મળો 82 વર્ષના શ્રીધરને, શા માટે તેમણે 66 વર્ષે કપાવ્યા નખ

શ્રીધરના નખ

ઇમેજ સ્રોત, GUINNESS WORLD RECORDS

એક પરિવહન બસ જેટલા લાંબા નખ, જેને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં ચાલી રહેલા એક પ્રદર્શનમાં રાખવામા આવ્યા છે.

આનો સંબંધ 82 વર્ષનાં શ્રીધર સાથે છે, જેમણે 66 વર્ષ સુધી (વર્ષ 1952 થી માંડીને અત્યાર સુધી) નખને વધવા દીધા હતા.

17 નવેમ્બર 2014 માં સૌથી લાંબા નખ માટે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું.

આ દરમિયાન તેઓ પોતાના જમણા હાથના નખને કાપતા રહ્યા જેથી તેમને પોતાનું દરરોજનું કામ કરવામાં સરળતા રહી શકે.

ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડ મુજબ, જ્યારે છેલ્લી વખત શ્રીધરના નખનું માપ લેવામાં આવ્યું, ત્યારે તે 909.6 સૅન્ટિમીટર હતું.

line

નખના કારણે હાથને થયેલું નુકસાન

શ્રીધરના નખ

ઇમેજ સ્રોત, Reuters

હવે શ્રીધરે પોતાના ડાબા હાથના નખ કપાવી નાખ્યા છે. એમને અમેરિકામાં ન્યૂયૉર્કનાં 'રિપ્લીઝ બિલીવ ઇન ઑર નૉટ' મ્યુઝિયમમાં રાખવામા આવ્યા છે.

આટલા લાંબા સમય સુધી નખ કાપ્યો ન હોવાથી તથા નખના ભારે વજનના કારણે શ્રીધરના ડાબા હાથમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ છે.

મહારાષ્ટ્રના પુણેના શ્રીધર હવે પોતાની આંગળીઓ હલાવી શકતા નથી અને હાથને ખોલી પણ શકતા નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

66 વર્ષમાં લંબાઈની સાથે સાથે નખની જાડાઈ પણ ઘણી વધી ગઈ હતી. શ્રીધરના નખને કાપવા માટે લોખંડ કાપવાનું નાનકડું મશીન વાપરવામાં આવ્યું હતું.

વર્ષ 2015માં ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડની ટીમે શ્રીધરનો ઇન્ટર્વ્યૂ લીધો હતો. એ વખતે એમણે કહ્યું હતું , ''મારા નખ ઘણા કોમળ છે, એનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને રાત્રે સૂતી વખતે.''

line

કેમ વધવા દીધા નખ?

શ્રીધરના નખ

ઇમેજ સ્રોત, RIPLEY'S; REUTERS

અમેરિકાનાં આ મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા પોતાના નખના કારણે શ્રીધર ચિલ્લાલ ખુશ છે, પણ મોટો સવાલ એ છે કે 66 વર્ષ સુધી તેમણે પોતાના નખ કેમ ના કાપ્યા અને આટલા વધવા કેમ દીધા?

તેના જવાબમાં શ્રીધર ચિલ્લાલ જણાવે છે, ''આ એક જૂની વાત છે. એ વખતે હું 14 વર્ષનો હતો. હું અને મારો મિત્ર શાળામા રમી રહ્યા હતા.

''અમારા એક શિક્ષક હતા, જેમણે હાથની ટચલી આંગડીનો નખ કોઈ કારણસર વધાર્યો હતો.

"હું રમતી વખતે એમની જોડે અથડાયો અને એમનો નખ તૂટી ગયો. એ વાત પર એ ખૂબ નારાજ થયા, પણ મેં એ વખતે મનમાં પ્રતિજ્ઞા કરી કે એમના કરતાં પણ મોટા નખ કરીને બતાવીશ.''

line

નખ કાપ્યા બાદ કેવું લાગ્યું ?

શ્રીધરના નખ

ઇમેજ સ્રોત, Reuters

આટલા લાંબા સમય બાદ નખ કપાવીને કેવું લાગ્યું? આ અંગે એમણે જણાવ્યું, ''મેં હંમેશા મારા નખનું ખાસ ધ્યાન રાખ્યું છે. નખ ખૂબ કોમળ હોય છે.

"મેં એની સાથે 66 વર્ષ પસાર કર્યા છે. જ્યારે મેં એને કાપવા માટે વિચાર્યું તો આ મારા માટે એક કપરો નિર્ણય હતો."

શ્રીધર ચિલ્લાલ જણાવે છે કે, ન્યૂ યૉર્કનાં 'રિપ્લીઝ બિલીવ ઇન ઑર નૉટ' મ્યુઝિયમે મને ખાતરી આપી છે કે તે એમના નખને સંભાળીને રાખશે.

શ્રીધર જણાવે છે, ''મને ખાતરી છે કે નખ કાપવાનો મારો નિર્ણય સાચો પુરવાર થશે. લોકો જઈને એને જોઈ શકશે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો