બીબીસી સ્પેશિયલ: ગુજરાતી અને 'પરપ્રાંતીય' વચ્ચેની ફાટનાં ખરાં કારણો

- લેેખક, નિતિન શ્રીવાસ્તવ
- પદ, બીબીસી સંવાદદાતા, બનાસકાંઠા, ગુજરાતથી
સવારના સાડા દસ વાગ્યા છે અને એક સાંકડી ગલીનાં નાકે બે સ્ત્રીઓ બેસીને ભરતગૂંથણનું કામ કરી રહી છે.
અહીં સાડીઓ ઉપર જરી લગાડવામાં આવી રહી છે અને બીજા ચબૂતરે ચણાનો લોટ ફીણવામાં આવી રહ્યો છે.
લોટની બાજુમાં પડેલી કાપેલી ડુંગળી અને લીલા મરચાંનાં ભજિયાં બનશે. બાજુમાં એક કંદોઈ જલેબી તળીને દહીં સાથે વેચી રહ્યો છે.
અહીં આસ-પાસની દુકાનોમાં ગોળથી માંડીને સત્તુ બધું જ વેચાય છે.
આ બિહાર કે યુપીનું શહેર નહીં પણ ગુજરાતના અમદાવાદનો અમરાઈવાડી વિસ્તાર છે, જ્યાં દશકાઓથી સેંકડો ઉત્તર ભારતીય લોકો વસે છે.
તેઓ મોટેભાગે ગુજરાતીમાં જ વાત કરે છે પરંતુ હિંદી સાંભળીને એમની આંખોમાં એક ચમક ચોક્કસ દેખાઈ આવે છે.

અજંપો

અંદર બનેલી કૉલોનીમાં પૂનમસિંહ સેંગર અને પતિ ઉપેન્દ્ર સાથે મુલાકાત થઈ.
વ્યવસાયે સ્કૂલ ટીચર પૂનમે જણાવ્યું, "70 વર્ષ પહેલાં મારા માતા-પિતા ઉત્તર પ્રદેશના ઇટાવાથી અહીં રોજગારની શોધમાં આવ્યાં હતાં. મારો જન્મ અહીં જ થયો અને લગ્ન પણ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
પતિ ઉપેન્દ્ર 45 વર્ષ પહેલાં અહીં આવીને વસ્યા હતા અને હવે પોતાને ગુજરાતી જ ગણે છે. પરંતુ પૂનમના મનમાં આજકાલ એક અજબ પ્રકારનો અજંપો છે.
તેઓ કહે છે, "હું સ્કૂલ જાઉં છું ત્યાં ગુજરાતી અને બિનગુજરાતી એમ બંનેનાં બાળકો અભ્યાસ કરે છે.''
''ઘણીવાર સાંભળવા મળે છે કે એ હિંદી બોલે છે એટલે ભૈયાજી છે, એની સાથે ના બોલવું જોઈએ.''
''શહેરની બહાર પણ રોજગાર માટે યુપી-બિહારના બહુ લોકો કામ કરી રહ્યાં છે અને તેમનાં બાળકો અહીં જ ભણે છે.''
''તેમને એ વાતનો ડર છે કે પોતે અહીં ગોઠવાઈ તો ગયાં પણ જો વાતાવરણ બગડ્યું તો બાળકોને લઈને ક્યાં જશે?"

10 હજાર લોકોનું સ્થળાંતર

28 સપ્ટેમ્બરે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં એક બાળકીના બળાત્કાર પછી હાહાકાર મચી ગયો હતો.
બાળકી સ્થાનિક ઠાકોર સમુદાયની હતી અને આરોપી બિહારથી આવેલો એક મજૂર.
કેટલાય દિવસો સુધી ઉત્તર ભારતીયો ઉપર બે ડઝનથી વધુ હુમલા થયા. જેનું પરિણામ એ આવ્યું કે તેઓ હાંફળાંફાંફળાં થઈ ગુજરાત છોડી ગયાં.
હિંસાની ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં સૌથી વધુ અસર વર્તાઈ, જેમાં મહેસાણા અને સાબરકાંઠા મુખ્ય હતા.
એવું અનુમાન છે કે ડરના માર્યા 15 દિવસની અંદર પ્રદેશમાંથી ઓછામાં ઓછાં દસ હજાર લોકો યુપી, બિહાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જતાં રહ્યાં.

'હિંદી બોલો તો મારે છે'

સાણંદ જિલ્લો અમદાવાદથી બહુ દૂર નથી અને હવે તે ગુજરાતના 'ઇન્ડસ્ટ્રિયલ હબ' તરીકે ઓળખાય છે.
તાતા નેનોથી માંડીને ફૉર્ડ અને કોકાકોલા સુધીના પ્લાન્ટ અહીંના બોડગામ વિસ્તારમાં ચોવીસ કલાક ધમધમે છે.
250થી વધુ ફેકટરીઓ વાળા આ જાણીતા વિસ્તારમાં આજકાલ સન્નાટો છવાયેલો છે.
બોડગામના પંચાયત ભવનની સામે જ ઝારખંડના ગિરીડીહના ડી.કે. મિશ્રા ચા-ભજિયાંની દુકાન ચલાવે છે.
ભીની આંખે તેઓ જણાવે છે, "હું અઢી વર્ષ પહેલાં અહીં આવ્યો હતો અને એક કંપનીમાં સિક્યૉરિટી ગાર્ડની નોકરી કરતો હતો.''
''હું વધારે પડતું હિંદી બોલવા લાગ્યો હતો અને મારી લાયકાત બતાવવા માંડ્યો હતો.''
''પરંતુ કેટલાંક લોકો એવા છે કે હિંદી બોલો તો મારે છે. છેવટે મારી નોકરી જતી જ રહી.''
''જોકે, અહીંના તમામ ગુજરાતી એક-સરખું નથી વિચારતાં, પરંતુ કેટલાંક લોકોને અમારા માટે અણગમો ચોક્કસથી છે."
કેટલાંક દિવસ પહેલાં સુધી બોડગામ વિસ્તારમાં ઉત્તર ભારતના પંદર હજારથી વધુ મજૂરો કામ કરતા હતા.
જોકે, હાલમાં થયેલી હિંસાને પગલે ઓછામાં ઓછા પાંચ હજાર તો રાતોરાત ઘરભેગા થઈ ગયા છે.

જોકે, 'ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી'ના પ્રમુખ જયમીન વાસાના અનુસાર, "પરીસ્થિતિ સામાન્ય થઈ રહી છે. પણ એ વાત સાચી છે કે ઉત્તર ભારતથી આવેલા મજૂરોમાં થોડો ભય દેખાયો છે."
ગુજરાતીઓ પોતે પણ આ અચાનક ભડકેલી હિંસા અને એ પછી ઉત્તર ભારતીયોના પાછા જવાથી આઘાતમાં છે.
સાણંદની એક નાનકડી હૉસ્પિટલમાં નર્સ તરીકે કાર્યરત પાયલ ઠાકોર અનુસાર, "જે થયું એ બહુ ખોટું થયું."
તેઓ કહે છે કે હૉસ્પિટલમાં પહેલાં જેટલા દર્દીઓ હતા, હવે એના 20% પણ નથી રહ્યા.
''મૉલ, શાકમાર્કેટ અને કરિયાણાંની દુકાન, એમ સૌ કોઈ નુકસાનમાં છે.''
''જે ગુનેગાર છે તેને સજા આપો, સૌને નહીં. એ લોકો અહીં કમાવાં માટે આવ્યાં હતાં અને તેમને આ રીતે કાઢી ના મૂકાય."

ગુજરાતની વસતિમાં 10 ટકા પરપ્રાંતીયો

ગુજરાતમાં છેલ્લા બે દશકા દરમિયાન નવા-નવા ઔદ્યોગિક એકમો ઊભાં થયાં અને ખેડૂતો પાસેથી પણ સારા ભાવે જમીનો ખરીદવામાં આવી.
નવી ફેક્ટરીઓ માટે મજૂરોની જરૂર પડી તો અહીં આવીને કામ કરનારા ઉત્તર ભારતીયોની સંખ્યામાં વધારો થયો.
ગત વર્ષોમાં ગુજરાતની વસ્તી છ કરોડથી વધી અને એમાં આ પ્રવાસી ભારતીયોનું પ્રમાણ લગભગ 10 % જેટલું ગણાવાયું.
વિકાસ અને ઔદ્યોગિકરણની સાથે પ્રદેશમાં રોજગાર શોધવાં લોકો દૂર-દૂરથી આવ્યાં.
સ્વાભાવિક રીતે જ નોકરીઓ અને વેતનની બાબતે પણ ખેંચતાણ વધી છે.

વિવાદ વધવાનું એક મોટું કારણ
ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના મુખ્ય અધ્યાપક ગૌરાંગ જાનીનું માનવામાં આવે તો "વિવાદ વકરવાનું એક મોટું કારણ આ પણ છે."
તેઓ જણાવે છે, "બહારના મજૂરો પાસે કામ સસ્તાંમાં થાય છે કારણ કે વાર્ષિક મજૂરીનો ઠેકો આપવામાં આવે છે.''
''બહારના લોકો કામ પણ વધુ કરે છે અને મજૂરી પણ ઓછી લે છે. જયારે ગુજરાતમાં સ્થાનિક પાસે આઠ કલાક કામ કરાવવા પણ નક્કી કરાયેલી મજૂરી તો આપવી જ પડે છે."
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના સડા ગામમાં અમારી મુલાકાત ભૂતપૂર્વ સરપંચ રાજેન્દ્રસિંહ સાથે થઈ.
તેઓનું કહેવું છે, "જે લોકો ફેક્ટરીઓમાં કામ કરી રહ્યાં છે એમાથી 90% બિનગુજરાતી છે. બહારના લોકોને કામ પર રાખો, અમે ક્યાં ના પાડી?''
''પરંતુ અમારા જે સ્થાનિક લોકો છે, અમદાવાદ, સુરત, વડોદરાના તેમનું શું? સ્થાનિક લોકોને પહેલા કામે રાખવા જોઈએ."
હાલમાં જ પ્રદેશ સરકાર તરફથી પણ આ રીતનાં નિવેદનો આવ્યા છે,
"નોકરીઓમાં ઓછામાં ઓછા 80% લોકો સ્થાનિક હોવા જોઈએ."
પ્રોફેસર ગૌરાંગ જાનીના અનુસાર, "આ બધી વાતોને લીધે વાતાવરણ વધુ ડહોળાઈ શકે છે.''

ગુજરાતમાં અસહિષ્ણુતાનું વાતાવરણ?

તેઓએ કહ્યું, "ભલે એ શાકાહારી-માંસાહારીની વાત હોય કે પછી ધર્મની વાત હોય કે સંપ્રદાયની વાત હોય, ગુજરાતમાં અસહિષ્ણુતાનું જે વાતાવરણ છે તે એક સતત ચાલનારી પ્રક્રિયા છે.''
''એ બહારથી દેખાતી નથી પણ, જયારે આવી નાની-મોટી ઘટનાઓ બને ત્યારે બહુ મોટો મુદ્દો બની જાય છે."
હાલમાં જ ભડકેલી હિંસા પર રાજકારણ પણ રમાયું અને દિલસોજી પણ વ્યક્ત કરાઈ.
પ્રદેશ સરકારે કેટલાયની અટકાયત કરી અને પ્રવાસીઓને સુરક્ષા આપવાની ખાતરી પણ આપી.
પ્રવાસી ઉત્તર ભારતીયો જયારે અહીંથી ભાગ્યાં ત્યારે પાછળ ઘર-બાર બધું છોડી ગયાં હતાં.
હવે છઠ-પૂજા અને દિવાળી સમાપ્ત થવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે જ ખબર પડશે કે કેટલા ઉત્તર ભારતીયો પરત ફરે છે અને કેટલા નહીં.
આ દરમિયાન જતાં પહેલા વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે કહ્યું, "ગુજરાતે પહેલાં પણ વિવાદ જોયા છે. પરંતુ આ વખતે જે થયું એનાથી આ રાજ્યને પોતાનું બનાવવા આવેલાં લોકોના માનસને ઠેસ પહોંચી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













