EVMમાં ચેડાં થતાં હોવાની વિપક્ષની ફરિયાદ, આજે સુપ્રીમમાં જશે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઈવીએમ મુદ્દે રાજકીય પક્ષો સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવશે અને માગ કરશે કે કમ સે કમ 50 ટકા મતને VVPATના પરિણામો સાથે સરખાવવામાં આવે.

રવિવારે યોજાયેલી 'લોકશાહી બચાવો' પત્રકાર પરિષદમાં કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ઈવીએમ ખરાબ થઈ જવાં તથા મશીન સાથે ચેડાં મુદ્દે અમે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરીશું.

આ પહેલાં શનિવારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ ચીફ ઇલેક્શન કમિશનર સુનિલ અરોડા સાથે મુલાકાત કરી હતી અને ઈવીએમમાં ખામી તથા ચૂંટણી સમયે ગેરવ્યવસ્થા અંગે રજૂઆત કરી હતી.

આ પહેલાં વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ત્યારે સર્વોચ્ચ અદાલતે દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી પાંચ પોલિંગ બૂથનાં ઈવીએમનાં પરિણામોને VVPATની સ્લીપ સાથે સરખાવવાનો આદેશ આપ્યો હતો.

'સુપ્રીમ કોર્ટમાં જઈશું'

કૉંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ નવી દિલ્હીની કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે 'સૅવ ડેમૉક્રસી' પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું, "પ્રથમ તબક્કાના મતદાન સંદર્ભે અમે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા."

"અમને લાગે છે કે અમારી ફરિયાદોને દૂર કરવા માટે રજૂઆત કરી હતી પરંતુ તેને દૂર કરવા માટે ચૂંટણીપંચ પૂરતું ધ્યાન આપી રહ્યું નથી."

"જો કોઈ મતદાર 'X પાર્ટી'ને મત આપે, તો પણ તે 'Y પાર્ટી'ને મત પડે છે."

"સાત સેન્કડ સુધી VVPAT (વોટર વૅરિફાયેબલ પેપર ઑડિટ ટ્રેલ) ઉપર ડિસ્પ્લે જોવા મળવું જોઈએ, પરંતુ તે ત્રણ સેન્કડ માટે જ જોવા મળે છે."

સિંઘવીએ ઉમેર્યું હતું કે ઈવીએમમાં ખામી મુદ્દે 'રાષ્ટ્રવ્યાપી અભિયાન' હાથ ધરવામાં આવશે.

પત્રકાર પરિષદમાં નાયડુએ કહ્યું કે આ મુદ્દો હવે 'લોકશાહી માટે અનિવાર્ય' બની ગયો છે.

આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું, "આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની હાર નિશ્ચિત છે એટલે તેઓ નિરાશ થઈને આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે."

આપને આ પણ વાચવું ગમશે

અગાઉ સુપ્રીમમાં શું થયું?

ગત સોમવારે (તા. 8મી એપ્રિલ)ના વિપક્ષના 21 પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

નાયડુની અધ્યક્ષમાં વિપક્ષે માગ કરી હતી કે લોકસભાની ચૂંટણી દરમિયાન કમ કે કમ પચાસ ટકા EVMનાં પરિણામોની સરખામણી VVPAT સ્લીપ સાથે કરવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ વિપક્ષ વતી હાજર રહેલા સિંઘવીને સોમવાર (તા. 15મી એપ્રિલ) સુધીમાં જવાબ આપવા કહ્યું હતું.

ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણી દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી એક પોલિંગ બૂથના ઈવીએમ પરિણામને VVPATની સ્લીપ સાથે સરખાવવામાં આવે છે.

સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે વિધાનસભા ક્ષેત્રદીઠ એકના બદલે પાંચ પોલિગ બૂથના ઈવીએમ તથા VVPAT પરિણામોને સરખાવવામાં આવે.

ચૂંટણી પંચે તેની ઍફિડેવિટમાં કહ્યું હતું કે વર્તમાન વ્યવસ્થામાં ખામી દર્શાવતો એકપણ 'નોંધપાત્ર કિસ્સો' વિપક્ષ રજૂ કરી શક્યો નથી.

જો 50 ટકા સ્લીપ અને EVM પરિણામોની સરખામણી કરવામાં આવે તો મતગણતરીની પ્રક્રિયા છ દિવસ સુધી લંબાઈ શકે છે.

કૉંગ્રેસ અને તેલુગુ દેશમ્ પાર્ટી ઉપરાંત આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, તૃણમુલ કૉંગ્રેસ, નૅશનલ કૉન્ફરન્સ અને જનતાદળ-સેક્યુલર સહિતના પક્ષો આ મામલે એક થયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો