You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મેઘાલયમાં શીખ અને ખાસી વચ્ચે હિંસક અથડામણ, કર્ફ્યૂ જાહેર
મેઘાલયની રાજધાની શિલોન્ગમાં સામાન્ય વિવાદ બાદ ભડકેલી હિંસાને કારણે છેલ્લાં ત્રણ દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિનો માહોલ છે.
વાત એવી છે કે ગુરુવારે સરકારી બસમાં ક્લીનર તરીકે કામ કરતા એક ખાસી યુવક અને પંજાબી યુવતી વચ્ચે બોલાચાલી થઈ હતી.
આ સામાન્ય બોલાચાલી દરમિયાન બે પક્ષોના લોકોએ એકબીજા સાથે કથિત મારપીટ કરી. જોકે, સ્થાનિક પોલીસની મદદથી આ મામલાનું નિવારણ આવી ગયું હતું.
પરંતુ આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કોઈએ ખાસી યુવકના મરવાની અફવા ફેલાવી દીધી.
ત્યારબાદ બસ ચાલક સંસ્થા અને ઘણાં સ્થાનીય સંગઠનો સાથે જોડાયેલા લોકો પંજાબી કોલોની પહોંચ્યા અને ત્યાં બંને પક્ષો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ.
સાત કલાકનો કર્ફ્યૂ
આ હિંસક અથડાણમાં ઉગ્ર ભીડ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
વિસ્તારમાં હિંસા, આગચંપી અને ભારે તણાવ બાદ શુક્રવારે રાત્રે સેનાએ ફ્લેગ માર્ચ કાઢી હતી. જ્યારે પ્રશાસને શહેરમાં સાત કલાકનો કર્ફ્યૂ લગાવ્યો.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં શહેરના 14 વિસ્તારોમાં અનિશ્ચિતકાલીન કર્ફ્યૂ જાહેર કર્યો હતો. આ સાથે જ પ્રશાસને ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી હતી.
પોલીસે અત્યારસુધી 10 લોકોની ધરપકડ કરી છે. શિલોન્ગ શહેરના થેમ ઈયૂ માવલોંગ વિસ્તારમાં પંજાબી કૉલોની આવેલી છે. ત્યાં લગભગ 500 પંજાબી દલિત પરિવારો રહે છે.
આ લોકોનું કહેવું છે કે અમે બસો વર્ષથી અહીં રહીએ છીએ. આ સામાન્ય વિવાદને રાજનૈતિક રૂપ આપી અમને અહીંથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બસમાં યુવતીની કરી છેડતી
આ વિવાદને વધારવાનું આ મુખ્ય કારણ જણાવવામાં આવી રહ્યું છે.
પંજાબી કૉલોનીમાં રહેતા સની સિંહે જણાવ્યું, "ઘટના કંઈ નહોતી. સરકારી બસના એક ક્લીનરે અમારા સમુદાયની યુવતીની છેડતી કરી હતી અને આ મુદ્દે મારપીટ થઈ હતી."
"પરંતુ બાદમાં આ મામલો પોલીસની મદદથી ઉકેલાઈ ગયો હતો. પરંતુ સાંજે બસ ઓપરેટર એસોસિયેશનના થોડા લોકો સ્થાનિક સંગઠન સાથે અમારી કૉલોનીમાં ઘૂસી ગયા અને હોબાળો કરવા લાગ્યા."
"અમે પોલીસને જાણ કરી પરંતુ આ દરમિયાન લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો."
'ઘટનાના દિવસથી સૂઈ નથી શક્યા'
પંજાબી કૉલોનીમાં હાલની પરિસ્થિતિ અંગે વાત કરતા સનીએ જણાવ્યુ, "અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. અમે ઘટનાના દિવસથી સૂઈ નથી શક્યા."
"અમે બાળકો અને મહિલાઓને ગુરુદ્વારામાં રાખ્યા છે અને રાત્રે ચોકી કરીએ છીએ."
પંજાબી કૉલોનીને ગેરકાયદે હોવાના સવાલ પર સોનુ કહે છે, "અમારા પૂર્વજોને વસતા અહીં બસો વર્ષ થઈ ગયા છે."
"બ્રિટિશ શાસન વખતે અમારા દાદા-પરદાદાઓને અહીં ક્લીનર અને સફાઇકર્મી તરીકે લાવીને રાખવામાં આવ્યા હતા. તે સમયે મેઘાલયને રાજ્યનો દરજ્જો મળ્યો નહતો. અમે આ જગ્યા નહીં છોડીએ."
બીજી જગ્યાએ વસાવવાનો મુદ્દો
વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા આપેલી સુરક્ષા પર નારાજગી વ્યક્ત કરતા સની જણાવે છે, "હુમલો કરવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે. એવામાં 5-7 પોલીસકર્મી કેવી રીતે તેમનો સામનો કરી શકે?"
પંજાબી કૉલોનીની ગુરુદ્વારા સમિતિના મહાસચિવ ગુરુજિત સિંહ કહે છે, "છેલ્લા ઘણાં સમયથી અમને અહીંથી હટાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે."
"સ્થાનિક લોકો અમને ગરેકાયદે રહેતા નિવાસી કહે છે પરંતુ અમારા પૂર્વજો વર્ષોથી અહીં રહે છે."
"છેલ્લા ઘણાં સમયથી રાજનેતાઓ અમને અહીંથી ખસેડવાની વાતો કરી રહ્યાં છે, પરંતુ તેનું પરિણામ કંઈ આવ્યું નથી."
તાત્કાલિક ધરપકડની માંગ
હિંસાથી નારાજ થયેલા રાજ્યના વિદ્યાર્થી સંગઠન ખાસી સ્ટુડન્ટ યુનિયને(કેએસયૂ) પંજાબી કૉલોનીના લોકોને 'ગેરકાયદે નિવાસી' કહીને જગ્યા ખાલી કરવાની માગ કરી છે.
કેએસયૂના મહાસચિવ ડોનાલ્ડ થબાહે મીડિયા સમક્ષ કહ્યું, "અમે માગ કરી રહ્યા છે કે એ ક્ષેત્રમાં ગેરકાયદે વસતા લોકોને તાત્કાલિક બહાર કરવામાં આવે"
"પંજાબી લેનમાં રહેતા લોકો હંમેશા ખાસી લોકો માટે મુશ્કેલી ઊભી કરતા આવ્યા છે."
કેએસયૂ સહિત શિલોન્ગના ઘણાં સંગઠનો ખાસી યુવક પર હુમલો કરનાર લોકોની તાત્કાલિક ધરપકડ થાય એવી માગ કરી રહ્યા છે.
સાથે જ હિંસક અથડામણમાં ઝડપાયેલા ખાસી પ્રદર્શકારીઓની મુક્તિ અને ઘાયલોને નુકસાન ભરપાઈ કરવાની માગ પર અડગ છે.
હાલની પરિસ્થિતિમાં સુધારો
શનિવારે મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પોતાના મંત્રીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વાત કરવા માટે ખાસી સમુદાયના વરિષ્ઠ લોકો અને પંજાબી કૉલોનીના લોકો સાથે મુલાકાત કરી હતી.
દેશના ગૃહ રાજ્યમંત્રી કિરણ જિજિજુએ એક ટ્વીટ કરીને આ મામલે અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા માટે મેઘાલયના લોકોને અપીલ કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે.
મુખ્યમંત્રીએ બધા પક્ષોને શાંતિ જાળવી રાખવા અને શિલોન્ગમાં સ્થિતિ સામાન્ય બનાવવાની અપીલ કરી છે.
પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના પોલીસ અધિક્ષક ડેવિસ મરાક અનુસાર હાલની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે પંજાબના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ શિલોન્ગ પહોંચ્યા હતા અને પંજાબી કૉલોનીના લોકોને સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. સાથે તેમણે મુખ્યમંત્રી સંગમા સાથે પણ વાતચીત કરી.
આ પહેલાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને મેઘાલયમાં ફાટી નીકળેલી હિંસા અંગ ચિંતા વ્યક્ત કરતા સંગમા સાથે વાતચીત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો