શું તમારાં નવાં ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પણ ક્લૉનિંગથી સલામત નથી?

    • લેેખક, હરિતા કંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતના જામનગરમાં તાજેતરમાં જ કેટલાક કિસ્સા બહાર આવ્યા છે, જેમાં ગ્રાહકોના ડેબિટ કાર્ડનું ક્લૉનિંગ કરીને તેમના એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લેવામાં આવ્યાં હતાં.

ક્લૉનિંગ દ્વારા ડેબિટ કાર્ડધારકો સાથે છેતરપિંડી ન થાય તે માટે આરબીઆઈ દ્વારા પહેલી જાન્યુઆરીથી EMV ચીપવાળા કાર્ડ ફરજિયાત કરી દેવાયા હતા.

પરંતુ, પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે, આમાંથી કાર્ડ ક્લૉનિંગના કેટલાક કિસ્સા વર્ષ 2019માં બન્યા હતા.

RBI દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, નવેમ્બર-2018માં એટીએમ તથા POS મશીન મારફત એક અબજ 20 કરોડ 16 લાખ જેટલાં ટ્રાન્ઝેક્શન થયાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

'એ દિવસે મૅરેજ ઍનિવર્સરી હતી'

જામનગરમાં ઠગાઈનો ભોગ બનેલા હેમંત જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું:

"22મી જાન્યુઆરીએ અમારી મૅરેજ ઍનિવર્સરી હતી અને અમે સાંજે પિઝા ખાવા માટે બહાર ગયાં હતાં."

"કાઉન્ટર ઉપર કૅશિયરે કહ્યું કે કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી દસ ટકા ડિસ્કાઉન્ટ મળશે. કાર્ડ દ્વારા ચૂકવણું કરવાની આદત હોવાથી આ બાબત સહજ લાગી."

"26 જાન્યુઆરીએ ઈ-મેઇલ ચેક કરતા જાણ થઈ કે 25મી જાન્યુઆરીની રાત્રે ધ્રોળના એટીએમમાં બે ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 45 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા."

શરૂઆતમાં જોશીને છેતરપિંડી અંગે વિશ્વાસ ન બેઠો, કારણ કે તેમની પાસે ચીપવાળું કાર્ડ હતું, જેને વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

જોશી જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં નોકરી કરે છે અને પૈસા શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર આવેલા ધ્રોળમાંથી ઉપાડવામાં આવ્યા હતા.

કાર્ડ, ક્લૉનિંગ અને CON

જામનગરના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપના સબ ઇન્સપેક્ટર એચ. બી. ગોહેલે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું :

"આરોપીઓ 'સ્કિમર' (કાર્ડને ક્લૉન કરવા માટેનું મશીન) વડે એટીએમ (ઑટોમેટેડ ટૅલર મશીન) કાર્ડમાં રહેલી મૅગ્નેટિક ટેપમાંથી જાણકારી ચોરી કરી લેતા હતા.

"ઉપરાંત ગ્રાહક ડેબિટ કાર્ડથી પૈસા ચૂકવતા ગ્રાહકોનું PIN (પર્સનલ આઇડેન્ટિફિકૅશન નંબર) જોઈ લેતા હતાં."

"કાર્ડમાંથી મળેલી માહિતીના આધારે આધારે આરોપીઓ ક્લૉન કાર્ડ તૈયાર કરતા હતા."

"ત્યારબાદ દૂરનાં સ્થળોએ આવેલાં છૂટાછવાયાં એટીએમ કાઉન્ટર પરથી નાણાં ઉપાડી લેતા હતા."

"ક્લૉનિંગ દ્વારા ઠગાઈ કરવાના સાત કેસ નોંધાયા છે. પ્રથામિક તપાસમાં રૂ. પાંચ લાખ 50 હજારની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે."

ગોહેલ ઉમેરે છે કે EMV કાર્ડમાં ચીપ ઉપરાંત મૅગ્નેટિક સ્ટ્રીપ પણ છે, જેના કારણે ઠગાઈ કરવી સરળ બની જાય છે.

સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું :

"હાલમાં જે કાર્ડ વ્યવહારમાં છે, તેમાંથી માહિતી ચોરવી મુશ્કેલ નથી."

ઈએમવી ચીપને કારણે 100 ટકા સુરક્ષા મળશે એવું ન માની શકાય."

"આરબીઆઈ (રિઝર્વ બૅન્ક ઑફ ઇંડિયા) દ્વારા આર્થિક વ્યવહાર દરમિયાન સાયબર સુરક્ષા સંદર્ભે જે નિર્દેશ આપવામાં આવે છે, તેનું બૅન્કો દ્વારા પૂર્ણપણે પાલન નથી થતું."

કાર્ડ ક્લૉનિંગ દ્વારા છેતરપિંડી અટકાવવા RBI દ્વારા નવેમ્બર-2015માં EMV ચીપ કાર્ડ્સ બહાર પાડવા ભારતની સરકારી, ખાનગી, સહકારી બૅન્કો તથા અન્ય નાણાંકીય સંસ્થાઓને નિર્દેશ આપ્યો હતો.

અનેક મુદ્દતો મોકૂફ રાખ્યા બાદ આખરે ડિસેમ્બર 2018થી તેનો અમલ શરૂ થયો છે.

શું છે EMV કાર્ડ?

વિશ્વની મોટી ત્રણ પેમેન્ટ વ્યવસ્થા યૂરો-પે, માસ્ટરકાર્ડ તથા વિઝાને અનુરૂપ થવા માટે EMV કાર્ડ લૉન્ચ કર્યાં હતાં, જેમાં ચીપ ઉપરાંત PINની સુરક્ષા પણ હોય છે.

જોકે, દેશના મોટાભાગના એટીએમ મશીન તથા POS (પૉઇન્ટ ઑફ સેલ) મશીન 'ચીપ ઑનલી' માટે અનુકૂળ નથી.

આથી, તેમાં કાર્ડ્સમાં મૅગ્નેટિક સ્ટ્રીપ પણ રાખવામાં આવી છે, જેથી 'સ્વાઇપિંગ' (બોલચાલની ભાષામાં કાર્ડ ઘસીને) દ્વારા આર્થિક વ્યવહારો થતા રહે.

નવા કાર્ડ્સમાં ડાબી બાજુએ એક ચીપ લાગેલી હોય છે, જેમાં ઍકાઉન્ટને લગતી જાણકારી ઍન્ક્રિપ્ટ (ગૂઢ ટેકનિકલ ભાષા)કરવામાં આવેલી હોય છે.

જ્યાર સુધી પીન નંબર દાખલ કરવામાં ન આવે, ત્યાર સુધી એટીએમ કે POS મશીન આર્થિક વ્યવહારને આગળ વધવા દેતા નથી.

આપને આ પણ વાંચવું ગમશે

વેપારી POS મશીનમાં કાર્ડ દાખલ કરે અને પછી આપને PIN નંબર દાખલ કરવા કહે તે ચીપ દ્વારા ચૂકવણાની વ્યવસ્થા છે.

બૅન્કિંગ ક્ષેત્રણના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, અમુક બૅન્કો દ્વારા ગ્રાહકોને આપવામાં આવેલા નવા કાર્ડમાં મૅગ્નેટિક સ્ટ્રીપ, ચીપ ઉપરાંત NFC સુવિધા પણ ધરાવે છે.

જે Near Field Communication સજ્જ હોય છે, જેમાં મશીન ઉપર કાર્ડને મૂકવાની સાથે જ આર્થિક વ્યવહાર થઈ જાય છે, તેમાં PIN દાખલ કરવાની જરૂર નથી પડતી.

આ પ્રકારના કાર્ડને 'કૉન્ટેક્ટલેસ કાર્ડ' પણ કહેવામાં આવે છે.

જોકે ટેકનૉલૉજી નવી હોવાને કારણે તથા જો કોઈને કાર્ડ મળી જાય તો પ્રથમ દર્શીય રીતે ઠગાઈ થવાની શક્યતા વધુ હોવાથી RBI દ્વારા રૂ. બે હજાર સુધીના જ વ્યવહારની છૂટ આપવામાં આવી છે.

અપગ્રેડેશનની જરૂર

દુગ્ગલના કહેવા પ્રમાણે, "વર્તમાન નાણાકીય માળખામાંથી મૅગ્નેટિક સ્ટ્રીપને દૂર કરવા માટે જંગી રોકાણ અને ટેકનૉલૉજિકલ અપગ્રેડેશનની જરૂર પડશે."

"આ માટે ખાસ્સો સમય લાગે તેમ છે, એટલે તત્કાળ મૅગ્નેટિક સ્ટ્રીપ ધરાવતાં કાર્ડ્સ, એટીએમ મશીન કે POS મશીન દૂર થાય તેમ નથી લાગતું."

દુગ્ગલ ઉમેરે છે કે ભારતમાં સાયબર સિક્યુરિટી ઇન્ડસ્ટ્રી હજુ પ્રાથમિક અવસ્થામાં છે.

આપને આ પણ વાંચવું ગમશે

સાવચેતી એ સલામતી

  • જો બૅન્કે કૉન્ટેક્ટલેસ કાર્ડ ઇસ્યુ કર્યું હોય તો સાયબર ક્રાઇમ સેફ વૉલેટનો ઉપયોગ કરો.
  • જ્યારે ચૂકવણું કરો ત્યારે કૅશિયર કે અન્ય કોઈ કર્મચારી PIN વાચવાનો પ્રયાસ નથી કરી રહ્યોને તેની ખાતરી કરો.
  • વેઇટર, ઍટેન્ડન્ટ કે અન્ય કોઈ કર્મચારીને કાર્ડ ન આપો.
  • નજરની સામે જ કાર્ડ સ્વાઇપ કરાવવાનો આગ્રહ રાખો.
  • દરેક ઈ-ટ્રાન્ઝેક્શન માટે SMS મોકલવા RBIએ સૂચના આપી છે, જો ન મળતા હોય તો બૅન્કનો સંપર્ક કરો.
  • ઠગાઈ કે સંદિગ્ધ વ્યવહાર અંગે જાણ થાય કે તત્કાળ બૅન્કને જાણ કરો. આ કિસ્સામાં ઢીલ નુકસાન નોતરી શકે છે.
  • સમયાંતરે ક્રેડિટ તથા ડેબિટ કાર્ડના PIN નંબર બદલતા રહો.
  • ક્રૅડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડના સ્ટેટમેન્ટ્સને સાવચેતીપૂર્વક વાચો.
  • કાર્ડની પાછળ રહેલો CVV (કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ) નંબર યાદ રાખીને ભૂંસી નાખો.
  • કાર્ડ્સની સાથે પાસવર્ડ લખીને ન રાખો.
  • જો PIN યાદ ન રહેતો હોયતો OTP (વન ટાઇમ પાસવર્ડ)થી વ્યવહાર કરો.
  • મેલ-મૅસેજમાં આવેલી લિંક પરથી પેમેન્ટ કરવાનું ટાળો.
  • ફોન ઉપર પાસવર્ડ, કાર્ડ નંબર, તેની એક્સપાયરી તારીખ વગેરે જેવી વિગતો શૅર ન કરો.

(આ સ્ટોરીમાં જામનગરથી દર્શન ઠક્કર તથા દિલ્હીથી જયદીપ વસંતના ઇનપુટ્સ મળેલા છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો