લોકસભા ચૂંટણી 2019 : મોદી હંમેશાં રાહુલ ગાંધીથી આગળ કેમ રહે છે? - બ્લૉગ

    • લેેખક, રાજેશ જોશી
    • પદ, રેડિયો એડિટર, બીબીસી હિંદી

સત્તા પરિવર્તનની એક ગંધ હોય છે અને આ રાજનીતિક ગંધ મહિનાઓ અગાઉ જ હવામાં પ્રસરવાની શરૂ થઈ જાય છે.

ગલીને નાકે, ચાની કીટલીએ, પાનના ગલ્લે, બસ કે રેલ્વે સ્ટેશને ફક્ત થોડી વાર રોકાઈને તમે એ સમજી જાવ છો કે પરિવર્તન થવાનું છે અને થોડા સમય પછી જેની હારની કોઈ કલ્પના પણ મુશ્કેલ હોય એવા મોટા-મોટા સત્તાધીશ પત્તાના મહેલની જેમ વીખરાતા જોવા મળે છે.

1976માં જે લોકો હોશમાં હતા તેઓ મદહોશ કરી દેનારી પરિવર્તનની એ ગંધને ભૂલ્યા નહીં હોય.

દેશને 19 મહિના સુધી કટોકટીના અંધકારમાં ધકેલી દેનારાં શકિતશાળી વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને જનતાએ એ ચૂંટણીમાં સત્તાથી બેદખલ કરી દીધાં હતાં.

રાહુલ ગાંધી એકલા

જેમણે 1976માં હોશ નહોતો સંભાળ્યો તેમને 1987-88ની હવાનો સ્વાદ ચોક્કસ યાદ હશે.

ફક્ત 42 વર્ષની ઉંમરે રાજીવ ગાંધી 400થી વધારે બેઠકો જીતીને વડા પ્રધાન બન્યા હતા.

પરંતુ, 1989માં તેઓ એવા લપસ્યા કે કૉંગ્રેસ પાર્ટી આજ સુધી પોતાના પગ પર ઊભી નથી થઈ શકી.

જે લોકો 1989માં બાળક હતા કે જેમનો જન્મ નહોતો થયો એમને પણ યાદ હશે કે સત્તા પરિવર્તનની એ જ જૂની ગંધ દેશની હવામાં 2013થી ભળવાનું શરૂ થઈ ગઈ હતી.

મોદી સિવાય દૂર-દૂર સુધી કોઈ અન્ય નજર નહોતું આવી રહ્યું.

કૉંગ્રેસ ગઢનું એક બાકોરું સાચવતી, તો બીજા બાકોરામાંથી પાણી ટપકવાં લાગતું હતું.

પરંતુ આજે આટલાં વર્ષ વિપક્ષમાં રહ્યાં પછી પણ કૉંગ્રેસ એ બાકોરાંઓને બંધ કરવાનો પ્રયાસ કરતી હોય તેવું કેમ દેખાઈ રહ્યું છે?

જ્યારે સમગ્ર વિપક્ષ માને છે કે નરેન્દ્ર મોદી અને તેમની રાજનીતિને લીધે એમના માટે અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે, તો પછી રફાલને મામલે રાહુલ ગાંધી આટલા એકલા કેમ દેખાય છે?

ક્યારેક મમતા બેનરજી કહી દે છે 'દાળમાં કંઈક કાળુ તો છે' અને ક્યારેક સીતારામ યેચૂરી સંસદીય સમિતિ પાસે તપાસની માગ કરી દે છે, પણ ત્યાં જ અખિલેશ યાદવ કહી દે છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી હવે તપાસની જરુરિયાત નથી.

આ રાજકીય જંગલમાં ફરતા ફકત રાહુલ ગાંધી એકલા જ જોરથી 'ચોકીદાર જ ચોર છે!' બરાડી રહ્યાં છે અને એમના અવાજમાં કોઈ અવાજ નથી ભળતો, એમની પોતાની ગૂંજ એમના સુધી ખાલીખમ પાછી આવી જાય છે એવું કેમ લાગે છે!

તમે આ વાંચ્યું કે નહીં?

ટીવી પર 2013નાં દૃશ્યોનું પુનરાવર્તન

એ સારું છે કે ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીનાં માયાવતી અને સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ પોતાના મતભેદો ભૂલીને સાથે આવી ગયા છે.

ક્યારેક અખબારનાં પાનાઓ પર તૃણમૂલ કૉંગ્રેસનાં મમતા બેનરજી, તેલુગૂ દેસમના ચંદ્રબાબુ નાયડુ, શરદ યાદવ, લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને વિપક્ષના અન્ય નેતાઓ એકમેવનો હાથ પકડીને નજર આવે તો છે.

પરંતુ 1987-88માં નારાઓ થકી રાજીવ ગાંધી સામે ભૂકંપ ખડો કરી દેનાર વિદ્યાર્થીઓ-નવયુવાનોની એ ટોળકીઓ, એ જન સંગઠનો, એ નાના-મોટા ટ્રેડ યૂનિયન ક્યાં છે?

ટીવી જોઈએ તો લાગે છે કે ફરી એક વાર 2013નાં દૃશ્યો પ્રસારિત થઈ રહ્યાં છે.

દરેક સ્ક્રીન પર કાં તો નરેન્દ્ર મોદી લાઇવ હોય છે અથવા તો એમના સેનાપતિ અમિત શાહ અને એ પણ દરરોજ.

કોઈ ટીવી ચેનલ ક્યારેક રાહુલ ગાંધીને દેખાડી દે છે તો આખો કાર્યક્રમ 'ધીમી ગતિના સમાચાર'માં તબદીલ થઈ જાય છે.

પ્રિયંકા ગાંધી લૉન્ચ થયાં પછી એટલાં ગાયબ થઈ ગયાં છે કે લોકો ભૂલવા લાગ્યા હશે કે કૉંગ્રેસના સંકટમોચક બનાવીને એમને પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન સોંપવામાં આવી છે.

હવામાં પ્રસરી દારુગોળાની ગંધ

સરવાળે જોઈએ તો માર્ચ 2019ની હવામાં પરિવર્તનને બદલે દારુગોળાની ગંધ ફેલાવી દેવામાં આવી છે.

હમણાં થોડાં મહિના અગાઉ જ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની લાખ કોશિશ છતાં ભાજપના સૂપડાં સાફ થઈ ગયા હતા.

ત્યારે એવું લાગતું હતું કે મોદીની પડતી શરૂ થઈ ગઈ છે અને એમની પાસે મતદાતાને દેખાડવા માટે હવે કોઈ નવું સપનું નથી રહ્યું.

લગભગ હતાશાની સ્થિતિમાં સંઘ પરિવારના રણનીતિકારોએ રામ મંદિરના મુદ્દા પર હિંદુઓને એકજૂથ કરવા પ્રયાસ કર્યો, પરંતુ એ મુદ્દે એમને જનતાના બગાસાં સ્પષ્ટ સાંભળવા મળ્યાં. સુપ્રીમ કોર્ટનું વલણ પણ મદદરૂપ નહોતું બની રહ્યું.

અમિત શાહના ગાળિયા ઢીલા પડવા લાગ્યા અને ગભરામણમાં તેઓ સુપ્રીમ કોર્ટને પણ ચીમકી આપવા લાગ્યા.

વિશ્વ હિંદુ પરિષદે પણ પોતાનાં સાધુ-સાધ્વીઓને સંજવારીને આંદોલન માટે તૈયાર કરી લીધા પરંતુ ગલીઓમાંથી એ સવાલ પૂછાવા લાગ્યો કે ભાજપને રામ મંદિરની યાદ ચૂંટણી વખતે જ કેમ છે?

આખરે સંઘ પરિવારને આ દાવ પણ પાછો ખેંચવો પડ્યો.

નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નાગપુર સ્થિત સંઘ પરિવારના વડામથકના અધિકારીઓને સમજાઈ ગયું હતું કે ફેલાઈ રહેલી પરિવર્તનની ગંધને અટકાવવી એ દેશના વલણને બદલ્યા વિના શક્ય નથી.

આ પછી જે થયું એમાં દર્શકોને ત્રણ કલાક માટે પોતાની બેઠક પર બેસી રહેવા માટે મજબૂર કરી દે એવાં તમામ તત્વો હાજર હતાં.

પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર આત્મઘાતી હુમલાએ આખા દેશને હચમચાવી દીધો.

જે મોદી 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ' આપવાનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા એ આવી તક પર ચૂપ રહી શકે?

આખો દેશ દિલ પર હાથ રાખીને બેઠો હતો કે હવે હીરોની ઍન્ટ્રી થશે અને પછી વિલનને ભાગવાની જગ્યા પણ નહીં મળે.

તમે આ વાંચ્યું કે નહીં?

રાષ્ટ્રવાદમાં વિસરાયા મુદ્દાઓ

પછી હીરોની ઍન્ટ્રી થઈ. હીરોએ વિલનને એક તગડો ફેંટ મારી અને તાળીઓ લૂંટી લીધી.

આશ્ચર્યથી મોં ખોલી દર્શકો ઝૂમી ઉઠ્યા. આખા હૉલમાં તાળીઓના ગડગડાટ અને સીટીઓનો અવાજ ગૂંજવા લાગ્યો.

હૉલના એક ખૂણેથી અવાજ આવ્યો. 'વધુ મારો... હજી મારો આને' અને બીજે ખૂણેથી કોઈ ઉત્સાહી વિલન પર ઘૂરક્યો- 'જો આવી ગયો તારો બાપ!'

ફિલમમાં જબરદસ્ત વળાંક આવી ગયો હતો. મોટા ભાગના ટેલિવિઝન ઍન્કર ચીયરલીડર્સમાં તબદીલ થઈ ગયા.

પહેલા ટીવીએ કહ્યું કે ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં 300થી 400 આતંકવાદીઓ માર્યા છે.

સરકાર, સેના અને વાયુસેનાએ આ વિશે કંઈ ન કહ્યું. પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહે આંકડો આપ્યો કે બાલાકોટમાં 250 આતંકવાદીઓ માર્યા ગયા છે.

એમણે પછી એમ પણ કહ્યું કે પુરાવાઓ માગવા માટે રાહુલ ગાંધીને શરમ આવવી જોઈએ.

નોટબંધી, જીએસટી, બેરોજગારોની વધતી જતી ફોજ, ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ, સંસ્થાઓનું ભગવાકરણ અને રફાલ યુદ્ધ વિમાન ખરીદીમાં કૌભાંડનો આરોપ એ તમામ સોશિયલ મીડિયા પર ફૂટી નીકળેલા રાષ્ટ્રવાદના ચક્રવાતે 'ઠેકાણે' પાડી દીધા.

પહેલી વાર મત આપનારા 18 વર્ષના નવજુવાનો માટે જ નહીં પણ, રાજીવ ગાંધીને સત્તાના શિખરેથી લપસતા જોનારા માટે પણ આ કહાણીમાં આવેલો વણવિચાર્યો વળાંક હતો.

રાજીવ ગાંધીને 'મિસ્ટર ક્લિન' કહેવામાં આવતા હતા પરંતુ બોફૉર્સ કાંડનો ડાઘ એમના પર એવો લાગ્યો કે એમને સત્તાથી હટાવીને જ દમ લીધો.

મોદીની હાલની સ્થિતિ

બોફૉર્સમાં દલાલીનો આરોપ થતાં જ રાજીવ ગાંધી સામે તરત જ રાષ્ટ્રીય સંઘર્ષ મોરચાનું ગઠન કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં તેના સ્થાપના સંમેલનમાં ડાબી તરફે નકસલવાદી આંદોલનના લોકો હતા, તો જમણી તરફે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કે. એન. ગોવિંદાચાર્ય જેવા નેતા.

વચ્ચે દરેક રંગના સમાજવાદી, લોહિયાવાદી, ગાંધીવાદી, કૉંગ્રેસ વિરોધી એકજૂથ થઈ ગયા હતા.

થોડા જ દિવસોમાં પટનાથી લઈને પટિયાલા સુધી નારાઓ ગૂંજવા લાગ્યા 'ગલી ગલી મેં શોર હૈ, રાજીવ ગાંધી ચોર હૈ'.

રાજીવ ગાંધીની કૅબિનેટમાંથી બળવો કરી નીકળેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે આંદોલનની કમાન સંભાળી અને જમણેરીઓ અને ડાબેરીઓને એક સાથે સાધી લીધા.

આજે રાહુલ ગાંધીની સામે એ નરેન્દ્ર મોદી છે જેમણે પાંચ વર્ષ અગાઉ અચ્છે દિનના સપનાં દેખાડ્યા હતા. પરંતુ, ન તો એ બેરોજગારી પર લગામ લગાવી શક્યા, ન તો અર્થ વ્યવસ્થામાં ઉછાળો લાવી શક્યા.

ઊલટું, નોટબંધી જેવા તઘલઘી નિર્ણયથી કારખાનાં બંધ થયાં, નોકરીઓ ગઈ અને ખેડૂતો બેહાલ થયા.

આખરમાં, હજારો કરોડ રૂપિયાના રફાલ યુદ્ધ વિમાનની ખરીદીમાં અનિલ અંબાણીની કંપનીને ફાયદો કરાવવાના આરોપમાં ઘેરાઈ ગયા.

એ સ્પષ્ટ તો છે જ 20013ની સરખામણીએ નરેન્દ્ર મોદીનું કદ ઘટ્યું તો છે જ.

લોકો એમને પારખવા માગતા હતા પણ આ પાંચ વર્ષમાં લોકો મોદીની ચાલ, ચહેરો અને ચરિત્ર સમજી ગયા છે.

આમ છતાં નરેન્દ્ર મોદીએ દેશનું રાજકીય વલણ વિપક્ષના હાથમાં નથી જવાં દીધું.

મોદી આજે પણ એમના ભાથામાંથી એક પછી એક બ્રહ્મમાસ્ત્ર કાઢીને ચલાવી રહ્યા છે અને વિપક્ષ ચોંકેલું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો