મોદીની ચૂંટણી સભામાંથી મણિપુરના લોકો કેમ ઊઠીને જતા રહ્યા?- ફૅક્ટ ચેક

મણિપુરની રેલીમાં લોકો

ઇમેજ સ્રોત, SM Viral Post

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઇમ્ફાલ(મણિપુર)માં યોજાયેલી એક સભાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

આ વીડિયોમાં પોલીસ લોકોને એક દરવાજાથી બહાર જતાં રોકી રહી છે.

આ વીડિયોની નીચે અનેક લોકોએ એવી કૉમેન્ટ્સ કરી છે કે 2014માં મોદીની સભાઓમાં લોકો આવતા હતા જ્યારે 2019માં તેમને પોલીસ દ્વારા રોકવા પડે છે.

'મણિપુર ટૉક્સ' નામની એક સ્થાનિક વેબસાઇટે પણ આ વીડિયો શૅર કર્યો છે અને લખ્યું છે, "ભારે અફરાતફરી વચ્ચે લોકોને મોદીની રેલીમાં રોકી રાખવા માટે પોલીસે મહેનત કરવી પડી. પોલીસે બૅરિકેડ લગાવીને લોકોને મેદાનમાં રોક્યા. આ શરમની વાત છે."

ટ્વિટર પર આ વેબસાઇટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને આશરે 3 લાખ લોકો ચૂક્યા છે અને સેંકડો લોકો તેને રી-ટ્વીટ કરી ચૂક્યા છે.

line

ફૅક્ટ ચેક શા માટે?

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

ફેસબુક અને શૅરચેટ પર પણ આ વીડિયો ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે.

તેમાં કેટલાક યૂઝર્સે લખ્યું છે કે મોદીના ભાષણથી નિરાશ થઈને મણિપુરના લોકો સભા અડધી મૂકીને પરત ફરવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર એક બે વીડિયો એવા પણ છે કે જેમાં દેખાય છે કે પોલીસે મેદાનનો દરવાજો બંધ કરીને રાખ્યો છે અને મહિલાઓ લોખંડના દરવાજા પર ચઢીને મેદાનની બહાર જવાનો પ્રયાસ કરી રહી છે.

રવિવાર, 7 એપ્રિલ 2019ના રોજ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં શું થયું હતું અને મેદાનમાંથી નીકળી રહેલા લોકો ખરેખર મોદીના ભાષણથી નિરાશ થઈ ગયા હતા? તેની અમે તપાસ કરી.

line

રેલીનો સમય

વાઇરલ ઇમેજ

ઇમેજ સ્રોત, FB Search Result

મણિપુરના ઇમ્ફાલ ઈસ્ટ જિલ્લાના કંગલા પૅલેસથી માત્ર એક કિલોમિટરના અંતર પર સ્થિત હપ્તા કંગજેઈબુંગ મેદાનમાં નરેન્દ્ર મોદીની સભાનું આયોજન થયું હતું.

ભારતીય જનતા પક્ષે વડા પ્રધાન મોદીનો 6 એપ્રિલનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. તેના પ્રમાણે સાંજે 4.10 કલાકે મણિપુરની આ રેલીમાં તેમણે પહોંચવાનું હતું.

જોકે, મણિપુર ભાજપે આ સભાનું જે પોસ્ટર જાહેર કર્યું હતું તેમાં રેલીનો સમય 2.30 કલાકનો અપાયો હતો.

ભાજપનું નિમંત્રણ

ઇમેજ સ્રોત, Twitter/@BJP4Manipur

રવિવારના રોજ મોદીની આ રેલીને કવર કરવા પહોંચેલાં કેટલાંક સ્થાનિક સમાચારપત્રોના અહેવાલોના આધારે બીબીસીને જાણવા મળ્યું કે સવારે 10 વાગ્યાથી જ લોકો સભાના મેદાનમાં પહોંચવા લાગ્યા હતા.

વડા પ્રધાનના આગમનને જોતા રવિવારના રોજ મણિપુરમાં સક્રિય સ્થાનિક ઉગ્રવાદી સંગઠન કોરકોમે પણ વિસ્તારમાં બંધનું આહ્વાન કર્યું હતું.

ભારતના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિના આગમનના વિરોધમાં આ ઉગ્રવાદી સંગઠન પહેલાં પણ આ પ્રકારે બંધનું એલાન કરી ચૂક્યું છે.

line

ભાજપનો પડકાર

મણિપુરની રેલીમાં લોકો

ઇમેજ સ્રોત, Twitter/@meitram_sana

મણિપુરના ભાજપના પ્રવક્તા વિજય ચંદ્રે બીબીસીના સહયોગી પત્રકાર દિલીપકુમાર શર્માને જણાવ્યું કે વડા પ્રધાનની સભા અંગે તેમને ખૂબ ચિંતા હતી.

તેમણે કહ્યું, "સુરક્ષાની ચિંતા સિવાય અમને એ પણ ચિંતા હતી કે બંધના કારણે રેલીમાં ખૂબ ઓછા લોકો આવશે."

"અમે લોકોને બપોર બાદ અઢી વાગ્યે આવવાનો સમય આપ્યો હતો. ખૂબ દૂરથી સભામાં આવનારા લોકો સવારે 11 વાગ્યે જ અહીં પહોંચી ગયા હતા."

કેટલાક સ્થાનિક પત્રકારોએ જણાવ્યું કે રેલીમાં મંચ સંચાલક નિર્દેશ આપી રહ્યા હતા કે 'દેશના વડા પ્રધાન જલદી જ તમારી વચ્ચે આવશે. તેમના સ્વાગતમાં બધા ઊભા થજો અને તેમનું અભિનંદન કરજો.'

મણિપુર

ઇમેજ સ્રોત, Twitter/BJP

મણિપુરમાં સાંજે 5 વાગ્યાની આસપાસ દિવસ આથમે અને એ દિવસે લોકોને સાંજ પડી જવાની ચિંતા હતી.

ઑનલાઇન મીડિયામાં કેટલાક એવા રિપોર્ટ્સમાં નોંધ્યું છે કે કાર્યક્રમમાં જે મોડું થયું તેને લઈને લોકોમાં નારાજગી હતી.

આ જોઈને મણિપુર સરકારના મંત્રી થોંગમ વિશ્વજીતે સભાસ્થળે સંગીત વગાડવાની રજૂઆત કરી હતી.

યૂટ્યૂબ પર અપલોડ થયેલા એક વીડિયોમાં થોંગસ વિશ્વજીત કહે છે કે 'પીએમ મોદી પાસે મણિપુર અને પૂર્વોત્તર ભારત માટે શું સંદેશ છે, તેને સાંભળવા માટે થોડી રાહ જુઓ.'

જોકે, વડા પ્રધાન મોદી પોતાના નિયત સમયથી આશરે દોઢ કલાક મોડા રેલીના સ્થળે પહોંચ્યા હતા અને એ વચ્ચે ઘણા લોકોએ પોતાની બેઠક છોડીને મેદાનની બહાર જવાનું શરુ કરી દીધું હતું.

લાઇન
લાઇન

પોલીસની બળજબરી

મણિપુરની રેલીમાં લોકો

ઇમેજ સ્રોત, Twitter

રવિવારની સાંજે 4.37 કલાકે મણિપુરના મુખ્ય મંત્રી એન. બીરેને કેટલીક તસવીરો ટ્વીટ કરી હતી.

ભાજપના પ્રવક્તા બિજય ચંદ્રએ જણાવ્યું, "જે લોકો સવારથી રાહ જોઈ રહ્યા હતા, તેઓ થાકી ગયા હતા અને અંધારું થઈ જવાની ચિંતા હતી."

"તેમને લાગ્યું કે જ્યાં સુધી વડા પ્રધાનનું ભાષણ ચાલશે, ત્યાં સુધી તેઓ બહાર નીકળી શકશે નહીં. એ માટે 10-20 લોકોએ ગેટની બહાર જવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેમને સુરક્ષાના કારણોસર રોક્યા હતા."

સોશિયલ મીડિયા પર શૅર થઈ રહેલા કેટલાક વીડિયો જોઈને લાગે છે કે મેદાનની બહાર જવા માટે સંઘર્ષ કરતા લોકોની સંખ્યા અંદાજે રૂપે 100 કરતાં વધારે હશે.

પોલીસે પોતાની ઇચ્છાથી સભા છોડીને જઈ રહેલા લોકોને બળજબરીથી કેમ રોક્યા? તેના પર ઇમ્ફાલ ઈસ્ટના પોલીસ અધિક્ષક જોગેશ ચંદ્રા હાઉબિઝને કોઈ કૉમેન્ટ કરી નથી.

આ બધાની વચ્ચે સાંજે 5:23 વાગ્યે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હપ્તા કંગજેઈબુંગ મેદાનમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું અને તેઓ આશરે 22 મિનિટ સુધી બોલ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

રેલીનો જે વીડિયો શૅર કરાઈ રહ્યો છે, એ વીડિયો વડા પ્રધાનનું ભાષણ શરૂ થાય એ પહેલાંનો હોય એવું લાગે છે.

જોકે, સોશિયલ મીડિયા પર એવો દાવો કરાયો છે કે વડા પ્રધાનના ભાષણ દરમિયાન જ લોકો પરત ફરવા લાગ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો