You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અંકિતા રૈના : એશિયન ગેમ્સના મેડલ માટે ગુજરાતીની મહેનતની કહાણી
- લેેખક, હેમિન્ગટન જેમ્સ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઇન્ડોનેશિયામાં યોજાઈ રહેલા એશિયન ગેમ્સ 2018માં ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રૉંઝ મેડલ જીત્યો હતો.
છેલ્લે વર્ષ 2010માં યોજાયેલી એશિયન ગેમ્સમાં સાનિયા મિર્ઝાએ મહિલા સિંગલ્સમાં બ્રૉંઝ મેડલ જીત્યો હતો.
આમ સાનિયા મિર્ઝા બાદ એશિયન ગેમ્સમાં ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં મેડલ જીતનારાં અંકિતા રૈના બીજા મહિલા ખેલાડી છે.
અંકિતા રૈના સેમી-ફાઇનલમાં ચીનના ઝેન્ગ શુઆઈ સામે 4-6, 6-7(6)થી હારી ગયાં હતાં અને બ્રૉંઝ મેડલથી સંતોષ માનવો પડ્યો.
પરંતુ બે કલાકથી વધુ ચાલેલી સેમીફાઇનલમાં તેમણે હરીફ ખેલાડીને મજબૂત ટક્કર આપી હતી.
મૂળ ગુજરાતના અંકિતા રૈનાની એશિયન ગેમ્સની તૈયારી અને ટેનિસ માટે તેમની મહેનત વિશે બીબીસીએ તેમના માતાપિતા અને કોચ સાથે વાત કરી.
બ્રૉંઝ મેડલની ખુશી વ્યક્ત કરતાં અંકિતા રૈનાના માતા લલિતા રૈનાએ બીબીસીને જણાવ્યું:
"અંકિતાએ સવારે પાંચ વાગે ઊઠીને કોચિંગ માટે જવાનું અને સાડા સાત વાગ્યે પરત આવીને તરત જ સ્કૂલે જવું પડતું. ઘણી વાર સવારનો નાસ્તો સ્કૂલવાનમાં જ કરવો પડતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પણ આજે તેનો આ સંઘર્ષ ફળ્યો છે. બ્રૉંઝ મેડલ જીતીને તેણે માત્ર પરિવારનું નહીં, પણ સાથે સાથે દેશનું નામ રોશન કર્યું છે. મને મારી દીકરી પર ગર્વ છે."
અત્રે નોંધવું રહ્યું, અંકિતા એશિયન ગેમ્સમાં બ્રૉંઝ મેડલ જીતનારાં પ્રથમ ગુજરાતી યુવતી છે.
આપને આ પણ વાંચવું ગમશે
તેઓ અમદાવાદના મેમનગર વિસ્તારમાં પોતાના માતાપિતા રવિન્દ્ર રૈના અને માતા લલિતા રૈના તથા ભાઈ અંકુર સાથે રહેતાં હતાં.
જોકે, આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ લેવા માટે પુના જવું પડ્યું હતું. તેમના પિતા ખાનગી કંપનીમાં મૅનેજર હોવાથી નોકરી છોડી શકે એમ ન હોવાથી તેમના માતાએ પોતાની નોકરીમાં પુના ટ્રાન્સફર લઈ લીધું.
તેમના માતા એલઆઈસીમાં સુપરવાઇર તરીકે કામ કરે છે.
ભાઈએ સાયન્સ લેવા ટેનિસ છોડ્યું, બહેને ટેનિસ માટે કૉમર્સ લીધું
અંકિતા રૈનાની મહેનત વિશે વધુ જણાવતાં તેમના માતા લલિતા રૈનાએ જણાવ્યું, "આજે અમને ઘણી જ ખુશી થાય છે કે, અમારી મહેનત રંગ લાવી છે."
"અંકિતા હંમેશાં કહેતી કે તેને ટેનિસમાં મેડલ જીતવું છે અને આજે તેણે આ કરી બતાવ્યું છે."
"તેને ચાર વર્ષની ઉંમરથી જ ટેનિસ રમવામાં રસ હતો. અમે તેના ભાઈ અંકુર અને અંકિતા બન્નેને સાથે જ ટેનિસ રમવા મોકલતાં હતાં."
"અંકિતે સાયન્સ પસંદ કર્યું એટલે ટેનિસ છોડી દીધું, જ્યારે અંકિતાએ ટેનિસ રમવા માટે અને તે ક્ષેત્રમાં આગળ વધવા કૉમર્સ લેવાનું નક્કી કર્યું હતું."
શરૂઆતના દિવસોમાં અંકિતાના ટેનિસ પ્રત્યેની કટિબદ્ધતા વિશે જણાવતા તેમના માતા કહે છે, "તેર વર્ષની ઉંમરથી જ તે એકલી આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતી હતી."
"પોતાનાં જીવનમાં તેણે ઘણી મુશ્કેલીનો સામનો જાતે જ કર્યો છે."
જ્યારે ભૂલથી મટનનું સૂપ પી લીધું...
લલિતા કહે છે, "મને યાદ છે કે, વર્ષ 2006માં તે મોરોક્કો ગઈ હતી, ત્યારે તેને ત્યાંની ભાષા નહોતી આવડતી. આથી ઘણી મુશ્કેલી પડી હતી."
"તે કોઈ સાથે વાત નહોતી કરી શકતી. આ કારણે ટ્રેનમાં પ્રવાસ વખતે તે જે સ્ટેશન પર ઊતરવાનું હતું, ત્યાં ઊતરી નહોતી શકી, કેમ કે, એ સ્ટેશન જતું રહ્યું હતું.
"આથી ટ્રેન આગળ વધી જતાં તેણે ટ્રેન રોકવા માટે ચેઇન ખેંચી નાખી હતી."
"પછી અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેમને સમજાવ્યા કે યોગ્ય કારણસર તેણે આવું કર્યું છે."
"અને આખરે તેને કોઈ પણ જાતનો દંડ ફટકારવામાં આવ્યો નહોતો."
વિદેશમાં એકલા પ્રવાસ વખતે ફૂડ મામલે પણ વેઠેલી મુશ્કેલી વિશે જણાવતા તેમનાં માતા લલિતા રૈના કહે છે, "અંકિતા એક વખત ઓમાનમાં ટેનિસ ટુર્નામેન્ટ માટે ગઈ હતી. ત્યારે ભૂલથી મટનનું સૂપ પી લીધું હતું."
"તેને ખબર પડતાં તરત જ મને ફોન કર્યો હતો. મને લાગ્યું કે, જો તે ગભરાઈ જશે તો રમી શકશે નહીં."
"આથી મેં તેને સાદા પાણીથી કોગળાં કરવાં અને બાફેલા બટાકાં-ટામેટાંનું સલાડ ખાવાની સલાહ આપી હતી. મેં કહ્યું કે તને તેનાથી રમવા માટે ઊર્જા મળશે."
સિલ્વર મેડલની આશા
જોકે, અંકિતા રૈનાના પિતા રવિન્દ્રને વિશ્વાસ હતો કે તેમની દીકરી આ વખતે સિલ્વર મેડલ જીતશે.
બીબીસી સાથેની વાતચીતમાં રવિન્દ્રે કહ્યું, "મને આશા હતી કે સિલ્વર મેડલ જીતશે. મેં ટીવીમાં ઇવેન્ટ જોઈ ત્યારે લાગ્યું કે તે સંઘર્ષ કરી રહી છે."
"પરંતુ મને એ વાતનો આનંદ છે કે, તે પોતાની મહેનત પર ખરી ઊતરી છે અને મને તેના પિતા હોવાનો ગર્વ છે."
અંકિતા રૈનાની રમતમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ધરાવતા તેમના કોચ હેમંત બોરડેએ અંકિતાના ટેનિસ પ્રત્યેનાં સમર્પણને બિરદાવતા કહ્યું, "અંકિતામાં કોઈ અસાધારણ આવડત નથી પણ તેનું સમર્પણ દાદ માંગી લે તેવું છે."
"દિવસમાં સાતથી આઠ કલાક પ્રૅક્ટિસ કરવી અને બીજા દિવસે ફરીથી એટલી જ પ્રૅક્ટિસ કરવી સરળ નથી."
"મેં જોયું છે કે ઘણા ખેલાડીએ હિંમત હારી જાય છે, પણ અંકિતા ક્યારેય હાર નથી માનતી."
"મને ઘણી ખુશી છે કે, અંકિતા એશિયન ગેમ્સમાં મેડલ લાવનારી ગુજરાતની પ્રથમ ખેલાડી બની છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો