નરેન્દ્ર મોદીએ રવાન્ડાને શા માટે 200 ગાયો ભેટમાં આપી?

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ 5 દિવસની ત્રણ આફ્રિકન દેશોની મુલાકાત પર છે.

જેમાં તેમણે પ્રથમ રવાન્ડાની મુલાકાત દરમિયાન આપેલી 200 ગાયોની ભેટ ચર્ચામાં છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદીએ રુવેરુ મૉડલ ગામની મુલાકાત દરમિયાન 'ગિરન્કા' યોજના અંતર્ગત રવાન્ડાના લોકોને 200 ગાયો આપી હતી.

આ યોજના સરકાર તરફથી ચલાવવામાં આવે છે. આ યોજના દરમિયાન ગરીબ પરિવારને ગાય આપવામાં આવશે અને ગાય જ્યારે વાછરડાંને જન્મ આપે ત્યારે તેને પાડોશીને ભેટમાં આપવામાં આવે છે.

આ યોજનાનો મુખ્ય હેતુ બાળકોને કુપોષણથી બચાવવાનો અને ગરીબી દૂર કરવાનો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના માટે રાષ્ટ્રપતિ પોલ કગામેનાં વખાણ પણ કર્યાં હતાં

તેમણે કહ્યું હતું કે ભારતના લોકો આ વાતને લઈને આશ્ચર્યમાં છે કે અહીં ગાયોને આટલું મહત્ત્વ આપવામાં આવે છે તેમજ આર્થિક વિકાસનું મહત્ત્વનું માધ્યમ છે.

ધો.10-12ની પરીક્ષામાં વર્ષ 2020થી ધરખમ ફેરફાર

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે એનસીઇઆરટીના પુસ્તકોનો અમલ થતાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ની પરીક્ષામાં ફેરફાર કરાયા છે.

આ ફેરફારનો અમલ ધો. 9 અને 11માં આ વર્ષથી થશે તેમજ ધો. 10 અને 12માં 2020થી થશે.

ધોરણ 10 અને 12માં ઓએમઆર અને એમસીક્યુ પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે અને તેની જગ્યા 20 ગુણના હેતુલક્ષી પ્રશ્નો પુછાશે.

ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રોમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી.

ધો. 9ની પરીક્ષા 80 ગુણની રાખવામાં આવી છે, જ્યારે 20 ગુણ ઇન્ટરનલ આપવામાં આવશે.

આજે મુંબઈ બંધ, મહારાષ્ટ્રમાં અનામત આંદોલન હિંસક બન્યું

સંદેશના અહેવાલ પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે અનામતની માગણી ફરી ઉગ્ર બની છે.

અનામત માટે ગોદાવરી નદીમાં ઝંપલાવનાર કાકાસાહેબ શિંદે નામના યુવાનની આત્મહત્યાને પગલે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં બંધનું એલાન કરાયું હતું.

આંદોલનકારીઓએ હિંસકરૂપ ધારણ કરતા ઠેરઠેર બસોની તોડફોડ કરી હતી. આ દરમિયાન જ બે અન્ય યુવકોએ આત્મહત્યાના પ્રયાસો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મરાઠા સમુદાયની મુખ્ય માગણીઓ સરકારી નોકરીઓમાં અને શિક્ષણમાં અનામત આપવાની છે.

ગઈકાલે થયેલા વિરોધ પ્રદર્શનમાં એક પોલીસ અધિકારીનું પણ મૃત્યું થયું હતું.

જે બાદ આજે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

પીએનબીને ચુનો લગાવનાર મેહુલ ચોક્સી કેરેબિયન દેશ એન્ટિગુઆ પહોંચ્યા

એનડીટીવીના અહેવાલ પ્રમાણે બૅન્કો સાથે છેતરપિંડી કરીને વિદેશ ભાગી જનાર મેહુલ ચોક્સી અમેરિકાથી એન્ટિગુઆ પહોંચ્યા છે.

કરોડ રૂપિયાના ખર્ચે મેહુલ ચોક્સીએ એન્ટિગુઆનો પાસપોર્ટ હાંસલ કર્યો હતો.

પંજાબ નેશનલ બૅન્કના રૂ. 13 હજાર કરોડના કૌભાંડ પછી કેન્દ્રિય એજન્સીઓ મેહુલ ચોક્સીને શોધવા સતત પ્રયત્નશીલ હતી.

એન્ટિગુઆના કાયદા પ્રમાણે જે લોકો એન્ટિગુઆમાં ચાર લાખ ડૉલરની મિલકતો ખરીદે તેને આ દેશનું નાગરિત્વ આપમેળે મળી જાય છે.

મેહુલ ચોક્સીએ અમેરિકામાં બેઠા બેઠા એન્ટિગુઆનો પાસપોર્ટ મેળવ્યો હતો કેમ કે એન્ટિગુઆનો પાસપોર્ટ મેળવવા ત્યાં જવાની જરૂર રહેતી નથી.

આજે પાકિસ્તાનની નવી સરકાર માટે મતદાન

પાકિસ્તાનમાં નવી સરકાર માટેનું મતદાન બુધવાર સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે.ત્યાર બાદ તરત જ મતગણતરી શરૂ થશે.

પાકિસ્તાનમાં ઈવીએમ નહીં પણ મતપત્રકથી મતદાન થતું હોવાથી ગુરુવાર વહેલી સવાર સુધીમાં તમામ બેઠકો માટેના સંપૂર્ણ પરિણામો જાહેર થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં એક લશ્કરી વડાએ ચૂંટાયેલી સરકારનો તખ્તો પલટીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી એ ઘટનાને 19 વર્ષ થઈ ગયાં છે.

એ પછી પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી બે સરકારોએ શાસન કર્યું છે પણ પાકિસ્તાનનાં રાજકારણમાં અનિશ્ચિતતાનાં વાદળો હંમેશાં છવાયેલાં રહે છે.

ખાસ કરીને નવાઝ શરીફને ગયા વર્ષે વડાપ્રધાનપદેથી હટાવવામાં આવ્યા પછી એવું માનવામાં આવતું હતું કે સરકાર તેનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને સત્તા ફરીવાર પાકિસ્તાની લશ્કરના હાથમાં આવી જશે.

અલબત, તમામ રાજકીય અટકળો તથા સમસ્યા છતાં સંસદે તેનો કાર્યકાળ પૂરો કર્યો હતો અને હવે દેશમાં ફરીથી લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ રહી છે.

આ વખતે પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન અને નવાઝ શરીફ વચ્ચે કટોકટીનો જંગ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો