રામમંદિર મામલે અયોધ્યામાં સંતોની ધર્મસભાનો આંખે દેખ્યો અહેવાલ

- લેેખક, સમીતાત્મજ મિશ્ર
- પદ, અયોધ્યાથી, બીબીસી ગુજરાતી માટે
શનિવાર સુધી ભારે સુરક્ષા વચ્ચે સુતેલા અયોધ્યાના રસ્તાઓ પર રવિવાર વહેલી સવારથી જ 'જય શ્રીરામ', 'મંદિર વહીં બનાયેંગે'ના નારાઓ ગુંજવા લાગ્યા હતા.
હજુ એક દિવસ પહેલાં જ શાંત ભાસી રહેલાં આ નાના એવા પણ જાણીતા નગરમાં લોકોની આવજા એકાએક વધી ગઈ અને લોકોના ટોળાઓનો અંદાજો લગાવવનારાઓના આંકડા ખોટા સાબીત થવા લાગ્યા.
ધર્મસભાના કાર્યક્રમને 'બડી ભક્તમાલ કી બગિયા'માં રાખવામાં આવ્યો હતો, જેનાં બે કારણ હતાં.
એક તો આ સ્થળ શહેરથી થોડું બહાર હતું અને બીજું એ કે વિશ્વ હિંદુ પરિષદે જેટલી સંખ્યામાં લોકોના પહોંચવાનો અંદાજ લગાવ્યો હતો તે માટે તેવા જ મોટા વિસ્તારની જરૂર પડે એમ હતી.
કાર્યક્રમની શરૂઆત સવારે 11 વાગ્યે થવાની હતી. જોકે, સંતો અને લોકોનું પહોંચવું સવારથી જ શરૂ થઈ ગયું હતું.
મોટા એવા મંચ પર સોથી પણ વધુ સંતો બિરાજેલા હતા, જેમાં નૃત્યગોપાલદાસ, રામભદ્રાચાર્ય, રામાનુચાર્ય જેવાં નામો પણ સામેલ હતાં.
કાર્યક્રમના સ્થળ તરફ જનારા રસ્તાઓ પર ભીડને કારણે કેટલીય જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા.
અલબત્ત, લોકોને રોકવા માટે ઠેરઠેર બૅરિકેડ્સ લગાવાયા હતા. જોકે, એમ છતાં રસ્તાઓ પર ગાડીઓ ઢસડાતી જોવા મળી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મસભામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ પહોંચ્યાં હતાં. ઠેરઠેર ભીડમાં કે લન્ચ પૅકેટ લેતી કતારોમાં તેમની હાજરી પણ નોંધાઈ.
શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને પત્રકાર પરિષદ બાદ ધર્મસભા સ્થળ પર પહોંચતા ઓછામાં ઓછા બે કલાક લાગ્યા. આ અંતર માત્ર પાંચ કિલોમિટરનું હતું.
તેમની પત્રકાર પરિષદ લખનૌ-ફૈઝાબાદ હાઇવે પર સ્થિત એક હોટેલમાં હતી. હાઇવે પર લોકોને ધર્મસભા માટે લઈ જઈ રહેલી બસો સતત દોડતી જોવા મળતી હતી.
આ બધી બસોની અંદર લોકોની સંખ્યા ભલે ઓછી જણાઈ પણ નારાની ગુંજ ગજબની હતી.
એમાં પણ મીડિયાને જોઈને નારાઓનો અવાજ અને ભક્તોની ઉર્જામાં ઉમેરો થવા લાગતો હતો.

સંઘનો સહકાર

ધર્મસભાના સ્થળે પહોંચ્યા પછી પણ લોકોને અંદર પહોંચવામાં સંઘર્ષ કરવો પડ્યો હતો.
કારણ કે અંદરથી લોકોની આવનજાવન ચાલુ જ હતી.
બહાર આવતાં લોકોએ જણાવ્યું કે તેમણે સંતોની વાતો સાંભળી લીધી તેથી બહાર આવી ગયા.
અમુક લોકો ગુસ્સામાં બહાર આવી રહ્યા હતા કારણ કે તેઓ છેક સુધી પહોંચી શક્યા નહોતા.
આ ધર્મસભાનું આયોજન વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી)એ કર્યું હતું જોકે, મંચ પરથી જાહેરાત પણ કરાઈ હતી કે આ સભાને સંઘનો સહકાર સાપડ્યો હતો.
ભારતીય જનતા પક્ષે સભાથી ચોક્કસ અંતર જાળવી રાખ્યું હતું.


જોકે, ભાજપના ધારાસભ્યો અને નેતાઓના હૉર્ડિંગ્સ પરથી એ સ્પષ્ટ જણાતું હતું કે ભાજપે પોતાની હાજરી તો નોંધાવી જ છે.
મેં બહરાઇચથી આવેલા એક સજ્જનને પૂછ્યું કે તમારા મતે કેટલા લોકો આવ્યા હશે?
એમણે જવાબ આપ્યો 'લાખોની સંખ્યામાં લોકો આવ્યા છે.'
જોકે, પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે જુદી જુદી સંખ્યા જાણવા મળી હતી.
અયોધ્યાના સ્થાનિક પત્રકાર અને પ્રેસ ક્લબના અઘ્યક્ષ મહેન્દ્ર ત્રિપાઠી સાથેની વાતચીત મુજબ આ સંખ્યાં 'એક લાખ જેટલી' હતી.
તેમણે કહ્યું, " સભાસ્થળ સુધી લઈ જતાં તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા છે. લોકો આમ તેમ ભટકી રહ્યા છે. "
"સભાસ્થળની ક્ષમતા એક લાખની મેદનીને સમાવવાની છે. પણ કાર્યક્રમ દરમિયાન સભાસ્થળ અડધું પણ ભરાયેલું નહોતું."
અમે સંઘર્ષ કરતા-કરતા અંદર પહોંચીને રાહતનો શ્વાસ લીધો હતો.
અંદર બહાર જેવી સ્થિતિ નહોતી. બહાર લોકોની ભીડને અંદર સુધી પહોંચવા માટે સંઘર્ષ કરવા છોડી મૂકાઈ હતી.
જ્યારે અંદર તો ફક્ત મંચ પાસે જ ભીડ જામી હતી બાકી ખુરશીઓ ખાલીખમ હતી.
આ સ્થિતિ બપોરે એક વાગ્યે હતી. બપોરે અઢી વાગ્યે કાર્યક્રમ સમાપ્ત થયો ત્યારે તો મેદાન લગભગ ખાલી થઈ ગયું હતું.

તો ભાજપ પર ભરોસો કરવો?

મંચ ઉપરથી સંતોએ આશા મુજબ જોશીલાં ભાષણો આપ્યાં.
'રામ મંદિર બનાવીને રહીશું, રામ મંદિરનું નિર્માણ કરવા માટે અત્યાર સુધીની સરકારોએ વિઘ્ન નાખ્યાં હતાં.'
'હવે આવી સરકાર નથી. રામ લલ્લા ટૅન્ટમાં રહે એવું અમે સહન નહીં કરીએ.'
'હવે હિંદુ જાગી ગયો છે'. તમામ સંતોના ભાષણનો નિષ્કર્ષ કંઈક આવો નીકળતો હતો.
હરિદ્વારથી આવેલા સંત રામાનુજાચાર્યે મંદિર નિર્માણ માટે કપિલ સિબ્બલ અને રાજીવ ધવનને જ સીધા આડખીલી ગણાવ્યા.
તેમણે સભામાં ઉપસ્થિત લોકોને એવો વિશ્વાસ અપાવ્યો કે મંદિર નિર્માણનું કામ વર્તમાન વડા પ્રધાન અને વર્તમાન સરકાર જ કરી શકે છે. તેથી તેમની શક્તિમાં વધારો કરવામાં આવે.
તુલસી પીઠાધીશ્વર ચિત્રકૂટના સંત રામભદ્રાચાર્યએ કહ્યું, "ભાજપ પર ભરોસો કરો, ભાજપ મંદિર બનાવશે. ભાજપ ચૂંટણી પછી મંદિર માટે ચોક્કસ પહેલ કરશે."
આ પ્રકારના જોશીલાં ભાષણો વચ્ચે ભીડમાંથી નારા પણ સંભળાતા હતા, 'યાચના નહીં અબ રણ હોગાશે.' મંચ ઉપર બેઠેલા સંતો પણ આ નારાઓ વારંવાર લગવવ માટે અપીલ કરી રહ્યા હતા.
યુવાનોની ટોળકીઓ આ પ્રકારના બૅનર અને તખ્તીઓ સાથે મેદાનમાં આવી હતી.
જોકે, ભીડમાંથી કેટલાક યુવાનોએ આ મુદ્દે થઈ રહેલા રાજકારણ અંગે નારાજગી દર્શાવી હતી.
મીડિયાના કેમેરાની સમક્ષ યુવાનોએ જે નારા લગાવ્યા તે મંચ ઉપર બેસેલા સંતો સુધી પહોંચ્યા હતા.
સંતોએ આ નારાઓથી નારાજગી પણ દર્શાવી હતી. સંતોએ તો ત્યાં સુધી કહીં દીધું કે આ લોકો કોઈના 'દલાલ' છે અને અહીંયા વિઘ્ન નાખવા માટે આવ્યા છે.
કાર્યક્રમ સમાપ્ત થયા બાદ ઉપસ્થિત લોકોને રામ મંદિરના નિર્માણમાં સહકાર આપવાની શપથ લેવડાવવામાં આવી હતી.
જોકે, શપથ ગ્રહણ સુધી તો ભીડ રવાના થઈ ગઈ હતી.
"સંઘ અને વીએચપીએ આ દિશામાં નક્કર કામગીરી કરી છે, આગળ પણ કરશે."
"અમને તેમના પર ભરોસો છે અને અમારું સમર્થન તેમની સાથે છે."
શપથમાં ઉપરોક્ત વાતોનો ઉમેરો પણ કરાયો હતો.

"હોઇહૈ સોઇ જો રામ રચિ રાખા"

કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા કેટલાક યુવાનો સાથેની વાતચીમાં જાણવા મળ્યું કે તેમને આ કાર્યક્રમમાં માહોલ ઊભો કરવા માટે જ બોલાવવામાં આવ્યા હતા.
આ યુવકોએ જણાવ્યું હતું કે આ ધર્મસભા બોલાવવાનો ઉદ્દેશ્ય હિંદુઓને જગાડવાનો હતો.
જ્યારે એક યુવકને પૂછ્યું કે સભામાં મંદિરના નિર્માણ વિશે સંતોએ શું કહ્યું?
તો એ યુવકે જવાબ આપ્યો, " હવે ખબર પડી ગઈ છે કે હિંદુઓ જાગી ગયા છે. હવે કોઈ પણ ક્ષણે મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ જશે."
આ યુવકોની નજરે તેમના જોશ સામે દેશની સર્વોચ્ચ અદાલત, દેશનું બંધારણ વગેરે જેવી ચીજો વામણી જણાતી હતી.
તેમને આશા હતી કે ટૂંક સમયમાં મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ જશે.

જોકે, ત્યાં જ બારાબંકીથી આવેલા કૉલેજના વિદ્યાર્થીએ તેને ટોકતાં કહ્યું," મંદિરના નિર્માણની તારીખ હમણાં નહીં પરંતુ 11 ડિસેમ્બરની ધર્મ સંસદમાં નક્કી થશે."
મજાક કરતા-કરતા એ યુવકો બોલ્યા 'એનો અર્થ એ થયો કે પાછી તારીખ પડી ગઈ.'
અંતે અઢી કિલોમીટર પગપાળા ચાલી અમે અયોધ્યા શહેરની વચ્ચે પહોંચ્યા.
એક જેવા ચાની કિટલી પર બેઠા કે એ સમયે જ ગોરખપુરથી આવેલા 81 વર્ષના વૃદ્ધ આવીને બેસ્યા.
વાતચીતમાં તેમ ચિંતા વ્યક્ત કરી કે હજી સુધી મંદિરનું નિર્માણ થઈ શક્યું નથી.
શું આ ધર્મ સંસદ બાદ મંદિરના નિર્માણનો રસ્તો સાફ થશે?
અમારા આ સવાલનો જવાબ તેમણે આપ્યો
"હોઇહૈ સોઇ જો રામ રચિ રાખા"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














