એ વાઇરસ જેણે છીનવી લીધી ગુજરાતી મહિલા ફૂટબૉલ કૅપ્ટનની જિંદગી

ઇમેજ સ્રોત, Mansi Vakharia/FACEBOOK
- લેેખક, રવિ પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાત મહિલા ફૂટબૉલ ટીમનાં સુકાની માનસી વખારીયાનું 22 જુલાઈના રોજ મૃત્યુ થયું છે.
માનસીની ઉંમર 18 વર્ષની હતી અને રાજ્યકક્ષા સહિત નેશનલ અને ઇન્ટરનેશલ ફૂટબૉલ મેચમાં પણ રમી ચૂક્યાં હતાં.
તેઓ એક સારાં મિડફિલ્ડર હતાં અને વર્ષ 2005માં તેમણે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. જ્યાં તેઓ ઇન્ટરનેશનલ મેચ રમ્યાં હતાં.
મળતી માહિતી મુજબ ગોએન બારી સિન્ડ્રૉમ નામની બીમારીને માનસીનું મૃત્યુ થયું હતું.
આ વાઇરસ સામે દસ દિવસ સુધી ઝઝૂમ્યા બાદ માનસીનું મૃત્યું થયું હતું.

માનસીને કઈ બીમારી હતી?

ઇમેજ સ્રોત, Mansi Vakharia/FACEBOOK
ગુજરાત સ્ટેટ ફૂટબૉલ ઍસોસિયેશનના સેક્રેટરીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે માનસીનું જીબીએસ (ગોએન બારી સિન્ડ્રૉમ) નામની બીમારીને કારણે મૃત્યુ થયું છે."
તેમણે કહ્યું, "18 વર્ષનાં માનસી તેમના માતાપિતાનું એકમાત્ર સંતાન હતાં. તેઓ અમદાવાદની જે. જી. કૉલેજમાં અભ્યાસ કરતાં હતાં."
"જ્યારે કૉલેજથી ઘરે પરત ફર્યાં ત્યારે તેમની તબિયત અચાનક લથડી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
જીવરાજ મહેતા હૉસ્પિટલમાં ન્યૂરૉ ફિઝિશ્યન અને માનસીની સારવાર કરનાર ડૉકટર માલવ ગદાણી સાથે આ મામલે બીબીસી ગુજરાતીએ વાતચીત કરી હતી.
તેમણે જણાવ્યું, "જ્યારે માનસીને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમની તબિયત બિલકુલ સારી હતી અને તે ચાલી પણ શકતી હતી."
"જોકે, 3-4 કલાકનો સમય વિત્યા બાદ તેમની હાલત અચાનક બગડવાની શરૂ થઈ."

માનસીને થયેલી બીમારી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉકટર માલવ ગદાણી જણાવે છે, "જીબીએસ બૅક્ટેરિયા અને વાઇરસને કારણે થતી બીમારી છે.
"જેમાં આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ આપણા જ શરીરની નસો અને સેલ પર હુમલો કરે છે અને તેને ખતમ કરે છે. આ બીમારીના અલગઅલગ પ્રકાર હોય છે."
"પહેલા પ્રકારમાં આ બીમારી ખૂબ સામાન્ય રીતે શરીરમાં વધે છે અને બીજા પ્રકારમાં આ બીમારી દર્દીના શરીરમાં ખૂબ જ જલદીથી ફેલાઈ જાય છે."
"માનસીને બીજા પ્રકારની જીબીએસ બીમારી હતી જેને ફલમિનન્ટ કહેવાય છે."
"તે ખૂબ જ જલદીથી શરીરમાં ફેલાય છે અને ઘાતક રીતે શરીરના સ્નાયુઓને નુકસાન પહોંચાડે છે."
"સાથે જ આ બીમારીમાં આપણા શરીરના બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરતી નસો, હૃદય સુધી લોહી પહોંચાડતી નસો, ધબકારાને કંટ્રોલ કરતી નસોને નુકસાન કરે છે જેને કારણે દર્દીની હાલત બગડવાની શરૂ થાય છે."
"અમૂક કેસમાં જીબીએસ અન્ન નળીને પણ નુકસાન કરે છે જેને કારણે દર્દીઓને ખોરાક લેવામાં તકલીફ પડતી હોય છે."
આ બીમારી કોને થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ગદાણીના જણાવ્યા અનુસાર જીબીએસ કોઈ પણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે.
તેમાં પહેલાં શરદી, ઉધરસ, સામાન્ય તાવ અથવા તો ઝાડાની તકલીફ થતી હોય છે પરંતુ યોગ્ય સારવાર લીધા બાદ તે ઠીક થઈ જાય છે.
તેના 2-3 દિવસમાં ચાલવામાં તકલીફ પડે છે, શરીરના બૅલેન્સ કરતા સ્નાયુ ખરાબ થવાને કારણે ઊભા રહેવામાં તકલીફ પડે છે. ત્યારબાદ તે ધીમેધીમે વધે છે.
ડૉ. ગદાણીના જણાવ્યા અનુસાર જે લોકોમાં વધુ ઇમ્યુનિટિ પાવર એટલે કે રોગપ્રતિકારક શક્તિ પેદા થતી હોય તેમને આ બીમારી થવાની શક્યતા વધુ રહેલી છે.
"જે લોકોમાં ઓછી રોગપ્રતિકાર શક્તિ પેદા થતી હોય તેમને સામાન્ય પ્રકારનું જીબીએસ થવાની શક્યતા હોય છે.
"તે આપમેળે ઠીક થઈ જાય છે પરંતુ જેમનું શરીર વધુ રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે તેમને જોખમી પ્રકારનું જીબીએસ થઈ શકે છે."

કેવી રીતે થાય છે સારવાર?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. ગદાણીએ કહ્યું જણાવ્યું કે સામાન્ય પ્રકારનું જીબીએસ આપમેળ પણ ઠીક થઈ જાય છે.
તેમના કહેવા પ્રમાણે, "જે દર્દીની તબિયત વધુ ખરાબ હોય તેમના માટે બે પ્રકારની સારવાર કરવામાં આવે છે.
"તેમાં એક છે આઈવીઆઈજી ટ્રીટમેન્ટ અને બીજી છે પ્લાઝ્માપિરેસિસ."
"આઈવીઆજી ટ્રીટમેન્ટમાં એવાં ઇન્જેક્શન આપવામાં આવે છે જે શરીરના સ્નાયુઓને ખરાબ કરતા ઍન્ટિબૉડિઝને ખતમ કરી નાખે છે."
"જેથી કરીને આ બીમારી આગળ નથી વધી શકતી અને દર્દીનું શરીર ધીમેધીમે સ્વસ્થ થતું જાય છે."
"પ્લાઝ્માપિરેસિસમાં શરીરને હાની કરતાં ઍન્ટિબૉડિઝને ફિલ્ટર કરીને ખતમ કરી નાખે છે."
સારવાર કેટલી ખર્ચાળ છે?
આઈવીઆજી પ્રકારની સારવારમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો ખર્ચ અંદાજિત દોઢ લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
જ્યારે પ્લાઝ્માપિરેસિસમાં એક દિવસ છોડીને બીજા દિવસે એમ પાંચ દિવસ સુધી ફિલ્ટરેશનની પ્રક્રિયા કરવામાં આવે છે જેનો ખર્ચ ટ્રસ્ટ હૉસ્પિટલમાં 70 હજાર સુધી આવી શકે છે.
ગુજરાતમાં જીબીએસની સ્થિતિ શું છે એ સવાલનો જવાબ આપતા ડૉ.ગદાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સામાન્ય પ્રકારના જીબીએસના કેસ સામે આવતા રહે છે. ઝડપથી વધતા અને ઘાતક સાબિત થતા જીબીએસના કેસ ભાગ્યે જ જોવા મળે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













