મહારાષ્ટ્રના પૂણેમાં ભારે વરસાદથી 12 લોકોનાં મૃત્યુ, 15,000નું સ્થળાંતર

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે 12 લોકોનાં મૃત્યુ થયા છે અને 15,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદને પગલે પૂણેની અંબલ નદીમાં પૂર આવતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.

અરણેશ્વર વિસ્તારની ટાંગેવાલે કોલોનીનાં મકાનોમાં ગુરુવારે સવારે પાણી ઘૂસી જતાં કોલોનીમાં આવેલી એક ઇમારતની દિવાલ ધસી પડી જેમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ સિવાય પૂણે ગ્રામ્ય પોલીસ અનુસાર પૂણેના ખેડ શિવપુરમાં ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતાં 5 લોકો તણાઈ ગયા હતા, જે પૈકી પોલીસને 3 લોકોનાં મૃતદેહ મળ્યા છે તેમજ 2 વ્યક્તિની શોધખોળ ચાલુ છે.

મેહુલ ચોક્સી ઠગ છે : એંટીગુઆના વડા પ્રધાન

એનડીટીવી ઇન્ડિયાની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે પંજાબ નેશનલ બૅન્ક ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીને એંટિગુઆ અને બારબુડાના વડા પ્રધાન ગૅસ્ટન બ્રાઉને ઠગ ગણાવ્યા છે.

બ્રાઉને કહ્યું છે કે તેમને પૂરતી માહિતી મળી છે કે મેહુલ ચોક્સી ઠગ છે.

બ્રાઉને કહ્યું, "અમારો દેશ કાયદામાં માને છે અને કેસ ન્યાયતંત્ર સમક્ષ છે. તેમણે ઘણી બધી અરજીઓ કરી રાખી છે અને જ્યાં સુધી તેનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ એમ નથી."

"હું તમને એક વાત કહેવા માગું છું કે મેહુલ ચોક્સીને એંટીગુઆ અને બારબુડામાં રાખવાનો કોઈ ઇરાદો નથી."

રાજ્યમાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા ત્રણ દિવસ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ વર્ષે ગુજરાતમાં સો ટકા કરતાં પણ વધારે વરસાદ થયો છે અને ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં મોડું પૂર્ણ થઈ રહ્યું છે.

આગામી ત્રણ દિવસમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.

આ તરફ હવામાન વિભાગે કહ્યું છે કે ચક્રવાતી તોફાન હિકા ઓમાન તરફ પહોંચીને નબળું પડી ગયું છે અને ડિપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે.

અરબસાગરમાં ઉત્પન્ન થયેલું આ તોફાન સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસેથી થઈને ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. જેના કારણે સૌરાષ્ટ્રમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી હતી.

ઘરની બહાર વાહન પાર્ક કરવા ચૂકવવા પડશે પૈસા

અમદાવાદ શહેરમાં હવે ઘરની કે ઓફિસની બહાર લાંબા સમય સુધી કે રાત્રિ દરમિયાન વાહન પાર્ક કરવાના પણ પૈસા ચૂકવવા પડશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર રસ્તા પર સોસાયટીની બહાર કે પછી કૉમર્શિયલ કૉમ્પ્લેક્સની બહાર વાહન પાર્ક કરવાના પૈસા ચૂકવવા પડશે.

AMCના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વાહન પાર્ક કરવાની ફી વિસ્તાર અને ઝોનને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું છે, "આ પૉલિસી મામલે ડ્રાફ્ટ તૈયાર કરવામં આવ્યો છે અને આશરે બે અઠવાડિયાના સમયગાળામાં આ નિયમ અંગે જાહેરાત કરવામાં આવશે. સૌથી પહેલા કૉમર્શિયલ બિલ્ડિંગની બહાર વાહનો પાર્ક કરવાની પૉલિસી અંગે જાહેરાત કરાશે."

માહિતી પ્રમાણે રહેણાંક વિસ્તારોની બહાર પાર્કિંગ કરવા માટે માસિક ફી રૂપિયા 240થી માંડીને 450 સુધી હોઈ શકે છે જ્યારે કૉમર્શિયલ બિલ્ડિંગની બહાર પાર્કિંગનો માસિક ચાર્જ રૂપિયા 1700થી માંડીને 3000 સુધી હોઈ શકે છે.

'ભારતમાં રોકાણ કરો' : વડા પ્રધાન નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયૉર્કમાં ગ્લોબલ બિઝનેસ ફોરમમાં સંબોધન કર્યું હતું.

વડા પ્રધાને આ દરમિયાન અમેરિકન કંપનીઓને કહ્યું કે તેઓ ભારત આવીને રોકાણ કરે.

તેમણે જણાવ્યું કે ભારતમાં કૉર્પોરેટ ટૅક્સ ઘટાડવામાં આવ્યો છે તેવામાં અમેરિકી રોકાણકારો પાસે સોનેરી તક છે.

અંતે તેમણે એ વાત પણ જોડી કે જો કોઈ 'ગૅપ રહી જશે તો હું બ્રિજ બનીશ'.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે 5 ટ્રિલિયન ડૉલરની ઇકૉનૉમી બનાવવાનું મોટું લક્ષ્ય રાખ્યું છે.

પોલીસ પર ચિન્મયાનંદને બચાવવાનો આરોપ

પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ચિન્મયાનંદ વિરુદ્ધ બળાત્કારનો આરોપ લગાવનાર વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે તેમની દીકરીની એ માટે ધરપકડ થઈ છે, જેથી કરીને કેસ પરત ખેંચવા માટે દબાણ કરી શકાય.

23 વર્ષીય વિદ્યાર્થિનીના પિતાએ કહ્યું છે કે તેમની દીકરી વિરુદ્ધ પોલીસ પાસે કોઈ પુરાવા નથી અને પોલીસ ચિન્મયાનંદને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા વિદ્યાર્થિનીના પિતાએ જણાવ્યું, "SITએ મારી દીકરીની ખોટા આરોપસર ધરપકડ કરી છે અને એ આરોપ ખોટો છે કે મારી દીકરી એ ત્રણ યુવાનો સાથે મળેલી હતી (જેમની વસૂલીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે)."

"આ બધી વાત ખોટી છે. મારી દીકરીના તેના સાથે કોઈ લેવા દેવા નથી. પોતાના નિવેદનમાં મારી દીકરીએ ક્યારેય કોઈ અપરાધની વાત માની નથી અને SIT મીડિયામાં જુઠ્ઠાણું ફેલાવી રહી છે."

ગ્રેટા થનબર્ગને વૈકલ્પિક નોબલ પ્રાઇઝ

ડીએનએમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે જળવાયુ પરિવર્તન વિરુદ્ધ ઝુંબેશ ચલાવી રહેલા 16 વર્ષીય ગ્રેટા થનબર્ગને સ્વિડનમાં 'રાઇટ લાઇવલીહુડ ઍવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યાં છે.

આ ઍવૉર્ડને 'વૈકલ્પિક નોબલ પ્રાઇઝ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

રાઇટ લાઇવલીહુડ ફાઉન્ડેશને એક નિવેદનમાં જણાવ્યું છે કે થનબર્ગને 'જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે તાત્કાલિક કાર્યવાહીની રાજકીય માગને તીવ્ર કરવા તેમજ લોકોને પ્રેરિત' કરવા માટે સન્માનિત કરાયાં છે.

હાલ જ ગ્રેટા થનબર્ગ ત્યારે ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે તેમણે યુનાઇટેડ નેશન્સમાં એક સ્પીચ આપી અને દુનિયાના નેતાઓ જળવાયુ પરિવર્તનને રોકવામાં નિષ્ફળ થયા હોવાની વાત કહી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો