You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદી અને જિનપિંગની મુલાકાત સકારાત્મક : ભારતનું વિદેશ મંત્રાલય
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ચીનના વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે તળાવના કિનારે ચાલતાંચાલતાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.
બન્ને નેતાઓએ નૌકાવિહારનો આનંદ માણ્યો અને ચાની લિજ્જત પણ લીધી.
મોદીની ચીનની મુલાકાત અંગે માહિતી આપવા માટે વિદેશ મંત્રાલયે યોજેલી પત્રકાર પરિષદને ટાંકીને અહેવાલમાં જણાવાયું કે બન્ને નેતાઓ વચ્ચેની આ મુલાકાત બહુ જ સકારાત્મક રહી છે.
જહૉનિસબર્ગમાં વિરોધ પ્રદર્શનમાં ફસાયા ગુજરાતી?
'દિવ્ય ભાસ્કર' દૈનિકના અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકાના જહૉનિસબર્ગ નજીકના ગામોમાં ખેડા-આણંદ જિલ્લાના કેટલાંક યુવકો મુશ્કેલીમાં મુકાયાના અહેવાલો છે.
દક્ષિણ આફ્રિકાની સરકાર દ્વારા કરમાં વધારો કરાતાં ભારે વિરોધ કરાઈ રહ્યો છે અને વાતાવરણ તંગ બની ગયું છે.
જેથી લૂંટફાટ અને દુકાનોમાં આગચંપીના બનાવો નોંધાયા છે. જેમાં ચરોતરના વેપારીઓને પણ નકશાન થયું છે.
'દાલમિયા ભારત'નો થયો શાહજહાંનો લાલ કિલ્લો
'બિઝનેસ સ્ટાન્ડર્ટ'ના રિપોર્ટ અનુસાર 77 વર્ષ જૂના 'દાલમિયા ભારત ગ્રૂપ' એવું પ્રથમ ઔદ્યોગિક ગૃહ બન્યું છે કે જેમણે કોઈ ઐતિહાસિક વારસો દત્તક લીધો હોય.
'દાલમિયા ભારત' આગામી પાંચ વર્ષ સુધી લાલ કિલ્લાની સંભાળ રાખશે. આ માટે 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે મુઘલ બાદશાહે 17મી સદીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન અહીંથી જ રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.
'દાલમિયા ભારત' દ્વારા મોદી સરકારની 'ઍડોપ્ટ અ હૅરિટેજ' નીતિ અંતર્ગત લાલ કિલ્લાને દત્તક લેવામાં આવ્યો છે.
'ગુજરાતમાં હજુય આભડછેટ'
'સંદેશ' દૈનિકમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના અધ્યક્ષે ગુજરાતમાં 75 ટકા ગામોમાં આભડછેટ હોવાની વાત કહી છે.
વળી તેમણે એમ પણ કહ્યું કે પોલીસ દલિતોની ફરિયાદ લેતી નથી.
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 25 વર્ષમાંથી ગુજરાતમાં માનવ અધિકાર હનન અંગેની 26 હજાર રજૂઆતો મળી છે.
જોકે, માનવાધિકારોના રક્ષણ મામલે ગુજરાત સરકારની કામગીરીથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
શું વેસ્ટમિનિસ્ટર કોર્ટ વિજય માલ્યાના પ્રત્યાર્પણની મંજૂરી આપશે?
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર બ્રિટનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે વિજય માલ્યાના પ્રત્યાર્પણ સંબંધમાં ચાલી રહેલા કેસમાં સીબીઆઈ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા સ્વીકાર કરી લીધા છે.
વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં વિજય માલ્યા ખુદ પણ હાજર રહ્યા હતા. કોર્ટે 6,50,000 પાઉન્ડના જામીનની મુદત આગામી સુનાવણીની તારીખ 11 જુલાઈ સુધી લંબાવી દીધી છે.
તમને આ વાંચવું પણ ગમશે:
દરમિયાન વિજય માલ્યાએ લંડનમાં વિવિધ ચેનલો સાથેની વાતચીતમાં તેમને કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
તેમણે કહ્યું, "મતદાન કરવો મારો અધિકાર છે. પણ હાલ જામીનની શરતોને કારણે હું પ્રવાસ કરી શકતો નથી."
જસ્ટિસ જોસેફ મામલે નિર્ણય માટે કોલેજિયમની બેઠક
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં પ્રકાશિત અહેવાલ મુજબ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આગામી સપ્તાહમાં જસ્ટિસસ જોસેફના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકે ફરીથી સરકારને ભલામણ કરવી કે નહીં તે બાબતે બેઠક કરવાના છે.
અહેવાલ અનુસાર પાંચ સભ્યોનું કોલિજિયમ આગામી બુધવારે આ મામલે વિચારણા કરવા બેઠક કરશે એવી શક્યતા છે.
અત્રે નોંધવું રહ્યું કે કોલેજિયમ દ્વારા જસ્ટિસ જોસેફના નામની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક માટે ભલામણની દરખાસ્ત સરકારને મોકલવામાં આવી હતી.
પરંતુ સરકારે તેને પુનઃ વિચારણા માટે કોલેજિયમને પરત મોકલી આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો