ખેડૂતોની માગણી સંતોષવાની સ્થિતિમાં છે સરકાર?

પોતાની માગણી માટે દિલ્હી આવી રહેલા ખેડૂતોને દિલ્હી-ઉત્તર પ્રદેશની સીમા પર જ રોકી દેવામાં આવ્યા હતા.

એ ખેડૂતોને પાછા મોકલવા માટે પોલીસે વોટર કેનન, રબ્બરની ગોળીઓ અને ટિયરગેસનો ઉપયોગ કર્યો હતો.

કૃષિ લોન તથા વીજળીના બિલ માફ કરવાની અને સ્વામીનાથન પંચની ભલામણો સ્વીકારવા સહિતની અનેક માગણીઓ સંબંધે અલગ-અલગ રાજ્યોના આ ખેડૂતો ભારતીય કિસાન યુનિયનના નેજા હેઠળ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા હતા.

ખેડૂતોના આ આંદોલન બાબતે બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રભૂતપૂર્વ કૃષિ સચિવ સિરાજ હુસૈન સાથે વાત કરી હતી અને તેમને સવાલ કર્યો હતો કે આ ઘટનાને એક સંગઠન દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન ગણવી જોઈએ કે દેશમાં ખેડૂતો ખરેખર નિરાશ, હતાશ અને ગુસ્સામાં છે?

તેમને એ પણ પૂછવામાં આવ્યું હતું કે ખેડૂતોની નારાજગી સરકાર કઈ રીતે દૂર કરી શકે?

સિરાજ હુસૈનનો દૃષ્ટિકોણ તેમના જ શબ્દોમાં વાંચો.

શેરડી ઉત્પાદક ખેડૂતોની નારાજગી

વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા મોટાભાગના ખેડૂતો પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના હતા.

પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો અત્યારે વધુ ગુસ્સામાં છે. તેનું કારણ એ છે કે તેમના પાકની ચૂકવણી અટકેલી છે. તેથી તેઓ બહુ ચિંતિત છે.

પાછલાં ત્રણ વર્ષથી ભાવ ઘટી રહ્યા હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે એ વાત સાચી છે.

જોકે, ભાવ ઘટવાથી શેરડીના ઉત્પાદક ખેડૂતોને ખાસ ફરક પડતો નથી, કારણ કે તેમના ભાવ ફિક્સ છે, પણ તેમને નાણાં મળવામાં વિલંબ થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'સરકારે કામ કર્યું છે'

ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય ભાવ નથી મળતા એ અત્યારે સૌથી મોટો મુદ્દો છે.

જોકે, કેટલાંક રાજ્યોમાં શેરડીની ખરીદી ખાંડ મિલો કરી લે છે, પણ ઘઉં અને ધાન્યની ખરીદી સરકાર કરે છે.

કેન્દ્ર તથા રાજ્ય સરકારોએ છેલ્લાં બે વર્ષમાં સારું કામ કર્યું છે. સરકારે લગભગ 40થી 50 લાખ ટન દાળની ખરીદી કરી છે.

અલબત, તેનાથી વધુ ખરીદી ન થવાને કારણે અને વૈશ્વિક ભાવ બહુ ઓછા હોવાને લીધે આપણી નિકાસ પર માઠી અસર થઈ રહી છે. એ કારણે આપણાં દેશમાં પણ ભાવ ઘટ્યા છે.

તેના દબાણને કારણે સરકારે 2018-19ની ખરીફના ટેકાના લઘુતમ ભાવ (એમએસપી)માં મોટો વધારો કર્યો છે.

દાખલા તરીકે કપાસની એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇઝ) ગયા વર્ષે 4,520 રૂપિયા હતી, જેને આ વર્ષે વધારીને 5,450 રૂપિયા કરવામાં આવી છે.

મીડિયમ કોટનની એમએસપી 4,000 રૂપિયાથી વધીને 5,100 રૂપિયા થઈ ગઈ છે. મગની એમએસપીમાં પણ ખાસ્સો વધારો કરવામાં આવ્યો છે.

સોયાબીન, કોટન અને દાળના ખેડૂતો વરસાદ પર આધારિત ખેતી કરતા હોય છે. તેનો પાક આવવાનું હજુ શરૂ નથી થયું, પણ એમએસપીને લીધે ભાવ એટલા વધી ગયા છે કે તેની ખરીદી થશે કે કેમ એ અનિશ્ચિત છે.

પ્રારંભિક સંકેતો પરથી લાગે છે કે ભાવ નીચા રહી શકે છે.

સ્વામીનાથન પંચની ભલામણો

ખેડૂતોના દરેક આંદોલનમાં સ્વામીનાથન પંચની ભલામણોના અમલની માગણી જરૂર હોય છે. સરકાર તરફથી દર વખતે આશ્વાસન આપવામાં આવે છે, પણ ભલામણોનો અમલ થતો નથી.

સવાલ એ થાય કે તેમાં કોઈ વ્યવહારુ મુશ્કેલી છે?

ખેડૂત નેતાઓ, વિરોધ પક્ષો અને સરકાર બધા સારી રીતે જાણે છે કે સ્વામીનાથન પંચની ભલામણોનો અમલ કરવાનું યોગ્ય પણ નથી અને શક્ય પણ નથી.

તેનું કારણ એ છે કે કોઈ પણ ચીજની કિંમતને તેની માગણીથી એકદમ અલગ રાખી શકાય નહીં.

આ વર્ષે સરકાર પહેલેથી એમએસપીમાં મોટો વધારો કરી ચૂકી છે. એ ભાવ બજારમાં મળવા મુશ્કેલ છે.

મકાઈની જ વાત કરીએ તો ગત વર્ષે તેની એમએસપી પ્રતિ ક્વિન્ટલ 1,425 રૂપિયા હતી, જે આ વર્ષે 1,700 રૂપિયા છે. આ ભાવ તો મળવા મુશ્કેલ છે. 1,700 રૂપિયામાં 100 કિલો મકાઈ કોણ ખરીદશે?

સ્વામીનાથન પંચની ભલામણના અમલ પછી તો એ વધારે મોંઘી થઈ જશે અને વૈશ્વિક માર્કેટમાં ભાવ તો પહેલાંથી જ ઓછા છે.

જે ભાવ સરકારે નક્કી કર્યા છે તે માર્કેટ ચૂકવી શકતી નથી. તેથી સ્વામીનાથન પંચની ભલામણોનો સ્વીકાર અશક્ય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો