અચાનક હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસની જાહેરાત કેમ કરી?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે રવિવારે ફેસબુક લાઇવ દ્વારા પાટીદારો માટે અનામતની માગ સાથે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી છે.

હાર્દિક પટેલે આગામી 'પાટીદાર શહીદ દિવસ'થી એટલે કે 25 ઓગસ્ટથી પાટીદારોને અનામત ન મળે ત્યાં સુધી અન્નનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસને અનામત માટેની છેલ્લી લડત ગણાવતા કહ્યું હતું, "અનામતની લડાઈના ત્રણ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે પાટીદાર શહીદ દિવસથી હું આમરણાંત ઉપવાસ પર બેસાવાનો છું અને આ હવે છેલ્લી લડાઈ છે.

"પાટીદાર સમાજને અનામત ન મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ જ રહેશે."

હાર્દિક પટેલને ઉપવાસ પર બેસવાની જરૂર કેમ પડી?

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પાટીદાર શહીદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અગાઉ મે માસમાં હાર્દિક પટેલે ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે આયોજિત સમાજિક ન્યાય પંચાયતમાં પાટીદાર આંદોલનને વેગવાન કરવાની વાત કરી હતી. એ વખતે કેટલાક લોકોએ આ ગતિવિધિને પાટીદાર આંદોલનનો 'પાર્ટ-3' ગણાવ્યો હતો.

હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન સમિતિના અન્ય અગ્રણીઓને સાથે રાખ્યા વગર આમરણાંત ઉપવાસની જાહેરાત કરી એ અંગે પણ સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે.

એવું તો શું થયું કે હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લેવો પડ્યો?

શા માટે આમરણાંત ઉપવાસ?

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "હાર્દિક પટેલનું આ પ્રકારનું નિવેદન નવાઈ પમાડે એવું નથી. જો હાર્દિકે પોતાના સમર્થકોને જાળવી રાખવા હોય તો અનામતની વાત ફરીથી કરવી જ પડશે. હાર્દિકના અસ્તિત્વ પર પ્રશ્ન સર્જાયો છે."

રાજકીય વિશ્લેષક અજય નાયકના પ્રમાણે, જો હાર્દિક પટેલ આ પ્રકારના કાર્યક્રમ ન લે તો તે ભૂતકાળ બની જાય એવી પરિસ્થિતિ છે.

અજય નાયક કહે છે, "હાર્દિક પટેલ માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. 2019ની ચૂંટણી પણ નજીક છે અને હાર્દિક પાસે લોકો વચ્ચે જવા માટે અનામત સિવાયનો કોઈ મુદ્દો નથી. એટલે આ પ્રકારે આમરણાંત ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાત કરવી પડી છે."

પાટીદાર અનામત આંદોલન સમિતિમાંથી થોડાં સમય પહેલાં જ અલગ થનાર અશ્વિન પટેલ કહે છે, "પાટીદારોનું જનસમર્થન જતું રહ્યું એટલે હવે ફરી આંદોલન મજબૂત કરવા પ્રયત્ન કરે છે. ધીમે-ધીમે નારાજ લોકો એક થશે એવું લાગે છે."

હાર્દિકનો વિરોધ કેમ?

રાજકીય વિશ્લેષકોના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલનો વિરોધ પાટીદાર સમાજની અંદર પણ થઈ રહ્યો છે. ત્રણ વર્ષ પહેલાં પાટીદારોનો જે વિશ્વાસ હાર્દિક પટેલ પર હતો, એ હવે રહ્યો નથી.

તાજેતરમાં ચાલી રહેલી પાટીદાર શહીદ યાત્રામાં ગેરહાજરી બાબતે હાર્દિક પટેલનો સોશિયલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત હાર્દિક પટેલના સમર્થનમાંથી પાટીદારો જ પાછળ ખસી રહ્યા હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ અંગે અજય ઉમટ કહે છે, "હાર્દિકની અનામત અપાવવાની વાત તર્કસંગત નથી એવું હવે પાટીદારોને લાગે છે.

"એ લોકોને સમજાઈ ગયું છે કે મરાઠા, જાટ અને હૈદરાબાદ તથા તેલંગાણાના મુસ્લિમોને અનામતનું વચન આપ્યું હતું, પણ અનામતની દરખાસ્તને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે."

અજય નાયક કહે છે, "ગુજરાતના સામજિક વાતાવરણમાં પણ આ મુદ્દો પકડાયો નહીં. વ્યક્તિગત પ્રસિદ્ધિનો મુદ્દો જોડાઈ ગયો હોવાથી આંદોલન દિશાવિહીન થઈ ગયું છે. ત્યારે લોકોને આ આંદોલન ચૂંટણીલક્ષી લાગે છે."

બીજી તરફ પાટીદારોને ઓબીસી ક્વૉટામાં અનામત આપવાનો વિરોધ કરતા અલ્પેશ ઠાકોર સાથે હાર્દિક પટેલ એક મંચ પર આવ્યા ત્યારથી તેમનો વિરોધ વધી રહ્યો છે.

'જનતા રેડ'નો આમરણાંત ઉપવાસની જાહેરાત સાથે સંબંધ?

'જનતા રેડ'માં અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સાથે જોડાયા બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનો વિરોધ થયો હતો.

આ અંગે હાર્દિક પટેલે લોકોના વિરોધના જવાબમાં કહ્યું હતું 'દારૂની લડાઈમાં સમર્થન આપવું એ મારી જવાબદારી હતી, પણ એ માટે બધાં મારો વિરોધ કરે છે.'

હાર્દિકે વધુમાં કહ્યું હતું, "દારૂની લડાઈને હું સમર્થન આપું છું પણ આપણી લડત અનામત માટે છે. અનામત મારા માટે પહેલો મુદ્દો છે, ખેડૂતો મારા માટે બીજો મુદ્દો છે અને બેરોજગારી મારા માટે ત્રીજો મુદ્દો છે અને ત્યારબાદ દારૂબંધીનો મુદ્દે આંદોલન હશે તો એમાં પણ હું જોડાઈશ."

આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડીને ભાજપમાં જોડાયેલા રેશમા પટેલ કહે છે, "સોશિયલ મીડિયા પર ટીકા થઈ એટલે હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે આમરણાંત ઉપવાસની જાહેરાત કરવી પડી છે."

'જનતારેડનો મામલો શું છે?'

તાજેતરમાં અમદાવાદમાં દેશી દારૂ પીધા બાદ ચાર વ્યક્તિઓની તબિયત લથડી હતી, જેના અનુસંધાને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ ગાંધીનગરમાં જનતારેડ કરી હતી.

આ જનતારેડ દરમિયાન ડીએસપી ઓફિસ પાસેથી જ તેમને દારૂ પકડ્યો હોવાનો દાવો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ જનતા રેડ બાદ અલ્પેશ ઠાકોરને અનામત અંગે પૂછતાં તેઓએ કહ્યું હતું, "પાટીદારોને ઓબીસીના ક્વૉટામાંથી અનામત ન મળવું જોઈએ."

આ નિવેદનને હાર્દિક પટેલે અલ્પેશ ઠાકોરનું અંગત નિવેદન ગણાવતા કહ્યું હતું,"અલ્પેશ ઠાકોરના નિવેદનનું કોઈ મહત્ત્વ નથી. આ અલ્પેશ ઠાકોરનું વ્યક્તિગત નિવેદન છે. જો કોંગ્રેસ આવું કંઈક કહેશે તો પાટીદાર આંદોલન બાબતે જે કરવાનું રહેશે એ હું કરીશ."

વિશ્લેષકોના મતે હાલની પરિસ્થિતિ એવી છે કે, અન્ય મુદ્દાઓ પર અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એક મંચ પર આવે, તો પણ પાટીદારોને અનામત અપવાની બાબતે હાલ તબક્કે બન્નેના અભિપ્રાયમાં વિરોધાભાસ દેખાઈ આવે છે.

રવિવારે મોડી રાત્રે અમદાવાદની વાડિલાલ સારાભાઈ હૉસ્પિટલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, પરિવારજનોનો આક્ષેપ છે કે લઠ્ઠાકાંડને કારણે તેમણે સ્વજન ગુમાવ્યો છે.

પાટીદાર અનામત આંદોલન ફરી ઊભું થશે?

હાર્દિક પટેલે ફેસબુક લાઇવમાં એવો દાવો કર્યો છે કે, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર અમારી સાથે જ છે. પાટીદારોને અનામત અપાવવાના આંદોલનમાં આ બન્ને સાથ આપશે.

હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસને અનામત માટેની અંતિમ લડત ગણાવે છે. તો શું હાર્દિક પટેલની આ જાહેરાતથી અનામત આંદોલન ફરી ઊભું થશે?

અજય ઉમટ કહે છે, "આમરણાંત ઉપવાસથી અનામત આંદલોન મજબૂત થવાની આ તરકીબ ફળદાયી થશે કે નહીં એ અંગે મને શંકા છે."

અજય નાયક કહે છે, "હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર 2019ની ચૂંટણીને ધ્યાને રાખીને એકસાથે આવે એ શક્ય છે, પણ પાટીદારોને અનામત મુદ્દે આ ત્રણ એકસાથે રહે એ શક્ય નથી."

પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડીને ભાજપમાં જોડાયેલા રેશમા પટેલ કહે છે, "પાટીદારોના હિતમાં આંદોલન કરવું હોય તો હું ભાજપમાંથી રાજીનામું આપવા તૈયાર છું.

"હું ભાજપ સરકારની સામે જ આંદોલન કરીશ, પણ પહેલા હાર્દિક પટેલ અનામત માટેની ચોક્કસ પરિભાષા અને ફૉર્મ્યુલા જાહેર કરે."

ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા આર્થિક માપદંડ પર અનામત જેવા લાભો આપવાની વાત કરાઈ હતી, જેનો પરિપત્ર બહાર પણ પાડ્યો, પરંતુ હાઈકોર્ટે અમાન્ય રાખ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો