You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિરિયડ્સ પહેલાં યુવતીઓને કેમ આવે છે આત્મહત્યાના વિચાર?
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
છાયાનિકા એક દિવસ તેમના પતિ સાથે નાની વાત પર લડી પડ્યાં અને દિવસભર લડાઈ ચાલતી રહી.. આખરે તેમને પોતાના આ વર્તન માટે પસ્તાવો થયો.
છાયાનિકા કહે છે, "ઘણી નાની વાત હતી. અમે લોકો મારાં માતાને ઘરે ગયાં હતાં અને પરત આવતાં બહાર ફરવા જવાનાં હતાં. પરંતુ મારા પતિ થાકી ગયા હોવાથી તેમણે સીધા ઘરે જવાનું કહ્યું."
"તેમની આટલી નાની વાત પર મેં લડવાનું શરૂ કરી દીધુ અને મોડી રાત સુધી મારો મૂડ ખરાબ રહ્યો."
"આગામી એક-બે દિવસમાં હું ચિડાયેલી રહી અને મને પિરિયડ્સ આવી ગયા."
આ સમયે છાયાનિકાને એ ખબર નહોતી કે તેમની સાથે શું થઈ રહ્યું છે.
તેમણે જણાવ્યું,"મને પિરિયડ્ શરૂ થયાના એક-બે દિવસ પહેલાં જ હતાશા અનુભવાય છે. મારો સ્વભાવ ચીડિયો થઈ જાય છે.''
''તમામ જૂની વાતો અને ભૂલો યાદ આવી જાય છે અને ઘણો ગુસ્સો આવે છે."
"એકલાં રહેવાનું મન થાય છે. ક્યારેક ખુદને ખતમ કરી દેવાનો વિચાર પણ આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એક દિવસ છાયાનિકાને સોશિયલ મીડિયા પરથી 'પ્રિ-મૅન્સ્ટ્રુઍશન ડિસ્ફૉરિક ડિસઑર્ડર સિન્ડ્રોમ (પીએમડીડી)' વિશે જાણવાં મળ્યું.
જ્યારે તેમને આ વિશે માલૂમ પડ્યું ત્યારે તેમને સમજ પડી કે ખરેખર તેમના વ્યવહારમાં એકાએક બદલાવ કેમ આવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
પિરિયડ્સમાં થનારી પીડા અને શારીરિક પરેશાની અંગે મહિલાઓ વાકેફ હોય છે પરંતુ તેની સાથે જોડાયેલા માનસિક બદલાવથી તે અજાણ હોય છે.
કેટલીક મહિલાઓને પિરિયડ્સ પહેલાં પીએમડીડીની સમસ્યા હોય છે.
તેમના વ્યવહારમાં પરિવર્તન આવે છે અને તેઓ બધાથી અંતર બનાવી લે છે.
આ સમસ્યા કેટલીક વાર ખતરનાક સ્તરે પણ પહોંચી જાય છે.
શું છે પીએમડીડી?
'પ્રિ-મૅન્સ્ટ્રુઍશન ડિસ્ફૉરિક ડિસઑર્ડર'માં હોર્મોનલ બદલાવ આવે છે. તેનાથી મગજ પર અસર થાય છે. સામાન્ય રીતે પિરિયડ્સના સમયે શરીરમાં કેટલાક હળવાં પરિવર્તનો આવે છે.
પરંતુ પીએમડીડીમાં મગજની અંદર સામાન્યથી વધુ પ્રમાણમાં કેમિકલની વધ-ઘટ થાય છે. આ અસંતુલન ભાવનાત્મક લક્ષણો પેદા કરે છે.
મનોચિકિત્સક સંદીપ વોહરા જણાવે છે, "પીએમડીડીના લક્ષણો પિરિયડ્સના બે-ત્રણ દિવસ પહેલાંથી જ દેખાવાનાં શરૂ થઈ જાય છે.''
''તેમાં ભાવનાત્મક અને માનસિક લક્ષણો શારીરિક લક્ષણો સાથે જોડાઈ જાય છે. જેમાં ચીડ ચડવી, હતાશા અને તણાવનો અનુભવ થવો, ઊંઘ ના આવવી તેમજ ગુસ્સો આવવો જેવા લક્ષણોનો સમાવેશ થાય છે."
"કેટલાક કિસ્સામાં મહિલાઓને આત્મહત્યાના વિચારો પણ આવે છે. તેઓ ગુસ્સામાં અન્ય વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે. જોકે, આવું ઘણા ઓછા કિસ્સામાં થતું હોય છે."
પરંતુ જરૂરી નથી કે દરેક મહિલામાં એક જ જેવો પ્રભાવ જોવા મળે.
જેમ કે છાયાનિકાને પિરિયડ્સ પહેલાં એકલતા અનુભવાય છે. ચીડ ચડે છે. પરંતુ દિલ્હીનાં રહેવાસી માનસી વર્માનો અનુભવ આ મામલે કંઈક અલગ છે.
માનસી જણાવે છે,"હું પિરિયડ્સ પહેલાં ઘણી ઉદાસી અનુભવુ છું.'' ''ગત વખતે પિરિયડ્સ આવતાં પહેલાં મારી સાથે એવું કંઈ નહોતું થયું કે હું દુઃખી થઈ જાઉ પણ તેમ છતાં હું ઉદાસ થઈ ગઈ હતી. એવું થતું કે ક્યાંક ભાગી જાઉં પણ કેમ ભાગી રહી છું એ ખબર નહોતી."
"આત્મવિશ્વાસ નહોતો અને અસુરક્ષા અનુભવી રહી હતી. મારો આખો દિવસ રડવામાં જ પસાર થયો."
પીએમએસ અને પીએમડીડી વચ્ચે તફાવત
મોટાભાગે લોકો પીએમએસ અને પીએમડીડી વચ્ચે તફાવત સમજી નથી શકતાં.
બન્ને અલગઅલગ માનસિક લક્ષણો અને જૂદીજૂદી ગંભીરતા ધરાવે છે.
સ્ત્રીરોગ નિષ્ણાત ડૉક્ટર અનીતા ગુપ્તા કહે છે, "પીએમએસમાં પિરિયડ્સની સાઇકલને સંતુલિત કરનારા હોર્મોનમાં થોડું અસંતુલન આવી જાય છે."
"તેના કારણે સ્તનમાં દુખાવો, તાવ અને ઉલ્ટી જેવી પરેશાની થઈ શકે છે. પણ તેનો ભાવનાત્મક અને માનસિક પ્રભાવ એટલો તીવ્ર નથી હોતો કે સામાજિક જીવન પર તેની અસર થાય."
"પીએમએસમાં માત્ર વિટામિન આપવામાં આવે છે પરંતુ પીએમડીડીમાં સંપૂર્ણ સારવાર અને કાઉન્સેલિંગની પણ જરૂર પડે છે.
પીએમએસના લક્ષણો પિરિયડ્સના પાંચ છ દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે અને પિરિયડ્સ દરમિયાન પણ રહે છે. જોકે, ઘણાં હળવા હોય છે."
જ્યારે, પીડીએસના લક્ષણો બે-ત્રણ દિવસ પહેલાંથી શરૂ થઈ જાય છે.
તેમાં શારીરિક લક્ષણોની સાથે સાથે ભાવનાત્મક અને માનસિક લક્ષણો પણ જોડાઈ જાય છે. તેનો માનસિક પ્રભાવ વધુ હોય છે.
ડૉ. અનીતા જણાવે છે કે, પીએમડીડીમાં 'મૂડ સ્વિંગ' વધુ થાય છે.
મહિલાઓ સમાજથી અલગ-થલગ અનુભવે છે અને તેની અસર તેમના કામકાજ પર પણ થાય છે.
તેમનું કહેવું છે કે, "જો આ લક્ષણો તીવ્ર હોય અને ડૉક્ટરને બતાવવામાં ન આવે તો મહિલા સંપૂર્ણ રીતે હતાશામાં સરી શકે છે. તે ખુદને અથવા બીજાને નુકસાન પહોંચાડી શકે છે."
"જોકે, આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે."
સારવાર
ડૉક્ટર સંદીપ કહે છે કે, સારવાર કરતી વખતે પહેલાં લક્ષણોની તીવ્રતાનું સ્તર ધ્યાન પર લેવામાં આવે છે.
પછી દવાની સાથે સાથે કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે.
કેટલાક કિસ્સામાં સતત દવા આપવી પડે છે અને કેટલાક કિસ્સામાં માત્ર પિરિયડ્સ દરમિયાન જ દવા આપવામાં આવે છે.
તેમાં ઘરના લોકો અને મહિલા બન્નેને સમજાવવામાં આવે છે.
પરિવારનું કાઉન્સેલિંગ પણ ઘણુ જરૂરી હોય છે, જેથી તેઓ સમજી શકે કે ઘણી બાબતો દર્દીના હાથમાં નથી હોતી.
આવું મગજના હોર્મોનલ અને મગજના કેમિકલના અસંતુલનને કારણે થાય છે.
વળી, દર્દીને એ સમજાવવામાં આવે છે કે આવું પિરિયડ્સના દિવસો દરમિયાન થાય છે આથી કેટલીક બાબતોનું ધ્યાન રાખી શકે.
જાણકારીનો અભાવ
પીએમએસ અને પીએમડીડી બન્ને મામલે મહિલાઓમાં જાણકારીનો અભાવ હોય છે.
ડૉક્ટર સંદીપ કહે છે કે, મહિલાઓને આ સમસ્યાની જાણકારી હોય તો તેઓ પોતાને સમજી શકે અને આ સમયે તેઓ પોતાનો ખ્યાલ પણ રાખી શકે.
માનસી વર્મા કહે છે કે, જ્યારે તેમને પીએમડીડી વિશે ખબર પડી ત્યારથી તેમણે નિર્ણય કર્યો કે, તેઓ પોતાના પિરિયડ્સનું ધ્યાન રાખશે અને વ્યવહાર મામલે ગંભીરતા દાખવશે.
પહેલાં તેઓ આવું નહોતાં કરતાં. હવે તેમણે તેમનાં માતા સાથે પણ આ મામલે વાત કરવાનું શરૂ કરી દીધું છે.
ડૉક્ટર સંદીપ સ્પષ્ટપણે જણાવે છે કે પીએમડીડી એક બાયૉલૉજીકલ કારણોથી થતી સમસ્યા છે અને માનસિક રોગ નથી.
તેઓ ઇલાજ પણ શક્ય છે. જો લક્ષણ વધુ ગંભીર ન હોય, તો પોતાનું ધ્યાન રાખીને પરિવારના સહયોગથી બધુ ઠીક થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો