રફાલ દસ્તાવેજ મામલે કાર્યવાહી થશે તો અમે સામનો કરીશું : એન. રામ

'ધ હિંદુ' મીડિયા સમૂહના ચેરમેન એન. રામ હાલ ચર્ચામાં છે. રફાલ સોદાને લઈને હાલના દિવસોમાં 'ધ હિંદુ'એ કેટલાક લેખો પ્રકાશિત કર્યા હતા.

એન. રામે રફાલ સોદા વિશે ઇન્વેસ્ટિગેશન આર્ટિકલની એક સિરીઝ ચલાવી હતી.

જેમાંના એક લેખમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફ્રાંસની ડસૉ ઍવિએશન કંપની સાથે રફાલ લડાકુ જેટનો જે સોદો થયો, તે 2007ની કિંમતથી ચાલીસ ટકા વધારે ભાવથી થયો હતો. ઉપરાંત આ સોદો 2012ની કિંમત કરતાં 14 ટકા વધારે છે.

અન્ય લેખોમાં તેમણે આરોપ લગાવ્યા છે કે જે સમયે સંરક્ષણ મંત્રાલય કંપની સાથે વાતચીત કરતું હતું ત્યારે વડા પ્રધાન કાર્યલય પણ તેના સંપર્કમાં હતું, જેથી ભારતનો પક્ષ કમજોર પડ્યો.

ત્યારબાદ 6 માર્ચના રોજ ભારતના એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટમાં કહ્યું હતું કે 'ધ હિંદુ' સામે ગોપનીયતાના કાયદાના આધારે કાર્યવાહી કરી શકાય છે.

તેમણે કહ્યું હતું કે રફાલને લગતા દસ્તાવેજો સંરક્ષણ મંત્રાલયમાંથી ચોરી થઈ ગયા છે અને 'ધ હિંદુ'એ તેના આધારે જ આ સ્ટોરી પ્રકાશિત કરી છે.

વેણુગોપાલે કહ્યું હતું કે દસ્તાવેજોના પ્રકાશનના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મૂકી દીધી છે અને તેના કારણે મિત્ર રાષ્ટ્રો સાથેના સંબંધો પ્રભાવિત થયા છે.

જોકે, 8 માર્ચના રોજ ઍટર્ની જનરલે દાવો કર્યો કે જે દસ્તાવેજો પ્રકાશિત કરવામાં આવ્યા તે ચોરી થયા નથી. બાદમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું હતું કે આ દસ્તાવેજો ચોરી થયા નથી.

બીબીસી તમિલ સેવાના મુરલીધરન કાશી વિશ્વનાથે 'ધ હિંદુ' મીડિયા સમૂહના ચેરમેન એન. રામ સાથે વાતચીત કરી હતી. વાંચો તેમના સાથે થયેલી વાતચીતના અંશો.

સવાલ : એટર્ની જનરલનો દાવો હતો કે રફાલ સાથે જોડાયેલા દસ્તાવેજો ચોરી થઈ ગયા છે.

જવાબ : અમે કોઈ દસ્તાવેજો ચોરી કર્યા નથી. ના તો અમે તેને પૈસા દઈને મેળવ્યા છે. જોકે, અમેરિકા, બ્રિટનમાં કેટલીક મીડિયા સંસ્થાઓ આવા ગુપ્ત દસ્તાવેજો માટે પૈસા ખર્ચ કરે છે. ગુપ્ત સ્રોતના માધ્યમથી અમને આ દસ્તાવેજો ત્યાંથી જ મળ્યા છે.

આવા પ્રકારના દસ્તાવેજો પહેલાં પણ પ્રકાશિત કરી ચૂક્યા છીએ. બૉફોર્સ કૌભાંડ સમયે પણ.

વર્ષ 1981માં ભારતે ઍક્સટેન્ડેડ ફંડિગ ફૅસિલિટીના આધારે 6.5 બિલિયન ડૉલર પ્રાપ્ત કરવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. ફંડ મેળવવા માટે શ્રમ અંગેના કાયદામાં સંશોધન સહિતની અનેક શરતો હતી.

અમને એ સંબંધિત 64 પાનાના દસ્તાવેજો મળ્યા હતા અને અમે તે પ્રકાશિત કર્યા હતા.

એ ખુલાસાઓમાં ભારત સરકારનાં અનેક રહસ્યો પણ હતાં. જોકે, એ સમયે કોઈએ એને ચોરીના દસ્તાવેજ નહોતા કહ્યા.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ કોલસા કૌભાંડને લગતા અનેક દસ્તાવેજો જાહેર કર્યા હતા. તેને પણ ચોરીના નહોતા ગણાવાયા.

એવા અનેક આંતરરાષ્ટ્રીય કાયદાઓ છે જે આ પ્રકારના દસ્તાવેજો જાહેર કરવાનું સમર્થન કરે છે.

1970ના દાયકામાં પેન્ટાગોન પેપર્સ, વૉટરગેટ કૌભાંડ, વિકીલિક્સના સામે આવ્યા બાદ મીડિયાને તેમના પક્ષમાં નિર્ણય મળ્યો.

ભારતના બંધારણના અનુચ્છેદ 19(1)a અનુસાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષાના કેટલાક અપવાદો છે.

જોકે, અધિકારીક કાનૂન આ જોગવાઈઓને ખતમ નથી કરી શકતો. સૂચનાનો અધિકારના કાયદાની કલમ 8 (1) અને (2) અધિકારીક ગોપનીયતાના કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે.

હવે એક સવાલ કરું છું-વર્ષ 1923માં બ્રિટિશ સરકાર દ્વારા પોતાના સ્વયંના હિતના રક્ષણ માટે આ કાયદો શા માટે બનાવાયો?

આ કાયદો આઝાદીના આંદોલન સમયે તત્કાલિન બ્રિટિશ સરકારના ભ્રષ્ટાચારો છુપાવવા માટે લાવવામાં આવ્યો હતો.

આ કાયદો ખૂબ જ વ્યાપક છે તેના અંતર્ગત કંઈ પણ લાવી શકાય છે.

જોકે, તેનો ઉપયોગ ભાગ્યે જ થતો હતો. જો તેનો વ્યાપકરૂપમાં ઉપયોગ કરવામાં આવે તો ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ થઈ જ નહીં શકે.

અને ધ હિંદુ તેનો સામનો કરવા માટે તૈયાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'રફાલમાં કંઈ ખાનગી નથી'

સવાલ : ઇન્વેસ્ટિગેશન જર્નાલિઝમ દરમિયાન મીડિયાકર્મીઓએ ખુદને કેવી રીતે સંભાળવા જોઈએ?

જવાબ : જ્યાં સુધી કોઈ જનહિતમાં ના હોય એ શખ્સ પોતાના ખાનગી જીવનને સાર્વજનિક કરવાથી બચવું જોઈએ. અમે વિકીલિક્સના દસ્તાવેજો પ્રકાશિત કરતી વખતે સંયમ દાખવ્યો હતો.

અમે અફઘાનિસ્તાનમાં કેટલીક નનનાં ખાનગી જીવનના ખુલાસા કરતા દસ્તાવેજોને જારી નહોતા કર્યા કેમ કે તે જરૂરી ન હતું.

જોકે, રફાલના દસ્તાવેજોમાં કંઈ જ ખાનગી નથી એમાં માત્ર સોદાનું વર્ણન સામેલ છે.

સવાલ : શું ઑફિશિયલ પ્રાઇવસી ઍક્ટ અંતર્ગત આવી સૂચનાઓનો ખુલાસો કરનારી મીડિયા સંસ્થાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકે છે?

જવાબ : ઍડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના એક નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એટર્ની જનરલે આશ્વાસન આપ્યું હતું કે કાયદાનો ઉપયોગ મીડિયા અને વકીલો વિરુદ્ધ નહીં કરવામાં આવે.

આ નિવેદન 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક રિપોર્ટમાં હતું. જોકે, મને એવું લાગે છે કે તેમણે આવું કોઈ આશ્વાસન આપ્યું નહીં હોય.

જો તેઓ અમારા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે, તો અમે પણ તેમનો મુકાબલો કરીશું.

જો આવું થયું તો એ એક મોટો મુદ્દો બની જશે. જેથી એ કદાચ ખૂબ સક્રિયતા ના બતાવે.

સવાલ : એવું લાગે છે કે આ મુદ્દો પુલવામા હુમલાને કારણે થોડો ઠંડો પડી ગયો?

જવાબ : હિંદી ભાષી રાજ્યોમાં પુલવામા એક ખૂબ મોટો મુદ્દો બન્યો. તમે એ સાચું કહો છો કે છેલ્લા કેટલાક દિવસોમાં રફાલને લઈને એ પ્રકારની ચર્ચા થઈ નથી.

સવાલ : શું તમે હુમલાના સમાચારને કારણે દસ્તાવેજો જારી કરવામાં મોડું કર્યું?

જવાબ : નહીં, અમને જેવા જ દસ્તાવેજ મળ્યા અમે જારી કરી દીધા.

અમે જ સમય લીધો એ સમય આ દસ્તાવેજોની વિશ્વસનીયતા ચકાસવા માટે લીધો.

સવાલ : શું તમને લાગે છે કે રફાલ મામલો આવનારી ચૂંટણીને પ્રભાવિત કરશે?

જવાબ : બિલકુલ, આ અસર કરશે. રાહુલ ગાંધી અને સંભાવના છે કે બીજા પક્ષો પણ આ મામલે વાત કરે.

જોકે, ચૂંટણીમાં મોટાભાગે જીવન સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે.

જે બાદ ખેડૂતોના મુદ્દાઓને મહત્ત્વ મળે છે. રફાલ જેવા મુદ્દાઓ એ બાદ જ અસર પાડે છે.

અનેક લોકો એ બોલી ચૂક્યા છે કે રાજીવ ગાંધીની હાર બૉફર્સ કૌભાંડને લઈને થઈ હતી. જોકે, એ સિવાયના પણ મુદ્દાઓ હતા.

એવી જ રીતે યુપીએની સરકાર બીજા કાર્યકાળમાં માત્ર 2-જી કૌભાંડને કારણે હારી ન હતી બીજા અનેક મુદ્દાઓ હતા.

રફાલ કરતાં બૉફર્સ કેવી રીતે અલગ?

સવાલ : રફાલ મામલો, બૉફર્સ કરતાં કેવી રીતે અલગ છે?

જવાબ : બંનેમાં અંતર તો છે. સરકાર તરફથી અનેક પ્રકારનાં કેમ્પેન ચાલી રહ્યાં છે.

જે વખતે બૉફર્સ કૌભાંડ સામે આવ્યું હતું, એ સમયે મીડિયામાં હોડ લાગી હતી કે કોણ કેટલું જલદી જાણકારીઓ મેળવીને આ કૌભાંડને ઉજાગર કરી શકે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એડિટર એ સમયે અરુણ શૌરી હતા અને તેઓ જબરદસ્ત પ્રતિસ્પર્ધી હતા.

રામ જેઠમલાણી ઇન્ડિયન એક્સપ્રેસના માધ્યમ દ્વારા રાજીવ ગાંધીને રોજ 10 સવાલો પૂછતા હતા.

'ઇન્ડિયા ટુડે' અને 'ધ સ્ટેટ્મેન' પણ આ મુદ્દે ખૂબ જ ગંભીર હતાં.

આજના સમયે માત્ર 'કેરાવન' પત્રિકા અને 'ધ વાયર' કે 'સ્કૅૉલ' જેવાં કેટલાંક ઑનલાઇન પોર્ટલ જ આવી જાણકારીઓ છાપે છે.

બૉફર્સ કૌભાંડની તુલનામાં જોઈએ, તો રફાલ કૌભાંડ અંગે વાંચનારા વધારે છે.

સવાલ : શું આજના સમયમાં સત્ય સામે લાવવા માટે મીડિયા સંસ્થાનોની વચ્ચે સ્પર્ધા છે?

જવાબ : એ સમયે કોઈ ડરતું ન હતું. જ્યારે અમે બૉફોર્સ કૌભાંડ અંગે ખુલાસાઓ કર્યા, તો બીજા મીડિયા સંસ્થાનોએ પણ તેને પ્રકાશિત કરવું પડ્યું.

જોકે, આજનો સમય અલગ છે. એનડીટીવી જેવા મીડિયા સંસ્થાનોની ઑફિસ પર આવકવેરા વિભાગના દરોડા પડે છે.

હવે મીડિયા બદલાઈ ગયું છે. તેમાં થનારો ફાયદો ઓછો થયો છે. જો સરકારી જાહેરાતોને ના છાપવામાં આવે તો નફો ખૂબ ઘટી જાય.

'ધ હિંદુ' સહિત અનેક મીડિયા સંસ્થાનો પર ખૂબ દબાણ છે. પહેલા પ્રિન્ટ મીડિયામાં 70-80 ટકા સુધી લાભ આવતો હતો. જોકે, સમય સાથે ડિજિટલ મીડિયાએ ઘણા ફેરફારો કરી દીધા છે.

જલદીથી જ અખબારોનું સર્ક્યુલેશન ઘટી જશે અને ટેલિવિઝન મીડિયાને એવું લાગે છે કે રાષ્ટ્રવાદની જીત થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો