હાર્દિકના ઉપવાસ : હાર્દિકે વસિયતનામામાં બૅન્ક બેલેન્સ જાહેર કર્યું

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના આઠ દિવસ થઈ ગયા છે અને ઉપવાસના નવમાં દિવસે ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, બિહારના પૂર્વ મુખ્ય મંત્રી જીતનરામ માંઝી સહિતના નેતાઓએ હાર્દિકની મુલાકાત લીધી.

ઉપવાસના નવામાં હાર્દિક પટેલનું વસિયતનામું પાસ પ્રવક્તા મનોજ પનારાએ મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.

હાર્દિકને તબીબોએ હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે, ત્યારે વસિયતનામામાં લખ્યું છે કે આમરણાંત ઉપવાસ દરમિયાન અન્નનો ત્યાગ કર્યો હોવાથી 'મારું શરીર તકલીફમાં' છે.

તેમણે લખ્યું છે કે, "અમારે શરીરત્યાગ કરવાની પરિસ્થિતિ સર્જાયેલી છે, જેથી આ છેવટનું વીલ કરીએ છીએ."

બીજી બાજુ, સાબરકાંઠામાં પચાસ જેટલાં પાટીદારોની અટકાયત કરવામાં આવી છે.

મિલકત જાહેર કરી

હાર્દિકે વસિયતનામામાં મિલકતનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પોતાનું બૅન્ક બેલેન્સ પણ હાર્દિકે જાહેર કર્યું છે. વસિયતનામા પ્રમાણે હાર્દિકના બૅન્ક ખાતામાં 50 હજાર રૂપિયા છે.

આ ઉપરાંત વસિયતનામામાં એક લાઇફ ઇન્સ્યૉરન્સ પૉલિસી અને એક કારને મિલકત તરીકે દર્શાવ્યાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ઉપરાંત હાર્દિકનું એક પુસ્તક લખાઈ રહ્યું છે, તેની રૉયલ્ટીની આવકને પણ હાર્દિકે મિલકતમાં ગણાવી છે.

વારસદાર પણ જાહેર કર્યા

હાર્દિકે વીલમાં મિલકતના વારસદારોના નામ જાહેર કર્યા છે. વસિયતનામા પ્રમાણે, હાર્દિકના પિતા ભરતભાઈ અને માતા ઉષાબહેન તેમની આ મિલકતના વારસદાર રહેશે.

વસિયતનામામાં લખ્યું છે કે બૅન્ક બેલેન્સના 50 હજારમાંથી 20 હજાર રૂપિયા માતાપિતાને આપવા અને બાકીના પૈસાનો પાંજરાપોળનાં પશુઓને ચારો ખવડાવવો.

લાઇફ ઇન્સ્યૉરન્સ, કારની રકમ અને પુસ્તકની રૉયલ્ટીની આવકમાંથી 15 ટકા રકમ માતાપિતાને, 15 રકમ બહેનને અને બાકીની રકમ પાટીદાર અનામત આંદોલનમા શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને આપવાનું વસિયતનામામાં જાહેર કર્યું છે.

હાર્દિક પટેલે મૃત્યુ બાદ નેત્રદાન કરવાની ઇચ્છા પણ વસિયતનામામાં વ્યક્ત કરી છે.

50 જેટલા પાટીદારોની અટકાયત કરાઈ

ઉપવાસના નવમાં દિવસે હાર્દિકના સમર્થનમાં સાબરકાંઠાના ગઢોડા ગામના લોકોએ અમદાવાદ સુધી પદયાત્રાનું આયોજન કર્યું હતું.

આ યાત્રામાં જોડાયેલા 25 મહિલાઓ સહિત જેટલાં પાટીદારોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.

સ્થાનિક પત્રકાર શૈલેષ ચૌહાણ જણાવે છે, આ પદયાત્રામાં રાખાયેલા ઉમિયા માના રથ માટે જરૂરી પરવાનગી લીધી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી હતી.

ગઢોડાથી દોઢ કિલોમિટર દૂર પોલીસ કાફલો આવી પહોચ્યો હતો, જ્યાં પાટીદારો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી

પદયાત્રા દરમિયાન પાટીદારોએ સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો તેમજ હાર્દિક પટેલની અનામત તેમજ ખેડૂતોના દેવામાફીની લડાઈમાં ટેકો આપ્યો હતો.

બિહારના પૂર્વ મુખ્યમંત્રીએ હાર્દિકની મુલાકાત લીધી

રવિવારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કોંગ્રેસ પ્રવક્તા ડૉ. હિમાંશું પટેલ, લોકગાયક સાગર પટેલ પણ આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો