You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"મારા 13 વર્ષના દીકરાએ ઠંડે કલેજે મારી દીકરીની હત્યા કરી નાખી"
ચૅરિટી લીની ઉંમર છ વર્ષની હતી ત્યારે ઘરમાં જ તેમનાં માતાએ તેમના પિતાની હત્યા કરી નાખી હતી.
તેમની માતાએ ટેક્સાસમાં તેમના નિવાસસ્થાને જ તેના પિતાને ગોળી મારી દીધી. જોકે, બાદમાં તેઓ નિર્દોષ છૂટી ગયાં હતાં.
ચૅરિટી કિશોરી તરીકે સારા વિદ્યાર્થિની અને સારા ઍથ્લીટ પણ હતાં.
જોકે, તેઓ માનસિક બીમારીથી પીડાવા લાગ્યાં હતાં અને ડ્રગ્સ લેવાના આદી થઈ ગયાં હતાં.
તેઓ 18 વર્ષનાં થયાં ત્યારે તેમણે વ્યસન છોડવા સારવાર લીધી હતી અને તેમની લત છૂટી પણ ગઈ હતી.
પોતાની આસપાસના પર્યવારણ સાથે મનુષ્ય કેવી રીતે વર્તે છે તે હ્યુમન ઇકોલૉજીનો અભ્યાસ કરવા માટે, ચૅરિટીએ યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું હતું.
ચૅરિટીએ કહ્યું, "મને યાદ છે કે મને હંમેશાં એમાં રસ પડતો કે લોકો કેવી રીતે વર્તે છે. લોકોને પ્રેરતું પરિબળ કયું છે તે શોધવું મને ગમે છે."
જોકે, ચૅરિટી માટે આ એક વિષય નથી. રોજિંદા જીવનમાં તેમને આ જ કામ કરવું પડે છે. તેનું કારણ છે તેમનો દીકરો પારિસ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે, "મારો દીકરો સોશિયોપેથ છે, તેમાં મને કોઈ શંકા નથી."
ચૅરિટીનો પુત્ર 13 વર્ષનો હતો ત્યારે તેણે તેની ચાર વર્ષની બહેન ઍલાની છરી મારીને હત્યા કરી નાખી હતી. તે છેલ્લાં 11 વર્ષથી જેલમાં છે.
તે કદાચ 50 વર્ષનો ના થાય ત્યાં સુધી જેલમાંથી છોડાશે નહીં.
આવી કરુણ ઘટના બને પછી માતાપિતા કેવી રીતે આગળનું જીવન જીવી શકતાં હોય છે?
પોતાનું સંતાન સોશિયોપેથ (અસામાજિક વર્તન કરવા પ્રેરતી વિક્ષિપ્ત માનસિકતા) છે તે માતા કઈ રીતે સમજી શકે?
શું આવી કરુણ હાલતમાં પણ સંતાનને પ્રેમથી સંભાળવાથી સ્થિતિમાં સુધારો થાય ખરો?
ચૅરિટીની મુશ્કેલીની શરૂઆત
કૉલેજના દિવસો સારા હતા, પણ લાગણીનો ઊભરો કાબૂમાં રાખવો મુશ્કેલ હતું, એવું ચૅરિટી જણાવે છે:
"મારી સ્થિતિ બહુ ખરાબ હતી. લોકો મને કહેતા કે થોડી સોબર થઈ જા, તો જિંદગી બહુ સારી થઈ જશે.”
“જિંદગી સારી નહોતી, જરાય સારી નહોતી! કેમ કે ડ્રગ્સને કારણે મેં જે પીડાઓ દબાવીને રાખી હતી તે ફરીથી સપાટી પર આવી રહી હતી."
ડ્રગ્સથી દૂર રહીને, એક વર્ષ બહુ ગમગીનીમાં કાઢ્યું પછી ચૅરિટીએ નક્કી કર્યું કે ત્રણ મહિનામાં તેમણે આખરી નિર્ણય કરી લેવો પડશે.
"મને ખબર હતી કે આ કિશોરાવસ્થાની માનસિકતા હતી.”
“પણ મેં નક્કી કર્યું હતું કે જો હું ત્રણ મહિનામાં જીવનમાં આનંદ નહીં શોધી લઉં તો પછી મારા માટે જીવન પૂરું થઈ ગયું."
તે વખતે ચૅરિટીને ખ્યાલ આવ્યો કે તે પ્રૅગ્નન્ટ થયાં છે. તે સાથે જ "બધું જ બદલાઈ ગયું."
“મને લાગે છે કે મેં જિંદગીમાં બીજા કોઈને એટલો પ્રેમ નહોતો કર્યો, જેટલો મારી અંદર ઊછરી રહેલા બાળકને કર્યો હતો.”
તમે આ વાંચ્યું કે નહીં?
ચેરિટીએ પોતાના સંતાનનું નામ પૌરાણિક કથાના ગ્રીક રાજકુમારના પાત્ર પરથી પારિસ પાડ્યું.
જોકે, રાતોરાત સ્થિતિ સુધરી ગઈ નહોતી. પરંતુ તે હવે માતા બન્યાં હતાં, તેથી ચૅરિટી સંતાન ખાતર વધારે સારું જીવન જીવવા માટે પ્રેરાયાં હતાં.
નવ વર્ષ પછી તે ફરીવાર ગર્ભવતી બન્યાં. આ વખતે તેમને દીકરી જન્મી, જેનું નામ તેમણે ઍલા રાખ્યું. ઍલા બહુ મજાની દીકરી હતી.
ચૅરિટીએ કહ્યું, "બંને સંતાનોમાં સૌથી મોટો ફરક એ હતો કે પારિસ એકાકી અને શરમાળ હતો."
"ઍલા તો ખૂબ જ ઉત્સાહી હતી! તે મળતાવડી, મક્કમ અભિપ્રાયો ધરાવતી અને ધાર્યું કરાવનારી હતી."
ભાઈ-બહેનને સારું બનતું પણ હતું. પારિસ ખરેખર ઍલાને પ્રેમ કરતો હોય તેમ લાગતું હતું. ઍલાને પણ પારિસ માટે બહુ માન હતું.
'ચિંતાનું કોઈ કારણ નહોતું'
પારિસ સારો છોકરો હતો. ચૅરિટી કહે છે:
"પારિસ મોટાભાગે શાંત રહેતો હતો. બીજા બાળકોની જેમ ક્યારેક તોફાને ચડી જતો હતો, પણ એવું કશું નહોતું કે મને બહુ ચિંતા થાય."
ચૅરિટી ભારપૂર્વક કહે છે કે તે વખતે તેને ક્યારેય પુત્રના કારણે ચિંતા થઈ નહોતી.
"મારું કહેવાનું એમ છે કે એ તોફાનો કરતો અને કેટલુંક એવું કરતો કે ચેતવા જેવું લાગે.”
“પણ તે વખતે એવું જ લાગતું કે ઠીક છે, છોકરાઓ આવું કરતા હોય છે."
જોકે, સ્થિતિ એટલી સરળ પણ નહોતી.
ઘણાં વર્ષો સુધી ચૅરિટી ડ્રગ્સ લેવાથી દૂર રહ્યાં હતાં, પણ તેની લત સાવ છૂટી નહોતી.
પારિસ 12 વર્ષનો અને ઍલા ત્રણ વર્ષની હતી ત્યારે છ મહિના માટે તેઓ ફરી કોકેનના રવાડે ચડી ગયાં હતાં.
ચૅરિટીએ કહ્યું, "તે બહુ ખરાબ સમય હતો. છતાં હું બાળકોની જરાય કાળજી ના લેનારી માતા જેવી પણ સાવ નહોતી.”
"મારા માટે જાત સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી અને પારિસે સ્થિતિ સંભાળવી પડી હતી.”
“તે ઍલાની વધારે કાળજી લેવા લાગ્યો હતો."
ચૅરિટી કહે છે કે તેઓ હજુ માતાની ભૂમિકા નિભાવતી હતી, પણ તેના દીકરા માટે એ સમજવું મુશ્કેલ હતું કે વાલી આટલા નબળા હોય અને ભૂલો કરે.
ચૅરિટી વધુમાં કહે છે, “મને લાગે છે કે પારિસ માટે સ્થિતિ બહુ જ કપરી બની ગઈ હતી."
"તે મારા પર બહુ જ, બહુ જ રોષે ભરાયો હતો."
મુશ્કેલ પરિસ્થિતિ
બાળકોને એકબીજા સાથે સારું બનતું હતું તેમ લાગતું હતું.
પરંતુ ચૅરિટીની માતાના ખેતરમાં એકવાર બનેલા બનાવથી પારિસની મનોદશાનો ખ્યાલ આવી જતો હતો.
પારિસ અને ઍલા સગાની એક દીકરી સાથે રમંતા હતાં.
તેમની વચ્ચે કંઈક તકરાર થઈ તેમાંથી મોટો ઝઘડો થઈ ગયો હતો.
ચૅરિટી છોકરીઓને શાંત પાડવા માટે કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે જ પારિસ રસોડામાંથી છરી લઈને નાસી ગયો હતો.
ચૅરિટી તેની ભાળ મેળવવા ગયા ત્યારે તે બહુ આક્રોશમાં હતો.
તે રડી રહ્યો હતો અને છરીથી હવામાં ઘા કરી રહ્યો હતો.
ચૅરિટી એ કિસ્સો યાદ કરતા કહે છે: , "તેણે આપેલો પ્રતિસાદ બહુ વધારે પડતો હતો... તેણે મને કહ્યું કે મારી નજીક ના આવતી નહીં તો હું છરીથી જાતે ઈજા કરી બેસીશ."
એક અઠવાડિયા સુધી તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો હતો.
જોકે, ડૉક્ટરો નક્કી ના કરી શક્યા કે તેને શું મુશ્કેલી છે. તેથી ચૅરિટી તેને ઘરે લઈ ગયાં હતાં.
ચૅરિટીએ વધુમાં ઉમેર્યું, "ઘણા લોકોનું કહેવું હતું કે આ લક્ષણો તેના હિંસક હોવાના છે.”
“જોકે, તે વખતે હું તેવી વાત માનવા તૈયાર નહોતી. મને ખ્યાલ હતો કે હું ફરીથી ડ્રગ્સના રવાડે ચડી ગઈ હતી અને મેં કુટુંબની હાલત ખરાબ કરી નાખી હતી, તેથી પારિસ ખીજવાયો હતો."
ચૅરિટીએ ફરી નશો કરવાનું બંધ કર્યું અને તેમનું જીવન ફરી પાટે ચડ્યું. તે વાત હતી 2005ની.
4 ફેબ્રુઆરી 2007
ચૅરિટીએ કહ્યું, "હું ખોટું નહીં બોલું, પણ તે શનિ-રવિ બહુ તણાવવાળા હતા,"
ઘરમાં ઝઘડા થયા હતા. વળી તે વખતે ચૅરિટી ફરી ભણવા લાગ્યાં હતાં અને વેઇટ્રેસ તરીકે પાર્ટટાઇમ કામ પણ કરવા લાગ્યાં હતાં.
તે દિવસે તે કામે જવા નીકળ્યાં ત્યારે ઘરમાં વાતાવરણ બહુ તંગ હતું.
જોકે, દીકરાને પોતાના વાલી સામે વાંધો પડ્યો હોય અને ગુસ્સામાં હોય તે કોઈ નવી વાત પણ નહતી.
બેબીસિટર આવી ત્યારે તેઓ બાળકોને ગુડ બાય કહીને પોતે નીકળી ગયાં હતાં તે ચૅરિટીને બરાબર યાદ છે.
ચૅરિટી એ પ્રસંગ યાદ કરતા કહે છે:
"ઍલા બહુ મજબૂત છોકરી હતી. તેને જુદા પડવાની વાતથી કોઈ અકળામણ થતી નહોતી.”
“જોકે, તે દિવસ એલા પણ કહેતી હતી કે મમ્મા, એક વાર, હજી એકવાર મને હગ કર અને હજી એક પપ્પી.”
“તેણે વારંવાર એવું કર્યું અને તેના કારણે મને કામે જવાનું મોડું પણ થવા લાગ્યું હતું."
ચૅરિટી પારિસને પણ ભેટ્યાં હતાં અને તેને કહ્યું હતું, "દીકરા હું તને પ્રેમ કરું છું. આના કરતાંય આપણે વધુ મુશ્કેલીમાંથી પસાર થયાં છે.”
“આમાંથી પણ આપણે બહાર નીકળી જશું."
તે પછી ચૅરિટી કામે જવા નીકળી ગયાં.
'ઍલા હવે નથી રહી'
"મઘરાત પછી થોડી વારે, અમે રેસ્ટોરાં બંધ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસ આવી ચડી હતી.”
“પોલીસે કહ્યું કે, ચૅરિટી તમને ખબર આપવા પડે એમ છે કે તમારી દીકરીને ઈજા થઈ છે."
ચૅરિટી જલદીથી દીકરી પાસે જવા માગતાં હતાં.
તેમણે કહ્યું, "ક્યાં છે તે? મને તેની પાસે લઈ જાવ."
પોલીસે કહ્યું કે તે ઘરે જ છે. ચૅરિટીને નવાઈ લાગી કે તેને ઈજા થઈ હોય તો તેને હૉસ્પિટલે કેમ નથી લઈ ગયા?
ત્યારબાદ તેમાંથી એકે કહ્યું કે "ઍલા હવે રહી નથી."
આ ઘટનાને યાદ કરતા ચૅરિટીએ કહ્યું, "મારા માટે જાણે જિંદગીનો એ અંત જ આવી ગયો હતો”
થોડીવાર માટે તે બેભાન જેવા જ થઈ ગયાં હતાં. થોડો હોંશ આવ્યો એ પછી તેમણે પૂછ્યું, "પારિસ ક્યાં છે? તેને કંઈ થયું નથીને?"
"તેને કંઈ થયું નથી. તે અમારી સાથે જ છે."
"તમારી સાથે જ એટલે?"
તે પછી આખરે પોલીસે તેમને જણાવ્યું કે પારિસે જ ઍલાની હત્યા કરી નાખી છે.
ચૅરીટી યાદ કરતા કહે છે, "તે પછી મને કશાનું ભાન રહ્યું નહોતું. મને કશું જ સમજાતું નહોતું."
કેવો હતો તે દિવસ ?
પોતાની માતા પાછી ફરે તે પહેલાં પારિસે બેબીસિટરને ઘરે જવા માટે મનાવી લીધા હતાં.
તે પછી તે ઍલાના બેડરૂમમાં ગયો, તેને મારવા લાગ્યો, તેનું ગળું દબાવી દીધું અને પછી તેને રસોડાની છરીના 17 ઘા માર્યા.
તે પછી પારિસે એક મિત્રને બોલાવ્યો.
તેની સાથે છ મિનિટ વાત કરી અને તે પછી ઇમરજન્સી નંબર 911 લગાવ્યો.
ઇમરજન્સી નંબર પરથી તેણે સૂચના આપી કે તે તેની બહેનને બચાવવા માટે સીપીઆર આપવાની કોશિશ કરે.
તેણે કહ્યું કે પોતે પ્રયત્ન કરી રહ્યો છે.
જોકે, બાદમાં મળેલા પુરાવા દર્શાવતા હતા કે તેણે એલાને ફરી શ્વાસ લેતી કરવા માટે કશું જ કર્યું નહોતું.
ચેરિટીએ જણાવ્યું, "હું લોકોને કહેતી હોઉં છું કે એલા મરી ગઈ છે તેવી મને ખબર પડી ત્યારે જ મારા જીવનના કરોડો ટુકડા થઇ ગયા હતા,"
"મને ખબર પડી કે પારિસે જ તેને મારી નાખી ત્યારે... ત્યારે મને લાગ્યું કે કોઈએ તે કરોડો ટુકડાના પણ ફરી ટુકડેટુકડા કરી નાખ્યા."
તે રાત્રે જ ચેરિટીને લાગ્યું કે તેઓ સાવ ખતમ થઈ ગયા છે.
તેમણે કહ્યું, "મને નહોતું લાગતું કે હું ફરી બેઠી થઈ શકીશ.”
“મારે બસ મરી જવું હતું... પણ હું તેય ના કરી શકી. મારો પારિસ હજી હતો."
હવે તમે શું કરશો?'
બીજા દિવસે ચેરિટી પારિસને મળવા ગયા.
ચેરિટી યાદ કરતા કહે છે, "તેણે પહેલાં તો મને કશું જ કહ્યું નહીં."
"હું પડી ભાંગી હતી. હું મને સંભાળી શકું તેમ નહતી.”
“આખરે તે લોકો મને તે રૂમમાં લઈ ગયા ત્યારે મને પહેલી લાગણી એ થઈ કે 'હું મારા દીકરાને જોઈને ખુશ થઈ રહી છું."
"હું તેને વળગીને રડવા લાગી હતી. હું તેના હાથ અને ખભા પર મારો હાથ ફેરવતી રહી હતી.”
“જાણે હું ખાતરી કરી લેવા માગતી હતી કે મારો દિકરો છે ત્યાં.”
“મારો દીકરો ઠીક છે... પણ મને પછી ખ્યાલ આવ્યો કે મારો દીકરો એમ જ ઊભો હતો, તે મને ભેટી રહ્યો નહોતો."
"તેનામાં કશી જ લાગણી દેખાતી નહોતી."
ચેરિટી કહે છે કે બસ તે ત્યાં હાજર હતો એટલું જ.
તે એક ડગલું પાછળ હટ્યાં અને પારિસ સામે જોઈ રહ્યાં:
"મેં જોયું કે ત્યાં કશું જ નહોતું. તેના ચહેરા પર, તેની આંખોમાં... કશું જ નહોતું!"
"અમે નીચે બેઠા. તેણે મારી સામે જોયું અને પૂછ્યું કે 'હવે તું શું કરવાની છે?'"
"તું શું કહેવા માગે છે?" ચેરિટીએ પૂછ્યું.
પારિસે જણાવ્યુ, "તું કામય કહેતી હતી કે મારા બાળકોને કોઈ હાથ પણ અડાડશે તો તું તેને મારી નાખીશ - તો બોલ હવે તું શું કરવાની છે?" એમ તેણે પૂછ્યું હતું.
"તે ગભરાઇને પૂછી રહ્યો હતો એવું નહોતું. તે મને પડકારી રહ્યો હતો."
"મેં ત્યારે પહેલીવાર જોયું કે પારિસમાં કંઈક બીજું જ હતું.”
“મને ખબર હતી કે તે આક્રોશમાં હતો, પણ આ માત્ર આક્રોશ નહોતો. આ એક કાળી બાજુ હતી."
નર્યો પ્રેમ
પારિસે પોલીસને જણાવ્યું કે તેઓ સૂઈ ગયા હતા. પરંતુ તે જાગ્યો અને તેણે જોયું કે ઍલા આગ ઓકતી રાક્ષસી છે.
તેથી તેણે છરી લીધી અને તે રાક્ષસીને મારી નાખવાની કોશિશ કરી.
પ્રથમ ત્રણ મહિના સુધી ચૅરિટીને પારિસની વાત સાચી લાગી રહી હતી.
તેને લાગ્યું કે તેનું બાળક માનસિક રીતે વિક્ષિપ્ત થઈ ગયું હતું.
ચૅરિટીએ કહ્યું, "તે બીમાર જ હતો, પણ હું માનતી હતી તેનાથી જુદી રીતે માનસિક બીમાર હતો."
"મેં તેની સામે જોયું અને તેને કહ્યું, 'તું જન્મ્યો ત્યારે મેં તને જોઈને જે કહ્યું હતું તે વચન હું તને ફરી આપવા માગું છું.”
“મને ખબર નથી કે તને માતા તરીકે કેવી રીતે ઉછેરવો, પણ હું તારી સારામાં સારી માતા બની રહીશ.”
“ગમે તે થયું હોય પણ હું તને નર્યો પ્રેમ કરું છું."
"હું હંમેશાં પારિસને કહેવા માગતી હતી કે હું તને બહુ જ પ્રેમ કરું છું.”
“કોઈ શરત વિના હું તેને નર્યો પ્રેમ કરું છે."
પારિસે કેટલીયવાર સુધી કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો.
પણ તે બોલ્યો ત્યારે બહુ ઠંડે કલેજે બોલ્યો હતો.
અસલી પારિસની ઓળખ
પારિસે હત્યા કરી તે પછી તે હવે પોતાનો મુખવટો ઉતારી નાખવા માગતો હતો.
તેને હવે કોઈ છોછ નહોતો કે તેની અંદર આવું કોઈક પણ રહે છે.
તેણે પોતાની કાળી બાજુ સ્વીકારી લીધી હતી.
ધરપકડ થઈ તે પછી પારિસનું વર્તન બદલાઈ ગયું હતું.
તે વધુ હિંસક બની ગયો હતો.
બીજા પુરાવા પણ મળવા લાગ્યા હતા: તેની ઇન્ટરનેટ સર્ચ હિસ્ટ્રી પણ બહુ ચોંકાવનારી હતી.
સાથે જ તેણે કેવી રીતે એલાને મારી નાખી તેની કમકમાટીભરી વિગતો પણ બહાર આવવા લાગી હતી.
2007માં પારિસને 40 વર્ષની કેદની સજા કરવામાં આવી.
ચૅરિટીએ સ્વીકાર્યું કે આ કોઈ અકસ્માતે થયેલી વસ્તુ નહોતી કે થોડા વખત માટેની માનસિક અસ્વસ્થતા પણ નહોતી.
પારિસ પહેલેથી જ તેની બહેનને મારી નાખવા માગતો હતો.
"અરે ભગવાન, આ કેવું બાળક છે?" એવું વિચારી રહેલાં ચૅરિટીને હવે સમજાવા લાગ્યું હતું કે "ખરેખર તે કેવો છે."
“તેણે જે કર્યું તે કરી શકે તેવો જ તે લાગવા લાગ્યો હતો.”
“મને લાગે છે તે પછી હું મહિનાઓ સુધી રડતી રહી હતી."
13 દિવસમાં તેનું વજન 15 કિલો ઊતરી ગયું.
બોલતા બોલતા હવે તેની જીભ પણ થોથરાવા લાગી હતી... તે તદ્દન ભાંગી પડ્યાં હતાં.
ચેરિટી યાદ કરતાં કહે છે કે એક વખતે તે પારિસને મળવાં ગયાં હતાં અને તેને કહેવા લાગ્યા હતા, "પારિસ, તું મને સમજાવ. હું તને સમજવા માગું છું, જેથી હું તને મદદ કરી શકું."
“જવાબ આપવાના બદલે તે મારી સામે જોઈ જ રહ્યો અને હસવા લાગ્યો.”
“તેનું હાસ્ય બહુ ઘૃણા ભર્યું હતું. તેણે મને કહ્યું કે 'તને ખબર છે મોમ, તું, તમે બધા બહુ મૂરખ છો.”
“તમને બધાને એમ હતું કે હું બહુ સ્માર્ટ, હેન્ડસમ અને આર્ટિસ્ટિક છું... તમે બધા ખોટા હતા'."
"તે હવે પારિસ રહ્યો જ નહોતો."
ચૅરિટી હજીય શા માટે પારિસને મળે છે?
ઘણા મિત્રો ચૅરિટીને કહેતા હોય છે કે તું હજીય પારિસને કેમ મળવા જાય છે તે સમજાતું નથી.
ચૅરિટી કહે છે, "પણ હું તો ક્યારેય, કદી પણ, મારા દીકરાને પ્રેમ કરતી અટકી જ નહોતી."
ઍલાની હત્યા થઈ તેના નવ મહિના પછી પારિસને સજા થઈ હતી.
"તે સમયગાળો મારા માટે તંદ્રા જેવો હતો, અને મને ક્યારેય કશું ના સમજાયું હોય તેવો એ ગાળો હતો.”
“મારી જિંદગીમાં મેં ક્યારેય આવું કશું સહન કર્યું નહોતું."
ચૅરિટી તેના દીકરાને કહેતાં હતાં કે તે હજીય તેને ચાહે છે, ત્યારે તે સાચું બોલતાં હતાં, પણ હવે તેને દીકરાનો ડર પણ લાગવા લાગ્યો હતો.
પારિસે જે કંઈ કર્યું તે માટે નહીં, પણ તે જે કરવા માગતો હતો તેનાથી તે ભયભીત બન્યાં હતાં.
તે પોતાની માતાને પણ મારી નાખવા માગતો હતો.
"ઍલાને મારી નાખ્યા પછી તેણે મને જીવતી રહેવા દીધી, તેનું એક કારણ એ હતું કે તેને લાગ્યું કે હું જીવતી રહીને વધારે પીડા ભોગવીશ."
"તેણે મને મારી નાખી હોત તો હું 15 કે 20 મિનિટ પીડાઈ હોત.”
“પણ તે પછી વાત પૂરી થઈ જાત. તે પછી હું ઍલા પાસે પહોંચી જાત અને તે એકલો રહી જાત."
ચૅરિટી આ જાણે છે, કેમ કે પારિસ 15 વર્ષનો થયો ત્યારે તેણે જ આ વાત કહી હતી.
સવાલોનો સામનો
ચૅરિટીએ માત્ર પોતાના પુત્રનો ડર રાખવાનો હતો તેવું નહોતું.
તેમણે સમાજના લોકોના સવાલોનો પણ સામનો કરવાનો હતો: "બાળક કશુંક ખરાબ કામ કરે ત્યારે વાલીને પણ દોષ દેવાતો હોય છે."
ચૅરિટીને તેના મિત્રો અને સમાજના લોકોનું બહુ સાંભળવું પડ્યું હતું.
તે લોકોએ તેને સંભળાવ્યું હતું, ખરાબ શબ્દો કહ્યા હતા, અપમાન કર્યું હતું અને ધમકાવ્યાં હતાં.
તે એ દિવસ ક્યારેય ભૂલી શકતા નથી, જ્યારે સુપરમાર્કેટમાં કોઈ તેની પાસે આવ્યું અને કહ્યું:"તું એવી સ્ત્રી છે, જેણે એવો છોકરો ઉછેર્યો કે પોતાની બહેનની હત્યા કરી નાખી."
શું ચૅરિટી ક્યારેય પોતાની જાતને દોષ આપે છે ખરા? "હા” અને “ના.”
“મને ખબર છે કે હું ફરીથી ડ્રગ્સ લેતી થઈ હતી તેના કારણે પારિસમાં આક્રોશ જાગ્યો હતો.”
“પણ મને લાગે છે કે તેનાં વર્તન પાછળ જિનેટિક કારણો વધારે જવાબદાર છે."
જોકે ચૅરિટી તેને સાવ નિર્દોષ પણ નથી ઠેરવતાં, "મને લાગે છે કે તે બીજા વિકલ્પો અપનાવી શક્યો હોત.”
“આપણે બધા વિકલ્પોની પસંદગી કરવા સક્ષમ હોઈએ છીએ.”
“તે સ્કીઝોફ્રેનિયાથી પીડાઈ રહ્યો હોત તો વાત જુદી હતી, કે પછી તેને માનસિક બીમારી હોત તો વાત જુદી હતી કે તે બીજા વિકલ્પો ના અપનાવી શકે."
"પારિસમાં એવી કોઈ માનસિક બીમારી નહોતી.”
“તે બહુ ઠંડા દીમાગનો, ગણતરીબાજ, અને હોંશિયાર હતો... તેણે કંઈ ઉશ્કેરાટમાં આવીને પગલું નહોતું લીધું.”
“તેણે મને કહ્યું હતું કે તેણે ઇરાદાપૂર્વક ઍલાને નિશાન બનાવી હતી, જેથી હું દુઃખી દુઃખી થઈ જાઉં."
"એ બાળક સોશિયોપેથ છે, તેમાં મને કોઈ શંકા નથી."
ખાલી ડ્રોઅર
સોશિયોપેથ શબ્દ એવી વ્યક્તિ માટે વપરાય છે, જેનો સ્વભાવ બિલકુલ અસામાજિક પ્રકારનો હોય.
લોકોમાં શા માટે સમાજ સામે આટલો ધિક્કાર પેદા થાય છે તેનું કારણ સમજાયું નથી, પણ તેની પાછળ જિનેટિક તથા બચપણમાં થયેલા બહુ ખરાબ અનુભવો જવાબદાર ગણાય છે.
પારિસના કેસમાં પણ આવું જ તારણ નીકળી રહ્યું હતું.
જોકે, તેને સ્વીકારવા માટે ચૅરિટીને ત્રણ વર્ષ લાગ્યાં હતાં.
ચૅરિટીએ વધુમાં કહ્યું, "સૌથી વધુ ચોંકાવનારું લક્ષણ છે, સામાજિક નીતિ અને નિયમો માટે બિલકુલ પરવા ના કરવી તે.”
“તે માટે કોઈ અફસોસ પણ હોતો નથી.”
“આપણે બધા સંબંધોમાં લાગણીનું જે તત્ત્વ સમજી શકીએ છીએ તેનો બિલકુલ અભાવ તેમનામાં હોય છે.”
“તેની બધી જ લાગણીઓ બહુ ઉપરછલ્લી હોય છે."
"તેની સાથે તમે નાર્સિઝીમ જોડો, ત્યારે બિલકુલ ના ગમે તેવો માણસ બનતો હોય છે."
"તે કહેતો: 'તને ખબર છે મોમ, મારામાં અંદર ક્યાંક ડ્રોઅર છે જેની અંદર મેં એલા સાથે જે કર્યું તેની બધી અપરાધભાવના, પસ્તાવો, ગુસ્સો બધુ તેની અંદર રાખ્યું છે.”
“પણ હું જ્યારે એ ડ્રોએર ખોલું છું તો તેની અંદર કશું જ નથી હોતું.”
“હું બધુ ભૂલી જ ગયો છું.”
તેને કોઈ જાતની લાગણી હતી જ નહીં.
પણ આવા સોશ્યોપેથની માતા હોઉં એટલું શું?
"તમે અમુક વાત સ્વીકારી લો, ત્યારે તમને એક પ્રકારની શાંતિ લાગે છે.”
“મારો દીકરો સોશિયોપેથ છે તે વાત મને અકળાવ્યા કરે છે, પણ મેં હવે તે લાગણી સામે લડવાનું પણ છોડી દીધું છે."
"તેના બદલે હવે હું એક જ વાત પર વધારે ધ્યાન આપું છું કે હું જાણું છું હું કોણ છું.”
“મને ખબર છે કે મેં મારા દીકરાને આવી રીતે નહોતો ઉછેર્યો.”
“પણ તે આવો છે તેના કારણે હું તેને છોડી દઈશ એવું પણ નહીં કરું."
બીજા લોકો સમજી શકે તે માટે ચૅરિટી પોતાને મનાવવા માટે જે સરખામણી કરે છે તે જણાવે છે.
"પારિસ એક શિકારી છે, પાકો શિકારી." બિલકુલ શાર્ક જેવો એમ તેઓ કહે છે.
"હું સર્ફિંગ કરી રહી હોઉં અને કોઈ શાર્ક બટકું ભરીને મારો પગ કાપી નાખે તો મને પીડા થાય.”
“તે પછી મારી આખી જિંદગી બદલાઇ જવાની.”
“પણ તેના કારણે હું આખી જિંદગી શાર્કને ધિક્કારવામાં ના કાઢી શકું, કેમ કે શાર્ક એ શાર્ક છે."
રાખમાંથી નવસર્જન
આવા વિચારને કારણે ચૅરિટી પોતાનું જીવન જીવી શક્યા છે.
તેઓ કહે છે, "હું હવે એટલું જ કરી શકું કે શાર્ક સાથે સંભાળીને કામ પાર પાડું અને બીજા લોકોને પણ શાર્ક વિશે સાવધ કરું."
ચૅરિટીએ ઍલા નામનું ફાઉન્ડેશન સ્થાપ્યું છે.
તેમણે પોતાની દીકરી ELLAના નામનો આ પ્રકારે અર્થ કાઢ્યો છે - Empathy, Love, Lessons and Action (સહાનુભૂતિ, પ્રેમ, બોધપાઠ અને નિવારણ).
ઍલા ફાઉન્ડેશન ([email protected])નો હેતુ અપરાધના બનાવોનો ભોગ બનેલા લોકોને સહાયરૂપ થવાનો છે.
આ ઉપરાંત માનસિક રીતે વિક્ષિપ્ત લોકોને તથા ક્રિમિનલ સિસ્ટમનો ભોગ બનેલા લોકોને પણ મદદ કરવાનો છે.
ઍલાના મોત બાદ છ વર્ષે 2013માં ચૅરિટી ફરી એકવાર માતા બન્યાં હતાં.
તેણે આ દીકરાનું નામ રાખ્યું છે ફિનિક્સ.
ચૅરિટી કહે છે, "ફિનિક્સ પક્ષી રાખમાંથી ફરી બેઠું થાય છે. તેથી મને લાગે છે કે તેનું નામ એકદમ બરાબર છે."
"પારિસ, ઍલા અને મારી સાથે જે કંઈ થયું, તે જ કંઈ મારું સમગ્ર જીવન નથી. ”
“મારું જીવન હવે ફિનિક્સ સાથે છે અને હું ફરીથી જીવનને ચાહવા લાગી છું."
પારિસ હજી પણ ટેક્સાસમાં જેલમાં છે. તે હવે 25 વર્ષનો થયો છે.
તે 50 વર્ષનો થઈ જાય તે પછી કદાચ 2047માં તેને જેલમાંથી છોડવામાં આવશે.
ચૅરિટી હજી પણ તેને મળવા જાય છે અને ક્યારેક તેની સાથે ફોન પર વાત કરે છે.
જોકે, તે છુટીને શું કરશે તેનો ભય તેને સતાવે છે.
"મને એવું વિચારવું ગમતું નથી, પણ વધારે મને ભય લાગે છે.”
“તે જરાય બદલાયો નથી. તે 13 વર્ષનો હતો તે પછી તે બદલાયો જ નથી."
ચૅરિટીને ફિનિક્સની સલામતીની પણ ચિંતા છે.
તેમણે કહ્યું, "હું આશા રાખું કે પારિસ વધુમાં વધુ સમય કેદ ભોગવે, કેમ કે હું ઇચ્છુ છું કે સમય મળી રહે અને ફિનિક્સ મોટો થઈ જાય.”
“તે મોટો થઈ જાય અને શક્તિશાળી પણ થઈ જાય જેથી કદાચ પારિસ ફરી એકવાર કશું કરવા જાય તો પોતાને બચાવી શકે."
(ચેરિટી લીનો ઇન્ટરવ્યૂ બીબીસી વર્લ્ડ સર્વિસના રેડિયો પ્રોગ્રામ આઉટલૂક માટે એમિલ વેબ દ્વારા લેવામાં આવ્યો હતો.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો