એડિલેડ વન-ડે : કોહલીની કમાલ અને ધોનીની ધમાલ સાથે ઑસ્ટ્રેલિયા સામે ભારતનો વિજય

એડિલેડ ખાતે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચમાં કપ્તાન કોહલીની કમાલની સદી અને ધોનીની ધમાકેદાર ઇનિંગ સાથે ભારત જીત થઈ છે.

ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવ લઈ ભારતને 299 રનનું લક્ષ્ય આપ્યું હતુ.

જવાબમાં ભારતે 49.2 ઓવર્સમાં 299 રન કરી મૅચ જીતી લીધી હતી.

અગાઉ ઑસ્ટ્રેલિયાએ શોન માર્શની સદીની મદદથી 9 વિકેટ પર 298 રન કર્યા હતા. માર્શે 123 બૉલમાં 131 રન કર્યા હતા.

ભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્માએ સારી શરુઆત કરી હતી અને 47 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

શિખર ધવન 32 રને અને રોહિત શર્મા 43 રને આઉટ થયા બાદ કોહલીએ બાજી સંભાળી હતી.

કોહલીએ 112 બૉલમાં 104 રન કર્યા હતા જેમાં 5 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

રિચર્ડસને વિરાટ કોહલીને આઉટ કર્યા હતા.

કોહલી આઉટ થયા બાદ રોમાંચક બનેલી મૅચમાં ધોની અને દિનેશ કાતિકે બાજી સંભાળી હતી.

ધોનીએ ર્એ 53 બૉલમાં 54 કરી જીત અપાવી હતી. દિનેશ કાર્તિકે 15 બૉલમાં 25 રન કરી મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

રોમાંચક બનેલી મૅચમાં ભારતને આખરી બે ઓવરમાં 16 રન કરવાના આવ્યા હતા.

49મી ઓવરમાં ભારતે 8 રન કર્યા હતા. 50મી ઓવરના પ્રથમ બૉલે ધોનીએ છગ્ગો મારી મૅચ ભારત તરફ કરી લીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભૂવી-શામીની ઘાતક બૉલિંગ

આ મૅચમાં ભારતની પેસ જોડી ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીએ સાત વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમારે 45 રનમાં ચાર અને મોહમ્મદ શામીએ 58 રનમાં ત્રણ વિકેડ ઝડપી હતી.

પ્રથમ મેચમાં ભારતને 34 રનથી હરાવ્યા બાદ ઑસ્ટ્રેલિયા આ મેચ પણ જીતવા માટે ઉત્સાહમાં હતું

પ્રથમ વનડે મેચમાં ભારતીય બેટ્સમેન રોહિત શર્માએ 133 રન ફટાકાર્યા હોવા છતાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ મેચ ભારત માટે જીતવી જરુરી હતી.

વિરાટ કોહલીની કૅપ્ટન્સી હેઠળ તેમના સહિત કુલ વાઇસ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા શિખર ધવન, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, કેદાર જાદવ, ભુનવેશ્વર કુમાર, કુલદિપ યાદવ, મોહમ્મદ શામી, મોહમ્મદ શિરાજ, યુઝવેન્દ્ર ચહલ, કે. ખલિલ અહમદ અને વિજય શંકરનો સમાવેશ થાય છે.ભારતે આ મૅચમાં ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજને તક આપી હતી. જોકો, સિરાજને એક પણ વિકેટ મળી નહોતી. આ મૅચમાં જીત બાદ શ્રેણી સરભર થઈ ગઈ છે. હવે આખરી મૅચ જીતનાર શ્રેણી વિજેતા ગણાશે.

મેન ઑફ ધ મૅચ બનેલાં કૅપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે 50 ઓવર વિકેટકિપિંગ બાદ આવી મૅચ વિનિંગ ઇનિંગ રમવી સહેલું નથી હોતું. ધોનીના મનની વાત ખાલી તેઓ જ જાણતા હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો