You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફૅક્ટ ચેક : ગુજરાતમાં રાહુલ ગાંધીની સભામાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા?
- લેેખક, ફૅક્ટ ચૅક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની તાજેતરની ગુજરાત સભામાં 'મોદી-મોદી'ના નારા લાગ્યા હતા.
વાઇરલ વીડિયોમાં ઓબીસી નેતા અને ગુજરાતના કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર મંચનું સંચાલન કરતા દેખાય છે.
વીડિયોમાં દેખાય છે કે અલ્પેશ મંચ પરથી જનતાને 'રાહુલ ગાંધી જિંદાબાદ'ના નારા લગાવવા કહે છે, જેના જવાબમાં લોકો 'મોદી મોદી'ના નારા લગાવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
40 સૅકંડનો આ વીડિયો જોઈને એવું લાગે છે કે અલ્પેશ ઠાકોર લોકોના આ જવાબથી નારાજ થઈ જાય છે અને લોકોને ચૂપ થવા કહે છે.
'આગામી 20 વર્ષ સુધી મોદી' જેવા દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણાં જાણીતાં ફેસબુક પૅજ છે. જેમણે છેલ્લા ત્રણ દિવસોમાં આ વીડિયો શૅર કર્યો છે.
આ વીડિયો લાખો વખત જોવાઈ ચૂક્યો છે.
પરંતુ આ વીડિયો નકલી છે અને એડિટિંગની મદદથી આ ભ્રામક વીડિયો તૈયાર થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બે વર્ષ જૂના વીડિયો સાથે છેડછાડ
અમારા સંશોધનમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો રાહુલ ગાંધીની તાજેતરની સભાનો નહીં પણ જૂનો છે.
આ વીડિયો ગુજરાતના ગાંધીનગરમાં 23 ઑક્ટોબર 2017ના રોજ થયેલી કૉંગ્રેસ પાર્ટીના 'નવસર્જન જનાદેશ મહાસંમેલન'નો છે.
આ સંમેલનની ફાઇલ ફૂટેજ જોઈને ખ્યાલ આવે છે કે કૉંગ્રેસ પાર્ટીના કાર્યક્રમના વીડિયો સાથે છેડછાડ કરાઈ છે. એડિટિંગની મદદથી તેમાં 'મોદી-મોદી'ના નારા ઉમેરવામાં આવ્યા છે.
કાર્યક્રમના અસલ વીડિયોમાં અલ્પેશ ઠાકોર પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીનું મંચ પર ઔપચારિક રીતે સ્વાગત કરીને માઇક તરફ આગળ વધે છે.
સંમેલનના વીડિયોમાં 12મી મિનિટે તેઓ જનતાને શાંત રહેવા કહે છે. તેઓ કહે છે, "શું તમે અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીનું માન રાખો છો? તો સભામાંથી કોઈ જવાબ ન આવવો જોઈએ."
ત્યાર બાદ અલ્પેશ કહે છે કે 'જમણી બાજુથી હજી અવાજ આવે છે'. લોકો તેમની આ અપીલ સાંભળીને શાંત થઈ જાય છે.
તેની 10 સૅકંડ પછી અલ્પેશ પોતાનું ભાષણ શરૂ કરે છે.
કાર્યક્રમના અસલી વીડિયોમાં આ દરમિયાન ક્યાંય 'મોદી-મોદી'ના નારા સંભળાતા નથી.
એડિટિંગની મદદથી આ વીડિયોમાં માત્ર 'મોદી-મોદી'ના નારા જ નહીં પણ કાર્યક્રમની તારીખ અને નામ પણ હટાવવામાં આવ્યું છે.
ગુજરાત કૉંગ્રેસના ફેસબુક પૅજ પર કાર્યક્રમનો અસલી વીડિયો જોઈ શકાય છે.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો