You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC Top News : અમે ગાયના કાયદાકીય વાલી છીએ - ઉત્તરાખંડ હાઈકોર્ટ
'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડ હાઈ કોર્ટે ગાય અને અન્ય રખડતાં પશુઓની સુરક્ષાની જવાબદારી કાયદેસર રીતે સ્વીકારી છે.
આ જોગવાઈ દ્વારા હાઈ કોર્ટે પોતાને જ આ પશુઓના કાયદેસરના વાલી બનાવ્યા છે.
ચીફ જસ્ટિસ રાજીવ શર્મા તથા જસ્ટિસ મનોજકુમાર તિવારીની બેન્ચે 41 પાનાના રિપોર્ટમાં ગાયોનું રક્ષણ કંઈ રીતે કરવું એ અંગે વિવિધ પગલાં સૂચવ્યાં છે.
આ રિપોર્ટમાં સૂચવેલાં પગલાંઓમાં ગૌહત્યા પર પ્રતિબંધનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ગાય જ નહીં, ગાય ઉપરાંત અન્ય પણ કેટલાક પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાનું ઓર્ડરમાં સૂચવ્યું છે.
તમે આ વાંચ્યું કે નહીં?
આ ઉપરાંત બીફ અને બીફની અન્ય પ્રોડક્ટના વેચાણ પણ પ્રતિબંધ મૂક્યો છે.
દેશના સૌથી સ્વચ્છ રેલવે સ્ટેશનની યાદી જાહેર કરાઈ
'ફાઇનાન્સિયલ એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્વચ્છતા મામલે ટોચના 10 સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદી ભારતીય રેલવે દ્વારા જાહેર કરાઈ છે.
જેમાં આ વખતે પ્રથમ ક્રમે એ1 કેટેગરીમાં જોધપુર તથા એ કેટેગરીમાં મારવાડ રેલવે સ્ટેશનનું નામ છે. ઉલ્લેખનીય છે કે આ બન્ને રેલવે સ્ટેશનોનાં નામ 2017ના સ્વચ્છ રેલવે સ્ટેશનની યાદીમાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લાં બે વર્ષથી રેલવે દ્વારા થર્ડ પાર્ટી સર્વે હાથ ધરવામાં આવે છે. જેના આધારે સ્વચ્છ રેલવે સ્ટેશનોની યાદી જાહેર કરવામાં આવે છે.
આ વર્ષે બીજા ક્રમે એ1 કેટેગરીમાં જયપુર તથા એ કેટેગરીમાં ફુલેરા રેલવે સ્ટેશનનું નામ છે. જ્યારે ત્રીજા ક્રમે એ1 કેટેગરીમા તિરુપતી અને એ કેટેગરીમાં વારંગલ રેલવે સ્ટેશન છે.
ઉલ્લેખનીય છે કે આ અહેવાલ પ્રમાણે ટોચના 10 રેલવે સ્ટેશનની યાદીમાં ગુજરાતનું એક પણ સ્ટેશન નથી.
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાના હત્યા કેસમાં જજે સુરક્ષા માગી
'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સ્પેશિયલ સીબીઆઈ જજ કે.એમ. દવેએ આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાનો કેસ સેન્સિટિવ હોવાથી સુરક્ષાની માગ કરી છે.
જજે પોતાના અને પરિવાર માટે રાઉન્ડ-ધ-ક્લોક સિક્યૉરિટી માગી હોવાનો ઉલ્લેખ પણ અહેવાલમાં કરાયો છે.
આ કેસમાં જૂનાગઢ બેઠકથી ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી મુખ્ય આરોપી છે કે જેઓ હાલમાં જામીન પર છૂટેલા છે.
કે.એમ. દવે વતી એ સમયના પ્રિન્સિપાલ સેશન કોર્ટ જજે સીબીઆઈના ડાયરેક્ટરને જૂન મહિનામાં લખેલા પત્રમાં સુરક્ષાની માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં ગુજરાત હાઈ કોર્ટ બહાર આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અમિત જેઠવાની બે વ્યક્તિઓ દ્વારા હત્યા કરાઈ હતી.
લોકસભા અને વિધાનભાની ચૂંટણી એકસાથે યોજવા અંગે ભાજપનું સમર્થન
'ધ હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનું એકસાથે આયોજન કરવા અંગે ભાજપે સમર્થન આપ્યું છે.
કમિશન દ્વારા એકસાથે ચૂંટણીનું આયોજન કરવા અંગે રાજકીય પક્ષોના મત લેવાઈ રહ્યા છે.
ભાજપના નેતાઓનું પ્રતિનિધિ મંડળ સોમવારે લૉ કમિશનના અધ્યક્ષ બી એસ ચૌહાણને મળ્યું હતું અને સમર્થન આપતો પત્ર પણ સુપ્રત કર્યો હતો.
કૉગ્રેસે તાજેતરમાં કમિશનને મળીને એકસાથે ચૂંટણી યોજવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાથી એક એવો પણ ફાયદો થશે કે આખા વર્ષ દરમિયાન દેશમાં ઇલેક્શનનો માહોલ નહીં હોય.
ભારતીય રૂપિયો સૌથી નીચી સપાટીએ
'સીએનબીસી'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે સોમવારે ભારતીય રૂપિયો પ્રતિ ડૉલર 69.62ની કિંમત સાથે સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો.
આ અહેવાલ પ્રમાણે ભારતીય રિઝર્વ બૅન્ક ગગડી રહેલા રૂપિયાને ફરી યોગ્ય સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરે છે.
ઉલ્લેખનીય છે કે ડૉલરની તુલનામાં રૂપિયાની સતત ઘટતી કિંમતની અસર આંતરરાષ્ટ્રીય વેપાર પર પડશે.
આ ઉપરાંત જો રૂપિયાની આ સ્થિતિ યથાવત્ રહેશે તો આયાત અને નિકાસ પર પણ અસર થશે. રૂપિયાની ઘટતી કિંમતોથી આયાત કરાતી ચીજવસ્તુઓની કિંમતો વધી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો