You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક - How is the josh? High Sir ડાયલોગ પૉપ્યુલર કેમ?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
વિક્કી કૌશલ તેમના સૈનિકોને પૂછે છે, "How is the josh? અને તેમના કમાન્ડોઝ જવાબ આપે, 'High Sir.'
થિયેટરમાં ફિલ્મ 'ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં આ દૃશ્ય જોનાર દર્શકનાં પણ રૂંવાડા ઊભા થઈ જાય અને તેનામાં પણ જોશ ભરાઈ જાય.
શું આ સંવાદ કોઈ સૈન્ય ટૂકડીનો યુદ્ધઘોષ છે? આ સંવાદમાં એવું શું છે કે દર્શકોમાં જોમ ભરાઈ જાય અને તે પૉપ્યુલર બન્યો, તે જાણવાનો પ્રયાસ કર્યો છે.
ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારના કહેવા પ્રમાણે, આ સંવાદ મુદ્દે તેમના નાનપણની યાદ જોડાયેલી છે.
વર્ષ 2016માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક ઉપર આધારિત આ ફિલ્મ તારીખ 8 જાન્યુઆરીએ રીલીઝ થઈ હતી.
જે વિકઍન્ડ સુધીમાં રૂ. 200 કરોડની ક્લબમાં સામેલ થાય તેવી શક્યતા છે.
ક્યાંથી આવ્યો ડાયલૉગ?
ઉરી ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધારના કહેવા પ્રમાણે, ખુદ તેમને પણ કલ્પના ન હતી કે આ સંવાદ આટલો લોકપ્રિય બની જશે.
આદિત્ય કહે છે, "મારા કેટલાક મિત્રો સૈન્ય પૃષ્ઠભૂમિ ધરાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"દિલ્હીમાં હું તેમની સાથે આર્મી ક્લબ્સમાં જતો. ત્યાં એક નિવૃત બ્રિગેડિયર ચૉકલેટ લઈને આવતા."
"તેઓ બાળકોને લાઇનમાં ઊભા રાખતા અને પૂછતા How is the josh?"
"જે બાળક સૌથી જોશથી નારો લગાવે તેને એ ચૉકલેટ મળતી."
"મને ખાવા પીવાનો શોખ હતો એટલે હું સૌથી બુલંદ અવાજે નારો લાવતો એટલે મને એ ચૉકલેટ મળતી."
આદિત્ય કહે છે કે જ્યારે તેઓ 'ઉરી...'ની સ્ક્રિપ્ટ લખવા બેઠા, ત્યારથી જ તેમના મગજમાં સ્પષ્ટ હતું કે તેઓ આ નારાને ફિલ્મમાં સામેલ કરશે.
Josh અને યુદ્ધઘોષ
એવી ચર્ચા છે કે 'How is the josh?' એ સેનાનો યુદ્ધઘોષ (War Cry) છે.
વાસ્તવમાં તે કોઈ ભારતીય સૈન્ય ટુકડીનો યુદ્ધઘોષ નથી, પરંતુ સૈન્ય અધિકારીઓ દ્વારા જવાનોને પૂછવામાં આવતો સવાલ છે.
કર્નલ (રિટાયર્ડ) બિશન સિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું:
"દુશ્મન જ્યારે નજરની સામે હોય, ત્યારે એમ જ સૈનિક જોશમાં હોય છે. તે સતર્ક હોય છે."
"1967માં નાથુ લા ખાતે ચીનીઓ લગભગ અમારાથી 50-60 ફૂટ જ દૂર હતા."
"બંને દેશો વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ થયો, તે પહેલાં અમારી વચ્ચે છૂટક અથડામણો (ક્લોઝ કૉમ્બેટ) થતી."
"એ સમયે કોઈ અમારી 9 ગ્રૅનેડિયરનો યુદ્ધઘોષ 'સર્વદા શક્તિશાલી'નો નારો લગાવે એટલે અમારી પલટનમાં જોશનો સંચાર થઈ જતો."
ગત વર્ષે રજૂ થયેલી 'પલટણ'માં સોનુ સૂદે તેમની ભૂમિકા ભજવી હતી.
ચીન સાથે સંઘર્ષ સમયે કર્નલ (રિ.) બિશનસિંહ સેનામાં મેજર હતા. તેમને 'ટાઇગર ઑફ નાથુ લા' તરીકે ઓળખવામાં આવે છે.
ચીન સામેની એ લડાઈમાં કર્નલને ભારે ઈજા પહોંચી હતી અને મહિનાઓ હેઠળ સૈન્ય હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
એ યુદ્ધમાં કર્નલની પલટને દાખવેલી શૂરવીરતાને કારણે નાથુ લા ભારત સાથે જોડાયેલું રહ્યું.
આ શૌર્ય બદલ સેના દ્વારા કર્નલ (રિ.) બિશનસિંહને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
દુશ્મન સામે હોય તેની ઉપર હુમલો કરતી વેળાએ કે તાલીમ સમયે ખુદમાં અને સાથીઓમાં જોશ ભરવા માટે લગાવવામાં આવતા નારાને યુદ્ધઘોષ (warcry) કહેવામાં આવે છે.
How is the Josh?
શાંતિ સમયમાં ભારતીય સૈન્ય ટુકડીઓ દ્વારા પણ સતતપણે કવાયત કરવામાં આવે છે.
જેમાં શારીરિક કસરત, ટ્રૅકિંગ, દોડ, કદમતાલ, ડ્રીલ, પુશ-અપ્સ, પુલ-અપ્સનો સમાવેશ કરવામાં આવે છે.
આવી તનતોડ મહેનત કર્યા બાદ જવાનો થાકી જાય છે, ત્યારે તેમનામાં જોશ ભરવા માટે ઇન્સ્ટ્રક્ટર કે અધિકારી ' How is the josh?' જેવો કોઈ સવાલ પૂછે છે.
જેના જવાબમાં પોતાનો ઉત્સાહ દેખાડવા જવાનો બુલંદ અવાજે 'High Sir' કે સવાલને અનુરૂપ જવાબ આપે છે.
જવાબ આપતી વખતે જવાનના જુસ્સા અને અવાજની બુલંદીના આધારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરવામાં આવે છે. સામાન્ય રીતે આ સંવાદનું ત્રણ વખત પુનરાવર્તન કરાવવામાં આવે છે.
દરેક રૅજિમેન્ટના અફસરોના આધારે અલગ-અલગ સંવાદ હોય છે.
જેમ કે, ગોરખા રાઇફલ્સમાં જવાનોનો જોશ ચકાસવા માટે 'હો કે હોઈના' (થશે કે નહીં થાય?) પૂછવામાં આવે છે.
જવાબમાં ટુકડીના જવાનો 'હોનુ હી પરછા' એવો જવાબ આપે છે, મતલબ કે 'થઈને જ રહેશે'. (ફિલ્મમાં તેનો સંદર્ભ અહીં આગળ વાચો)
Joshની સાઇકૉલૉજી
રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કૉલેજમાં સાઇકિયાટ્રી વિભાગના વડા પ્રો. ડૉ. મુકેશ સામાણીના કહેવા પ્રમાણે :
"જ્યારે એક સમૂહના સભ્યો પરસ્પર એકબીજાને ઓળખતા હોય, તેમના લક્ષ્યાંક કે હેતુ એક હોય ત્યારે સામૂહિક નારેબાજીથી લાભ થઈ શકે છે."
"તેનાથી સમૂહનાં ઉત્સાહ, શિસ્ત અને આત્મવિશ્વાસની વૃદ્ધિ થાય છે, જે લક્ષ્યાંકને પાર પાડવામાં મદદરૂપ થાય છે."
"આથી જ રાજકીય કે ધાર્મિક કાર્યક્રમમાં નારેબાજી કરાવવામાં આવે છે. સૈન્ય ટુકડીઓમાં યુદ્ધઘોષ એ જોમ ભરવાનું કામ કરે છે."
"સૈનિકોને કરાવવામાં આવતા કદમતાલ તથા પરેડ પણ પરસ્પર સામંજસ્ય કેળવવા માટેના માધ્યમ છે."
ડૉ. સામાણી ઉમેરે છેકે જો સમૂહ શિસ્તબદ્ધ ન હોય તો ઉત્સાહ એ ઉન્માદમાં પરિવર્તિત થઈ શકે છે, જે કોઈ સર્જનાત્મક કાર્યના બદલે હિંસા અને અંધાધૂંધી નોતરી શકે છે.
જાણકારો કહેવા પ્રમાણે, થિયેટરનું ગાઢ અંધારું, વિશાળ પડદા ઉપર 'લાર્જર ધેન લાઇફ' પાત્રો દર્શકના મગજમાં ગહન છાપ ઊભી કરે છે, જે ફિલ્મ બાદ પણ જળવાઈ રહે છે.
સંવાદની લોકપ્રિયતાને અંકે કરવા કેટલીક ઈ-કૉમર્સ વેબસાઇટ્સ દ્વારા How is the josh?નાં ટીશર્ટ, કિચેઇન્સ, પોસ્ટર્સ અને કૉફી મગ જેવી પ્રોડક્ટ્સ પણ લૉન્ચ કરી છે.
'બોલો, મારા પિતા ટાઇગર હતા?'
ફિલ્મના અન્ય એક દૃશ્યમાં મોહિત રૈના (મેજર કરણ કશ્પ)ના પાર્થિવ દેહ પર દીકરી રીવા અરોરા (સુહાની કશ્યપ) પુષ્પાર્પણ કરે છે.
ત્યારબાદ આંખોમાં આંસુ અને ભીના અવાજે પિતાની બટાલિયનના યુદ્ધઘોષ "શૌર્યમ્ રક્ષમ્ યુદ્ધે"નો ઘોષ કરે છે.
ત્યારે ત્યાં હાજર તેના મામા વિક્કી કૌશલ (મેજર વિહાન સિંઘ શેરગીલ) ધૈર્ય કારવા (કૅપ્ટન સરતાજ સિંઘ ચંડોક) બટાલિયનના અન્ય સાથીઓ 'બલિદાન પરમ ધરમા'નો પ્રતિઘોષ કરે છે.
આ દૃશ્ય થિયેટરમાં રહેલા દર્શકોને ભાવુક કરી દે છે અને દેશદાઝનો સંચાર કરે છે.
ફિલ્મનું આ દૃશ્ય વર્ષ 2015માં વીરગતિને વરેલા કર્નલ મુનિન્દ્ર રાયની અંતિમવિધિ સમયે બનેલી ઘટના પરથી પ્રેરિત જણાય છે.
પિતાની બટાલિયન 9 ગોરખા રાઇફલ્સના સૈન્ય અધિકારી કર્નલ રાયનો પાર્થિવદેહ દિલ્હી કૅન્ટોનમેન્ટ ખાતે રાખવામાં આવ્યો હતો.
ત્યારે કર્નલ રાયનાં 11 વર્ષીય દીકરી અલ્કાએ તેમના પિતાની બટાલિયનનો નારો લગાવ્યો હતો.
અલ્કાએ પૂછ્યું, "ટાઇગર 9 GR કો! હો કે હોઇના?" મતલબ કે 'બોલો, મારા પિતા 9 ગોરખાના ટાઇગર હતા કે નહીં?'
ત્યારે કર્નલ રાઇના ગોરખા સાથીઓએ હવામાં મૂઠ્ઠી ઉઠાવીને "હો, હો, હો" (હા, કર્નલ રાઈ ટાઇગર હતા)નો ઘોષ કર્યો.
તા. 27મી જાન્યુઆરી 2015ના દિવસે આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ રાયનું મૃત્યુ થયું.
અવસાનના એક દિવસ અગાઉ ગણતંત્ર દિવસે તેમને યુદ્ધ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.
લગભગ 201 વર્ષ અગાઉ કર્નલ રાયની 9 ગોરખા રાઇફલ્સની સ્થાપના કરવામાં આવી હતી, તે ભારતની સૌથી જૂની સૈન્ય ટુકડી છે.
જોકે, ફિલ્મની સાથે મૂકવામાં આવેલા 'અસ્વીકરણ' (Disclaimer) પ્રમાણે :
'ફિલ્મ સત્ય ઘટનાઓ ઉપર આધારિત છે, પરંતુ તેનું કાલ્પનિક અને નાટ્યાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે.'
'ફિલ્મમાં દર્શાવવામાં આવેલાં પાત્રો, ઘટનાઓ, સ્થળ અને સ્થળના નામો કાલ્પનિક છે.'
'ફિલ્મને રજૂ કરવા માટે 'સર્જનાત્મક સ્વતંત્રતા' (Creative liberty) લેવામાં આવી છે.'
Josh, નેતા અને નેતાગીરી
કર્નલ બિશનસિંહના કહેવા પ્રમાણે, "દુશ્મન સામે હોય ત્યારે સૈન્ય અધિકારી ડરેલો હોય તો પણ તે પોતાનો ભય ચહેરા પર ન લાવી શકે."
"અન્યથા તેની નકારાત્મક અસર ટૂકડીના મનોબળ ઉપર થઈ શકે છે."
"આવા સમયે પલટનનો નારો લગાવવાથી નેતાનો ખુદનો પણ ડર દૂર થાય છે અને પલટનમાં ઉત્સાહનો સંચાર થાય છે."
ડૉ. સામાણીના કહેવા પ્રમાણે, "ધાર્મિક, રાજકીય તથા સૈન્ય નેતા જ્યારે નારેબાજી કરાવે ત્યારે સમૂહના મનમાં નેતાનું નેતૃત્વ સ્થાપિત થાય છે."
"નેતાની સ્વીકૃતિ ઊભી થાય છે. આ માટે લીડર નારો રીપિટ કરાવડાવે છે. ફૉલોઅર્સની સંખ્યા જેટલી વધારે તેટલો જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધુ."
"આ પ્રકારની નારેબાજીથી નેતાને સમૂહના તેના પ્રત્યેના સમર્પણ, વફાદારી અને ઉત્સાહનો પણ અંદાજ આવે છે."
દેશમાં સામાન્ય રીતે 'ભારત માતા કી જય', 'વંદે માતરમ્' તથા જે-તે નેતાનો જયકારો કરાવડાવવામાં આવે છે.
અગાઉ વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણ તથા પૂર્વ સંરક્ષણ પ્રધાન (જેમના કાર્યકાળ દરમિયાન સર્જિકલ સ્ટ્રાઇક્સ થઈ) તેમના શ્રોતાઓને પૂછી ચૂક્યા છે, 'How is the josh?'
ભૂતકાળ બની જશે યુદ્ધઘોષ?
લગભગ ત્રણ દાયકા સુધી સેનામાં ફરજ બજાવીને બ્રિગેડિયર તરીકે નિવૃત થનારા ચિત્તરંજન સાવંતના કહેવા પ્રમાણે:
"આજે સેનામાં મૉર્ટાર, તોપ અને મિસાઇલ્સ જેવા હથિયારોની મદદથી અમુક સો મીટર કે અનેક કિલોમીટરના અંતરથી જ દુશ્મન સૈનિકોને ખૂબ જ ચોક્કસાઇપૂર્વક ટાર્ગેટ કરી શકાય છે."
"એટલે લડાઈ દરમિયાન અગાઉની જેમ ક્લોઝ કૉમ્બેટ થવાની શક્યતા ઘટી જાય છે."
બ્રિગેડિયર (રિટાયર્ડ) સાવંત ઉમેરે છે, "યુદ્ધઘોષ સૈનિકને 'મરવા કે મારવા' માટે તૈયાર કરે છે. જેમ કે, રાજપૂતાના રાઇફ્લ્સનો યુદ્ધઘોષ 'રાજા રામચંદ્ર કી જય' છે."
"જ્યારે જવાન આ યુદ્ઘઘોષનો લલકાર કરે ત્યારે તેની નજરની સામે રામનું ચિત્ર ઊભું થઈ જાય."
"પોતાની સૈન્ય ટુકડીના વીર યૌદ્ધાઓની તસવીરો અને તેમના પરાક્રમની ગાથાઓ સ્મૃતિપટ ઉપર તાજી થઈ જાય છે."
"જવાનમાં જોશ ભરાઈ જાય છે અને તે 'કંઈક કરી દેખાડવા' તત્પર થઈ જાય છે. એટલે સૈન્ય વ્યવસ્થામાં યુદ્ધઘોષનું મહત્ત્વ હતું અને રહેશે."
બ્રિગેડિયર (રિ.) સાવંતને તેમની સેવા બદલ વિશિષ્ટ સેવા મેડલથી નવાજવામાં આવ્યા હતા.
ભારતની અલગ-અલગ સૈન્ય ટુકડીના નારા અલગ-અલગ છે.
સૈન્ય ટુકડીઓના યુદ્ધ ઘોષ
ઉરી સર્જિકલ સ્ટ્રાઇક
ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક એ વર્ષ 2016માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક્સના ઘટનાક્રમ ઉપર આધારિત છે.
વર્ષ 2016માં તા. 18મી સપ્ટેમ્બરે જમ્મુ અને કાશ્મીરના ઉરી ખાતે આતંકવાદી હુમલામાં 19 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ચાર ઉગ્રપંથી માર્યા ગયા હતા.
આ ઘટનાને કારણે કેન્દ્ર સરકાર ઉપર વેર વાળવાનું દબાણ ઊભું થયું હતું. આથી, વળતી કાર્યવાહીના ભાગરૂપે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરવામાં આવી હતી.
ભારતીય સેનાનો દાવો છે કે એ ઉગ્રવાદી ઘટનાના 11 દિવસ બાદ તેનું વેર વાળવામાં આવ્યું હતું.ભારતીય સેનાની 4 અને 9 પેરાશૂટ રેજિમૅન્ટના કમાન્ડોઝ દ્વારા લાઇન ઑફ કંટ્રોલ પાર કરીને ઉગ્રવાદી, ઉગ્રવાદી લૉન્ચ પેડ્સને નાબૂદ કરી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાને ભારતના આ દાવાને નકાર્યો હતો અને કહ્યું હતું કે ભારતીય સેનાએ લાઇન ઑફ કંટ્રોલ ઉપર 'સામાન્ય ઘર્ષણ' થયું હતું, જેમાં તેના બે સૈનિકના મૃત્યુ થયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો