લોકસભા ચૂંટણી 2019 : આ રીતે મતદારયાદીમાંથી ગાયબ છે બે કરોડ મહિલાઓ

    • લેેખક, સૌતિક બિશ્વાસ,
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં મહિલાઓને વોટ આપવાનો અધિકાર એ જ વર્ષે મળી ગયો હતો જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો. બ્રિટિશ તાબા હેઠળ રહી ચૂકેલા ભારત માટે આ એક મોટી સફળતા હતી.

પણ તેના 70 વર્ષ બાદ બે કરોડ 10 લાખ મહિલાઓ પાસેથી વોટ આપવાનો અધિકાર શા માટે છીનવી લેવામાં આવ્યો? ભારત સામે આ એક મોટો સવાલ છે.

ભારતમાં મહિલાઓ મોટા પ્રમાણમાં મતદાન કરતી આવી છે. આ વર્ષે થનારી લોકસભા ચૂંટણીમાં મહિલાઓના મતદાનની ટકાવારી પુરુષો કરતાં વધારે રહેવાનું અનુમાન છે.

મોટાભાગની મહિલાઓનું કહેવું છે કે તે પોતાની પસંદગીના ઉમેદવારને વોટ આપશે, અને આના માટે તે પોતાના પતિ કે પરિવારને પૂછશે નહીં.

મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે અલગ મતદાન મથક બનાવવામાં આવે છે અને મહિલા પોલીસકર્મીઓને તેમની સુરક્ષા માટે લગાવવામાં આવે છે. મતદાન મથક પર ઓછામાં ઓછી એક મહિલા અધિકારીની નિયુક્તિ કરાય છે.

2014 માં થયેલી લોકસભા ચૂંટણીમાં 600થી વધુ મહિલા ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું. 1951 માં થયેલી પહેલી ચૂંટણીની સરખામણીએ આ આંકડો ઘણો મોટો હતો, કારણકે એ વખતે માત્ર 24 મહિલાઓ જ ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.

રાજકીય પક્ષો પણ હવે મહિલા મતદાતાઓને ખાસ મહત્વ આપે છે. તેઓ મહિલાઓને એક અલગ સમુદાય માને છે અને તેમના માટે ઘણા વાયદાઓ કરે છે.

જેમ કે, સસ્તો રસોઈ ગેસ આપવાનો વાયદો, ભણવા માટે સ્કૉલરશિપ આપવાનો વાયદો અને કોલેજ જવા માટે સાયકલ આપવાનો વાયદો.

તમે આ વાંચ્યું કે નહીં?

'મોટી સમસ્યા'

પણ હેરાન કરનારી વાત એ છે કે ભારતમાં કેટલીય મહિલાઓના નામ મતદારયાદીમાં છે જ નહીં. આવી મહિલાઓનું પ્રમાણ શ્રીલંકાની આખી વસ્તી જેટલું છે.

આ દાવો એક નવા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ચૂંટણી વિશેષજ્ઞ પ્રણવ રોય અને દોરાબ સોપારીવાલાએ આ પુસ્તક લખ્યું છે.

અમુક આંકડાઓનું અધ્યયન કરીને તેઓ આ તારણ પર પહોંચ્યા છે, જેનો ઉલ્લેખ તેમણે પોતાના આવનારા પુસ્તક 'ધ વર્ડિક્ટ: ડિકોડીંગ ઈન્ડિયાઝ ઈલેક્શન'માં કર્યો છે.

તેમણે જોયું કે વસ્તીગણતરી મુજબ 18 વર્ષથી મોટી ઉંમરની મહિલાઓની સંખ્યા કેટલી છે. આ સંખ્યાના આધાર પર તેમણે મહિલાઓની હાલની સંખ્યાનો અંદાજ લગાવ્યો.

ત્યાર બાદ તેમણે આ સંખ્યાની તુલના મહિલા મતદાતાઓની તાજેતરની યાદી સાથે કરી.

તેમને આ બંને આંકડાઓ વચ્ચે મોટું અંતર જોવા મળ્યું. તેમણે જોયું કે મહિલા મતદાતાઓના લિસ્ટમાં લગભગ બે કરોડ 10 લાખ જેટલી મહિલાઓનું નામ જ નથી.

ગાયબ મહિલા મતદાતાઓ પૈકી ઘણીખરી મહિલાઓ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની છે, જ્યારે આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવા દક્ષિણી રાજ્યોમાં સ્થિતિ પ્રમાણમાં થોડી સારી છે.

આનો શું મતલબ થાય?

વિશ્લેષકોનું કહેવું છે કે બે કરોડથી વધુ મહિલાઓનું નામ વોટર લિસ્ટમાંથી ગાયબ થવાનો મતલબ છે કે ભારતના દરેક મતદાર ક્ષેત્રમાં સરેરાશ 38 હજાર મહિલાઓ વોટર લિસ્ટમાં છે નહીં.

ઉત્તરપ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે અને ચૂંટણીની જીતમાં આ રાજ્યનું મહત્વપૂર્ણ યોગદાન રહેતું હોય છે. પણ પુસ્તકના આંકડાઓ માનીએ તો ઉત્તરપ્રદેશની દરેક બેઠકમાં 80 હજાર મહિલાઓનું નામ મતદાર યાદીમાં નથી.

અહીં એ જાણી લેવું પણ જરૂરી છે કે પાંચમાંથી ઓછામાં ઓછી એક સીટ પર હાર-જીતનું અંતર 38 હજાર વોટથી ઓછું હોય છે.

મતલબ એમ કે જે મહિલાઓનું નામ વોટર લિસ્ટમાંથી ગાયબ છે, તે ઘણી બેઠકોના ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે.

મહિલાઓનું આટલી મોટી સંખ્યામાં લિસ્ટમાંથી ગાયબ થવું એ પણ બતાવે છે કે આ વર્ષે ગરમીના દિવસોમાં થનારી ચૂંટણીમાં મતદાતાઓની સંખ્યા હજી વધુ થઈ શકે એમ હતી.

જો કોઈ મતક્ષેત્રમાં મહિલા કરતાં પુરુષ મતદાતાઓ વધારે હોય તો બની શકે કે ત્યાં મહિલા મતદારોને અવગણવામાં પણ આવે.

પ્રણવ રોયએ બીબીસીને જણાવ્યું કે, "મહિલાઓ મતદાન કરવા તો ઈચ્છે છે, પણ તેમને મતદાન કરવા દેવામાં આવતું નથી. આ બહુ ચિંતાની વાત છે.

આનાથી ઘણાં મોટા પ્રશ્નો પણ ઊભા થાય છે. આપણે બધા જાણીએ છીએ કે આ પ્રશ્નો પાછળ કેટલાંક સામાજિક કારણો પણ રહેલા છે.

પણ, સાથે આપણે એ પણ જાણીએ છીએ કે લોકોને મતદાન કરવાથી રોકીને ચૂંટણીના પરિણામોને કન્ટ્રોલ પણ કરી શકાય છે. શું આ પણ એક કારણ છે? સત્ય શું છે તે જાણવા માટે આપણે આની હજી વધુ તપાસ કરવી પડશે."

સ્ત્રી-પુરુષની સંખ્યાનો ગુણોત્તર પુરુષોના પક્ષમાં કરી દેવાથી ભારતમાં એક સમસ્યા એ થઈ છે કે મહિલાઓને લાંબા સમય સુધી વોટ કરવાનો અધિકાર નથી મળ્યો.

ગયા વર્ષે સરકારના એક રિપોર્ટમાં એક વાત બહાર આવી હતી કે ભારતમાં મહિલાઓની સંખ્યા પહેલા કરતાં 6.3 કરોડ ઓછી થઈ ગઈ છે.

આનું કારણ એ છે કે પુત્ર મેળવવાની ઈચ્છામાં દીકરીને ગર્ભમાં જ મારી દેવામાં આવે છે અને દીકરાઓની વધારે સારી રીતે સંભાળ લેવામાં આવે છે.

આ ઉપરાંત, અર્થશાસ્ત્રી શમિકા રવિ અને મુદિત કપૂરના અનુમાન મુજબ 6.5 કરોડથી વધુ મહિલાઓ ઓછી થઈ ગઈ છે. એટલે કે લગભગ 20 ટકા મહિલા મતદાતાઓ ગાયબ છે.

આમાં એ મહિલાઓ પણ છે જેમણે મતદાન માટે રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, અને એ મહિલાઓ પણ છે જેમને આ દુનિયામાં આવવા જ નથી દેવાઈ. તેમનું કહેવું છે કે ચૂંટણીઓ એ વસ્તી માટે થઈ રહી છે જ્યાં મહિલાઓની સંખ્યા કૃત્રિમ રુપે ઓછી દેખાય છે.

એવું નથી કે ચૂંટણી અધિકારીઓએ મહિલાઓને પોલિંગ બૂથ સુધી લાવવાની કોશિશ નથી કરી.

ચૂંટણી આયોગ ઘણી રીતે કોશિશ કરે છે કે બધા મતદારોને વોટ કરવા માટે લાવી શકાય. આ રીતોમાં તે સ્ત્રી-પુરુષની સંખ્યાનો ગુણોત્તર, ઈલેક્ટર-પોપ્યુલેશન રેશિયો અને મતદાતાઓની ઉંમરને ધ્યાનમાં રાખે છે.

આ માટે તેઓ ઘરે-ઘરે જાય છે અને આ કામ માટે હંમેશા મહિલા અધિકારીઓને મોકલવામાં આવે છે.

ગામડાઓમાં બાળ વિકાસ કર્મચારીઓ અને મહિલાઓના સ્વસહાય જૂથોને આ કામમાં જોડવામાં આવે છે.

સરકારી ટીવી અને રેડિયો પ્રોગ્રામોમાં મહિલાઓને મતદાતા તરીકે નોંધણી કરાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘણા પોલિંગ સ્ટેશન માત્ર મહિલાઓ માટે જ બનાવવામાં આવે છે.

ચૂંટણી સમયે મહિલા પોલીસકર્મીઓને પોલિંગ સ્ટેશનો પર તૈનાત કરવામાં આવે છે.

તો પછી શું કારણ છે કે આટલી બધી મહિલાઓ મતદાન કરવા નથી આવતી? શું એક કારણ એ છે કે ઘણી મહિલાઓ લગ્ન પછી પોતાનું સરનામું નથી બદલતી અને નવા સરનામા સાથે રજિસ્ટર નથી કરાવતી?

30 થી 34 ની ઉંમરની ત્રણ ટકાથી પણ ઓછી મહિલાઓ સિંગલ છે.

શું આનું એક કારણ એ પણ છે કે પરિવારના લોકો વોટર લિસ્ટમાં લગાવવા માટે મહિલાઓની તસવીર અધિકારીઓને નથી આપતા? કે પછી કંઈક એવું તો નથી ને કે મતદાતાઓને દબાવવા માટે આવું કરવામાં આવે છે?

ડોક્ટર રોય કહે છે, "કેટલાક સામાજિક અવરોધો છે, પણ એમ કહી ન શકાય કે તેના લીધે આટલી મોટી સંખ્યામાં મતદાતાઓ વોટર લિસ્ટમાંથી ગાયબ થઈ જાય."

ચૂંટણીના આયોજનમાં મદદ કરતા લોકોનું કહેવું છે કે આમાં ગભરાવા જેવી કોઈ વાત નથી. પૂર્વ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરેશીએ બીબીસીને કહ્યું કે વિતેલા થોડા સમયમાં ઘણી મહિલાઓએ મતદાતા તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જોકે તેમણે એમ પણ કહ્યું કે હજી પણ મહિલાઓ સામે ઘણા સામાજિક અવરોધો છે?

તેમણે કહ્યું, "મેં એવા ઘણાં મા-બાપ વિશે સાંભળ્યું છે જે પોતાની દીકરીનું રજિસ્ટ્રેશન માત્ર એટલા માટે નથી કરાવતા કે આનાથી તેમની દીકરીની ઉંમરનો ખ્યાલ આવી જશે. તેમને લાગે છે કે આનાથી દીકરીના લગ્નમાં મુશ્કેલી થઈ શકે છે."

2019 ની લોકસભા ચૂંટણીઓમાં હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. એવામાં આ સમસ્યાના નિરાકરણ માટે સમય જ રહ્યો નથી.

ડોક્ટર રોયનું માનવું છે કે આનો એક રસ્તો છે કે એવી મહિલાઓને પણ વોટ આપવા દેવામાં આવે જેમનું નામ રજિસ્ટર્ડ નથી.

તેઓ કહે છે, "કોઈ પણ મહિલા જો પોલિંગ સ્ટેશને આવીને વોટ આપવા માંગે, અને જો તે પોતાના 18 વર્ષથી મોટા હોવાનો પુરાવો આપે તો તેને મતદાન કરવા દેવું જોઈએ."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો