દિલ્હીના ઉપ રાજ્યપાલ સરકારના કામમાં અડચણરૂપ ન બને : સુપ્રીમ કોર્ટ

કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે બુધવારે દિલ્હીમાં ઉપ રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે અધિકારના વિવાદના મામલે પોતાનો ચુકાદો આપ્યો.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે દિલ્હીના ઉપ રાજ્યપાલ પાસે સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી. તેમણે મંત્રી મંડળના સહયોગ અને સલાહ અનુસાર જ કામ કરવું જોઈએ.

મુખ્ય ન્યાયાધીશના વડપણ હેઠળની પાંચ જજની બંધારણીય બૅન્ચે કહ્યું કે, ઉપ રાજ્યપાલની ભૂમિકા અડચણરૂપ ન હોવી જોઈએ.

કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે મંત્રી મંડળે પણ તમામ નિર્ણયો ઉપ રાજ્યપાલને જણાવવા જોઈએ, પરંતુ એનો અર્થ એ નથી કે તેમની સહમતી જરૂરી છે.

line

બન્ને પક્ષોની પ્રતિક્રિયા

મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, AFP

એડિશનલ એટર્ની જનરલ મનિંદર સિંહે આ નિર્ણય વિશે કહ્યું, "કોર્ટે દિલ્હી સરકારને રાજ્યની જેમ જ માનીને દિલ્હીના ઉપ રાજ્યપાલને અન્ય રાજ્યોના રાજ્યપાલની જેમ જ ગણવાના દિલ્હી સરકારના તર્કનો સ્વીકાર નથી કર્યો. કોર્ટે ફરી વખત કહ્યું કે આ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, રાજ્ય નહીં."

આ ચુકાદા બાદ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકારોને જણાવ્યું, "સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં તેમણે દિલ્હીની જનતાને સર્વોચ્ચ ગણાવી છે."

"આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે, લોકશાહીમાં જનતા સુપ્રીમ અને જનતાએ ચૂંટેલી સરકાર સુપ્રીમ છે."

"દિલ્હીમાં માત્ર ત્રણ વિષયો પોલીસ, કાયદો અને વ્યવસ્થા તથા જમીન અનામત વિષય છે. હવે દિલ્હીની સરકારે પોતાની ફાઇલ્સ એલજીને (ઉપ રાજ્યપાલ)ને મોકલવાની જરૂર નથી. સેવાનું ક્ષેત્ર હવે દિલ્હી સરકાર પાસે છે."

આપને આ પણ વાંચવું ગમશે

દિલ્હી સરકારનો દાવો છે કે હવે દિલ્હીમાં અધિકારીઓની બદલી, પોસ્ટિંગના અધિકારો સરકાર પાસે આવી ગયા છે.

કોંગ્રેસનાં નેતા શીલા દિક્ષિતે આ ચુકાદા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું, "સુપ્રીમ કોર્ટે ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે. બંધારણની કલમ 239 (એએ) અનુસાર, દિલ્હી એક રાજ્ય નહીં, પણ કેન્દ્રશાસિત પ્રદેશ છે. આથી તેની ક્ષમતાઓની અન્ય રાજ્યોની ક્ષમતાઓ સાથે સરખામણી ન કરવી જોઈએ."

line

દિલ્હી પર હકની લડાઈ

કેજરીવાલ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એ નક્કી થઈ ગયું છે કે, દિલ્હીમાં મુખ્ય મંત્રી અને ઉપ રાજ્યપાલમાંથી વધુ કાનૂની અધિકારો કોની પાસે રહેશે.

પરંતુ અરવિંદ કેજરીવાલ એવા પ્રથમ મુખ્યમંત્રી નથી, જેમણે આ મામલે કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો.

આ પહેલાં વર્ષ 1952માં જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ પક્ષના નેતા બ્રહ્મ પ્રકાશ મુખ્ય મંત્રી હતા, ત્યારે પણ ચીફ કમિશનર આનંદ ડી પંડિત સાથે અધિકારોના મામલે લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી હતી.

ત્યારબાદ મુખ્ય મંત્રીએ 1955માં રાજીનામું આપવું આપવું પડ્યું અને 1956માં દિલ્હી પાસેથી રાજ્યનો દરજ્જો છીનવી લેવાયો.

ત્યારબાદ દિલ્હીમાં સરકાર બનાવનારા પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતપોતાના શાસનકાળમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરતા રહ્યા છે.

line

જ્યારે સંસદમાં રજૂ થયો સુધારાનો પ્રસ્તાવ

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન, દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ

વર્ષ 2003માં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદમાં સુધારાનો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

વાજપેયી સરકાર તરફથી એ સમયના ગૃહ મંત્રી લાલકૃષ્ણ અડવાણીએ સંસદમાં આ સુધારાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તેમાં પોલીસ તથા કાયદો અને વ્યવસ્થાને કેન્દ્રને આધીન રાખવાની બાબત હતી.

પરંતુ સંસદની મુદત પૂરી થતાં જ એ પ્રસ્તાવ આપમેળે જ રદ થઈ ગયો.

કોંગ્રેસનાં નેતા અને ત્રણ વખત દિલ્હીનાં મુખ્ય મંત્રી રહી ચૂકેલાં શીલા દિક્ષિતે પણ પોતાના કાર્યકાળ દરમિયાન આવી જ કોશિશ કરી હતી.

પરંતુ તાજેતરમાં જ શીલા દિક્ષિતે કહ્યું કે અમારા કાર્યકાળમાં પણ અમે વાજપેયી સરકાર સાથે સંકલનમાં કામ કર્યું હતું, દિલ્હી મેટ્રોનું કામ પૂર્ણ કરવામાં આવ્યું.

એમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર પૂર્ણ રાજ્યના દરજ્જાની માગણી કરી શકે છે, પરંતુ એ એક અવાસ્તવિક માંગણી છે.

line

કાયદામાં બદલાવ જરૂરી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બંધારણના 69મા સુધારા વિધેયક મારફતે ડિસેમ્બર 1991માં દિલ્હીને આંશિક રાજ્યનો દરજ્જો તો આપવામાં આવ્યો.

પરંતુ બંધારણના સાતમા ભાગની કલમ 1, 2 અ 18 હેઠળ રાજ્ય સરકારને મળનારા વહિવટ, પોલીસ અને જમીનના અધિકારને કેન્દ્ર સરકારે પોતાની પાસે જ રાખ્યો હતો.

હાલની સ્થિતિ એવી છે કે, જો કોઈ મુદ્દે પોલીસ અને વહિવટની વ્યવસ્થામાં ગરબડ થાય તો દિલ્હીના મુખ્ય મંત્રી માત્ર કાર્યવાહીની માંગણી કરી શકે છે.

એવામાં દિલ્હી પોલીસને રાજ્ય સરકારને આધીન ત્યારે જ કરી શકાય, જ્યારે એ સંબંધિત પ્રસ્તાવ દેશની સંસદમાં પસાર થાય.

વર્તમાન જોગવાઈઓ અનુસાર દિલ્હી પોલીસ સ્થાનિક ધારાસભ્યો અને દિલ્હી સરકારને જવાબ આપવા બંધાયેલી નથી.

કેજરીવાલ પહેલાં રાજ્યનાં મુખ્ય મંત્રી રહેલાં શીલા દિક્ષિત પણ દિલ્હી પોલીસને દિલ્હી સરકારને આધીન રાખવાની માંગણી કરતાં રહ્યાં હતાં.

લગભગ 1.7 કરોડની વસ્તિ ધરાવતા શહેરને સંભાળવાની તેમની સમસ્યાઓના નિદાન માટે પોલીસ વ્યવસ્થાને રાજ્યને આધિન કરવાની માંગણીને તર્ક સંગત માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો