BBC Exclusive: મૉબ લિંચિંગની ઘટનાઓની વડા પ્રધાન મોદી પર કેટલી અસર

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Reuters

    • લેેખક, પ્રદીપકુમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદી સરકારમાં સામેલ અને NDA ગઠબંધનના રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહાનું માનીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર લિંચિંગની ઘટનાઓની ખૂબ અસર થાય છે. આવી ઘટનાઓ તેમના મનની વિપરીત છે.

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ એ પણ જણાવ્યું કે મોદી સરકાર છે ત્યાં સુધી SC-ST ઍક્ટમાં કોઈ બદલાવ નથી થાય.

આ વાતચીતમાં તેમણે એ પણ સ્વીકાર્યું કે સૅન્ટ્રલ યુનિવર્સિટીની નિમણૂકોમાં અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું. જેને કારણે નિમણૂકો અટકાવી દેવાઈ છે.

એમની સાથેની પૂર્ણ વાતચીત અહીં વાંચો:

NDA સરકાર પર સૌથી મોટો આરોપ એ છે કે તે સ્કૂલો અને યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ફેરફાર કરી રહી છે, હિંદુત્વની વિચારધારા થોપવાની કોશિશ કરી રહી છે.

લોકો અમારી સરકાર વિરુદ્ધ ખોટો પ્રચાર પણ કરે છે. અભ્યાસક્રમમાં કોઈ પણ ફેરફાર એ વાતને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવી રહ્યો કે કોઈ ચોક્કસ વિચારધારાને સામેલ કરવાની છે.

એવી કોઈ કોશિશ નથી થઈ રહી. સરકાર વિરુદ્ધ આ ખોટો પ્રચાર છે.

ઉપેન્દ્ર કુશવાહા
ઇમેજ કૅપ્શન, ઉપેન્દ્ર કુશવાહા

તમે જે સરકારમાં મંત્રી છો, તેમાં તમારા એક સહયોગી મૉબ લિંચિંગના આરોપીઓને ફૂલોના હાર પહેરાવી રહ્યા છે. તમારા એક સાથી બંધારણને બદલવાની વાત કરી રહ્યા છે. દેશના અલગ-અલગ ભાગોમાંથી સતત દલિતો પર અત્યાચારના સમાચાર પણ આવી રહ્યા છે. આ બધી બાબતો વિશે તમારી પ્રતિક્રિયા આપો.

હું માનું છું કે આ પ્રકારની ઘટનાઓ થઈ છે. પણ જેટલા સમાચાર આવી રહ્યા છે, એ તમામ સાચી જ હોય એવું ના પણ હોય.

શું તમે આ વાંચ્યું?

જ્યાં સુધી કેટલાક મંત્રીઓના નિવેદનની વાત હોય કે પછી તેમના વર્તનની વાત હોય, તેની વડા પ્રધાનને અંદર સુધી અસર થાય છે. આ બધી વાતો તેમના મનથી વિપરીત છે.

તેમની ઇચ્છા થાય છે કે લોકો વિકાસની વાત કરે. વિકાસના નામે રાજનીતિ કરે.

આમ છતાં કેટલાક લોકો બોલે છે, કેટલાક લોકોની ભાવનાઓને ભડકાવીને રાજકારણ કરવાની કોશિશ થઈ રહી હોય તો તે ન થવું જોઈએ. એ ખોટું છે.

જયંત સિન્હા આરોપીઓ સાથે

ઇમેજ સ્રોત, Twitter

તમે એ કહો છો કે આ ઘટનાઓની વડા પ્રધાન પર અસર થાય છે, પરંતુ આવી ઘટનાઓ પર તે કોઈ ટ્વીટ નથી કરતા. દેશ-દુનિયાની અન્ય ઘટનાઓ પર એ ટ્વીટ કરતા રહે છે. આ બન્ને બાબતો વિરોધાભાસી છે.

જુઓ ગૃહ મંત્રી તરફથી ઘણી વખત કહેવામાં આવ્યું છે. રાજ્યોને નિર્દેશ આપવામાં આવ્યા છે.

કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે. જ્યાં પણ આવી ગરબડ થઈ રહી છે, ત્યાં તે ન થાય એ જોવાની જવાબદારી રાજ્યના વહીવટીતંત્રની હોય છે. આ મામલે કડક પગલાં લેવાં જોઈએ.

વડા પ્રધાન પણ કથિત ગૌરક્ષકોની વાત કરી ચૂક્યા છે. તેમણે આવી ઘટનાઓ સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એવું ન ચલાવી શકાય.

તે એવું નિવેદન આપી ચૂક્યા છે કે કોઈ પણ વ્યક્તિ કાયદો પોતાના હાથમાં ન લઈ શકે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન

ઇમેજ સ્રોત, WWW.UGC.AC.IN

તમે ન્યાયતંત્રમાં અનામત માટે 'હલ્લો બોલ દરવાજો ખોલ' નામથી અભિયાન ચલાવો છો, પરંતુ છેલ્લાં કેટલાક દિવસોમાં યુનિવર્સિટીઓમાં નિમણૂકો માટે પ્રકાશિત થયેલી જાહેરાતોને જોઈએ તો એ અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારી છે. આ તમારા વિભાગનો જ મુદ્દો છે.

જી હા, આવું થઈ રહ્યું હતું. અલ્હાબાદ હાઈ કોર્ટના એક નિર્ણયને કારણે યૂજીસીએ પોતાના જૂના નિયમોમાં ફેરફાર કર્યા હતા. જેને કારણે તમામ સૅન્ટ્રલ યુનિવર્સિટીની જાહેરાતોમાં અનામતને અસર થઈ રહી હતી.

પરંતુ લોકસભાના સત્રના એક દિવસ પહેલાં અમે વડા પ્રધાન સામે આ મુદ્દાને મૂક્યો.

અન્ય લોકો પણ સામેલ હતા અને તેમના બે-ત્રણ દિવસમાં જ મંત્રાલયે યૂજીસીને નિર્દેશ આપ્યો અને યૂજીસીએ પરિપત્ર મારફતે તમામ નિમણૂકો અટકાવી દીધી છે.

જ્યાં જ્યાં અનામતની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું રહ્યું હતું, એ તમામ સ્થળે નિમણૂકો પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે.

બંધારણ અનુસાર SC, ST અને OBCને અનામત મળશે.

ભારત બંધની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

તમે SC, ST ને અનામત આપવાની વાત કરો છો, પરંતુ તમારી સરકારના શાસનકાળમાં જ SC, ST ઍક્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાવ કરનારા ન્યાયાધીશને તેમની નિવૃત્તિના બીજા જ દિવસે નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના ચેરપર્સન બનાવી દેવાયા. તમે લોકોએ વિરોધ કર્યો પરંતુ ખૂબ વિલંબ કર્યા બાદ.

ઍક્ટમાં જ્યારે બદલાવ થયો ત્યારે સમગ્ર દેશમાં લોકો આંદોલિત થઈ ગયા હતા. એ સમયે પણ સરકારે તરત જ ઍક્શન લઈને કોર્ટમાં ગઈ હતી અને રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

સરકારે નક્કી કરી લીધું છે કે જો કોર્ટમાંથી ઉકેલ નહીં મળે તો સરકાર સંસદમાં વટહુકમ લાવીને SC, ST લોકોનું નુકસાન નહીં થવા દે.

અમે લોકોને વિશ્વાસ અપાવવા માગીએ છીએ કે સુપ્રીમ કોર્ટના SC, ST ઍક્ટમાં ફેરફારથી લોકોના હિતોનું કોઈ જ નુકસાન નહીં થાય અને અમે એવું થવા પણ નહીં દઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો