંદ કર્યું.

એટલું જ નહીં, 2017ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બહુમતીથી જીતીને રાજ્યમાં સરકાર બનાવનારા ભાજપે મુખ્ય મંત્રી તરીકે પૂર્વાંચલના કેન્દ્ર ગણાતા ગોરખપુરથી ચૂંટાયેલા યોગી આદિત્યનાથને પસંદ કર્યા.

કૉંગ્રેસે અંતે પ્રિયંકા ગાંધીને ઔપચારિક રૂપે આ ચૂંટણીમાં ઉતારવા માટે પૂર્વાંચલને જ પસંદ કર્યું.

પરંતુ સંત કબીરની અંતિમ આરમાગહ અને ગૌતમ બુદ્ધને પરિનિર્વાણ સુધી પહોંચાડનારા પૂર્વાંચલની ઐતિહાસિક ધરતી પર કોઈ પાર્ટી માટે ચૂંટણી જીતવી સહેલી રહી નથી.

લાઇન
લાઇન

ભાજપનો પ્રભાવ

ભાજપની રેલી

ઇમેજ સ્રોત, Getty Images

પૂર્વાંચલમાં ચાર દાયકાથી સક્રિય વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અમિતાભ ભટ્ટાચાર્ય કહે છે કે વર્ષ 2014ની સરખામણીએ આ વખતે મોદીલહેર કમજોર છે.

તેમણે કહ્યું, "વારાણસીને છોડીને સમગ્ર પૂર્વાંચલમાં ક્યાંય પણ મોદીજીની લહેર જેવો માહોલ નથી. એટલે એવું લાગતું નથી કે ભાજપને 2014 જેવાં પરિણામ મળશે."

"જ્યાં સુધી મહાગઠબંધનનો સવાલ છે, વારાણસીમાં તો તેમની કોઈ અસર જ નથી. પરંતુ વારાણસીની બહાર દરેક જગ્યાએ તેઓ ભાજપને ઠીક-ઠાક ટક્કર આપી રહ્યા છે."

મત આપવાના મામલે શહેરી અને ગ્રામીણ મતદાતાઓની અલગ પસંદ પર ભાર આપતા જાણકાર આ વખતે પૂર્વાંચલમાં 'અર્બન-રુરલ ડિવાઇડ ફૅક્ટર' ભારે પડવાનો દાવો પણ કરી રહ્યા છે.

વરિષ્ઠ સ્થાનિક પત્રકાર ઉત્પલ પાઠક ઉમેરે છે, "પૂર્વાંચલના શહેરી મતદાતાઓ પર આજે પણ ભાજપનો પ્રભાવ વધારે છે, પરંતુ જેમ-જેમ તમે ગ્રામીણ ક્ષેત્રમાં આગળ વધો, તેમ મતદાતાઓનું વલણ મહાગઠબંધનના ઉમેદવારો તરફ ઢળવા લાગ્યું છે. આમ પણ અંતિમ તબક્કામાં થનારા મતદાન પર છેલ્લા તબક્કાના માહોલની ભારે અસર પડે છે. છેલ્લા દિવસ સુધી મતદાતાનું મન બદલાય છે. માટે નિશ્ચિતરૂપે માત્ર એટલું કહી શકાય છે કે બનારસ છોડીને પૂર્વાંચલની દરેક બેઠક પર ખરાખરીનો મુકાબલો છે."

વિકાસની સાથે-સાથે ઍન્ટી ઇન્કમ્બન્સીને પણ એક મજબૂત ફૅક્ટર ગણાવતા અમિતાભ કહે છે, "પૂર્વાંચલ પહેલાંથી જ ગરીબ અને પછાત વિસ્તાર રહ્યો છે. અહીં ક્યારેય જનતાની આશાઓ જ પૂર્ણ થઈ નથી તો ઉમેદવારો વિશે શું કહેવું?"

"જો ગત ચૂંટણી સાથે સરખામણી કરવામાં આવે તો ભાજપના પક્ષે થતા મતદાનની ટકાવારીમાં ઘટાડો થશે. આ ખામી પરિણામો પર કેટલી અસર કરશે એ તો 23 મેના રોજ સ્પષ્ટ થઈ જશે."

line

પ્રિયંકા ગાંધીની અસર

પ્રિયંકા ગાંધી

પૂર્વાંચલનાં પરિણામો પર પ્રિયંકા ગાંધીના પડતા પ્રભાવ વિશે વાત કરતા ઉત્પલ જણાવે છે, "જુઓ, પ્રિયંકાએ સ્પષ્ટપણે ઘણી વખત કહ્યું છે કે 2019થી વધારે તેમને વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીની ચિંતા છે. પ્રિયંકાના પૂર્વાંચલના કાર્યભારથી અહીં કૉંગ્રેસમાં કેટલી મજબૂતી આવી છે તે તો ભવિષ્યના ગર્ભમાં છે, પરંતુ તેમનાં આવવાથી અહીં કૉંગ્રેસ ફરી ચર્ચામાં આવી છે."

"અંતિમ તબક્કાની વાત કરવામાં આવે તો આ વખતે કુશીનગર અને મિર્ઝાપુરની બેઠકો પર કૉંગ્રેસ મજબૂત જણાઈ રહી છે. ગત વખત કરતાં તો તેમનો વોટશૅર વધશે, કેમ કે 2014ની સરખામણીએ આ વખતે કૉંગ્રેસ પાસે પૂર્વાંચલમાં ગુમાવવા માટે કંઈ નથી."

line

નાની પરંતુ મહત્ત્વપૂર્ણ પાર્ટીઓની અસર

મતદાન દરમિયાનની તસવીર

ઇમેજ સ્રોત, AFP

યોગી આદિત્યનાથની સરકારમાં કૅબિનેટ મંત્રી અને 'સુલેહદેવ ભારતીય સમાજ પાર્ટી'ના પ્રભારી ઓમ પ્રકાશ રાજભરે પોતાના જૂના સહયોગી ભાજપ વિરુદ્ધ જઈને મિર્ઝાપુર બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર લલિતેશ ત્રિપાઠીને પોતાનું સમર્થન આપ્યું છે.

સાથે જ ઉત્તર પ્રદેશની 40 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઊભા કરનારી આ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભર સ્થાનિક રાજભર જ્ઞાતિના લોકો પર સારો પ્રભાવ ધરાવે છે.

બસપાથી અલગ થઈને પોતાની નવી 'જનઅધિકાર પાર્ટી' બનાવનારા બાબુ સિંહ કુશવાહાએ આ તબક્કામાં બસ્તી અને ચંદૌલીથી પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.

કુશવાહા જ્ઞાતિના મત પર અસર કરતી આ પાર્ટીએ ચંદૌલી બેઠક પર કૉંગ્રેસના સમર્થનથી બાબુ સિંહ કુશવાહાનાં પત્ની શિવ કન્યા કુશવાહાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો