રાહુલ ગાંધીએ ચૂંટણીપ્રચાર માટે સૌરાષ્ટ્રની પસંદગી કેમ કરી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગરના મહુવામાં જાહેરસભા સંબોધી રહ્યા છે.

રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં કહ્યું, "મોદીએ દરેક વ્યક્તિનાં ખાતાંમાં રૂ. 15 લાખ નાખવાની વાત કહી હતી. દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો વાયદો આપ્યો હતો, હવે એ સાંભળીને જનતાને હસવું આવે છે."

"અમે દેશના પાંચ કરોડ સૌથી વધુ ગરીબ પરિવારોની મહિલાને વાર્ષિક રૂ. 72 હજાર આપીશું, તેનાથી અર્થતંત્રને કોઈ નુકસાન નહીં થાય."

રાહુલ ગાંધીએ કહ્યું, "'ન્યાય' યોજનાને કારણે દેશની ખોરંભે પડેલી અર્થવ્યવસ્થા તરત જ પાટે ચડી જશે."

"પાંચ વર્ષ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબો અને ખેડૂતોને જે 'અન્યાય' કર્યો છે, તેના જવાબમાં અમે 'ન્યાય' યોજના લાવીશું."

"આ યોજનાના પૈસા લલિત મોદી, નીરવ મોદી, માલ્યા જેવા ચોરનાં ખાતાંમાંથી આવશે."

રાહુલે કહ્યું, "મોદીએ નોટબંધી અને ગબ્બરસિંહ ટૅક્સ (જીએસટી) જેવાં અર્થવ્યવસ્થાને ખોરવી નાખનારાં પગલાં લીધાં."

"આજે દેશમાં બેરોજગારી 45 વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે."

રાજકીય ગણતરીઓને ધ્યાને લઈને સંગઠન દ્વારા સૌરાષ્ટ્રમાં તેમની રેલીઓ યોજવામાં આવી છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનને આડે અઠવાડિયા જેટલો સમય રહ્યો છે.

23મી એપ્રિલે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર એક જ તબક્કામાં મતદાન યોજાશે.

સૌરાષ્ટ્ર જ કેમ?

રાહુલ ગાંધીએ ભાવનગર જિલ્લા હેઠળ આવતા મહુવા ખાતે જાહેરસભાને સંબોધીને અમરેલી, જૂનાગઢ અને ભાવનગર એમ ત્રણ બેઠકોના મતદાતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.

ગાંધી ચાલુ સપ્તાહ દરમિયાન વધુ કેટલીક રેલીઓ સંબોધશે.

અમરેલીની બેઠક ઉપરથી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવાર છે.

જૂનાગઢ વિસ્તારમાં ભાજપના મીડિયા પ્રભારી પંકજ કાનાબારના કહેવા પ્રમાણે :

"સોમવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહે કોડીનાર ખાતે જાહેરસભાને સંબોધી હતી, જ્યારે મંગળવારે સ્મૃતિ ઈરાની વેરાવળ ખાતે પ્રચાર કરશે."

તમે આ વાંચ્યું કે નહીં?

સૌરાષ્ટ્રમાં સંગ્રામ

વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "કૉંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શક્યતાઓ દેખાય છે એટલે રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે."

"આગામી સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ જાહેસભાઓ પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં થવાની છે."

મહેતા ઉમેરે છે, "આ પ્રકારની જાહેરસભાઓમાં આવતી ભીડ પાર્ટી માટે વોટમાં રૂપાંતરિત થાય તેવો જમાનો હવે નથી રહ્યો, પરંતુ તેના કારણે માહોલ ઊભો થાય છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ ખાતેથી કરી હતી, જ્યાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરના ઉમેદવાર હાજર રહ્યા હતા.

અમરેલી, ભાવનગર અને જૂનાગઢ

ગત વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 30 બેઠક મળી હતી.

જૂનાગઢ સંસદીય બેઠક હેઠળની ધારાસભાની તમામ સાત બેઠકો અને અમરેલીની સાતમાંથી પાંચ બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો હતો.

અમરેલીની બેઠક પર ધાનાણીની સામે ભાજપે નારણભાઈ કાછડિયાને ઉતાર્યા છે. બંને લેઉઆ પાટીદાર સમાજના છે. આ બેઠક ઉપર લગભગ 25 ટકા મત પાટીદાર સમાજના છે.

ભાવનગરની બેઠક પર ભાજપે કોળી સમાજનાં ડૉ. ભારતીબહેન શિયાળને ઉમેદવાર બનાવ્યાં છે, જ્યારે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે.

આ બેઠક પર પણ 5.25 લાખ એટલે કે કુલ મતદારોના 30 ટકા મતદારો કોળી છે, જ્યારે 12 ટકા સાથે પાટીદાર સમાજ બીજા ક્રમે છે.

જૂનાગઢમાં પણ 3.50 લાખ એટલે કે એ બેઠકના 19.55 ટકા મતદારો કોળી સમાજના અને 12 ટકા પાટીદાર સમાજના છે.

જૂનાગઢની બેઠક પર ભાજપે રાજેશ ચૂડાસમા અને કૉંગ્રેસે પૂંજાભાઈ વંશને ટિકિટ આપી છે. બંને કોળી સમાજના છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો