જાપાન : સરકારે ગરમીને કુદરતી આપત્તિ જાહેર કરી, 65નાં મોત

જાપાનમાં ગયા અઠવાડિયે હિટવેવના કારણે 65 લોકોનાં મૃત્યુ થયાં છે. લોકોના મોત બાદ દેશના હવામાન વિભાગે હિટવેવને કુદરતી આપત્તિ ગણાવી છે.

જાપાનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કુલ 22,000 લોકોને હિટવેવના કારણે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંના અડધાથી વધારે વૃદ્ધો છે.

સોમવારે કુમાગયા શહેરમાં 41 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે જાપાનમાં અત્યાર સુધીની સૌથી વધારે પડેલી ગરમી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દેશમાં પડી રહેલી ગરમી આવાનારા દિવસોમાં ઓછી થાય તેવા કોઈ અણસાર નથી.

જાપાનની રાજધાની ટૉક્યોમાં પણ પહેલી વખત 40 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે શહેરનું અત્યારસુધીનું સૌથી ઊંચું લેવલ છે.

ઑગસ્ટના શરૂઆતના અઠવાડિયા સુધી હજી લોકોને ગરમી સહન કરવી પડે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

ગરમીથી બચવા માટે અનેક પરિવારો હાલ દરિયા કિનારાના પ્રદેશો તરફ જવા લાગ્યા છે.

ભારે ગરમીને કારણે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળાની રજાઓ લંબાવવાની શક્યતા પણ જાપાનની સરકારે વ્યક્ત કરી છે.

લોકોને શું સૂચના આપવામાં આવી છે?

હાલ ગરમીથી બચવા માટે કેવા ઉપાયો કરવા તે માટે લોકોને સૂચનાઓ આપવામાં આવી છે.

લોકોને વધારેમાં વધારે પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.

ઘરમાં કે ઑફિસોમાં ઍર કન્ડિશનરનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.

કામની વચ્ચે વચ્ચે આરામ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

ઘણા લોકો હાલ શહેરોમાં યોજાતી વૉટર સેરેમનીમાં ભાગ લઈ રહ્યાં છે. જેમાં લોકો પાણીમાં નાહીને કે પલળીને ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

ગરમીને કારણે પશ્ચિમ જાપાનમાં વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો