મોદી સામે મમતા : 'અમે અહીં ટોપી-દાઢી સાથે છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઝુબૈર અહેમદ
- પદ, બીબીસી સંવાદદાતા, ડમ ડમ, પશ્ચિમ બંગાળ
મમતા બેનરજી : 'ચોકીદાર?'
ભીડ : 'ચોર હૈ.'
જનતા તરફથી સારો પ્રતિસાદ મળતા મમતા સ્ટેજના એક છેડાથી બીજા છેડા સુધી હાથમાં માઇક પકડીને ચાલે છે અને કહે છે, "હું બે મિનિટ મૌન રહું છું. તમે જોરથી બોલો, ચોકીદાર..."
પછી ભીડમાં 'ચોર હૈ'નો અવાજ બે મિનિટ સુધી ગૂંજતો રહ્યો.
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે માહોલ ભારે ગરમ રહ્યો. અહીં તૃણમૂલ કૉંગ્રેસ અને બીજી પાર્ટીઓની રેલીઓ દરેક જગ્યાએ થઈ.
પરંતુ સૌથી વધારે રેલીઓ અને રોડ શો તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને મુખ્ય મંત્રી મમતા બેનરજી કર્યાં.
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર તેઓ જે પ્રમાણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કરી રહ્યાં છે, તેનાથી સ્પષ્ટ છે કે તેઓ ભાજપથી પરેશાન છે.
દરેક રેલીમાં મમતા બેનરજી ચોકીદાર વાળું સૂત્ર બોલતાં રહ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપ્રચાર દરમિયાન જોવા મળ્યું કે તેમણે સરેરાશ એક સભામાં એક કલાક કરતાં લાંબુ ભાષણ આપ્યું, જેમાં અડધા કરતાં વધારે સમય તેમણે નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો.
અંતિમ તબક્કામાં પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટે મમતા બેનરજી પોતાનું તમામ જોર લગાવ્યું.
તેમણે દરરોજ ત્રણથી ચાર ચૂંટણી સભા અને રોડ શો કર્યાં. મુખ્ય મંત્રી પોતાનાં દરેક ભાષણમાં રફાલ, નોટબંધી, બેરોજગારી અને જીએસટી જેવા મુદ્દા ઉઠાવ્યા.
તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપ પર સમાજને વિભાજિત કરવાનો આરોપ પણ લગાવે છે. તેમનાં સમર્થકોમાં ઉત્સાહ છે.
રેલીઓમાં આવેલા લોકો તેમની દરેક વાતથી સહમત જણાયા અને પોતાનાં નેતાના અવાજ સાથે અવાજ મિલાવતા જોવા મળ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
કોલકાતાથી 100 કિલોમિટર દૂર આદમપુર ગામની વસતિ 200 જેટલી છે. આ બસિરહાટ મતવિસ્તારનું એક ગામ છે જ્યાં ટીએમસીનાં ઉમેદવાર ફિલ્મ સ્ટાર નુસરત જહાં ચૂંટણી મેદાને છે.
મેં ગ્રામજનોને પૂછ્યું અહીં મત માગવા કોઈ ઉમેદવાર આવ્યા? તો જવાબ આવ્યો, નહીં. તે છતાં તેમનાં પ્રમાણે લોકોએ ટીએમસીના પક્ષમાં મત આપવાનું મન બનાવી લીધું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

'અમે ટોપી પહેરીને ખુલ્લેઆમ ફરી શકીએ છીએ'

એક 27 વર્ષીય યુવાને કહ્યું, "મમતા દીદીએ સ્કૂલે જતી છોકરીઓને સાઇકલ આપી છે. અમને ચોખા મળે છે. અમારા ગામડા સુધી રસ્તો બનાવી આપ્યો છે. અમારું જીવન સુખી છે. સીપીએમના રાજમાં અમે ગરીબ અને દુઃખી હતા."
આદમપુર નજીક આવેલા વધુ એક નાના એવા ગામની બહાર મેઇન રોડ પર કેટલાક મુસ્લિમો વાતચીત કરી રહ્યા હતા. તેઓ એક અવાજે મમતાનાં પક્ષમાં બોલે છે.
મેં પૂછ્યું કે કેટલાંક લોકો કહે છે કે મમતા પશ્ચિમ બંગાળના 30% મુસ્લિમોને મતબૅન્ક તરીકે વાપરી રહ્યાં છે તો ત્યાં બેઠેલા મોહમ્મદ બશીર મુલ્લા, જેઓ એક જમાનામાં સીપીએમના સમર્થક હતા, તેઓ કહે છે કે દીદીએ તેમના સમુદાયને સુરક્ષા તેમજ સન્માન આપ્યાં છે.

મુલ્લા જણાવે છે, "અમે આ રાજ્યમાં ટોપી અને દાઢી રાખીને પોતાની ઓળખ સાથે ગમે ત્યાં છાતી પહોળી કરીને ચાલી શકીએ છીએ જે બીજા રાજ્યોના મુસ્લિમો મોદી રાજમાં કરી શકતા નથી."
પશ્ચિમ બંગાળના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરતાં જ ટીએમસીના ઝંડા અને મમતા બેનરજીના પોસ્ટર્સ સ્વાગત કરી રહેલા દેખાય છે.
ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સામાન્યપણે દરેક જગ્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સ્મિત ચહેરો પોસ્ટર અને બિલબોર્ડ પર જોવા મળ્યાછે.
જોકે, પશ્ચિમ બંગાળનાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મોદીનાં એવાં પોસ્ટર ઓછા જોવા મળે છે. અહીં તૃણમૂલના ઝંડા અને મમતા બેનરજીનાં પોસ્ટર તમારો પીછો છોડતા નથી.
અહીં નરેન્દ્ર મોદીનું નામ લેનારા લોકો ખૂબ ઓછા મળશે. આ રાજ્યમાં 'દીદી' નામે ઓળખ ધરાવતાં મમતા બેનરજી વધારે લોકપ્રિય છે.
ઉત્તર ભારતમાં નરેન્દ્ર મોદીની સ્વીકૃતિ છે પરંતુ પશ્ચિમ બંગાળમાં મમતાની સામે કોઈ નથી.
ગત સોમવારે ડાયમંડ હાર્બર મતદાનક્ષેત્રમાં તેમનાં ભાષણ માટે સેંકડો લોકો એકઠા થયા હતા. ભારે ગરમી અને રમજાન મહિનો હોવા છતાં લોકો પોતાનાં નેતાનાં જોવા પહોંચ્યા હતા.
ભીડમાં હાજર સમી મુલ્લાએ કહ્યું, "હું મારી અંતિમ ક્ષણ સુધી દીદીનો સાથ છોડીશ નહીં."
તેમની નજીક ઊભેલાં વહીદા ગર્વથી કહે છે, "અહીં માત્ર દીદીની લહેર છે."
અનિક બોસ નામના એક યુવાને કહ્યું, "દીદી બંગાળનાં વાઘણ છે."
આ ચૂંટણી ક્ષેત્રથી ટીએમસીના ઉમેદવાર અભિષેક બેનરજી મેદાને છે જે મમતા બેનરજીના ભત્રીજા છે અને લોકોનું માનવામાં આવે તો તેઓ તેમના વારસદાર પણ છે.
અભિષેક અહીંથી ગત ચૂંટણીમાં પણ જીત્યા હતા.
મમતા બેનરજીએ 2011ના વિધાનસભા ચૂંટણીમાં 34 વર્ષ સુધી રાજ કરી ચૂકેલા ડાબેરી મોરચાને ઉખેડી ફેંક્યો હતો.
સતત ચૂંટણી જીતવાના કારણે તેમની પાર્ટીનાં મૂળિયાં શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલાં છે અને મજબૂત છે.


ભાજપ પણ કમજોર નથી

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ ઘણા રાજકીય વિશ્લેષક કહે છે કે ભાજપે રાજ્યમાં પોતાની સ્થિતિ ખૂબ મજબૂત કરી છે.
અહીં નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહે ઘણી રેલીઓ કરી છે. ઝારખંડ નજીક આવેલા આદિવાસી વિસ્તારોમાં પણ પાર્ટીએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
ગત ચૂંટણીમાં ભાજપને 42માંથી માત્ર બે બેઠક મળી હતી. આ વખતે પાર્ટીને ઘણી બેઠક મળવાની આશા છે.
રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીના પ્રોફેસર સબ્યસાચી બાસુની ચૂંટણી પર નજર રહે છે.
તેમના જણાવ્યા પ્રમાણે ભાજપને આ વખતે 10 બેઠક મળી શકે છે.
તેઓ આગળ કહે છે, "આ ચૂંટણીમાં ભાજપ બીજી સૌથી મોટી પાર્ટી બની શકે છે અને તેનો વોટશૅર પણ વધી શકે છે."
તૃણમૂલ કૉંગ્રેસના નેતા એ વાતનો સ્વીકાર કરે છે કે કદાચ ભાજપને ગઈ વખત કરતાં થોડી વધારે બેઠક મળે.
મારી સમક્ષ પાર્ટીના બે મોટા નેતાઓએ સ્વીકાર કર્યો કે ભાજપની અસર રાજ્યમાં વધી રહી છે પરંતુ તેઓ એવો દાવો પણ કરે છે કે ભાજપના પક્ષમાં નેશનલ મીડિયાએ વધારે માહોલ ઊભો કર્યો છે.


ગ્રામીણ વિસ્તારોમાં TMCની દહેશત

ઇમેજ સ્રોત, Getty Images
મમતાના નજીકના એક નેતાએ કહ્યું, "ગ્રાઉન્ડ પર ભાજપના કાર્યકર્તા વધારે નથી. તેમની પાસે અમારી જેમ કાર્યકર્તાઓની સેના નથી. ગ્રામીણ વિસ્તારોમાં પાર્ટીની શાખાઓ નથી તો તેઓ જીતશે કેવી રીતે?"
મમતા બેનરજી વિરુદ્ધ ટીકા પણ વધી રહી છે. સીપીએમના ઘણા નેતાઓએ અમને જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં ટીએમસીનો ભય ફેલાયેલો છે. ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસીના રાજને ગુંડારાજ ગણાવ્યું છે.
આવી ફરિયાદો કેટલાક સામાન્ય લોકોએ પણ કરી. ઘણા લોકોએ કહ્યું કે ખાનગી દૃષ્ટિએ મમતા બેનરજી સારા છે પરંતુ તેમની પાર્ટીના લોકોને ઘમંડ આવી ગયો છે અને તેઓ નાની એવી વાત માટે હિંસા કરવા લાગે છે.
મેં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ટીએમસીના ઘણા કાર્યકર્તાઓ સામે જનતાની આ ફરિયાદ મૂકી. તેઓ આરોપ ફગાવતા કહે છે કે હિંસા ભાજપના કાર્યકર્તા કરે છે, તેઓ માત્ર જવાબી કાર્યવાહી કરે છે.
ટીએમસીના કાર્યકર્તાઓએ અમને જણાવ્યું કે તેઓ અત્યારથી 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરવા લાગ્યા છે.
તેમનો અનુમાન છે કે પશ્ચિમ બંગાળમાં સામાન્ય ચૂંટણીના પરિણામની અસર વિધાનસભા ચૂંટણી પર પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














