રાજકીય પક્ષોને દાનઃ બીજેપી માલામાલ, પણ વિપક્ષ કેમ કંગાળ

ઇમેજ સ્રોત, PTI
રાજકીય પક્ષો કંપનીઓ પાસેથી કેટલો ફાળો લેતા હોય છે? આ સવાલનો જવાબ સામાન્ય લોકો પાસે ભાગ્યે જ હશે.
જોકે, રાજકીય પક્ષોને મળતા ભંડોળ પર નજર રાખતા બિનસરકારી સંગઠન અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રાઇટ્સ(એડીઆર)ના તાજા અહેવાલને પગલે જુના સવાલો ફરી બહાર આવ્યા છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી), કોંગ્રેસ, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (સીપીઆઈ), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), બહુજન સમાજ પાર્ટી (બીએસપી) અને તૃણમૂલ કોંગ્રેસનાં હિસાબી ચોપડાની તપાસ કરીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ફાળો લેવાના નિયમો અનુસાર, રાજકીય પક્ષોએ તેમને 20,000 રૂપિયાથી વધુનો ફાળો આપતા લોકોનાં નામ જાહેર કરવાનાં હોય છે.
એડીઆરનો આ અહેવાલ જણાવે છે કે 2016-17ના નાણાકીય વર્ષમાં સત્યા ઇલેક્ટોરલ ટ્રસ્ટ નામની એક કંપનીએ માત્ર બીજેપીને જ 251.22 કરોડ રૂપિયા દાનપેટે આપ્યા હતા, જે બીજેપીને મળેલા કુલ દાનનો 47.19 ટકા હિસ્સો છે.
આ કંપનીએ કોંગ્રેસને પણ દાનપેટે 13.90 કરોડ રૂપિયા આપ્યા હતા.
સત્યા ઇલેક્ટોરલ ટ્રસ્ટનું નામ તમે અગાઉ સાંભળ્યું ન હોય તો જાણી લો કે આ એક કંપની છે, જે કોર્પોરેટ ગૃહો પાસેથી નાણાં લઈને રાજકીય પક્ષોને ફાળો આપે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અહેવાલમાં શું છે ખાસ?

ઇમેજ સ્રોત, EPA
• 2016-17ના નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને 20,000 રૂપિયાથી વધુ દાનપેટે આપવામાં આવ્યા હોય તેવા નાણાંનું પ્રમાણ 589.38 કરોડ રૂપિયા છે. આ નાણાં 2123 લોકો કે કંપનીઓ પાસેથી મળ્યા છે.
• બીજેપીને 1149 લોકો કે કંપનીઓ તરફથી દાનપેટે 532.27 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 599 લોકો કે કંપનીઓ તરફથી 41.90 કરોડ રૂપિયા મળ્યા હતા.
• બાકી છ રાજકીય પક્ષોને જેટલું દાન મળ્યું, તેના કરતાં નવથી પણ વધારે ગણું દાન બીજેપીને મળ્યું છે.
• બીએસપીએ પાછલાં 11 વર્ષની માફક 2016-17માં પણ એવું જ જણાવ્યું હતું કે કોઈએ તેમને 20,000 રૂપિયાથી વધુનું દાન આપ્યું ન હતું.
• રાજકીય પક્ષોને 2016-17માં મળેલા દાનમાં 487.36 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જે 478 ટકા વધારે છે.
• 2015-16ના નાણાકીય વર્ષમાં રાજકીય પક્ષોને દાનપેટે 102.02 કરોડ રૂપિયા મળ્યા હતા.
• બીજેપીને મળેલા દાનમાં 593 ટકા વધારો થયો છે. 2015-16માં 76.85 કરોડ રૂપિયા દાનપેટે મળ્યાનું બીજેપીએ જણાવ્યું હતું. 2016-17માં એ પ્રમાણ વધીને 532.27 કરોડ રૂપિયા થયું હતું.
• ગત નાણાંકીય વર્ષની સરખામણીએ આ વર્ષે તૃણમૂલ કોંગ્રેસને મળેલા દાનમાં 231 ટકા વધારો થયો હતો, જ્યારે સીપીએમ અને કોંગ્રેસને મળેલા દાનમાં અનુક્રમે 190 તથા 105 ટકા વધારો થયો હતો.

અજ્ઞાત સ્રોત પાસેથી મળતું દાન

ઇમેજ સ્રોત, EPA
શું દાન આપનારા બધા લોકોનાં નામ રાજકીય પક્ષોએ જાહેર કર્યાં છે, એવો સવાલ થાય તો તેનો જવાબ છેઃ ના.
અજ્ઞાત સ્રોત તરફથી પણ દાન મળતું હોય છે અને એ દાનને 'સ્વૈચ્છિક યોગદાન' કહેવામાં આવે છે.
બીજેપીને અજ્ઞાત સ્રોતો તરફથી 2016-17માં દાનપેટે 464.94 કરોડ રૂપિયા મળ્યા હતા. એ આવકનો 99.98 ટકા હિસ્સો અથવા 464.84 કરોડ રૂપિયા 'સ્વૈચ્છિક યોગદાન' મારફત મળ્યો હતો.
કોર્પોરેટ્સ તરફથી મળેલા દાન પછી અજ્ઞાત સ્રોતો પાસેથી મળેલા દાનની બાબતમાં પણ કોંગ્રેસ બીજેપીથી ઘણો પાછળ છે. અજ્ઞાત સ્રોતોએ કોંગ્રેસને દાનપેટે 126.12 કરોડ રૂપિયા આપ્યા હતા.

રાજકીય પક્ષો કોની પાસેથી દાન લઈ શકે?

ઇમેજ સ્રોત, EPA
લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમક્રમાંક 29(બી)માં જણાવ્યા અનુસાર, ભારતમાં કોઈપણ રાજકીય પક્ષ તમામ વ્યક્તિઓ તથા કોર્પોરેટ્સ પાસેથી દાન લઈ શકે છે.
વિદેશી નાગરિકો પાસેથી પણ દાન લઈ શકે છે. જોકે રાજકીય પક્ષો સરકારી કંપની કે વિદેશી કંપનીઓ પાસેથી દાન લઈ શકતા નથી. વિદેશી કંપની ભારતમાં કાર્યરત હોય તો પણ રાજકીય પક્ષો તેમની પાસેથી દાન લઈ શકતા નથી.
વિદેશી મુદ્રા વિનિમય અધિનિયમ(1976)ની કલમક્રમાંક 3 અને 4 મુજબ, ભારતીય રાજકીય પક્ષો વિદેશી કંપનીઓ ઉપરાંત ભારતમાં કાર્યરત એવી કોઈ કંપનીઓ પાસેથી દાન લઈ શકતી નથી, જેનું સંચાલન વિદેશી કંપનીઓ કરતી હોય.

રાજકીય પક્ષો કેટલું દાન લઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
કંપનીઓ રાજકીય પક્ષોને કેટલું દાન આપી શકે એ બાબતે અલગ-અલગ જોગવાઈ છે.
દાખલા તરીકે, ત્રણથી ઓછાં વર્ષથી કાર્યરત કંપની રાજકીય દાન આપી શકતી નથી અને કંપનીઝ એક્ટની કલમ 293(એ) અનુસાર, કોઈ પણ કંપની તેના વાર્ષિક નફાના મહત્તમ પાંચ ટકા જેટલા નાણાંનું જ દાન કરી શકે છે.
બીજી તરફ, રાજકીય પક્ષો માટે દાન લેવાની કોઈ મર્યાદા નથી. ઇન્કમટેક્સ કાયદાની કલમ 13(એ) હેઠળ રાજકીય પક્ષોને તેમાંથી કરમુક્તિ આપવામાં આવી છે.
અલબત, દરેક રાજકીય પક્ષે તેનું ઇન્કમટેક્સ રિટર્ન દાખલ કરવું પડે છે. એટલે કે રાજકીય પક્ષોએ પણ નાણાંનો હિસાબ રાખવો પડે છે.
કોણે દાન આપ્યું એ કઈ રીતે જાણી શકાય?
જોગવાઈ અનુસાર, દરેક દાનના સ્રોતને શોધવાનું શક્ય હોય છે, પણ તેમાંની એક ખામીને કારણે એ શોધવાનું વ્યવહારિક રીતે મુશ્કેલ છે.
20,000 રૂપિયાથી ઓછા દાન માટે ચૂંટણી પંચને જણાવવું જરૂરી નથી, પણ રાજકીય પક્ષોએ તેમનાં ઇન્કમટેક્સ રિટર્નમાં એ જણાવવું પડે છે.
મોટાભાગના કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે રાજકીય પક્ષો તેમને દાનનો મહત્તમ હિસ્સો અજ્ઞાત સ્રોત તરફથી મળ્યો હોવાનું જણાવે છે.
રાજકીય પક્ષો 20,000 રૂપિયાની મર્યાદા હેઠળ અનેક લોકો પાસેથી દાન મળ્યાનું પાછલી તારીખથી દર્શાવતી હોય એ શક્ય છે.
એ પછી કેટલોક હિસ્સો રાખીને બિનહિસાબી નાણાંને કાયદેસરના નાણાં ગણાવી શકે છે.
જોકે, ચૂંટણી પંચ કડક વલણ લે તો રાજકીય પક્ષોની આવી હાથચાલાકી ઉઘાડી પડી શકે છે અને ચોક્કસ રાજકીય પક્ષની ઇમેજને નુકસાન પણ થઈ શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















