ભારતીય અર્થતંત્રને ચલાવવા માટે ડૉલર કેટલાં જરૂરી?

રૂપિયા

ઇમેજ સ્રોત, shylendrahoode/Getty Images

ભારતનું ચલણ રૂપિયો છે, પરંતુ અર્થતંત્ર માટે દેશમાં વધુ ડૉલર હોય એ અત્યંત આવશ્યક છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં કોઈ પણ દેશની આર્થિંક તદુરસ્તી એ દેશના ભંડારમાં રહેલાં વિદેશી હૂંડીયામણના આધારે નક્કી થાય છે.

દુનિયાભરના વિદેશી મુદ્રા ભંડારમાં પ્રભુત્વ તો ડૉલરનું જ છે. આપ બજારમાં જાઓ છો તો ખિસ્સાંમાં રૂપિયા લઈને જાઓ છો.

એ જ રીતે જયારે ભારતને સાઉદી અરેબિયા, ઇરાક કે રશિયા પાસેથી તેલ ખરીદવાનું હોય ત્યારે ત્યાં રૂપિયા નહીં પણ ડૉલર આપવા પડે છે.

એટલે જ ભારતે ફ્રાંસ પાસેથી રફાલ યુદ્ધ વિમાન ખરીદ્યાં ત્યારે તેની ચુકવણી રૂપિયામાં નહીં, ડૉલરમાં કરવી પડી.

એનો અર્થ એ કે રૂપિયો રાષ્ટ્રીય ચલણ ભલે હોય પણ ભારતને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડૉલરની શરણમાં જવું જ પડે.

એટલે જ અર્થતંત્ર અને દેશને મજબૂત રાખવાં માટે વધુ ડૉલર જરૂરી છે.

પણ આ ડૉલર આવશે ક્યાંથી?

ડૉલર નિકાસમાંથી આવે છે. ભારત કોઈ પણ વસ્તુ અન્ય દેશ પાસેથી ખરીદે છે ત્યારે જેમ ડૉલરમાં ચુકવણી કરે છે, એ જ રીતે જ્યારે કોઈ વસ્તુ વેચે છે ત્યારે અદાયગી ડૉલરમાં લે છે.

એનો અર્થ એ કે ભારત પાસે રહેલું ડૉલરનું પ્રમાણ વિશ્વમાં તે કઈકઈ વસ્તુ વેંચે છે, તેના પર નિર્ભર છે.

line

ભારતનો વિદેશી મુદ્રા ભંડાર

રૂપિયા

ઇમેજ સ્રોત, suman bhaumik/Getty Images

જો ભારત વેચવાની તુલનામાં વધુ ખરીદી કરે તો ડૉલરનો ભંડાર ઘટશે.

દેશમાં ડૉલર અન્ય રીતે પણ આવે છે. દુનિયાભરના અલગ-અલગ દેશોમાં કામ કરનારા ભારતવાસીઓ પોતાની કમાણીનો હિસ્સો ભારતમાં પોતાનાં સ્વજનોને મોકલે છે.

વિદેશોમાં કામ કરી રહેલા પોતાના નાગરીકો પાસેથી ડૉલર મેળવવાને મુદ્દે ભારત સર્વોચ્ચ સ્થાને છે.

વર્ષ 2017માં ભારતવાસીઓએ કુલ 69 અબજ ડૉલર મોકલ્યા, જે વર્ષ 2018-19માં ભારતના સંરક્ષણ બજેટની દોઢ ગણી રકમ છે.

વિશ્વ બૅંકના આંકડાઓ અનુસાર આ રકમ ગત વર્ષથી 9.5 ટકા જેટલી વધારે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

1991માં વિદેશોમાં કામ કરી રહેલા ભારતીયોની કમાણીથી આવનારા ડૉલર માત્ર ત્રણ અબજ ડૉલર હતા, જે 2018માં 22 ગણા વધીને 69 અબજ થઈ ગયા.

આ મામલે ભારત બાદ ચીન, ફિલિપાઇન્સ, મેક્સિકો, નાઈજીરિયા અને ઇજિપ્તનો નંબર આવે છે.

ગત સપ્તાહે ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં 1.265 અબજ ડૉલર ઘટ્યા છે.

આ ઘટની સાથે જ ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં હવે 400.52 અબજ ડૉલર બચ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે 400નો આંકડો એક મનોવૈજ્ઞાનિક આંકડો છે અને તે આનાથી નીચે ગયો તો દેશ માટે ચિંતાનું કારણ બનશે.

આ જ વર્ષે એપ્રિલમાં વિદેશી મુદ્રા ભંડાર 426.028 અબજ ડૉલર સુધી પહોંચી ગયો હતો, પરંતુ એ પછીથી પડતી ચાલુ જ છે.

line

રૂપિયાની મજબૂતી કેમ જરૂરી?

રૂપિયો

ઇમેજ સ્રોત, Kritchanut/Getty Images

ભારત પાસે રહેલા ડૉલર છે, તેણે ખર્ચ કરેલા ડૉલરની સીધી જ અસર ભારતીય ચલણ રૂપિયા પર પડે છે.

આ વાત એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમે અમેરિકા અભ્યાસ અર્થે જવા ઈચ્છો છો અને માની લો એક વર્ષમાં 60 હજાર ડૉલર ખર્ચો થશે તો તમે એ ડૉલર ક્યાંથી લાવશો?

તમારી પાસે જે રૂપિયા છે તેનાથી તમે ડૉલર ખરીદશો. એનો અર્થ એ કે 60 હજાર ડૉલર ખરીદવા માટે તમારે 74ના દર મુજબ લગભગ 45 લાખ રૂપિયા આપવા પડશે.

સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ અથવા સેવાની કિંમત તેની માગ અને પુરવઠા પર આધાર રાખે છે.

જો રૂપિયાની માગ ઓછી છે તો તેની કિંમત પણ ઓછી હશે અને ડૉલરની માગ વધુ છે પરંતુ તેનો પુરવઠો ઓછો છે તો તેની કિંમત પણ વધુ હશે.

પુરવઠો ત્યારે જ પર્યાપ્ત હશે જયારે તે દિશની વિદેશી મુદ્રાનો ભંડાર પર્યાપ્ત હશે.

આરબીઆઈ અનુસાર 2017-18માં વિદેશોમાં અભ્યાસ કરવા જનારા ભારતીયોએ 2.021 અબજ ડૉલર ખર્ચ કર્યા.

જો ભારતમાં પણ સારી કૉલેજો અને શિક્ષણ સંસ્થાઓ હોત તો વિદેશોથી લોકો અહીં અભ્યાસાર્થે આવતા હોત અને તેઓ વિદેશ મુદ્રા આપીને રૂપિયો પણ ખરીદતા હોત.

આ જ રીતે ભારતની કંપનીઓ વિદેશો પાસેથી કોઈ વસ્તુ ખરીદે છે તો તેમણે પણ આ જ રીતે ડૉલર ચૂકવવા પડતા હોય છે.

આજની તારીખમાં એક ડૉલરની કિંમત 74 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. જેના ઘણા અર્થ છે.

એક તો એ કે ભારત નિકાસ ઓછી અને આયાત વધુ કરે છે. જેને વ્યવસાયિક નુકસાન કહેવામાં આવે છે.

આરબીઆઈ અનુસાર જૂન 2018માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં વ્યવસાયિક નુકસાન વધીને 45.7 અરબ ડૉલર થયું, જે ગત વર્ષે 41.9 અરબ ડૉલર હતું.

બીજું એ કે લોકોને દેશની વસ્તુઓ અને સેવાઓ પસંદ નથી પડી રહી એટલે વિદેશી વસ્તુઓ અને સેવા ખરીદી રહ્યાં છે.

ત્રીજું એ કે વિદેશી રોકાણકારો તેશમાંથી પોતાના પૈસા પરત ખેંચી રહ્યાં છે.

'નેશનલ સિક્યૉરીટીઝ ડિપૉઝીટરી'ના આંકડાઓ અનુસાર સપ્ટેમ્બરમાં 15,366 કરોડનું એફપીઆઈ(ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેંટ) ઉપાડી લેવાયું અને 2018માં કુલ 55,828 કરોડ રૂપિયાનું એફપીઆઈ ઉપાડી લેવાયું.

તેઓ એટલા માટે પૈસા ઉઠાવે છે કારણકે તેઓને લાગે છે કે ભારતમાં રોકાણ કરવું ફાયદાનો સોદો નથી.

રૂપિયો જયારે નબળો પડે છે ત્યારે આયાતની ચુકવણી પણ વધી જાય છે.

રૂપિયો નબળો પડવાનો મતલબ એ છે કે ડૉલર મજબૂત થયો છે.

એટલે કે એક આઈફોનની કિંમત એક હજાર ડૉલર છે તો એક ડૉલરના 74 રૂપિયા લેખે તમારે 74,000 રૂપિયા ચૂકવવા પડે.

સ્વાભાવિકપણે જો એક ડૉલરની કિંમત 45 રૂપિયા હોત, તો ઓછા પૈસા આપવા પડત.

એનો અર્થ એ કે તમે ફક્ત આઈફોન નથી ખરીદતા, સાથે ડૉલર પણ ખરીદો છો.

રૂપિયાની નબળાઈને લીધે ભારતની તેલ આયાતની ચુકવણીનું પણ વધી ગઈ છે.

16 ઑગષ્ટે રૂપિયો 70ની પાર પહોંચ્યો ત્યારે ભારત સરકારે કહ્યું કે 2018-19માં આ કારણથી જ તેલ આયાતની ચુકવણીનું બિલ 26 અબજ ડૉલર વધી શકે છે.

આ પાછળનું કારણ રૂપિયો નબળો પડવાને લીધે અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની વધેલી કિંમતો છે.

ભારત પોતાની જરૂરિયાતના 80 ટકા તેલની આયાત કરે છે.

ભારતે 2017-18માં 22 કરોડ 43 લાખ ટન તેલ ખરીદવામાં 87.7 અબજ ડૉલર ખર્ચ કર્યા હતા.

કહેવાય છે કે રૂપિયાની તબિયત સુધરી નહીં અને કાચા તેલની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ઓછી ના થઈ તો 2018-19માં તેલની આયાતનું બીલ 108 અબજ ડૉલર સુધી પહોંચી જશે.

આને એવી રીતે વિચારો કે જો આગામી ચાર વર્ષ સુધી ભારતનો વિદેશી મુદ્રા ભંડાર 400 અબજ ડૉલર ઉપર જ સ્થિર રહેશે અને એમાંથી જ દર વર્ષે તેલ માટે 108 અબજ ડોલર ખર્ચ કરાતો રહેશે. મતલબ કે બાકી કંઈ નહીં વધે. આમ ભારતને ડૉલરની કેટલી જરૂર છે, એનું આકલન પણ તમે કરી શકો.

line

રૂપિયાના મૂલ્યમાં ઘટાડો

રૂપિયો

ઇમેજ સ્રોત, vipin jaiswal/Getty Images

આને જ ચુકવણીનું સંકટ કહેવામાં આવે છે. જેનો મતલબ તમારી જરૂરીયાત તો છે જ, પરંતુ ખરીદવા માટે તમારી પાસે પૈસા નથી.

એટલેકે ડૉલર નથી તો ચુકવણી કેવી રીતે થશે? આઝાદ ભારતમાં પહેલી વાર વર્ષ 1966માં ચુકવણીનું સંકટ ઊભું થયું હતું.

જેને પહોંચી વળવા માટે તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ 52 વર્ષ પહેલાં 6 જૂન 1966ના રોજ રૂપિયાનું અવમૂલ્યન કર્યું હતું.

એટલેકે રૂપિયાની કિંમત ડૉલરની તુલનામાં જાણી-જોઈને ઘટાડી દેવાઈ હતી.

વર્ષ 1950 અને 1960ના દશકામાં ભારત ભયંકર વ્યવસાયિક નુકસાન સામે બાથ ભીડી રહ્યું હતું.

1965માં જયારે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું તો ભારતનાં અર્થતંત્રને પણ માર સહન કરવી પડી. એ વખતે અમેરિકા પણ પાકિસ્તાન સાથે હતું અને ભારત સાથે તેની કોઈ સહાનુભૂતિ નહોતી.

ઇન્દિરા ગાંધી પાસે ખુબ જ મર્યાદિત વિકલ્પો ઉપલબ્ધ હતા. ત્યારે તેમણે રૂપિયાના અવમૂલ્યનનો નિર્ણય લીધો હતો, જેની ભારે ટીકા પણ થઈ.

1966માં ઇન્દિરા ગાંધીની સરકારે ડૉલરની તુલનામાં રૂપિયામાં 4.76થી માંડીને 7.50 સુધીનું અવમૂલ્યન કર્યું હતું.

કહેવાય છે કે ઇન્દિરા ગાંધીએ ઘણી એજન્સીઓના દબાણમાં આ પગલું લેવું પડ્યું હતું, જેથી રૂપિયા અને ડૉલરનો રૅટ સ્થિર રહે.

આ અવમૂલ્યન 57.5 ટકાનું હતું. દુકાળ અને પાકિસ્તાન-ચીન સાથે યુદ્ધ બાદ ઉપસ્થિત થયેલા સંકટને લીધે ઇન્દિરા ગાંધીએ આ નિર્ણય કર્યો હતો.

1991માં નરસિમ્હા રાવની સરકારે ડૉલરની તુલનામાં રૂપિયાનું 18.5 ટકાથી 25.95 ટકા સુધીનું અવમૂલ્યન કર્યું હતું.

આવું વિદેશી મુદ્રાના સંકટમાંથી બહાર નીકળવા માટે કરવામાં આવ્યું હતું.

એ પછી કોઈ પણ સરકાર આવી, રૂપિયો ગગડતો અટક્યો નહીં. ચાહે અટલ બિહારી વાજપાયી વડાપ્રધાન હોય કે અર્થશાસ્ત્રી મનમોહન સિંહ.

હાલમાં મજબૂત મોદી સરકારમાં પણ રૂપિયાના અવમૂલ્યનનો સિલસિલો યથાવત રહ્યો છે.

line

શા માટે ભારત આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયાથી જ નથી કરતું?

રૂપિયો

ઇમેજ સ્રોત, selensergen/Getty Images

એવું બે દેશોમાં પરસ્પર સહમતિથી કરી શકાય છે.

ઈરાન સાથે ભારત રૂપિયા આપીને તેલની આયાત કરે છે.

રશિયાએ પણ ભારત પાસેથી રૂપિયા અને રૂબલમાં વેપારની સહમતિ આપી દીધી છે.

એનો મતલબ એ થયો કે રશિયા અને ઈરાનએ એવી વસ્તુઓની જરૂર હોવી જોઈએ જે ભારતમાં મળતી હોય.

ભારતની ચા બંને દેશ ખરીદે છે અને તે રૂપિયાથી ખરીદી શકાય છે.

ચીન પણ ઘણાં દેશો સાથે પોતાનાં ચલણમાં જ વેપાર કરે છે.

એમાં તકલીફ એ છે કે જે દેશ પાસેથી આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય, એ રૂપિયો લેવા માટે તૈયાર હોવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ