BBC TOP NEWS : વિદેશમાં ભારતીય બૅન્કોની 70 બ્રાન્ચોને તાળાં વાગશે

ભારતની સરકારી બૅન્કોની વિદેશમાં સ્થિત 216 શાખાઓ પૈકી 70 શાખાઓ આ વર્ષના અંત સુધીમાં બંધ થવા જઈ રહી છે.

70 શાખાઓ ઉપરાંત વિદેશમાં આ બૅન્કોની અન્ય સેવાઓ પણ બંધ થશે.

નાણાં મંત્રાલયના સિનિયર અધિકારીઓએ આ વાતને સમર્થન આપ્યું છે.

ભારતીય સ્ટેટ બૅન્ક, પંજાબ નેશનલ બૅન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક, આઈડીબીઆઈ બૅન્ક અને બૅન્ક ઑફ ઇન્ડિયા વિદેશમાં ચાલતી તેમની અનેક સેવાઓ પર કાપ મૂકશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ખર્ચ ઘટાડવા અને મૂડી બચાવવા માટે આ પગલાં લેવાયાં છે. આરબ દેશોમાં પણ આ પૂરતી આવક ન થતી હોય એ શાખાઓને બૅન્કો બંધ કરશે.

2019માં ભાજપ એકલા હાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે?

"અધ્યક્ષ અમિત શાહે અમને સ્પષ્ટ કહ્યું છે કે ચૂંટણીમાં એકલા હાથે લડવા માટે તૈયાર રહો અને તમામ બેઠકો પરથી લડવાની તૈયારી કરો." મહારાષ્ટ્રના ભાજપ નેતાના આ શબ્દો ટાંકીને 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટે અહેવાલ પ્રકાશિત કર્યો છે.

એમાં લખ્યું છે કે, 2019ની સામાન્ય ચૂંટણીઓમાં મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન વગર એકલા હાથે ચૂંટણી લડે એવી શક્યતા છે. આ ઉપરાંત તેઓ તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારી શકે છે.

રવિવારે મુંબઈ ખાતે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ ભાજપના નેતાએ આ અંગે જણાવ્યું હતું.

ઉલ્લેખીય છે કે, શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની હાલની બેઠકોમાં ભંગાણ પાડવા માટે તમામ બેઠકો પર ઉમેદવારો ભાજપ ઉતારે એ શક્ય છે.

એનડીએના સાથી પક્ષ શિવસેના અને ભાજપ વચ્ચે ઘણા સમયથી ખેંચતાણ ચાલી રહી છે. અવિશ્વાસ પ્રસ્તાવના મતદાનમાં પણ શિવસેનાએ ભાગ લીધો ન હતો.

અલવરલિંચિંગ: 'પોલીસે જ ભોગ બનનારને માર્યો હતો'

'હિન્દુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે અલવરના મૉબ લિન્ચિંગ કેસમાં ઘટના નજરે જોનાર સાક્ષીએ એવો ખુલાસો કર્યો છે કે પોલીસને જાણ કરાયાના ત્રણ કલાક બાદ પીડિત રકબર ખાનને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, 31 વર્ષીય રકબર ખાન પર ગૌરક્ષકોએ હુમલો કર્યો હોવાની વિગતો ઘટના બાદ બહાર આવી હતી.

આ ઘટનાને નજરે જોનારા નવલ કિશોર શર્માનું કહેવું છે કે, "પોલીસે તેમને પોલીસ સ્ટેશનમાં જ માર માર્યો, જેના કારણે તેમનું મૃત્યુ થયું."

"તેમને રામગઢ હૅલ્થ સેન્ટર લઈ જવાયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા."

ભાજપના સ્થાનિક નેતા દ્વારા જ્યુડિશિયલ તપાસની માગ કરાઈ છે.

જ્યારે અલવરના એસપીએ બાંયધરી આપી છે કે કોઈ પોલીસ કર્મચારી જવાબદાર નીકળશે તો કાર્યવાહી કરાશે.

ટ્રક હડતાળ: 3 દિવસમાં 10 હજાર કરોડનું નુકસાન

ઑલ ઇન્ડિયા ટ્રાન્સપૉર્ટર્સની હડતાળના કારણે કુલ નુકસાનનો આંકડો 10 હજાર કરોડને પાર કરી ગયો છે.

એવું 'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

હડતાળ સંદર્ભે આજે સોમવારે કેન્દ્ર સરકાર ટ્રાન્સપૉર્ટરને મળવા બોલાવે એવી શક્યતા છે.

આ હડતાળમાં ફળો, શાકભાજી અને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓનું પરિવહન કરતા ટ્રાન્સપૉર્ટર્સ હજુ સુધી જોડાયા નથી.

જો આ હડતાળ એકાદ અઠવાડિયું વધારે ચાલે તો આ ટ્રાન્સપૉર્ટર્સ પણ હડતાળમાં સામેલ થશે એવું હડતાળ પર ગયેલા રહેલા ટ્રાન્સપૉર્ટર્સનું કહેવું છે.

જોકે, એવું થાય તો ફળો અને શાકભાજીના ભાવો વધવાની શક્યતા સેવાઈ રહી છે.

2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધી ગઠબંધનને આગળ ધપાવશે

એનડીટીવીની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે, કૉંગ્રેસ વર્કિંગ કમિટીએ રવિવારે આયોજિત બેઠકમાં 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીને ગઠબંધન આગળ ધપાવવાની જવાબદારી સોંપી છે.

શુક્રવારે સંસદમાં સાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટી પડ્યા એ વાત હજુ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે.

રવિવારે આ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ગઠબંધન માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

આ બેઠકમાં કૉગ્રેસના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીને વડા પ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવાની ભલામણ પણ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો