કેજરીવાલ: કાંઈ કરી ન શક્યા એટલે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવડાવ્યા

કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)ના 20 ધારાસભ્યોને 'ઓફિસ ઑફ પ્રોફિટ' મામલે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ પ્રમાણે, આ સંબંધિત નોટિફિકેશન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

કેજરીવાલે કહ્યું હતું કે, અનેક ત્રાગાં કરવા છતાં કાંઈ ન વળ્યું એટલે આપના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકારે આ બાબતે સૂચના બહાર પાડી છે.

અગાઉ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને મોકલેલી ભલામણમાં જણાવ્યું હતું કે આ ધારાસભ્યોએ 2015-16 દરમિયાન લાભનું પદ મેળવ્યું હતું એટલે તેઓ ગેરલાયક ઠરવાને પાત્ર છે.

line

સરકાર પર સંકટ નહીં

કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપનો ઉદય ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી થયો હોવાથી પાર્ટી માટે આ બાબત આંચકાજનક બની રહેશે

દિલ્હીના નજફગઢમાં કેજરીવાલે કહ્યું, "આમને આખા દેશમાં હું જ એક ભ્રષ્ટ મળ્યો, બાકી બધાય ઈમાનદાર છે.

"મારી ઉપર સીબીઆઈની રેડ કરાવવામાં આવી પણ કશું ન મળ્યું. કાંઈ ન કરી શક્યા એટલે તેમણે અમારા 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવડાવ્યા."

દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અજય માકણના કહેવા પ્રમાણે, "ભાજપ અને ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીને મદદ કરી છે.

"જો, 22મી ડિસેમ્બર પહેલા ચૂંટણી પંચે ભલામણ ન કરી હોત તો 20 ધારાસભ્યો દિલ્હીમાંથી રાજ્યસભાની બેઠકો માટે મતદાન ન કરી શક્યા હોત."

દિલ્હી ભાજપનાં નેતા મીનાક્ષી લેખીના કહેવા પ્રમાણે, "ચૂંટણી પંચ બંધારણી સંસ્થા છે. તેમની પર કાયદા મુજબ વર્તવાની જવાબદારી હોય છે."

ધારાસભ્યોના ગેરલાયક ઠરવા છતાંય દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી આપ સરકાર પર કોઈ સંકટ ઊભું નહીં થાય.

આપે અગાઉથી જ તેનું વલણ સ્પષ્ટ કરી દીધું હતું કે જો તેના ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો તે હાઈકોર્ટમાં અપીલ કરશે.

જોકે, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી પાર્ટીની ઇમેજ માટે આ ઘટનાક્રમ આંચકાજનક માનવામાં આવે છે.

line

આપ હાઈકોર્ટમાં જશે

અરવિંદ કેજરીવાલ અને કુમાર વિશ્વાસની તસવીર

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

ગત સપ્તાહે આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું હતું, "એ. કે. જોતિ 23મી જાન્યુઆરીના નિવૃત્ત થશે, તે પહેલા મોદીના ઉપકારનો બદલો વાળવા માગે છે.

"શું ધારાસભ્યના મતવિસ્તારના લોકોએ ક્યારેય તેમને સરકાર ગાડી, સરકારી બંગલા કે કોઈનું બેન્ક સ્ટેટમેન્ટ જોયું છે.

"હજુ સુધી આ મુદ્દે ધારાસભ્યોને તેમનો પક્ષ રજૂ કરવાની તક મળી નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું."

શુક્રવારે આપે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, પરંતુ તત્કાળ રાહત મળી ન હતી.

દિલ્હીની કેજરીવાલ સરકાર પર કોઈ સંકટ ઊભું નહીં થાય, કારણ કે 70 બેઠકોવાળી વિધાનસભામાં પાર્ટીના 66 ધારાસભ્યો વધ્યા હતા.

line

શા માટે ગેરલાયક ઠર્યા?

આપના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજની તસવીર

ઇમેજ સ્રોત, AAP

આપના 21 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવામાં આવ્યાં હતાં. આ હોદ્દાની રુએ તેમને ગાડીઓ તથા અન્ય કેટલીક સવલતો મળતી હતી.

જે ધારાસભ્ય તરીકે મળતી સગવડો અને સવલતો ઉપરાંતની હતી. એટલે તેમને ગેરલાયક ઠેરવવામાં કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

બંધારણમાં 'ઓફિસ ઑફ પ્રોફિટ'ની વ્યાખ્યા કરવામાં આવી છે.

જે મુજબ કોઈ ધારાસભ્ય કે સાંસદ એવું સરકારી પદ ધારણ ન કરી શકે જેમાં તેને ઓફિસ મળે કે અન્ય કોઈ સવલત મળે.

જો કોઈ ધારાસભ્ય કે સાંસદ તેનો ભંગ કરે તો તે ગેરલાયક ઠરી શકે છે.

આ પ્રકારની જોગવાઈ કરવા પાછળ બંધારણના ઘડવૈયાઓનો ઉદ્દેશ્ય એવો હતો કે ધારાસભ્યો કે સાંસદો કોઈ પદ કે સુવિધાની લાલચથી અલગ રહે.

line

શું છે ઘટનાક્રમ?

આપના ધારાસભ્ય જરનૈલસિંહ સાથે કેજરીવાલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આપના ધારાસભ્ય જરનૈલ સિંઘે રાજીનામું આપી દેતા તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવેલી

જૂન 2016માં કોંગ્રેસે ચૂંટણી પંચના દરવાજા ખખડાવ્યા હતા.

જેમાં 'ઓફિસ ઑફ પ્રોફિટ'ની જોગવાઈઓનો ભંગ કરવા બદલ 'આપ' ના 21 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરવામાં આવી હતી.

ત્યારબાદ રાજૌરી ગાર્ડન બેઠક પરથી આપના ધારાસભ્ય જરનૈલસિંહે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. એટલે તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે.

ગત વર્ષે ઓકટોબર મહિનાથી આપના ધારાસભ્યોની સામે કાર્યવાહી ચાલી રહી છે.

થોડા દિવસો અગાઉ ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને આ સંદર્ભે અહેવાલ સુપ્રત કર્યો હતો, જેમાં આપના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની ભલામણ કરવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો