You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન ચૂંટણી : મતગણતરી શરૂ થઈ, ગુરુવારે પરિણામ
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતદાનની વાત કરીએ તો કેટલાક મતદાન મથકોએ નાની-મોટી ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ મતદાનના દિવસની સૌથી મોટી ઘટના ક્વેટામાં થયેલો બોંબ વિસ્ફોટ હતો. જેમાં એકંદરે 34 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ નોંધાયા હતા.
પાકિસ્તાનની ચૂંટણીના ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ છે. આમ હવે મહત્ત્વનો સવાલ એ છે કે પાકિસ્તાનમાં કોની સરકાર બનશે અને કોણ બનશે પાકિસ્તાનના વડા પ્રધાન.
મોડી સાંજથી મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ગુરુવારે પરિણામ જાહેર થશે.
પાકિસ્તાનમાં આશરે 10 કરોડ મતદારો છે. જેમાં 55 ટકા પુરુષો અને 45 ટકા મહિલાઓ છે.
પાકિસ્તાનની આઝાદી બાદ આ 11મી સામાન્ય ચૂંટણી છે. જેમાં 85,307 મતદાન મથકો પર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આશરે 17,000 મતદાન મથકોને હાઇ સૅન્સિટિવ જાહેર કરાયા હતા. સવારે 8 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થઈ ચૂક્યું છે.
શું તમે આ વાંચ્યું?
દરમિયાન પાકિસ્તાન ચૂંટણીની મતદાનના દિવસથી લઈને અત્યાર સુધીની મુખ્ય ઘટનાઓ અને અપડેટ્સ પર એક નજર.
10:55 - ઇમરાન ખાનને આચારસંહિતા ભંગની નોટિસ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ડૉન'ના અહેવાલ અનુસાર પીટીઆઈના પ્રમુખ ઇમરાન ખાનને મતદાન ગુપ્ત રાખવાના નિયમના ભંગ મામલે પાકિસ્તાન ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે.
તેમને સોમવારે હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યા છે. તેમને ઇસ્લામાબાદમાં મતદાન કરતી વખતે મતદાન ગુપ્ત રાખવાના નિયમનો ભંગ કરવા મામલે આ નોટિસ પાઠવવામાં આવી છે.
ઇમરાન ખાન આ જ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.
07:00 - મતગણતરી શરૂ
સંવાદદાતા સારા હસન અનુસાર ઇસ્લામાબાદની એનએ-53 મતદાન મથકમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે.
06:45 -મતદાન મથકોમાં પ્રવેશ બંધ
લાહોર હાઇ-કમિશનર શિખન યુયાઈના જણાવ્યા અનુસાર પોલીસર્મીઓએ મતદાન પૂર્ણ થતાં મતદાન મથકોના માર્ગ આ રીતે કાપડ અને વાયરથી બંધ કરી દીધા હતા.
06:00 - સાંજ સુધી મતદારોની લાંબી લાઈનો
મતદાનના આખરી સમય સુધી સાંજે 6 વાગ્યા સુધી મતદારોની લાઈનો જોવા મળી હતી. સિંધના શિખરપુરમાં આવેલા મતદાન મથકની તસવીર
05:15 - લાહોરમાં રાજકીય વિશ્લેષક ઉમર જાવેદ સાથે બીબીસી હિન્દીનું ફેસબુક લાઇવ
04:40 - પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો
હાદિયા અને હબીબાએ પ્રથમ વખત મતદાન કર્યું. જ્યારે જ્યારે 19 વર્ષીય તંજીલ ઉર રહમાને પ્રથમ વખત મતદાન કર્યું.
તંજીલ ઉર પાકિસ્તાનમાં શાંતિમય ચૂંટણીઓ ઇચ્છે છે. પ્રથમ વખત મતદાન કરાના યુવા મતદારો ઘણા ખુશ જણાતા હતા.
04:20 - કરાંચી : અઝીઝાબાદમાં મતદાનની લાંબી લાઈન
કરાંચીના અઝીઝાબાદમાં મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈન લાગી હતી.
શહેરી વિસ્તારોમાં મતદાન કરવા માટે મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો.
ટ્રાઇબલ વિસ્તારોમાં પણ મહિલાઓએ મતદાન કરવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો. આ વખતે પાકિસ્તાનમાં મહિલા મતદાતાઓ માટે મહિલા મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.
04:00 - મતદાન એક કલાક લંબાવવાની માગણી ફગાવાઈ
પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) - પીએમએલ-એન પાર્ટી દ્વારા પાકિસ્તાનના ચૂંટણી પંચને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં મતદાન નિશ્ચિત સમય કરતાં એક કલાક વધુ સમય સુધી ચાલુ રાખવા વિનંતી કરવામાં આવી છે.
તેમાં આ માટે એવું કારણ આપવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં મતદાન મથકો પર લાંબી લાઇનો લાગેલી છે.
મતદાન માટે બુથમાં અંદર બે-ત્રણ વ્યક્તિને જ એક સમયે અંદર મોકલવામાં આવે છે.
આથી સાંજે 6 વાગ્યે મતદાન બંધ ન કરી દેવામાં આવે. મતદાન સાંજે 7 કલાક સુધી લંબાવવા માટે વિનંતી કરવામાં આવી છે.
અન્ય પક્ષો દ્વારા આ માગણી કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી પંચે ફગાવી દીધી હતી.
03:45 - નવાઝ શરીફે જેલમાંથી મોકલ્યો ઑડિયોમૅસેજ
નવાઝ શરીફે જેલમાંથી પાકિસ્તાનના લોકો માટે સંદેશો મોકલ્યો છે. જેમાં તેમણે 'વોટ કો ઇજ્જત દો'નો સંદેશો આપ્યો છે.
તેઓ મેસેજમાં કહી રહ્યા છે કે, "પાકિસ્તાનમાં ચાલી આવેલા દૂષણોને હવે દૂર કરવાનો વખત આવી ગયો છે."
"જેલમાંથી પણ મને તમારા જોશ અને ઉત્સાહને હું જોઈ રહ્યો છું. મને સૂત્રોચ્ચાર સંભળાઈ રહ્યા છે.."
"તમે મતદાન કરો અને પાકિસ્તાનમાં બદલાવ લાવો. તમે એવું મતદાન કરો કે પાકિસ્તાનને ઇન્સાફની કબર બનાવી દેનારાઓનો પરાજય થાય."
"અમે તમારી અને તમારા મતની ઇજ્જત અને અધિકાર માટે હું અને મરિયમ જેલની સજા કાપી રહ્યા છે."
સમય આવી ગયો છે આ ખરેખર મહત્ત્વનો દિવસ છે. દેશમાં મતદાનનો ઉત્સાહ છે. મારા આઝાદ દેશના લોકો પરિવર્તન લાવો.
01: 10 બિલાવલ ભુટ્ટો-ઇમરાન ખાને કર્યું મતદાન
પીટીઆઈ (પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ) પાર્ટીના નેતા ઇમરાન ખાને મતદાન કર્યુ હતું તેની તસવીર.
દરમિયાન પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટોએ પણ મતદાન કર્યા બાદ ટ્વીટ કર્યું હતું.
તેમણે તેમની તસવીર સાથે લખ્યું કે, "દરેક મત કિંમતી છે, લોકતંત્ર સૌથી મોટો બદલો છે."
12:00 ઇમરાન ખાને બ્લાસ્ટની નિંદા કરી
પીટીઆઈના ચેરમેન ઇમરાન ખાને કહ્યું કે ક્વેટામાં થયેલા નિંદનીય આતંકી હુમલો પાકિસ્તાનના દુશ્મનો દ્વારા અમારી લોકશાહી પદ્ધતિને બાધિત કરવા માટે થયો છે.
નિર્દોષ લોકોના માર્યા જવાથી હું દુઃખી છું. પાકિસ્તાનીઓએ ભારે મતદાન કરીને આતંકીઓના ઇરાદાઓને હરાવવા જોઈએ?
11:00 ક્વેટામાં બ્લાસ્ટ, 34 લોકોનાં મોત
પાકિસ્તાનના બલૂચિસ્તાનની રાજધાની ક્વેટામાં થયેલા એક બ્લાસ્ટમાં 34 લોકો માર્યા ગયા છે.
પાકિસ્તાનમાં ચાલી રહેલા સામાન્ય ચૂંટણીના મતદાન વખતે એક મતદાન મથક નજીક આ બ્લાસ્ટ થયો છે.
બીબીસી સાથે વાત કરતાં સિવિલ હોસ્પિટલના પ્રવક્તાએ 34 લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
ઉપરાંત આ ઘટનામાં કુલ 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.
બ્લાસ્ટ કઈ રીતે થયો તે અંગે હજી સુધી કોઈ જાણકારી મળી શકી નથી. સવારે 11 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થયો હતો.
09:15 - મહિલાઓએ કર્યું મતદાન
પાકિસ્તાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ઘણા મતદાન મથકો પર મહિલાઓએ પણ મતદાન કર્યું છે.
ઘણા એવા વિસ્તારો છે જ્યાં મહિલાઓએ સૌપ્રથમ વખત પોતાના મત આપ્યા હતા.
પાકિસ્તાનની જીયો ટીવીના એક અહેવાલ મુજબ લરકણાની NA-200 બેઠકના એક મતદાન મથક પર બ્લાસ્ટની ઘટના બની છે.
જોકે, બ્લાસ્ટ મોટી તિવ્રતાવાળો ન હોવાથી મતદાન ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
08:45 નવાઝની સરકારે કાર્યકાળ પૂર્ણ કર્યો
પાકિસ્તાનમાં એક લશ્કરી વડાએ ચૂંટાયેલી સરકારનો તખ્તો પલટીને સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી એ ઘટનાને 19 વર્ષ થઈ ગયાં છે.
એ પછી પાકિસ્તાનમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી બે સરકારોએ શાસન કર્યું છે, પણ પાકિસ્તાનનાં રાજકારણમાં અનિશ્ચિતતાનાં વાદળો હંમેશાં છવાયેલાં રહે છે.
ખાસ કરીને નવાઝ શરીફને ગયા વર્ષે વડાપ્રધાનપદેથી હટાવવામાં આવ્યા પછી એવું માનવામાં આવતું હતું કે સરકાર તેનો કાર્યકાળ પૂરો નહીં કરી શકે અને સત્તા ફરીવાર પાકિસ્તાની લશ્કરના હાથમાં આવી જશે.
અલબત, તમામ રાજકીય અટકળો તથા સમસ્યા છતાં સંસદે તેનો કાર્યકાળ પૂરો કર્યો હતો અને હવે દેશમાં ફરીથી લોકશાહી ઢબે ચૂંટણી યોજાઈ રહી છે.
પાકિસ્તાનમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે.
ત્યાર બાદ તરત જ મતગણતરી શરૂ થશે. પાકિસ્તાનમાં ઈવીએમ નહીં પણ મતપત્રકથી મતદાન થતું હોવાથી ગુરુવાર વહેલી સવાર સુધીમાં તમામ બેઠકો માટેના સંપૂર્ણ પરિણામો જાહેર થવાની શક્યતા છે.
08:30 આ વખતની ચૂંટણીની ખાસિયત શું છે?
વિશ્લેષકો કહે છે કે વ્યવહારિક અનિશ્ચિતતા છતાં અગાઉની સરખામણીએ આ વખતની ચૂંટણીમાં અનેક બાબતો અલગ છે.
રાજકીય વિશ્લેષક રસૂલ બખ્શના જણાવ્યા મુજબ, 2013ની સરખામણીએ આ વખતે પાકિસ્તાનમાં ચૂંટણીનો માહોલ એકદમ અલગ છે.
રસૂલ બખ્શે કહ્યું હતું, "સામાન્ય ધારણાથી વિપરીત રીતે એ સમયે ઇમરાન ખાનનો પક્ષ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (પીટીઆઈ) રાષ્ટ્રીય સ્તરે એટલો મજબૂત ન હતો, જેટલો અત્યારે છે.”
"એ વખતે નવાઝ શરીફના સ્વદેશ પુનરાગમન પછીની પહેલી ચૂંટણી હતી અને તેમની લોકપ્રિયતા ચરમસીમા પર હતી.
"પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો ટેકો ઘટી રહ્યો હતો. 2013માં નવાઝ શરીફનો પક્ષ જે સ્તરે હતો એ સ્તરે આજે પીટીઆઈ છે."
8:15 - આ વખતની ચૂંટણીમાં ધાર્મિક પક્ષો
પત્રકાર સબહત ઝિકરિયા માને છે કે માત્ર રાજકીય માહોલ જ નહીં, 2013ની સરખામણીએ સલામતીની પરિસ્થિતિ પણ બહુ અલગ છે.
સબહત ઝિકરિયાએ કહ્યું હતું, "જોખમી માહોલ બન્યો હોવાનું તાજેતરના હુમલાઓને કારણે લાગે છે, પણ તેનું પ્રમાણ 2013 જેટલું નથી.”
"એ જ રીતે ગત ચૂંટણીની સરખામણીએ સલામતીની પરિસ્થિતિ પણ એટલી ચિંતાજનક નથી. હવે તેમાં ઘણો સુધારો થયો છે."
આ વાત સાથે રાજકીય વિશ્લેષક સલમાન ગની સહમત છે. તેમણે કહ્યું, "આપણી સલામતી એજન્સીઓ અને પાછલી સરકારોને તેનું શ્રેય મળવું જોઈએ."
જોકે, સલમાન ગની આ ચૂંટણીમાં કેટલીક નકારાત્મક બાબતો પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે.
તેમણે કહ્યું હતું, "આ મુદ્દાઓનું રાજકારણ નથી. આ વ્યક્તિગત પસંદ-નાપસંદ અને બદલાનું રાજકારણ વધુ છે."
રસૂલ બખ્શ માને છે કે વર્તમાન ચૂંટણીમાં જમણેરી ધાર્મિક પક્ષો ફરીથી જોવા મળી રહ્યાં છે.
રસૂલ બખ્શના જણાવ્યા મુજબ, ધાર્મિક જૂથો 80-90ના દાયકાથી અહીંના રાજકીય પરિદૃશ્યનો હિસ્સો બની રહ્યાં છે, પણ એ વખતે જાતે ચૂંટણી લડવાને બદલે ધાર્મિક જૂથો પીએમએલ-એનને ટેકો આપતાં હતાં.
આ વખતે તહરિક-એ-લબ્બૈક યા રસૂલ અલ્લાહ અને જમાત-ઉદ-દાવાનો ટેકો ધરાવતો અલ્લાહ હૂ અકબર-તહરિક જેવા પક્ષો ચૂંટણી લડી રહ્યા છે.
રસૂલ બખ્શે કહ્યું હતું, "ઉશ્કેરણીજનક ભાષણ કરતા અને સાંપ્રદાયિક સદભાવ બગાડનારાઓ ચૂંટણી લડી રહ્યા હોવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે.”
"મુશ્કેલી એ છે કે તેમને બંધારણ મારફત મૌલિક અધિકાર મળેલા છે. એવા લોકોને દોષી ઠરાવવામાં નહીં આવે ત્યાં સુધી ચૂંટણી પંચ તેમને ચૂંટણી લડતાં રોકી શકે નહીં.”
"તેમને વધુ મત ન મળે એ શક્ય છે, પણ બીજા મોટા પક્ષો અને ખાસ કરીને નવાઝ શરીફના પીએમએલ-એનને મળનારા મતમાં ઘટાડો જરૂર કરી શકે છે."
7:50- મીડિયા અને સોશિયલ મીડિયા
રસૂલ બખ્શ માને છે કે મુખ્ય પક્ષો ધર્મના રાજકારણથી બચવા ઇચ્છે છે, પણ ધાર્મિક પક્ષોની ચરમવાદી વાતોનો વિરોધ કરવાને બદલે તેઓ સ્થાનિક સ્તરે તેમની સાથે ગઠબંધન કરી રહ્યા છે.
રસૂલ બખ્શે કહ્યું હતું, "ચૂંટણી અભિયાન છેલ્લા પાંચ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.”
"ખાસ કરીને ઇલેક્ટ્રોનિક મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.”
“એ મતદાતાઓને સંવેદનશીલ જ નથી બનાવતું, બલ્કે અલગ અલગ-અલગ નેતાઓ તથા પક્ષોને પણ તક આપી રહ્યું છે, જેથી તેઓ તેમનો અવાજ લોકો સુધી પહોંચાડી શકે.”
"એ ઉપરાંત લોકો સુધી પહોંચવા માટે રાજકીય પક્ષોએ સોશિયલ મીડિયાનો પણ વ્યાપક ઉપયોગ કર્યો છે.”
"બધા રાજકીય પક્ષોના સક્રીય મીડિયા સેલ છે. તેઓ તેમનો પ્રચાર અને વિપક્ષના એજન્ડાનો વિરોધ કરી રહ્યા છે.”
"આ વખતે રાજકીય પક્ષોએ ટેલિવિઝન જાહેરાતો પાછળ પણ ઘણો ખર્ચ કર્યો છે. રાજકીય પક્ષોની જાહેરાતો મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે."
7:30- પંજાબ અને લાહોરમાં અસલી જંગ
સલમાન ગનીના જણાવ્યા મુજબ, ગત ચૂંટણીની માફક આ વખતે પણ લાહોરમાં ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે.
પંજાબ અને ખાસ કરીને લાહોરમાં ચૂંટણીનો અસલી જંગ ખેલાશે. પંજાબ તથા લાહોરને નવાઝ શરીફના પક્ષનો ગઢ માનવામાં આવે છે.
જોકે, લોકો આ વખતે બહુ નિરાશ હોવાનું સલમાન ગની માને છે. ઘણા લોકો ચૂંટણીમાં ભાગ નથી લઈ રહ્યા. નવાઝ શરીફને સજા થતાં તેઓ ચૂંટણીથી દૂર ખસી ગયા છે.
તેથી ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ચૂંટણીનાં રંગરૂપ ઘણાં અલગ છે.
સબહત ઝિકરિયા માને છે કે આ વખતની ચૂંટણીમાં ઘણા લોકો પરિવર્તનના નારાઓમાં વધારે રસ દેખાડી રહ્યા છે.
આ વખતે ચૂંટણીમાં મહિલાઓને વધુ સામેલ કરવા પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ વખતે વધુ મહિલાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કરશે તેવી આશા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો