#PramodSawant : અડધી રાતે મુખ્ય મંત્રી, ગોવામાં મનોહર પર્રિકરને સ્થાને પ્રમોદ સાવંત

ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકરના અવસાન બાદ ગોવામાં સર્જાયેલી રાજકીય કટોકટી અડધી રાત્રે શાંત થઈ હતી અને વિધાન સભાના સ્પીકર પ્રમોદ સાવંતે ગોવાના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

પ્રમોદ સાવંતની સાથે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના ધારાસભ્ય સુનિલ ધવલીકર તેમજ ગોવા ફૉરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજય સરદેસાઈએ પણ શપથ લીધા છે.

રાત્રે બે વાગે રાજયપાલ મૃદુલા સિન્હાએ સાવંત અને 11 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા છે.

એવું માનવામાં આવે છે કે ધવલીકર અને સરદેસાઈને ઉપ મુખ્ય મંત્રીની જવાબદારી આપવામાં આવશે.

ગોવામાં મનોહર પર્રિકરના અવસાન બાદ મુખ્ય પ્રધાનપદ માટેની રેસ શરૂ થઈ હતી, જેમાં પર્રિકરની સરકારમાં ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંત આગળ નીકળી ગયા હતા.

ભાજપ અને તેના સાથી પક્ષોએ પ્રમોદ સાવંત પર પસંદગી ઢોળી છે અને તેમને ગોવાના નવા મુખ્ય મંત્રી માટે પસંદ કર્યા છે.

ઉપરાંત એમજીપીના સુધિન ધાવલિકર અને જીએફપીના વિજય સરદેસાઈને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ગોવામાં પર્રિકરના અવાસાન બાદ રાજકીય સંકટ જેવી સ્થિતિ પેદા થઈ હતી.

આ પહેલાં કૉંગ્રેસે 48 કલાકમાં બે વખત રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. કૉંગ્રેસ પાર્ટી હાલ ગોવામાં સૌથી વધારે બેઠકો ધરાવે છે.

મનોહર પર્રિકરની તબિયત વધારે ગંભીર થતાની સાથે રાજકીય સ્થિતિને જોતાં ગડકરી સીધા જ ગોવા પહોંચી ગયા હતા.

તેમણે ભાજપના નેતા અને સાથી પક્ષો સાથે મોડી રાત સુધી બેઠકો કરી હતી.

કોણ છે પ્રમોદ સાવંત?

પ્રમોદ સાવંત ભાજપના નેતા અને ગોવા વિધાનસભાના સ્પીકર છે. તેઓ સાનક્વેલિમ વિધાનસભાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

24 એપ્રિલ, 1973ના રોજ જન્મેલા પ્રમોદ સાવંત આયુર્વેદિક, મેડિસિન અને સર્જરીની બૅચલરની ડિગ્રી ધરાવે છે.

તેમણે પૂણેમાં આવેલી તિલક મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી સોશિયલ વર્કમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું હતું.

આ પહેલાં ભાજપના અધ્યક્ષ અને કૅબિનેટ મંત્રી નીતિન ગડકરીએ મુખ્ય મંત્રીના પદ માટે સતત બેઠકો કરી હતી.

જે બાદ સાથી પક્ષો સાથે વાતચીત કર્યા બાદ પ્રમોદ સાવંતનું નામ નક્કી કરવામાં આવ્યું હતું.

ગોવાની વિધાનસભાની સ્થિતિ

હાલમાં કૉંગ્રેસ એકમાત્ર પક્ષ એવો છે જેની પાસે ગોવાની વિધાનસભામાં સૌથી વધારે 14 બેઠકો છે.

જે બાદ ભાજપ પાસે 12 બેઠકો છે, જેથી ભાજપ વિધાનસભામાં બીજા નંબરે છે.

ત્યારબાદ એમજીપી (મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી) પાસે 3, જીએફપી (ગોવા ફોરવર્ડ પાર્ટી) પાસે 3, અપક્ષ 3 અને એનસીપી પાસે 1 બેઠકો છે.

જ્યારે વિધાનસભામાં હવે કુલ 4 બેઠકો ખાલી છે, જેના પર પેટાચૂંટણી થશે.

ભાજપના સાથી પક્ષો સાથે મળીને કુલ 21 બેઠકો થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો