ગુજરાત : 22 લોકોની ધરપકડ થઈ તે મગફળી કૌભાંડ કઈ રીતે સામે આવ્યું?

ઇમેજ સ્રોત, bipin tankaria
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મગફળી કૌભાંડમાં 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે થયેલા આ કૌભાંડ મામલે સૌપ્રથમ વખત ધરપકડ કરી છે.
પેઢલા ગામમાં રાખવામાં આવેલી સરકારી ખરીદીની મગફળીમાં ભેળસેળના આરોપો બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં ફરિયાદી પોતે જ કૌભાંડમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે ફરીયાદીની પણ ધરપકડ કરી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ મામલે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે અને ગુનેગારોને છોડવામાં નહીં આવે.
રાજ્યના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજીવ પ્રસાદે બીબીસી ગુજરાતીને જણાવ્યું છે કે વેર હાઉસના તમામ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. ઉપરાંત હવે ટેકાના ભાવે થઈ રહેલી ખરીદી માટે નવી ગાઇડલાઇન તૈયાર કરવામાં આવશે.

ફરિયાદીની જ થઈ ધરપકડ

ઇમેજ સ્રોત, bipin tankaria
જે 22 લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાંના એક ખુદ ફરિયાદી મગનભાઈ ઝાલાવાડીયા જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે 31 જુલાઈના રોજ મગફળીના આ ગોડાઉનમાં પડેલી મગફળીમાં ભેળસેળ થયેલી છે તેવી ફરિયાદ નોંધાવી હતી.
મગનભાઈ ખુદ ગુજકોટ કંપનીના વેર હાઉસના મેનેજર છે જેમની પોલીસે ધરપકડ કરી છે.
તેમણે ગોડાઉનમાં પડેલી કુલ 31,000 મગફળીની ગુણીઓમાં ભેળસેળ થયાની જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મેનેજરની સાથે સાથે મોટી ધણેજ ગામની સહકારી મંડળીના સભ્યો અને મંત્રીની પણ આમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે.

કઈ રીતે સામે આવ્યું કૌભાંડ?

ઇમેજ સ્રોત, bipin tankaria
ગુજરાત સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી હતી.
જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે ખેડૂતો પાસેથી ખરીદેલી મગફળી રાખવામાં આવી હતી.
પોલીસે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે પેઢલા ગામે જયશ્રી ઇન્ટરનૅશનલ કંપનીના ગોડાઉનમાં કેટલીક મગફળીનો જથ્થો સંગ્રહિત કર્યો હતો.
અહીં રાખવામાં આવેલી મગફળીની બાદમાં નાફેડ દ્વારા હરાજી કરવામાં આવી હતી.
જે બાદ વેપારીઓએ પોતે ખરીદેલ મગફળીની ડિલિવરી લેવાની શરૂ કરી ત્યારે સામે આવ્યું કે મગફળીમાં ભેળસેળ કરવામાં આવી છે.
આશરે સાડા ચાર કરોડ રૂપિયાની મગફળીમાં ધૂળ અને કાંકરા ભેળવી દેવામાં આવ્યા હોવાના આરોપો અને ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે ધણેજ સહકારી મંડળીના ત્રણ સભ્યોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.
રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓની પૂછપરછ કરતાં ભેળસેળનો સમગ્ર મામલો સામે આવ્યો હતો અને કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ભાજપના નેતાઓ સુધી કૌભાંડના તાર : કોંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images
કોંગ્રેસના નેતા અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ કૌભાંડના છેડા ભાજપના મોટા નેતાઓ સુધી પહોંચે છે.
તેમણે કહ્યું, "ભાજપ આ મામલાથી દૂર ભાગી રહ્યો છે. સિટીંગ જજની દેખરેખ હેઠળ આ સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ. અમે ન્યાયિક તપાસ માટે ધરણાં કરીશું."
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે કોંગ્રેસ આ મામલે ફાયદો ઉઠાવવા માગે છે. અમે કોઈ પણ કસુરવારને છોડીશું નહીં.
તેમણે કહ્યું, "ખેડૂતોને નુકસાન ના જાય તે માટે રાજ્ય સરકારે આ વર્ષે મોટાપાયે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી. આટલી ખરીદી પહેલીવાર થઈ છે."
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે આમાં રાજ્ય કે કેન્દ્ર સરકારની ભૂલ નથી. મોટાપાયે મગફળીની ખરીદી થઈ છે. જેની સાચવણીમાં ગરબડ થઈ હોવાનું લાગે છે. આ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ભાજપ સરકાર તપાસનું ખોટું નાટક કરી રહી છે. આમાં મોટા માથાં સંડોવાયેલા છે પરંતુ નાના માણસોને પકડી મગફળીના કૌભાંડમાં ફીફાં ખાંડી રહી છે."

આ વર્ષે મગફળીના ગોડાઉનમાં આગની ઘટનાઓ
બીજી જાન્યુઆરી-2018ના દિવસે ગાંધીધામના ગોડાઉનમાં લાગેલી આગમાં 2500 ટન મગફળી બળી ગઈ હતી.
30મી જાન્યુઆરીએ રાજકોટના ગોંડલ પાસેના શાપર ખાતે ગોડાઉનમાં લાગેલી આગમાં 7000 ટન મગફળી રાખ થઈ ગઈ હતી.
13મી માર્ચે રાજકોટના ગોડાઉનમાં મગફળીના લાખો કોથળાઓ બળી ગયા હતા.
19મી એપ્રિલે જામનગરના હાપામાં 350 ટન મગફળી બળી ગઈ હતી.
5મી મેના દિવસે રાજકોટ જિલ્લાના શાપર ગોડાઉનમાં લાગેલી આગમાં ચાર કરોડની મગફળી બળી ગઈ હતી.

ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં કુલ 99 લાખ હેક્ટર વિસ્તાર ખેતીલાયક (સિંચાઈ અને વરસાદ આધારિત) જમીન છે.
સૌરાષ્ટ્રમાં કુલ વિસ્તારના 60થી 70 ટકા વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે
જોકે, વરસાદ ઓછો અને અનિયમિત હોવાને કારણે મગફળીનું વાવેતર કરતા ખેડૂતો માટે મોટું જોખમ રહેલું હોય છે.
ગુજરાત સરકારના આકલન મુજબ, નાણાકીય વર્ષ 2016-2017 દરમિયાન 17,60,000 હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું.
રાજ્યમાં 29,44,000 ટન મગફળીનું ઉત્પાદન થયું હતું. રાજ્યમાં હેક્ટરદીઠ વાવેતર પર 1673 કિલોગ્રામ મગફળીનો પાક થયો હતો.
ગુજરાતમાંથી દર વર્ષે પાંચ લાખ ટન સિંગદાણાની નિકાસ થાય છે.
(અમદાવાદથી ભાર્ગવ પરીખ અને રાજકોટથી બિપિન ટંકારિયાના ઇનપુટ્સ સાથે)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે















