મોદીની રોજગારી : પકોડાથીથી મકાઈના ભુટ્ટા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ગઢ ગુજરાતમાં ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢથી કરી. જોકે, મોદીના આટલા મહત્ત્વના પ્રચાર પર ત્રણ અન્ય મોટા સમાચારોનો ઓછાયો પડ્યો છે.
એક આશ્ચર્યજનક નિવેદનમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે.
સુપ્રીમ કોર્ટે રફાલ કેસમાં કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે, તો ઇલેક્શન કમિશને મોદીની બાયૉપિક પર ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.
જૂનાગઢની વિજય સંકલ્પ સભાના ભાષણમાં મોદીની વાતો બધી જૂની જૂની જ છે. મોદીએ કાઠિયાવાડી લહેકામાં 'કેમ છો બધા, જોરમાં?' એમ પૂછીને ભાષણની શરૂઆત કરી.
ગીર અને ગરવો ગિરનાર, કેસર કેરી અને કેસરી સિંહ તથા સોમનાથની પાવન ભૂમિની વાત પણ કરી.
જે બાદ આવતીકાલથી શરૂ થતાં પહેલા ચરણના મતદાનને ધ્યાનમાં રાખીને હિંદીમાં બોલવાનું શરૂ કર્યું. ગુજરાતમાં તો હજી ત્રીજા ચરણમાં 23મી એપ્રિલે મતદાન થવાનું છે.

મોદીએ ભાષણમાં પોતાની સરકારનાં પાંચ વર્ષનો હિસાબ આપવાની શરૂઆત કરી પણ કાયમની જેમ આ વખતે પણ ભાષણનો સૂર બદલાઈને કૉંગ્રેસ અને તેનાં 60 વર્ષોના શાસન પર જતો રહ્યો.
મોદી ભાષણમાં ઇનોવેટિવ વાતો કરવા માટે જાણીતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે પણ એમણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસીઓ પડેલા પર ઇન્કમટૅક્સ વિભાગના દરોડાને કટાક્ષમાં મધ્ય પ્રદેશને કૉંગ્રેસનું એટીએમ ગણાવ્યું હતું.
મોદી જૂનાગઢમાં હોય, નજીકમાં જ સોમનાથ મંદિર હોય ત્યારે સરદાર પટેલની અને કૉંગ્રેસે સરદારને કરેલા અન્યાયની વાત તો હોય જ.
એ જ ક્રમમાં મોરારજી દેસાઈ, એમને થયેલા અન્યાય અને પોતાને- એક ચાવાળાને કૉંગ્રેસ તરફથી સંભળાવાતી ગાળોની વાત આવી.
ભાજપના મૅનિફેસ્ટોમાં આ વખતે મુખ્ય મુદ્દો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા છે.
ગઈકાલે મહારાષ્ટ્રના લાતુર બાદ આજે ગુજરાતમાં પણ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અને ઍરસ્ટ્રાઇક ઉપરાંત અમદાવાદ બ્લાસ્ટ, અક્ષરધામ પરનો હુમલો અને મુંબઈ 26/11ને પણ યાદ કરી દેશની સુરક્ષાના નામે મત માગ્યા.



ઇમેજ સ્રોત, Getty Images
2014માં ભાજપ ગુજરાતની 26માંથી 26 બેઠકો લઈ ગયું હતું. આ વખતે મોદી અને ભાજપ માટે મોટામાં મોટો પડકાર આ 26 બેઠકો જાળવી રાખવાનો છે, જે અઘરું છે.
મોદી એમની કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગુજરાતમાં કરેલાં કામોની યાદ અપાવવાની સાથેસાથે ગુજરાતની આન, બાન, શાન અને ગૌરવના નામે મત આપવાની મતદારોને ઇમોશનલ અપીલ કરે છે.
ગુજરાતમાં પટેલો અને ઠાકોરસેનાનાં આંદોલન જેવા મુદ્દા પણ ચૂંટણી પર અસર કરી જતા હોય છે.
એટલે જ મોદી યુવા મતદારોને જાતિ-સંપ્રદાયને આધારે નહીં પણ દેશને સમર્પિત મત કરવાની અપીલ કરે છે.

ભલે બંને પાર્ટીઓ એમના ઉમેદવારો નક્કી કરતી વખતે જાતિ-સંપ્રદાયનું ખાસ ધ્યાન રાખતી હોય.
જોકે, યુવાઓ માટે સૌથી મોટો મુદ્દો તો રોજગારી જ છે, જે ભાજપના મૅનિફેસ્ટોમાં મુખ્ય મુદ્દો નથી.
આ મુદ્દે અગાઉ પણ પકોડા બનાવીને રોજગારી મેળવવાની વાત કહીને મોદી વિવાદમાં આવ્યા છે.
આજે ફરી મોદીએ ગુજરાતમાં સરદાર પટેલના સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે મકાઈના ભુટ્ટા વેચવા પણ રોજગારી જ છે એમ કહી ફરી એક વાર રોજગાર જેવા સળગતા મુદ્દે મોટો વિવાદ ઊભો કર્યો છે.
હા, એક નવો અને કામનો મુદ્દો વડા પ્રધાનના ભાષણમાં પહેલી વાર જાણવા મળ્યો.
મોદીના કહેવા મુજબ ગીર અભયારણ્યમાં સિંહ જોવા જતાં કે કચ્છના રણોત્સવમાં જતાં લોકો રૂમ કે ટૅન્ટના બુકિંગની ભલામણ માટે પીએમઓમાં ફોન કરે છે.
મોદીની આ વાત તો સાચી માનવી પડશે. 2014 પહેલાંની સરકારોમાં પીએમઓમાં આવાં કામ થતાં હોય એવું આપણે કદી સાંભળ્યું નથી.
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં. )


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












