એ કૂતરાઓ, જેના દ્વારા મોદી કોંગ્રેસને દેશભક્તિ શીખવાડવા માગે છે, શું છે તેની ખાસિયત?

મુઘોલ કૂતરાનો ફોટોગ્રાફ

ઇમેજ સ્રોત, PERCY ROMERO/INTREST

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

ચૂંટણી નો સમય હોય અને દેશભક્તિનો ઉલ્લેખ ન થાય એ શક્ય નથી. કર્ણાટકમાં આજકાલ આવું જ ચાલી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામખંડીમાં હતા અને કોંગ્રેસ તેમના ટાર્ગેટ પર હતો.

વડાપ્રધાને કહ્યું હતું, "આપણા દેશમાં દેશભક્તિની વાત થાય છે, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રગીત, વંદે માતરમનો ઉલ્લેખ થાય છે ત્યારે કેટલાક લોકો ચિંતિત થઈ જાય છે."

આઝાદી પછી કોંગ્રેસ એટલા નીચા સ્તરે જશે કે તેના નેતાઓ 'ભારત તેરે ટુકડે હોંગે' જેવા નારા લગાવનારાઓની વચ્ચે જઈને તેમને આશિર્વાદ આપશે એવું કોઈએ ક્યારેય વિચાર્યું હશે?

વડાપ્રધાને કહ્યું હતું, "કોંગ્રેસનું ઘમંડ સાતમા આસમાને પહોંચી ગયું છે એ હું જાણું છું. દેશની જનતાએ તેને નજરઅંદાજ કરી દીધો છે."

"તેમ છતાં એ જમીન પર આવ્યો નથી. તેથી તેઓ મુઘોલ કૂતરાઓ પાસેથી કંઈક શીખે એવી આશા પણ રાખી શકાય તેમ નથી."

line

મુઘોલ કૂતરાઓનો ઉલ્લેખ શા માટે?

કૂતરાને તાલીમ આપી રહેલા ટ્રેનર

ઇમેજ સ્રોત, Getty Images

વડાપ્રધાને કોંગ્રેસને સલાહ આપી હતી કે નવી બટાલિયન સાથે મળીને દેશની રક્ષા કરનારા બગલકોટના મુઘોલ કૂતરાઓ પાસેથી તે કંઈ શીખે.

સવાલ એ છે કે વડાપ્રધાને દેશભક્તિની સાથે મુઘોલ કૂતરાઓનો ઉલ્લેખ જ શા માટે કર્યો?

આ કૂતરાઓમાં એવું તે શું છે કે તેમને દેશભક્ત ગણાવવામાં આવી રહ્યા છે? આ કૂતરાઓ ખાસ શા માટે છે?

મુઘોલ કૂતરાઓને મુઘોલ હાઉંડ અથવા કેરેવન હાઉંડ પણ કહેવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ ભારતીય કૂતરાઓની એ પ્રજાતિ છે જેને તેનું નામ ઉત્તરી કર્ણાટકના બગલકોટ જિલ્લાના ભૂતકાળના મુઘોલ સામ્રાજ્યમાંથી મળ્યું છે. મુઘોલ શાસકોએ આ કૂતરાઓને પાળવાનું શરૂ કર્યું હતું.

સૌથી ખાસ વાત એ છે કે અત્યંત પાતળા મુઘોલ કૂતરાઓ ભારતીય સૈન્યમાં સામેલ થનારી પહેલી ભારતીય પ્રજાતિ છે.

ભારતીય સૈન્યએ મુઘોલ કૂતરાઓમાં ઊંડો રસ લીધો તેનું કારણ એ છે કે આ કૂતરાઓ સર્વેલન્સ અને સીમા સુરક્ષા સંબંધી કામોમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.

શિકાર અને રખેવાળી સાથે જોડાયેલા હુનર માટે વિખ્યાત મુઘોલ કૂતરાઓ અત્યંત ઝડપી ગતિએ દોડતા હોય છે.

તેમનામાં ગજબની ચપળતા અને સ્ટેમિના હોય છે. તિક્ષ્ણ નજર અને સુંઘવાની ક્ષમતા પણ તેમને વિશિષ્ટ બનાવે છે.

line

આ કૂતરાઓની વિશેષતા

સાંકેતિક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત ગુણોને કારણે મુઘોલ પ્રજાતિના કૂતરાઓના બચ્ચાંઓને 2016ના ફેબ્રુઆરીમાં મેરઠસ્થિત ભારતીય સૈન્યના રિમાઉંડ એન્ડ વેટરનરી કોર(આરવીસી)માં લાવવામાં આવ્યા હતા.

ભારતીય કૂતરાઓની કોઈ પ્રજાતિને ટ્રેનિંગ માટે આરવીસી સેન્ટરમાં લાવવામાં આવી હોય તેવી એ પહેલી ઘટના હતી.

આરવીસી સેન્ટરમાં લેબરાડોર અને જર્મન શેફર્ડ જેવા વિદેશી બ્રીડના કૂતરાઓને તાલીમ આપવામાં આવે છે.

ટ્રેનિંગ બાદ એ કૂતરાઓ ભારતીય સૈન્યનો હિસ્સો બને છે.

સૈન્યના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રેનિંગમાં સામેલ આઠમાંથી છ કૂતરાઓને શ્રીનગરના હેડક્વાર્ટર 15 કોર અને નગરોટાના હેડક્વાર્ટર 16 કોરમાં ફિલ્ડ ઇવેલ્યુએશન તથા સ્યૂટેબિલિટી ટ્રેનિંગ માટે લઈ જવામાં આવે છે.

આ કૂતરાઓને પશ્મી તથા કરવાની પણ કહેવામાં આવે છે. દક્ષિણ ભારતના અનેક ગામોમાં આ કૂતરાઓને પાળવામાં આવે છે.

આ કૂતરાઓનું માથું અત્યંત પાતળું તથા લાંબુ હોય છે અને કાનની વચ્ચેનો ભાગ પહોળો હોય છે. જડબું લાંબું અને શક્તિશાળી હોય છે.

આ કૂતરાઓને પ્રેમ અને આદરથી પાળવામાં આવે તો એ અત્યંત વફાદાર સાબિત થતા હોવાનું માનવામાં આવે છે.

જોકે, તેમનો વ્યવહાર મૈત્રીપૂર્ણ નથી હોતો. અજાણ્યા લોકોનો સ્પર્શ તેમને ગમતો નથી.

રખેવાળીની બાબતમાં આ કૂતરાઓ સાધારણ કૂતરાઓથી એકદમ અલગ હોય છે, કારણ કે સુરક્ષા બાબતે આ કૂતરાઓ એકદમ ગંભીર અને સતર્ક હોય છે.

line

શું છે ઈતિહાસ?

સરહદ પર કૂતરા સાથે ચોકી કરતા લશ્કરી જવાન

ઇમેજ સ્રોત, Getty Images

કર્ણાટકના મુઘોલમાં અંદાજે 750 પરિવારો આ પ્રજાતિના કૂતરાઓને ઉછેરી રહ્યા છે, જેથી મોટા થયા બાદ તેમને વેચી શકાય.

આ કૂતરાઓ દક્ષિણ ભારત કઈ રીતે પહોંચ્યા તેની કથા પણ દિલચસ્પ છે.

મધ્ય એશિયા અને અરેબિયાથી પશ્ચિમ ભારતમાં પહોંચેલા આ કૂતરાઓને કર્ણાટક, મહારાષ્ટ્ર તથા આંધ્ર પ્રદેશમાં પાળવામાં આવ્યા હતા.

આ કૂતરાઓની ખાસ પ્રજાતિ પર ખાસ ધ્યાન આપવાનું શ્રેય મુઘોલ સ્ટેટના શ્રીમંત રાજાસાહેબ મલોજીરાવ ઘોરપડેને ફાળે જાય છે.

મલોજીપાવ ઘોરપડેને જાણવા મળ્યું હતું કે કેટલાક આદિવાસીઓ આ કૂતરાઓને પાળી રહ્યા છે અને તેમને બેદાર એવું નામ આપવામાં આવ્યું છે. બેદારનો અર્થ નિડર થાય છે.

1900ની શરૂઆતમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલા મુઘોલના મહારાજાએ કિંગ જ્યોર્જ પંચમને આવા બે કૂતરા ભેટ આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો