You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ભાજપના પૂર્વ મુખ્ય મંત્રી 36 હજાર કરોડના કથિત કૌભાંડમાં ફસાશે?
- લેેખક, આલોક પ્રકાશ પુતુલ
- પદ, રાયપુર, બીબીસી ગુજરાતી માટે
છત્તીસગઢ સરકારે 36 હજાર કરોડ રૂપિયાના નાગરિક પુરવઠા નિગમ એટલેકે નાન કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની મંજૂરી આપી દીધી છે.
એસઆઈટી ટીમની રચના આઈજી સ્તરના અધિકારીના નેતૃત્વમાં કરવામાં આવશે.
36 હજાર કરોડના કથિત કૌભાંડમાં તત્કાલીન મુખ્ય મંત્રી રમન સિંહ અને તેમના પરિવારજનો સામેલ હોવાનો આક્ષેપ વિપક્ષમાં રહીને કૉંગ્રેસ પાર્ટી લગાવતી રહી છે.
આ ઉપરાંત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેશ બધેલે પણ સરકાર બનાવ્યા બાદ નાન કૌભાંડ માટે નવેસરથી તપાસ કરાવવાના સંકેત આપ્યા હતા.
રાજ્યના વરિષ્ઠ મંત્રી રવીન્દ્ર ચૌબેએ કહ્યું,"માનનીય ડૉ. રમન સિંહને એ વાતનો ભય ન હોવો જોઈએ કે તપાસ ક્યાં સુધી પહોંચશે. પહેલાં પણ અમારો જે આરોપ હતો, એ આરોપ ઉપર હજુ પણ અમે સ્થિર છીએ."
"અમારી કોઈ કાર્યવાહી બદલાની ભાવનાથી નહીં થાય પરંતુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જે રીતે તપાસ થવી જોઈએ, અપેક્ષિત તપાસ અને કાયદેસરની કાર્યવાહી ચોક્કસ થશે."
જો કે વિપક્ષી દળ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ અને ધારાસભ્ય ધરમલાલ કૌશિકે આ બાબતને બદલાની રાજનીતિ ગણાવતા એક નિવેદનમાં કહ્યું હતું કે આ બાબત પહેલાંથી જ ન્યાયાલયને આધીન છે અને જો કોઈ પુરાવા હો તો પ્રદેશ સરકારે કોર્ટમાં રજૂ કરવા જોઈએ.
સરકાર બન્યા પછી આ બીજો કિસ્સો છે, જેની એસઆઈટી તપાસ કરાવવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં 2013માં ઝીરમમાં થયેલા માઓવાદી હુમલાની એસઆઈટી તપાસ કરાવવાની સરકારે જાહેરાત કરી છે.
ઝીરમ તળેટીમાં થયેલા માઓવાદી હુમલામાં કૉંગ્રેસના ટોચના નેતાઓ સહીત 29 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કિસ્સામાં એનઆઈએ તપાસ પહેલાં જ થઈ ચૂકી છે.
આ જ નાન કૌભાંડની તપાસ પણ આર્થિક અપરાધ અન્વેષણ બ્યૂરો કરી ચૂક્યું છે અને મહિના પહેલાં જ આ કિસ્સામાં પૂરક આરોપ પત્ર અદાલતમાં રજૂ કરવામાં આવ્યું હતું.
શું છે કથિત કૌભાંડ
છત્તીસગઢ ઍન્ટિ-કરપ્શન બ્યૂરો અને આર્થિક અપરાધ શાખાએ 12 ફેબ્રુઆરી 2015એ રાજ્યમાં નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ અને કર્મચારીઓના 28 ઠેકાણાઓ ઉપર એક સાથે દરોડા પાડીને કરોડો રૂપિયા જપ્ત કર્યા છે.
આ ઉપરાંત આ કિસ્સામાં ભ્રષ્ટાચાર સંબંધિત ઘણાં દસ્તાવેજ, હાર્ડ ડિસ્ક અને ડાયરી પણ ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ જપ્ત કર્યાં હતાં.
આરોપ છે કે ધાનનો કટોરો કહેવાતા છત્તીસગઢમાં રાઇસ મિલો પાસેથી લાખો ક્વિન્ટલ ખરાબ ચોખા લેવામાં આવ્યા અને એના બદલે કરોડો રૂપિયાની લાંચખોરી કરવામાં આવી.
તમે આ વાંચ્યું કે નહીં?
આ જ રીતે નાગરિક પુરવઠા નિગમના ટ્રાન્સપૉર્ટેશનમાં પણ મોટું કૌભાંડ કરવામાં આવ્યું.
આ કિસ્સામાં 27 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાંથી 16 વિરુદ્ધ 15 જૂન 2015ના રોજ આરોપપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.
જ્યારે કેસમાં બે વરિષ્ઠ આઈએએસ અધિકારી ડૉ.આલોક શુક્લા અને અનિલ તૂટેજા વિરદ્ધ કાર્યાવાહીની પરવાનગી માટે કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો.
બંને અધિકારીઓ વિરુદ્ધ 4 જુલાઈ 2016ના રોજ કેન્દ્ર સરકારે પરવાનગી આપી પણ દીધી. પરંતુ રાજ્ય સરકારે આ કિસ્સામાં કોઈ કાર્યાવાહી ના કરી.
લગભગ અઢી વર્ષ પછી આ બંને અધિકારીઓ વિરુદ્ધ ગત મહિનાની 5 તારીખે પૂરક ચલણ રજૂ કરવામાં આવ્યું છે.
ડાયરીનું રહસ્ય
કૉંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે ઍન્ટિ કરપ્શન બ્યૂરો અને આર્થિક અપરાધ શાખાએ આરોપીઓ પાસેથી એક ડાયરી પણ મેળવી હતી, જેમાં 'સીએમ મૈડમ' સહીત તત્કાલીન મુખ્યમંત્રી રમન સિંહના ઘણાં પરિવારજનોના નામ કથિત રીતે લાંચ લેનારાઓ તરીકે નોંધાયેલાં હતાં.
આરોપ છે કે આ કથિત ડાયરીનાં ૧૦૭ પાનાંઓમાં સવિસ્તાર તમામ કથિત લેણ-દેણ નોંધેલી હતી, પરંતુ ઍન્ટિ-કરપ્શન બ્યૂરો અને આર્થિક અપરાધ શાખાએ આ ડાયરીનાં કેવળ 6 પાનાંઓનો સગવડ મુજબનો ઉપયોગ કર્યો.
ઍન્ટિ-કરપ્શન બ્યૂરોના તત્કાલીન હેડ મુકેશ ગુપ્તાએ સાર્વજનિક રીતે આ કિસ્સા બાબતે સ્વીકાર કર્યો હતો કે આ કૌભાંડના તાર જ્યાં સુધી પહોંચ્યા છે, ત્યાં તપાસ કરી શકવી તેમના માટે શક્ય નથી.
કૉંગ્રેસ પાર્ટીએ પણ આરોપ લગાવ્યો હતો કે ઍન્ટિ-કરપ્શન બ્યૂરો અને આર્થિક અપરાધ શાખા મુખ્ય મંત્રીને જ આધીન છે, એટલે આ કેસની નિષ્પક્ષ તપાસ શક્ય નથી.
કૉંગ્રેસ પાર્ટી આ બાબતની હાઈકોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસની માગ કરતી રહી પરંતુ સરકારે આ માગ તરફ ધ્યાન આપ્યું નહીં.
સરકાર કહે છે કૌભાંડ હતું જ નહીં
જે કિસ્સામાં રાજ્ય સરકારની જ એજન્સીઓએ દરોડા પાડ્યા અને તપાસ પછી આ કથિત કૌભાંડને જાહેર કરવાનું કાર્ય કર્યું, અધિકારીઓની ધરપકડ કરીને જેલભેગા કર્યા, અધિકારીઓ-કર્મચારીઓ સાથે કરોડોની બેહિસાબ સંપત્તિ અને રોકડ રકમ જપ્ત કરી.
રાજ્ય સરકારે સોગંદનામું આપીને હાઈકોર્ટમાં કહ્યું કે આ રીતનું કોઈ કૌભાંડ થયું જ નથી.
રસપ્રદ તો એ છે કે આ રીતે સોગંદનામું આપીને આ કથિત કૌભાંડથી રાજ્ય સરકાર પીઠ ફેરવતી રહી, ત્યાં બીજી તરફ પુરાવાઓ અને કેસની ગંભીરતાને જોતા ધરપકડ કરવામાં આવેલા ઘણા અધિકારીઓને વર્ષો સુધી જામીન ન મળ્યા.
હાઈકોર્ટે આ કેસને ગંભીર અને રાષ્ટ્રીય સ્તરના કૌભાડની શ્રેણીમાં મૂક્યો.
કેસની ગંભીરતાનો અંદાજ એ વાતથી પણ લગાવી શકાય છે કે ગત મહિનાની 5 તારીખે આ કિસ્સામાં જ્યારે બીજી વાર ચલણ રજૂ કરવામાં આવ્યું તો બે આઈએએસ અધિકારીઓને પણ આ કેસમાં આરોપી માનવામાં આવ્યા અને અદાલતે આ કેસમાં જામીનની અપીલ પણ નાબુદ કરી દીધી.
જો કે, રાજ્યના નવનિયુક્ત ઍડ્વોકેટ જનરલ કનક તિવારીએ કહ્યું છે કે જો જરૂર પડી તો રાજ્ય સરકાર તરફથી હાઈકોર્ટમાં જે જવાબ પહેલાં રજુ કરવામાં આવ્યો હતો, તેમાં સંશોધન કરવામાં આવશે.
પરંતુ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ધારાસભ્ય ધરમલાલ કૌશિક સરકારના તાજા નિર્ણયને મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે જ્યારે અદાલતમાં ચલણ રજુ થઈ ગયું છે ત્યારે એસઆઈટીની રચના કરવાથી એમાં રાજનીતિની ગંધ આવી રહી છે.
કૌશિકે કહ્યું-"નાન કૌભાંડની બાબતે મુખ્ય મંત્રી બધેલ શરૂઆતથી પૂર્વાગ્રહગ્રસ્ત થઈને પોતાના ઈરાદા વ્યક્ત કરતા આવ્યા છે અને એક તથ્યહીન કિસ્સાને તુલ આપીને 'બદલાપુરની રાજનીતિ' કરી રહ્યા છે."
કૉંગ્રેસ સરકારની કાર્યવાહીને 'બદલાપુરની રાજનીતિ' જેવા જુમલાથી કેટલો ફરક પડશે એ કહી શકવું તો મુશ્કેલ છે, પરંતુ રાજકીય ક્ષેત્રે મનાય છે કે એસઆઈટીની તપાસ ભાજપા માટે અને ખાસ કરીને ભૂતપૂર્વ મુખ્ય મંત્રી રમન સિંહ માટે તો ચોક્કસ મુશ્કેલી ઊભી કરશે.
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો