You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જે ફરિયાદ કરે તેમને ગોળી મારો, આ ન્યૂ ઇન્ડિયા છે : રાહુલ ગાંધી
પૂણેના ભીમા કોરેગાંવમાં થયેલી હિંસા મામલે પોલીસે મંગળવારે સામાજિક કાર્યકર્તાઓનાં ઘરે દરોડા પાડ્યા હતા અને કેટલાક લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે અત્યારસુધીમાં વરવરા રાવ, સુધા ભારદ્વાજ અને ગૌતમ નવલખા સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓએ બીબીસીને જણાવ્યું કે દિલ્હી, મુંબઈ, રાંચી, હૈદરાબાદ અને ફરીદાબાદ સહિત અનેક જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.
તમે આ વાંચ્યું કે નહીં?
એવો આરોપ છે કે આ સામાજિક કાર્યકર્તાઓને કારણે જ ભીમા કોરેગાંવમાં હિંસા ભડકી હતી.
પાંચ અન્ય લોકોની આ જ મામલે જૂનમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસનું કહેવું છે કે આ સામાજિક કાર્યકર્તાઓએ 31 ડિસેમ્બર 2017ના દિવસે યોજાયેલી રેલીમાં દલિતોને ઉશ્કેર્યા હતા.
જે બાદ હિંસા ભડકી હતી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધરપકડની ટીકા
પોલીસ દ્વારા કરાયેલી આ ધરપકડની અનેક લોકોએ ટીકા કરી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ધરપકડો પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે #BhimaKoregaon સાથે ટ્વીટ કર્યું.
તેમણે ટ્વીટમાં લખ્યું, "ભારતમાં માત્ર એક જ એનજીઓ માટે જગ્યા છે અને તેનું નામ છે આરએસએસ. બાકી બધા જ એનજીઓ બંધ કરી દો. બધા જ સામાજિક કાર્યકર્તાઓને જેલમાં મોકલી દો અને જે લોકો ફરિયાદ કરે તેમને ગોળી મારી દો. ન્યૂ ઇન્ડિયામાં તમારું સ્વાગત છે."
માનવઅધિકાર સંગઠન 'ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે' આ કાર્યવાહીની ટીકા કરી છે અને કહ્યું છે કે સરકારે અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા કરવી જોઈએ.
રામચંદ્ર ગુહાએ ટ્વિટર પર લખ્યું, "આ ખૂબ જ હેરાન કરનારી વાત છે. આ મામલે સુપ્રીમ કોર્ટે જલદી જ હસ્તક્ષેપ કરવો જોઈએ."
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું છે કે ફાસીવાદી તાકોતો હવે ખુલીને સામે આવી ગઈ છે.
વરિષ્ઠ વકીલ રાજદીપ સરદેસાઈએ ટ્વીટ કર્યું, "નવા ભારતમાં માનવ અધિકાર કાર્યકર્તાની ધરપકડો કરવામાં આવશે પરંતુ સનાતન સંસ્થા જેવાં સંગઠનોને કોઈ પૂછવા પણ માગતું નથી અને દેશ ચૂપ છે."
સીપીઆઈ(એમ)ના જનરલ સેક્રેટરી સીતારામ યચુરીએ ટ્વીટ કર્યું, "જ્યારથી દલિત વિરુદ્ધ ભીમા કોરેગાંવ હિંસા થઈ છે ત્યારથી સેન્ટ્રલ એજન્સીઓ સાથે મહારાષ્ટ્ર પોલીસ દલિત સામાજિક કાર્યકર્તાઓ અને વકીલોને નિશાન બનાવી રહી છે. આ લોકો સવર્ણ જ્ઞાતિઓ સામે લડી રહ્યા છે."
સીપીઆઈ એમએલમાં પોલીટ બ્યૂરોનાં સભ્ય કવિતા કૃષ્ણનને કહ્યું કે મોદી સરકારની અઘોષિત ઇમરજન્સીમાં માનવ અધિકાર કાર્યકર્તાઓ અને વિરોધીઓને ગોળી મારવામાં આવે છે, તેમના પર દરોડા પાડવામાં આવે છે, ધરપકડો કરવામાં આવે છે અથવા જેલમાં નાખી દેવામાં આવે છે.
ભાજપનાં નેતા પ્રીતિ ગાંધીએ ટ્વીટ કર્યું છે, "ભારતના અનેક શહેરોમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી ભીમા કોરેગાંવ હિંસાના જવાબદાર અર્બન નક્સલીઓના સ્થળો પર દરોડા પડાયા છે. પોલીસને આ મામલે પૂરાવા મળ્યા છે."
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ કહ્યું કે ભીમા કોરેગાંવની આડમાં સામાજિક કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો છે.
એએસયૂઆઈના ટ્વિટર હૅન્ડલ પરથી આ ધરપકડોની ટીકા કરતા ટ્વીટ કરવામાં આવ્યું, "આ એ અવાજોને દબાવવાની કોશિશ છે જે દલિતો અને ગરીબો સાથે ઉભા છે. અમે આ કાર્યકર્તાઓને છોડી મૂકવાની માગ કરીએ છીએ. "
ક્યારે અને કેમ થઈ હતી ભીમા કોરેગાંવમાં હિંસા?
મહારાષ્ટ્રમાં આ જ વર્ષે પહેલી જાન્યુઆરીએ ભીમા કોરેગાંવ લડાઈની 200મી વર્ષગાંઠ નિમિત્તે ભીમા નદીના કિનારે આવેલા સ્મારક પાસે પથ્થરમારો થયો હતો અને આગની ઘટનાઓ બની હતી.
કહેવાય છે કે ભીમા કોરેગાંવની લડાઈ 1 જાન્યુઆરી 1818ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સૈન્ય અને પેશ્વાઓના નેતૃત્વવાળી મરાઠા સેના વચ્ચે લડાઈ હતી.
આ લડાઈમાં મહાર જાતિએ ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી લડતા મરાઠાઓને માત આપી હતી.
મહારાષ્ટ્રમાં મહાર જાતિના લોકોને અછૂત ગણવામાં આવતા હતા.
જાન્યુઆરી 2018માં હિંસા બાદ બીબીસી સંવાદદાત્તા મયૂરેશ કુન્નર સાથે વાત કરતા પૂણે ગ્રામ્યના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સુવેઝ હકે કહ્યું હતું, ''બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું અને ત્યારે જ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો."
"પોલીસ એ જ સમયે હરકતમાં આવી ગઈ હતી. ભીડ પર કાબૂ મેળવવા માટે અમારે આંસુ ગૅસ અને લાઠી ચાર્જનો પ્રયોગ કરવો પડ્યો હતો.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો