TOP NEWS : યેદિયુરપ્પાનો દાવો: કોંગ્રેસના ધારાસભ્યો પણ તેમનું સમર્થન કરશે

યેદિયુરપ્પા

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પાએ ગુરુવારે પક્ષના કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમને અને તેમના પક્ષને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 15 દિવસની જરૂર નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને 15 દિવસનો સમય આપ્યો છે.

યેદિયુરપ્પાએ એવું પણ કહ્યું હતું કે, મને વિશ્વાસ છે કે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ અમારી તરફેણમાં જ મત આપશે.

કોંગ્રેસના ધારાસભ્યોને રિસોર્ટમાં રાખ્યા હોવાનો આક્ષેપ પણ યેદિયુરપ્પાએ કર્યો હોવાનું અહેવાલમાં નોંધ્યું છે.

યેદિયુરપ્પાએ એવો દાવો કર્યો છે કે તેઓ ગમે ત્યારે બહુમતી સાબિત કરવા માટે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ કરી શકે છે.

જેમાં ભાજપના તમામ 104 ધારાસભ્યોને ફરજીયાત હાજર રહેવા માટે અપીલ પણ કરી હતી.

line

કોંગ્રેસે કર્ણાટકના રાજ્યપાલને હટાવવાની કરી માગ

કોંગ્રેસનો ફ્લેગ

ઇમેજ સ્રોત, Getty Images

પીટીઆઈના અહેવાલ મુજબ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે યેદિયુરપ્પાની તાજપોશી બાદ કોંગ્રેસે રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળાને હટાવવાની માંગ કરી છે.

કોંગ્રેસે 19 મે 2011ના રોજ મોદીના એક ટ્વીટનો હવાલો આપ્યો હતો. ટ્વીટમાં મોદીએ કહ્યું હતું, "કર્ણાટકના રાજ્યપાલ દેશના સ્વતંત્ર માળખાને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પ્રધાનમંત્રીને વિનંતી છે કે તેઓ રાષ્ટ્રપતિને કહીને તેમને બરતરફ કરવામાં આવે."

કોંગ્રેસ અને જેડીએસના ગંઠબંધને રાજ્યમાં સરકાર સ્થાપવાનો દાવો પણ રજૂ કર્યો હતો.

એ સમયે મોદીનો આરોપ હતો કે રાજ્ય સરકારમાં શાસન કરતા તેમના પક્ષને ગવર્નર એચ. આર. ભારદ્વાજ પરેશાન કરી રહ્યા છે અને પક્ષપાત કરી રહ્યા છે.

આજે મુખ્યમંત્રી તરીકેની યેદિયુરપ્પાના શપથને કોંગ્રેસ મૂર્ખામી તરીકે જુએ છે. કોંગ્રેસે કહ્યું હતું કે રાજ્યમાં પૂર્ણ બહુમતિ ના મળવા છતા સરકારની રચના કરવી એ બંધારણની ખૂબ જ મોટી વિડંબના છે.

line

મુંબઈના ડબ્બાવાળા શરૂ કરશે કુરિયર સેવા

ડબ્બાવાળા

ઇમેજ સ્રોત, Getty Images

પીટીઆઈના અહેવાલ મુજબ મુંબઈના જાણીતા ડબ્બાવાળા હવે તેમની સેવામાં એક નવું પાસું ઉમેરવા જઈ રહ્યા છે.

તેઓ શહેરમાં હવે કુરિયર અને પાર્સલની સેવા પણ શરૂ કરવા જઈ રહ્યા છે.

હાલમાં મુંબઈમાં આશરે પાંચ હજાર ડબ્બાવાળા છે, જેઓ દરરોજ બે લાખ ટિફિનને યોગ્ય સરનામે પહોંચાડે છે.

મુંબઈ ડબ્બાવાળા એસોશિએશનના પ્રવક્તા સુભાષ તેલેકરે કહ્યું કે તેઓ શહેરમાં પાર્સલ ડિલિવરીના પ્રોજક્ટ પર કામ કરી રહ્યા છે.

ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સુભાષે કહ્યું, "આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ અમારા સભ્યોની આવકમાં વધારો કરવાનો છે. જે કંપનીઓ આ ક્ષેત્રમાં છે તેના કરતાં બને તેટલા ઝડપી સમયમાં પાર્સલની ડિલિવરી કરવાનું કામ અમારા સભ્યો નવરાશના સમયમાં કરી શકે છે.

line

ગુજરાતીની ધરપકડ, મુંબઈમાં હુમલા માટે તૈયારી કરવાનો આરોપ

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ(એટીએસ)એ કચ્છના એક શખ્સની ધરપકડ કરી છે.

આરોપી વર્ષ 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણી દરમિયાન મુંબઈમાં હુમલો કરવાની વેતરણમાં હોવાનું એટીએસનું કહેવું છે. પોલીસના દાવા અનુસાર આરોપીએ આ માટે પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી. મહારાષ્ટ્ર એટીએસે તાજેતરમાં જ કરેલી આ બીજી ધરપકડ છે. ગત સપ્તાહે એટીએસે કોલકત્તા સ્પેશિયલ ટાસ્ક ફૉર્સ સાથે મળી ફૈઝલ મિર્ઝા નામની વ્યક્તિની ધરપકડ કરી હતી.

એટીએસે આ મામલે નિવેદન આપતા કહ્યું, "કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. જેની ઉંમર લગભગ 32 વર્ષ છે અને તે ડ્રાઇવરનું કામ કરે છે.''

આરોપી તેના દુબઈના હેન્ડલર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ એટીએસે જણાવ્યું છે. અખબારે વરિષ્ઠ અધિકારીને ટાંકીને એવું પણ જણાવ્યું છે કે આરોપી 'ઇન્ડિયન મુજાહિદ્દિન' સહસંસ્થાપક આમિર રેઝા ખાનની પણ નજીક હતા.

line

ચાર આદિવાસી વિદ્યાર્થીઓએ માઉન્ટ ઍવરેસ્ટ સર કર્યો

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી'ની વેબસાઇટ ના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર રાજ્યના ચાર આદિવાસી વિદ્યાર્થીઓએ વિશ્વનો સૌથી ઊંચો પર્વત 'માઉન્ટ ઍવરેસ્ટ' સર કર્યો છે.

આ વિદ્યાર્થીઓ ચંદ્રપુર જિલ્લાની આશ્રમશાળા છે. રાજ્યના આદિવાસી વિકાસ વિભાગના 'મિશન શૌર્ય 2018' માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.

અહેવાલમાં જણાવાયું છે કે ઉમાકાંત માંડવી (19 વર્ષ), પરમેશ આલે (19 વર્ષ), મનિષા ધ્રૂવે (18 વર્ષ), કવિદાસ કાઠમોડે (18 વર્ષ)એ ઍવરેસ્ટ સર કર્યો છે.

અહીં નોંધનીય છે કે આ મિશન અંતર્ગત દસ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. હવે બીજા બે વિદ્યાર્થીઓ પણ આ સાહસિક કાર્ય કરવા જવાના છે.

line

'નીતિન પટેલ કો ગુસ્સા ક્યોં આતા હૈ'

પ્રતિકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

દિવ્યભાસ્કરમાં છપાયેલા એક અહેવાલ મુજબ ગાંધીનગર ખાતે બુધવારે હેકેથોનના ઈનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિદ્યાર્થીઓને સંબોધન કરવાની ના પાડી દીધી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્ય સચિવ જે.એન.સિંઘ હાજર રહ્યાં હતાં.

અહેવાલમાં જણાવાયું છે કે કાર્યક્રમની શરૂઆતમાં ચુડાસમાએ સંબોધન કર્યુ હતું. જેમના સંબોધન બાદ સંચાલકે નીતિન પટેલના નામની જાહેરાત કરતી હતી.

જોકે, એ વખતે પટેલ જાહેરમાં બોલ્યા હતા કે "મે ના તો પાડી કે સમયનો અભાવ છે, સાહેબ પ્રવચન આપશે".

અહેવાલમાં એવું જણાવાયું છે કે વિજય રૂપાણીએ લગભગ ત્રણ વખત પટેલને સમજાવ્યા, પરંતુ તેઓ તેમની જીદ પર અડગ રહ્યા હતા.

આખરે વિજય રૂપાણીએ કાર્યક્રમને સંબોધન કરી મામલાને સંભાળી લીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો