લંડનમાં કેમ થયા મોદી વિરોધી સૂત્રોચ્ચાર?

લંડનમાં ભારતીય હાઈકમિશન સામે થયેલા વિરોધ પ્રદર્શનની તસવીર
    • લેેખક, રાહુલ જોગલેકર
    • પદ, લંડનથી બીબીસી સંવાદદાતા

લંડનના રસ્તા પર શનિવારે એક રેલી કાઢવામાં આવી. આ રેલીનું આયોજન લંડનમાં રહેનારા દક્ષિણ એશિયાના સમૂહના લોકોએ કર્યું હતું.

આ રેલીમાં ભારતમાં દલિતો પર થઈ રહેલા કથિત અત્યાચારોનો વિરોધ કરવામાં આવ્યો.

આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે લંડન ઉપરાંત બર્મિંઘમ અને વોલવરહેમ્પટનથી પણ લોકો આવ્યાં હતાં.

તમને આ વાંચવું પણ ગમશે:

તમામ પ્રદર્શનકારીઓ પહેલાં પાર્લમેન્ટ સ્ક્વેર પર એકઠાં થયાં અને ત્યારબાદ તેમણે ત્યાંથી ભારતીય હાઈ કમિશન સુધી 20 મિનિટ રેલી અને પ્રદર્શન કર્યાં.

line

મોદી વિરોધી સૂત્રોચ્ચાર

લંડનમાં ભારતીય હાઈકમિશન સામે થયેલા વિરોધ પ્રદર્શનની તસવીર

બ્રિટનમાં રહેનારા જ્ઞાતિગત સમૂહોના લોકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત દક્ષિણ એશિયાના સમૂહના અન્ય લોકો પણ તેમાં જોડાયાં હતાં.

આ વિરોધ પ્રદર્શનમાં લોકોને સામેલ કરવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

પ્રદર્શનકારીઓ રસ્તા પર મોદી વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. એ લોકો 'મોદી સરકાર હાય હાય' અને 'આરએસએસ ડાઉન-ડાઉન' જેવા સૂત્રો પોકારી રહ્યા હતા.

દક્ષિણ એશિયા એકતા સમૂહનાં એક સભ્ય કલ્પના વિલ્સને ક્યું, "મારા મતે મોદી સરકારને આ સંદેશો આપવો ખૂબ જરૂરી છે કે, દુનિયાભરના લોકો એ જોઈ રહ્યાં છે કે, ભારતમાં શું થઈ રહ્યું છે.

"દલિતો પર હુમલા થાય છે, મુસલમાનો અને લઘુમતીને ટોળાં મારી રહ્યાં છે."

"અમે લોકોને એ દર્શાવવા માગીએ છીએ કે ભારતમાં લોકશાહી પર જોખમ છે."

લંડનમાં રહેનારાં વંદના સંજય ડોમેસ્ટિક વાયલન્સ ઓફિસર છે.

તેમણે કહ્યું, "લંડનમાં દુનિયાના દરેક ભાગના લોકો રહે છે. અમે અહીં ભારતીય હાઈ કમિશનમાં અમારું આવેદનપત્ર આપવા આવ્યાં છીએ."

"અમને આશા છે કે એનાથી ભારત સરકારને કંઇક અસર થશે."

line

ભારતીય હાઈકમિશનની પ્રતિક્રિયા

લંડનમાં ભારતીય હાઈકમિશન સામે થયેલા વિરોધ પ્રદર્શનની તસવીર

પાર્લિયામેન્ટ સ્ક્વેરથી શરૂ થયેલું વિરોધ પ્રદર્શન લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન સુધી પહોંચ્યું હતું.

પ્રદર્શનકારીઓએ ભારતીય હાઈ કમિશનરને બહાર આવીને તેમની સાથે વાત કરવાની માંગણી કરી હતી.

અન્ય એક પ્રદર્શનકારી અમૃત વિલ્સને કહ્યું, "અમે ભારતીય હાઈ કમિશનરને આવેદન આપવા ઇચ્છતા હતા, પરંતુ તેમણે એ સ્વીકારવાનો ઇન્કાર કર્યો.

"તેમણે અમને કહ્યું કે ભારત સરકાર તરફથી આ પ્રકારનું કોઈ જ આવેદન પત્ર ન સ્વીકારવાનો આદેશ મળ્યો છે."

બીબીસીએ ભારતીય હાઈકમિશન સાથે આ બાબતે વાત કરવાની કોશિશ કરી, પરંતુ કોઈ જ જવાબ મળ્યો નહોતો.

દક્ષિણ એશિયા એકતા સમૂહે જણાવ્યું કે તેમને હાલમાં જ ગુજરાતથી ચૂંટાયેલા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તરફથી પણ સંદેશ મળ્યો છે. તેમાં જિગ્નેશે આ પ્રદર્શનનું સમર્થન કર્યું છે.

line

'ભીમા કોરેગાંવ હિંસાએ પરેશાન કર્યા'

લંડનમાં ભારતીય હાઈકમિશન સામે થયેલા વિરોધ પ્રદર્શનની તસવીર

લંડન નજીક ચૅલ્મ્સફૉર્ડ વિસ્તારથી આવેલા સંદીપ ટેલમોરે કહ્યું, "ભીમા કોરેગાંવમાં થયેલી હિંસાએ અમને અહીં એકઠાં થવાં મજબૂર કર્યાં.

"જો ભારતમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, તો અમારે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવવો જોઈએ."

મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવમાં કેટલાક દિવસો પહેલાં દલિત સમાજ અને સવર્ણો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

સંદીપ ટેલમોરે જણાવ્યું, "છેલ્લાં 200 વર્ષોથી ભારતમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ચાલી રહ્યો છે. આપણે એનો વિરોધ કરવો જ પડશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો