પશ્ચિમ બંગાળમાં એક દિવસ પહેલાં જ ચૂંટણીપ્રચાર બંધ, મમતા ગુસ્સે

ઇમેજ સ્રોત, Ani
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ચૂંટણીપંચે અમિત શાહના રોડમાં થયેલી હિંસાને જોતા ગુરુવારે રાત્રે દસ વાગ્યા બાદ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપ્રચાર અભિયાન પૂર્ણ કરી દેવાનો નિર્ણય કર્યો છે.
ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળના પ્રિન્સિપાલ સેક્રેટરી, એડિશનલ ડાયરેક્ટર જનરલ (સીઆઈડી), આરોગ્ય સચિવ, તથા ગૃહ સચિવને તત્કાળ અસરથી ચૂંટણી પ્રક્રિયામાંથી હટાવી દીધા છે.
રાજીવ કુમારને ચૂંટણીપંચે નવી દિલ્હીમાં ગૃહ મંત્રાયલમાં મોકલવાનો નિર્ણય કર્યો છે અને ગૃહ સચિવની જવાબદારી મુખ્ય સચિવને આપી દીધી છે.
19 મેના રોજ લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થવાનું છે અને સામાન્ય સ્થિતિમાં ચૂંટણીપ્રચાર 17 મેના સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થવાનો હતો. જોકે, ચૂંટણીપંચે તેના પહેલા જ પ્રચાર બંધ કરાવી દેવાનો નિર્ણય લીધો છે.
પશ્ચિમ બંગાળમાં જે બેઠકો પર ચૂંટણીપ્રચાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો તેમાં દમદમ, બરાસત, બસિરહટ, જયનગર, મથુરાપુર, જાદવપુર, ડાયમંડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાતા.
16 મેના રોજ મથુરાપુર અને દમદમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રેલીઓ છે. મોદીની બંને રેલીઓ પર ચૂંટણીપંચના નિર્ણયની કોઈ અસર થશે નહીં. કેમ કે 16 મેના 10 વાગ્યા બાદ પ્રચાર અભિયાન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મમતા બેનરજી ગુસ્સે

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચની જાહેરાત બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં ચૂંટણીપંચના નિર્ણયને અન્યાયી, અનૈતિક તથા રાજકીય રીતે પક્ષપાતપૂર્ણ ગણાવ્યો હતો.
બેનરજીએ આરોપ મૂક્યો હતો કે બહારથી આવેલા લોકોએ હિંસા ફેલાવી હતી, સાથે જ ટિપ્પણી કરી હતી કે 'મોદી તેમની પત્નીની કાળજી નથી લઈ શકતા, તે દેશને શું સંભાળશે?'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેનરજીએ કહ્યું હતું કે તેઓ ચૂંટણીપંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં નહીં પડકારે. સાથે જ આરોપ મૂક્યો હતો કે ચૂંટણીપંચ ભાજપના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે.
મમતાએ કહ્યું, "આ પક્ષપાતપૂર્ણ નિર્ણય છે. મોદી અને અમિત શાહે ચૂંટણીપંચ પાસે આ નિર્ણય કરાવ્યો છે. અમિત શાહે પશ્ચિમ બંગાળમાં અરાજકતા ફેલાવી છે."
મમતા બેનરજીએ કહ્યું હતું કે અમિત શાહની રેલીમાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે.
મમતાએ કહ્યું, "ચૂંટણીપંચને સમજવું જોઈએ કે લોકતંત્રમાં વિપક્ષ પણ હોય છે. તમે વિપક્ષની ઇજ્જત નહીં કરો તો તમારી કોણ કરશે? ચૂંટણીપંચના આ નિર્ણયથી બંગાળના લોકો ગુસ્સામાં છે."


કલમ 324 ચૂંટણીપંચને તે કેવા અધિકારો આપે છે?

ઇમેજ સ્રોત, Ani
ધારણના અનુચ્છેદ 324 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરતા કેન્દ્રીય ચૂંટણીપંચે આ નિર્ણય લીધો છે.
ચૂંટણીપંચે તેના નિવેદનમાં કહ્યું, "બંધારણના અનુચ્છેદ 324 હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરતા કદાચ પ્રથમ વખત આ રીતે ચૂંટણીપ્રચારનો સમય ઘટાડવામાં આવ્યો છે, પરંતુ કદાચ આ અંતિમ વખત નહીં હોય."
બંધારણના અનુચ્છેદ 324 મુજબ, ચૂંટણી આયોજિત કરવાની, તેનું નિર્દેશન કરવાની તથા તેનું નિયંત્રણ કરવાની સત્તા ચૂંટણીપંચને મળેલી છે.
લોકસભા ચૂંટણી, તમામ રાજ્યો (કે કેન્દ્ર શાસિત પ્રદેશોની) વિધાનસભા ચૂંટણી, વિધાન પરિષદ, રાષ્ટ્રપતિની ચૂંટણી તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદારયાદી તૈયાર કરવાની જવાબદારી ચૂંટણીપંચને સોંપવામાં આવી છે.
ચૂંટણી કમિશનરની સંખ્યા, તેમનો કાર્યકાળ, રિજનલ કમિશનરની નિમણૂક, તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા પણ 324માં જણાવવામાં આવી છે. જે મુજબ પ્રાદેશિક ઇલેકશન કમિશનરને ચૂંટણીપંચ સાથે પરામર્શ બાદ તથા જે પ્રક્રિયા દ્વારા સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય (રાજ્યસભામાં 50 તથા લોકસભામાં કમ કે કમ 100 સાંસદ દ્વારા મહાભિયોગ પ્રસ્તાવ) છે.
આ બંધારણીય જોગવાઈ મુજબ ચૂંટણીપંચ તથા રિજનલ કમિશનરની વિનંતીના આધારે રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ દ્વારા જરૂર મુજબ સ્ટાફ પૂરો પાડવામાં આવશે.

અમિત શાહના રોડ શોમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Ani
મંગળવારે ભાજપના પ્રમુખ અમિત શાહનો પશ્ચિમ બંગાળના પાટનગર કોલકત્તામાં રોડ શો હતો. આ રોડ શો દરમિયાન હિંસા થઈ હતી.
રોડ શો દરમિયાન 19મી સદીના સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી.
ભાજપ અને કૉંગ્રેસે એકબીજાને આ મૂર્તિ તોડવા માટે જવાબદાર ઠેરવ્યા છે.
ચૂંટણીપંચે પણ કોલકાતામાં થયેલી હિંસા અને વિદ્યાસાગરની મૂર્તિ તોડવાની ઘટનાને દુખદ ગણાવી હતી.
પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં સાતમા અને આખરી તબક્કાના મતદાન પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલા હંગામા અને તોડફોડ બાદ વિદ્યાસાગર રાતોરાત મોટો મુદ્દો બની ગયા છે.
તૃણમૂલનો આરોપ છે કે આ તોફાન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કથિત સમર્થકોએ કૉલેજ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી વિદ્યાસાગર કૉલેજમાં ઘૂસીને ન માત્ર તોડફોડ કરી, પરંતુ ત્યાં સ્થાપિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક મૂર્તિને પણ તોડી નાખી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















