પેટ વિનાની યુવતીની કહાણી, જે બીજા માટે પ્રેમથી ચટાકેદાર ખાવાનું બનાવે છે

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE/VARUN KHANNA
- લેેખક, સિન્ધુવાસિની
- પદ, બીબીસી સંવાદદાતા
આ એક એવી યુવતીની વાત છે, જેનું પોતાનું પેટ નથી, પણ એ બીજા લોકો માટે પ્રેમપૂર્વક ભોજન રાંધે છે.
આ યુવતીની ઇન્સ્ટાગ્રામ ફીડ જુઓ તો ત્યાં વિવિધ વાનગીઓના ફોટોગ્રાફ્સ સિવાય બીજું કંઈ જોવા ન મળે અને વાનગીઓ પણ એવી કે જોતાં જ ખાવાનું મન થાય.
ભોજનની આટલી શોખીન યુવતી પોતે કંઈ જમી શકતી નથી. તેના દરેક કોળિયા પર ડૉક્ટરની નજર હોય છે. તેમ છતાં એ દિવસ-રાત ખાવાનું બનાવે છે અને સૌને પ્રેમથી ખવડાવતી રહે છે.
એ યુવતી અનેક વિખ્યાત રેસ્ટોરાં માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને ભોજનની સુગંધ વચ્ચે જીવન પસાર કરે છે.
આ યુવતીનું નામ છે નતાશા દિદ્દી અને તેઓ પૂણેમાં રહે છે. નતાશા ખુદને 'ધ ગટલેસ ફૂડી' તરીકે ઓળખાવે છે.
ગટલેસ ફૂડી એટલે ખાવા-પીવાની શોખીન પણ જેને પેટ નથી એવી વ્યક્તિ.

આવું કેમ થયું?

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE
2010ના વર્ષની વાત છે. નતાશાને ડાબા ખભામાં જોરદાર પીડા થતી હતી. કંઈક ખાય કે તરત જ તેને પીડા થતી હતી.
હાડકાંમાં પીડા થતી હોવાથી નતાશા ઑર્થોપેડિશ્યન પાસે ગયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક્સ-રે અને બીજા અનેક પરીક્ષણ પછી નતાશાના ખભાની સર્જરી કરવામાં આવી હતી. તેમને છ મહિના સુધી આકરી કસરત કરવાની સલાહ આપવામાં આવી હતી.
તેમ છતાં નતાશાની હાલતમાં કોઈ ફેરફાર થયો ન હતો.
જોરદાર પીડા થતી તેથી નતાશા દર્દશામક ગોળીઓ ખાતાં રહેતાં હતાં. તેમની હાલત સુધરવાને બદલે બગડતી ગઈ હતી.
નતાશાનું વજન એક સમયે 88 કિલો હતું, જે ઘટીને માત્ર 38 કિલો થઈ ગયું હતું.
કોઈ દવા લાગુ પડતી ન હતી. ફિઝિયૉથૅરપી અને અલ્ટ્રાસાઉન્ડ તથા સોનોગ્રાફી જેવા મેડિકલ ટેસ્ટ્સ પણ નિરર્થક સાબિત થયા હતા.

આખરે મળ્યા યોગ્ય ડોક્ટર

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE
તમામ મુશ્કેલી અને હતાશા પછી નતાશા યોગ્ય સ્થળે અને યોગ્ય વ્યક્તિ પાસે પહોંચ્યાં હતાં. સ્થળ હતું પૂણેની કેઈએમ હૉસ્પિટલ અને વ્યક્તિ હતી ડૉ. એસ.એસ. ભાલેરાવ.
ડૉ. ભાલેરાવ અને નતાશાની મુલાકાતની કથા પણ રસપ્રદ છે.
એ વાત જણાવતાં નતાશાએ કહ્યું હતું, "હું હૉસ્પિટલમાં બેડ પર મારા પગ વાળીને બેઠી હતી, કારણ કે એ રીતે બેસવાથી પીડા થોડી ઓછી અનુભવાતી હતી.
"એ સમયે એક અજાણ્યો પુરુષ મારા રૂમમાં આવ્યો હતો અને મને જોવા લાગ્યો હતો. મારા પપ્પાએ મને જણાવ્યું હતું કે તેઓ મારા ડૉક્ટર છે."
નતાશાએ ઉમેર્યું, "ડૉ. ભાલેરાવે મને જોયા પછી એક મિનિટમાં જણાવી દીધું હતું કે મારા પેટમાં અલ્સર છે અને તેમાંથી થતું બ્લીડિંગ મારી પીડાનું કારણ છે."
એ પછી લૅપ્રોસ્કોપી ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને અલ્સરની વાત સાચી સાબિત થઈ હતી.
લૅપ્રોસ્કોપી ટેસ્ટમાં ફાઇબર ઑપ્ટિકની એક નળી મારફતે પેટની અંદરની હિલચાલને જોવામાં આવે છે.

ખભામાં પીડા અને તકલીફ પેટમાં

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE
ડૉ. ભાલેરાવે બીબીસીને જણાવ્યું, "નતાશાના પેટમાં બે અલ્સર હતાં અને તેમાં બ્લીડિંગ શરૂ થઈ ચૂક્યું હતું.
"નતાશાએ એટલી દર્દશામક ગોળીઓ લીધી હતી કે તેમના પેટે કામ કરવાનું બંધ કરી દીધું હતું. દર્દશામક ગોળીઓ આપણા શરીર માટે બહુ નુકસાનકારક હોય છે. ખાસ કરીને આંતરડા માટે."
સવાલ એ છે કે અલ્સર નતાશાના પેટમાં હતું તો તેમને ખભામાં પીડા શા માટે થતી હતી?
ડૉ. ભાલેરાવે કહ્યું હતું, "અલ્સર નતાશાના પેટના એ હિસ્સામાં હતું, જે ડાયફ્રામમાં હતું. ડાયફ્રામ તથા ખભાની એક નસ જોડાયેલી હોય છે.
"તેથી પેટની પીડા ખભા સુધી પહોંચતી હતી. તબીબી ભાષામાં તેને રેફર્ડ પેઇન કહે છે."
દર્દશામક ગોળીઓ તથા અલ્સરે નતાશાના પેટને બેહાલ કરી નાખ્યું હતું. તેથી સર્જરી મારફતે તેને કાઢી નાખવાનો એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. એ સર્જરીને ટોટલ ગેસ્ટ્રેક્ટોમી કહેવામાં આવે છે.
નતાશાએ કહ્યું હતું, "એ નિર્ણય ઉતાવળે લેવામાં આવ્યો હતો. હું ઑપરેશન થિયેટરમાં બેભાન હાલતમાં હતી, ત્યારે ડૉ. ભાલેરાવે લૅપ્રોસ્કોપી મારફતે મારા પેટની હાલત જોઈ અને મારાં મમ્મી-પપ્પા તથા પતિને આ બાબતે જણાવ્યું હતું."
નતાશાના પરિવારને જણાવવામાં આવ્યું હતું કે મોટું ઑપરેશન કરવું પડશે અને ઑપરેશન દરમ્યાન નતાશાનું મૃત્યુ પણ થઈ શકે છે. પરિવાર પાસે ચાન્સ લેવા સિવાયનો વિકલ્પ ન હતો.
નવ કલાક ચાલેલા ઑપરેશન બાદ આખરે નતાશાનું પેટ કાઢી નાખવામાં આવ્યું હતું.

નતાશાનો પ્રતિભાવ

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE/VARUN KHANNA
પેટ કાઢી નાખવામાં આવ્યું હોવાનું સાંભળીને નતાશાએ શું પ્રતિભાવ આપ્યો હતો?
નતાશાએ કહ્યું, "ઑપરેશનના લગભગ એક સપ્તાહ પછી મને એ વાત જણાવવામાં આવી હતી. મને એ વાત કઈ રીતે જણાવવી એ મારા પરિવારજનોને સમજાતું ન હતું."
"જે યુવતીનું જીવન જ ભોજન કેન્દ્રીત હોય તેને કોઈ કેવી રીતે જણાવી શકે કે હવે તારું પેટ રહ્યું નથી?"
આ વાત જણાવવા જરૂરી તો હતી જ. તેથી જણાવવામાં આવી હતી. નતાશા હૉસ્પિટલમાં બેડ પર બેસીને કંઈક ખાતાં હતાં ત્યારે તેમના મમ્મીએ તેમને અટકાવ્યાં હતાં.
મમ્મીએ નતાશાને કહ્યું હતું, "થોભી જા. તું આવું કંઈ ખાઈ નહીં શકે. ડૉક્ટરને દેખાડવું પડશે. હવે તારું પેટ રહ્યું નથી."
પેટ નથી રહ્યું? નતાશાએ તરત પોતાના શરીરના નીચલા હિસ્સા પર નજર કરી હતી. તેને સમજાતું ન હતું કે મમ્મી શું કહી રહ્યાં છે.
વાસ્તવમાં આપણે જેને સ્પર્શીને અનુભવી શકીએ છીએ એ પેટનો બહારનો હિસ્સો હોય છે.
નતાશાના શરીરનો એ હિસ્સો કાઢી નાખવામાં આવ્યો હતો, જ્યાં ખોરાકનું પાચન થતું હોય છે.
પેટ કાઢી નાંખ્યાં બાદ નતાશાનું જીવન એકદમ બદલાઈ ગયું. નતાશા કશું ખાઈ નથી શકતાં એવું નથી. તેઓ ખાય છે જરૂર, પણ સામાન્ય લોકોની માફક નહીં.

હવે કઈ રીતે ખાય છે નતાશા?

ઇમેજ સ્રોત, THE GUTLESS FOODIE/INSTAGRAM
નતાશા દિવસમાં સાત-આઠ વખત ખાવાનું ખાય છે. તેમના માટે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર એવું કંઈ હોતું નથી.
નતાશાનું ભોજન ડાયાબિટિઝના દર્દી જેવું હોય છે અને તેના પર સતત નજર રાખવામાં આવે છે. નતાશાના ભોજનમાં પીવાની ચીજો વધારે હોય છે.

નતાશાનું પાચનતંત્ર કઈ રીતે કામ કરે છે?
• નતાશાનું પેટ કાઢી નાખવામાં આવ્યું હોવાથી તેમનું શરીર ખાવાનું સ્ટોર કરી શકતું નથી. ખાવાનું સીધું નતાશાના નાના આંતરડામાં જાય છે.
• એ કારણે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. મતલબ કે નતાશા એકસાથે પેટ ભરીને ખાઈ શકતાં નથી.
• વિટામિન-બી માણસોના પેટમાં બનતું હોય છે અને નતાશાનું તો પેટ જ નથી. તેથી નતાશાએ વિટામિન-બીનાં ઇન્જેક્શન નિયમિત રીતે લેવાં પડે છે.
• વધારે મીઠી હોય તેવી આઇસક્રીમ કે રસમલાઈ જેવી ચીજો નતાશા ખાઈ શકતાં નથી, કારણ કે એવી ચીજો ખાવાથી તેઓ બેભાન થઈ શકે છે. તેને ડમ્પિંગ સિન્ડ્રોમ કહે છે.

વાસ્તવિકતાનો આંચકો

ઇમેજ સ્રોત, NATASHA DIDDEE
નતાશા કહે છે, "પહેલાં તો આ સત્ય મારા ગળે જ ઊતરતું ન હતું, પણ વાસ્તવિકતાથી કેટલો સમય દૂર ભાગી શકાય?
"વાસ્તવિકતાનો આંચકો લાગ્યો ત્યારે બહુ વિચાર્યું પછી સમજાયું કે મારી પાસે બે વિકલ્પ છે."
"હું નિરાશામાં ડૂબીને મારો શોખ છોડી દઉં અથવા નવેસરથી જીવન શરૂ કરું. મેં બીજો વિકલ્પ પસંદ કર્યો હતો."
નતાશા હાલ તેમની ફૂડ વેબસાઇટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવી રહ્યાં છે. કેટલીક હૉટલ-રેસ્ટોરાંમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરી રહ્યાં છે.
તેમણે હાલમાં 'Foursome' નામનું એક પુસ્તક લખ્યું છે અને જિંદગીની ભરપૂર મજા માણી રહ્યાં છે.
નતાશા માને છે કે ભારતીય વાનગીઓ વિશ્વની અન્ય વાનગીઓથી બહેતર છે, કારણ કે ભારતીય વાનગીઓમાં વૈવિધ્ય છે.
નતાશા 'હેલ્ધી ઇટિંગ' સાથે જોડાયેલી તમામ માન્યતાઓ તોડવાના પ્રયાસ પણ કરી રહ્યાં છે.
નતાશા કહે છે, "હેલ્ધી એટલે તેલ-ઘી વિનાનું બાફેલું ભોજન એવું આપણે માનીએ છીએ. પણ હકીકત એ છે કે આપણને તેલ-ઘી કરતાં વધુ નુકસાન સુગર તથા કાર્બોહાઇડ્રેટ્સથી થાય છે."
નતાશા ભારપૂર્વક જણાવે છે કે છોકરો હોય કે છોકરી, બધાએ ખાવું જોઈએ અને પિઝા-બર્ગર છોડીને રોટલી-શાક ખાવા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














